સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક) 3


હમણાં છાપામાં આંકડા આવ્યા છે તે મુજબ ગુજરાતમાં અત્યારે લગભગ ચાર કરોડ મતદારો છે. તેમાંથી 53 ટકા, એટલે કે લગભગ બે કરોડ, 18 થી 39 વરસ સુધીની ઉંમરના છે. અને આ વરસના અંત ભાગમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેર લાખ યુવાનો પહેલી વાર મતદાર બનશે.

દરેક ચૂંટણી વખતે વિધાનસભાના નવા સભ્યો અને સરકારના નવા પ્રધાનો મેળવવાની ઉમેદ આપણે રાખીએ છીએ. પણ મોટેભાગે ઉમેદ ફળતી નથી. આલીયાને બદલે તેનો ભાઇ માલીયો આપણા ભાગ્યમાં આવે છે. કારણકે તેમને ચૂંટનારા મતદારો નવા નથી હોતા, એની એ જૂની ઘરેડના હોય છે. પોતાની કોમ-નાતજાતનો, કે પોતાના રહેણાકના નાનકા વિસ્તારનો જ વિચાર કરીને ઘણાખરા લોકો મતદાન કરતા હોય છે. પૈસાની કે સરકારને ખરચે અમુક વસ્તુ મફત મેળવવાની લાલચ એમને દોરવતી દેખાય છે.

આ સ્થિતિમાં આપણે યાદ કરવા જેવો એક લેખ છે ‘કૂવો અને હવાડો’. આખા ભારતના પ્રખર ચિંતકોમાં જેમની ગણના થઇ છે એવા કિશોરલાલ મશરુવાળાના પુસ્તક’સમૂળી ક્રાંતિ’ માં એ સામેલ થયેલો છે. તેમાં કહ્યું છે કે આખી પ્રજા તો કૂવો છે અને રાજ્ય એ હવાડો છે. કૂવામાં ચોખ્ખું પાણી હશે તો જ, અને તેટલું જ, હવાડામાં આવશે.

આપણી પ્રજારૂપી કૂવો ચોખ્ખો રાખવા માટે કરોડો મતદારોને ધીમે ધીમે ધીરજપૂર્વક જાગ્રત કરવાના છે. મનુભાઇ પંચોળી કહ્યું છે તેમ:”ગોરા સાહેબને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. તે આપણા મુનીમ છે, રાજ્ય આપણું છે તે આપણા લાભમાં ચાલે એ જાતની જાગૃતિ નથી, જ્ઞાન કે અભ્યાસ નથી. રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતના પ્રજાકીય શિક્ષણની જરૂર છે. તે માટે આપણે જૂના વિચારો, જૂના આચારો, એવું કંઇ કંઇ બદલવું પડશે. નહીંતર એ જ મતદાનથી નબળાં તત્ત્વો સત્તા પર આવશે.”

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

——————————————–

નિવેદન
આવી ટચુકડી પુસ્તિકા છપાવ્વવાનો ખર્ચ નકલ દીઠ એક રૂપિયો આવે. પણ હજારો વાચકો પાસેથી એક-એક રૂપિયો ભેગો કરવાનું બહુ મુશ્કેલ બની જાય. એટલે આ પુસ્તિકાની વિનામૂલ્યે વહેંચણી કરવી અને તેનો ખરચ જુદા જુદા મિત્રો ઉપાડી લે તેમ વિચાર્યું છે. મિત્રોનું એક જૂથ રૂ.1000 ભેગા કરીને હજાર નકલ સામટી મગાવે અને પછી પોતાના વિસ્તારની શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ મારફત તેમનાં કુટુંબોમાં વિનામૂલ્યે પહોંચાડે. ગુજરાતમાં દસેક હજાર તો હાઇસ્કૂલો છે. તેમાંથી ફક્ત એક હજારના શિક્ષકો ધારે તો રૂ.1000 મોકલીને હજાર નકલ મગાવી આ ઝુંબેશમાં ફાળો નોંધાવી શકે. પણ આ યોજનામાં હજાર અથવા તેના ગુણાંકમાં જ નકલો મળી શકશે.

– મહેન્દ્ર મેઘાણી


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક)