સંકલ્પ કરવાનો આનંદ…. – સુભાષ ભોજાણી 11


આજે સવારે ઉઠતાંની સાથે જ એક વિચારે મનને ઘેરી લીધું, ‘માણસનું મન ઘણું બધું સમજે છે છતાં માણસ ખુદની સમજણને અનુસરવામાં ઘણી વખત આંખ આડા કાન શાને કરતો હશે?’

આ જગતમાં ઘણાં બધા નાની મોટી સામાજીક કે અન્ય જવાબદારીઓમાંથી પસાર થતા જ હોય છે. તેમાં ઘણાં પ્રશ્નો સામે આવે છે, વિકલ્પો સામે આવે છે. આમ કરવું, તેમ કરવું – શું કરવું ને શું ન કરવું પણ લોકો એ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરીને તેને અનુસરવામાં ઢીલાશ દાખવતા હોય છે. ચાલે છે તો ચાલવા દ્યો.. એક નજીકનું ઉદાહરણ સૂઝે છે, મારા એક મિત્રના નજીકના સંબંધીની આવડત અને હોંશીયારી જોઈને ભલભલા અંજાઈ જાય. તેમની પાસે ભણતર છે, આવડત છે, શારીરીક ક્ષમતા છે પરંતુ તેમના ઘરનું વાતાવરણ સહાયક નથી. વિગતે વિચાર કરતા સમજાયું કે જો આ માણસને જરૂરી પાર્શ્વભૂમિકા, જરૂરી મનોબળ આપવામાં આવે તો તે સફળતાની સીડી સડસડાટ ચડવા સક્ષમ છે, દેખીતી રીતે તેમાં તેનો કોઈ વાંક નથી, વાંક આસપાસના નકારાત્મક વાતાવરણનો છે. આપણા દેશમાં એવા કેટલાય લોકો છે જેમને ઘણું બધું કરવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે પરંતુ…. આ પરંતુ પછી ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે તમારા અનુભવ કે મંતવ્યને આધારે જોડી શકો.

હમણાં લંડનમાં ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો. ઉર્જા અને ઉત્સાહથી ફાટફાટ થતા અનેક ખેલાડીઓનો દબદબો આપણે જોયો. દોડમાં યુસેન બોલ્ટ અને તરણસ્પર્ધામાં માઈકલ ફ્લેપ્સ ઓલમ્પિકના સ્ટાર બની ગયા, અનેક સિદ્ધિઓ હાસલ કરી. હવે વિચારીએ કે ભારતને શું મળ્યું? ના, કાંઈ નથી મળ્યું એમ તો આપણે કહી શકીએ નહીં, પરંતુ જે દેશમાં ઘરે ઘરે બોલ્ટ અને ફ્લેપ્સ છે અને છતાં આવું નોંધપાત્ર પ્રદર્શન કરનારની સદાય ઉણપ રહી છે. તેના કારણોમાં ઉપર જણાવ્યું તેમ ધ્યેય અને એ પ્રાપ્ત કરવા લડી લેવાની વૃત્તિ પૂરી હોવા છતાંય આસપાસનું નકારાત્મક વાતાવરણ એ ઉર્જાને કામ કરતા રોકે છે. આવા જ કારણોને લીધે આપણા બોલ્ટ અને ફ્લેપ્સ એમની ક્ષમતાઓને અનુરૂપ ઉંચાઈઓને આંબી શક્તા નથી. તમે અભિનવ બિન્દ્રાનું નામ તો સાંભળ્યું જ હશે, ઓલમ્પિકમાં તેમણે રાઈફલ શૂટીંગમાં મેડલ મેળવ્યો છે, પરંતુ એ મેડલ મેળવવા પાછળ તેણે કરેલી મહેનત પણ નાનીસૂની તો નહીં જ હોય અને તેને પરિવારનો પૂરેપૂરો ટેકો મળ્યો હશે એ બધી વાતો ખરી, પણ મહેનત પછીનું પગથીયું ચઢવા માટે અનુકૂળતા મુખ્ય વસ્તુ છે જે બધાને ઉપલબ્ધ નથી. મહેનત કરવા તો અનેક લોકો તૈયાર હોય પણ બધા મેડલ જીતી શક્તા નથી. બિન્દ્રાને જ્યારે મેડલ મળ્યો ત્યારે તેના પિતાએ તેને ભેટમાં એક હોટલ આપેલી, આ પરથી તેના પરિવારની પાર્શ્વભૂમીનો ખ્યાલ આવે છે. જો કે દરેક સફળતા પાછળ પૈસો જ હોય છે એમ જરૂરી નથી, પરંતુ મહેનત અને દ્રઢ મનોબળ સાથે બીજી અનેક વસ્તુઓ જરૂરી છે જે એક માણસની સફળતામાં ફાળો આપે છે.

આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ કે સફળતા માટે સંકલ્પ જરૂરી છે અને તેની સાથે આત્મવિશ્વાસ કેળવાય તો અવરોધોને પાર કરીને ધ્યેય સુધી પહોંચવામાં મદદ મળે છે. પણ સંકલ્પશક્તિનો અભાવ ઘણી બધી મહેનતને બેકાર કરી દે છે. મન ઘણું બધુ સમજે છે, નિશ્ચય પણ કરેલો છે અને નાની નાની લાલચ અને ટાળી ન શકાય તેવા આકર્ષણો આગળ માણસ લાચાર બની જાય છે, સંકલ્પને થોડાક સમય માટે પડતો મૂકી એ લાલચને વશ થાય એટલે પછી ધ્યેય અપ્રાપ્ય વસ્તુ બની રહે છે. ધ્યેય તરફના માર્ગે દેખાતા લલચાવતા ફાંટાઓ અને આડરસ્તાઓ તથા ધ્યેય સુધી પહોંચવાના શોર્ટકટ્સ શોધવાની ચાહમાં એ મૂળ ધ્યેયથી ભટકી જાય છે.

આપણે ધ્યેય પ્રાપ્તિ માટે શું કરવાનું છે? સૌપ્રથમ તો એક ધ્યેય હોવું જોઈએ. સૌપ્રથમ તો એક નાનકડું ધ્યેય વિચારો, એને પામવાનો પ્રયાસ કરો, એ ધ્યેય પ્રાપ્ત કરો એટલે જીવનના મોટા નિર્ણયો અને માર્ગો નક્કી કરવા માટેનું ધ્યેય આપોઆપ તમને મળી આવશે. જીવનમાં તમે જે પામવા માંગો છો, જે કરવા માંગો છો, જે બનવા માંગો છો એ છબીને એકદમ સ્પષ્ટ રીતે મનમાં કેળવો, એ ધ્યેયને અનેક નાના ધ્યેયમાં વહેંચો. એકે એક નાનો ધ્યેય પ્રાપ્ત કર્યાનો આનંદ અને એથી મળતી ધગશ તમને જીવનનો સૌથી મહત્વનો ધ્યેય પામવામાં મદદ કરશે.

અને આ ધ્યેય પામવાની સફરમાં સૌથી મહત્વની બાબત તો તેના આડલાભ છે. ધ્યેય નક્કી કરીને જીવવામાં, એના માટે મચી પડવામાં જે સંતોષ છે, જીવન જીવવાનો જે આનંદ છે એ બીજા શેમાં મળશે?

જે માતાપિતાનું ધ્યેય હોય કે તેમના સંતાનો ખૂબ આગળ વધે, યોગ્ય અભ્યાસને અંતે સારી નોકરી અને સુવ્યવસ્થિત જીવનને પામે તેમણે સૌપ્રથમ પોતાના બાળકની જે તે ક્ષેત્રની આવડતને ઓળખીને એ ક્ષેત્રને વધુ વિકસાવવાની, યોગ્ય વાતાવરણ પૂરૂ પાડવાની અને પ્રોત્સાહન આપવાની જરૂર છે. બાળકને જે ક્ષેત્રમાં રસ છે, તેને જે તરફ આગળ વધવાની ઈચ્છા છે એ ક્ષેત્રમાં જ તેને વધવા દેવું જોઈએ. બાળકના જીવનવિકાસમાં માતાપિતાનું યોગદાન અનેરૂ છે, બાળકની સંકલ્પશક્તિને મજબૂત કરો, રસના વિષયને શીખવા અને આત્મસાત કરવા જે પણ વિઘ્નો પાર કરવા પડે એ માટેનો સંકલ્પ બાળકના મનમાં કેળવવાનું કાર્ય માતાપિતા જ કરી શકે. જે વાચકમિત્રોએ ૩ ઈડિયટ્સ ફિલ્મ જોઈ હશે તેમને એ સંવાદ યાદ હશે જ જે કહે છે કે બાળકને સ્વતંત્રતા આપો, એને જે રસનો વિષય છે એ તરફ અગ્રસર થવાનો એક અવસર આપો.

તો યુવાનો માટે ફક્ત એ જ કહેવાનું કે ફક્ત સ્વપ્ન જોવાથી કાંઈ વળતું નથી, સંકલ્પ કરો અને પથ પર મળતી સિદ્ધિનો આનંદ લેતા રહો, આગળ વધતા રહેશો અને પ્રયત્ન કરતા રહેશો તો જીવન જીવવા જેવું લાગશે.

બરાક ઓબામા કહે છે, ‘અસહાયતા ન અનુભવવાનો સૌથી સારો રસ્તો ઉભા થઈને કશુંક કરી બતાવવાનો છે. તમારી સાથે કંઈક સારૂ બને તેની રાહ જોતા બેસી રહેવા કરતા તમે જાતે ઉભા થઈ, આગળ વધીને પ્રયત્ન કરશો તો સારૂ તો કરશો જ, પણ જગતને, સમાજને અને પોતાની જાતને તમે આશાથી અને ધગશથી ભરી દેશો.’

પારકા દેશમાં અને અજાણી ધરતી પર, જેમના પર વિશ્વાસ કરી ન શકાય એવા લોકો વચ્ચે રહેલા દુશ્મનને શોધીને તેને અત્યંત ચપળતાપૂર્વક ખતમ કરવાની કામગીરી બજાવવા પોતાના દેશબાંધવોને, સેનાને પ્રેરણા આપનાર ઓબામા ધ્યેય દ્વારા દોરાયેલા અને સ્વપ્નિલ રાષ્ટ્રપ્રમુખ છે. કમાન્ડો જ્યારે પાકિસ્તાનના અબોટાબાદમાં લાદેનનો ખાત્મો કરતા હતા ત્યારે ઓબામા વ્હાઈટ હઔસમાઁ એ આખુઁય ઓપરેશન લાઈવ જોતા હતા, આ આખી વાત જ રૂંવાડા ઉભા કરી દેનારી છે.

આપણામાં કહેવત છે કે, ‘કાળા માથાનો માનવી ધારે એ કરી શકે’ … શું ખરેખર ? …. હા, જો મનમાં એ કાર્યને પૂરૂં પાડવા સુનિશ્ચિત ધ્યેય હોય, કાર્યપદ્ધતિ હોય અને ધગશ હોય તો જરૂરથી આપણે ધારીએ તે કરી શકીએ. કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, કોઈ પણ ધ્યેય અપ્રાપ્ય નથી હોતું અને કોઈ પણ રસ્તો વણખેડાયેલો નથી રહેતો. જરૂરત છે સંકલ્પની, ધગશની અને પ્રયત્નની. મનમાં અનેક ગડમથલ અને વિચારો ચાલ્યા કરતા હોય પરંતુ તેને અનુસરીને ધ્યેયની પાછળ લગનથી જ્યાં સુધી પ્રયત્ન કરવામાં ન આવે ત્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ મુશ્કેલ છે. ધ્યેયપ્રાપ્તિ માટે કરેલ પરિશ્રમ પછીનો સફળતાનો આનંદ અનેરી અનુભૂતિ લાવે છે જે ફક્ત અનુભવે જ સમજી શકાય છે.

મેં મારા વિચારો આ રીતે ઈન્ટરનેટ અથવા કોઈ પણ માધ્યમ દ્વારા વાચકવર્ગ સમક્ષ પ્રથમ વખત મૂક્યા છે. આશા છે કે આપને પસંદ આવશે. મારી આ પ્રથમ રજૂઆત છે માટે કાંઈ ન ગમે કે અણઘડ લાગે તો ક્ષમા કરશો. કોઈકને પણ આ વિચારો ઉપયોગી થશે તો એ લેખે લાગશે. આપના પ્રતિભાવો, ગમ્યુ અને ન ગમ્યું એ મને જરૂરથી જણાવશો.

નમસ્તે

– સુભાષ ભોજાણી, ખંભાળા, રાજકોટ.
મો. : ૯૦૯૯૩ ૯૩૮૭૩
ઈ-મેલ : subhampatel321@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સંકલ્પ કરવાનો આનંદ…. – સુભાષ ભોજાણી