કનકપાત્ર – મોહનલાલ પટેલ 17


ટૂંકીવાર્તાઓના નિયમ હોય છે. ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ તો પછી ટૂંકીવાર્તાનું લઘુ સ્વરૂપ લઘુકથા વિષે શું કહી શકાય ?

લેખક શ્રી મોહનલાલ પટેલનું નામ ગુજરાતી ટૂંકીવાર્તા સાથે ખાસ જોડાયેલું છે. તેમની એક અજોડ લઘુકથા આજે માણીઍ. લઘુકથા માટેનો વાચકનો પોતાનો અભિપ્રાય નક્કી કરવાનું પણ આ વાર્તા ‘કનકપાત્ર’ના નિમિત્તે ઠીક પણ રહેશે. (કુમારકોશ અંક ૪૮૮ – ઓગસ્ટ, સન ૧૯૬૪ )

* * * * *

નરેન્દ્ર વાત પૂરી કરે એ પહેલાં તો સુધા પોતાના સ્વભાવ પ્રમાણે ગુસ્સે થઈ ચૂકી હતી. ને જ્યારે બયાન પૂરું કરીને એ ખડખડાટ હસી પડ્યો ત્યારે તો એના ગુસ્સાનો પાર ન રહ્યો. રોષથી એ બોલી ઊઠી, ‘તમને સ્વમાન જેવું કંઈ છે જ નહિ. ખરો સ્વમાની માણસ ફરીથી એવી બહેનનું નામ સુદ્ધાં ન લે. માથું ફાટી જાય એવા તાપમાં તમે એને મળવા ગયા, અને બે કલાક બેસી રહ્યા ત્યાં સુધી એણે તમારી સામે પણ ન જોયું !’

‘સામે ન જોયું એટલું જ નહિ; કપરા તાપમાં એને ત્યાં જઈ ચડેલા આ મુસાફરને પાણી સુદ્ધાંનું ન પૂછ્યું !’ નરેન્દ્રે હસીને વાક્ય પૂરું કર્યું.

સુધા નરેન્દ્ર તરફ તાકી રહી. પોતે પતિના ભયંકર અપમાન માટે દુ:ખ અને ગુસ્સો અનુભવી રહી હતી ત્યારે એ પોતાની જ હાંસી ઉડાવી રહ્યો હતો ! ક્રોધથી એ બોલી ઊઠી : ‘તમને તો લાજ, શરમ કે સ્વમાન કશું જ નથી.’

‘આવું આકરું વિધાન કરવાની જરૂર નથી.’ નરેન્દ્ર હજી હસતો જ હતો : ‘તું ગુસ્સામાં છે એટલે સ્મિતાને સમજી શકતી નથી.’

‘હજુ ય બહેનનો પક્ષ ખેંચો છો ? તમે તો માણસ છો કે……’

‘….જાનવર, કેમ ?’ સુધાનો છેલ્લો શબ્દ ગળી જઈ નરેન્દ્રે મજાકમાં કહી દીધું.

‘હા. સાડીસાત વાર જાનવર. જેને સ્વમાન ન હોય એને બીજી શી ઉપમા આપી શકાય ? ’ તાપના આવેગમાં સુધા બોલી ગઈ.
પણ નરેન્દ્રના મુખ ઉપર તો પ્રસન્ન્તા જ હતી.

થોડી વાર પછી એ ઓફિસે ચાલ્યો ગયો અને સુધા ખિન્ન બનીને બેસી રહી.

સાંજે નરેન્દ્ર પાછો આવ્યો ત્યારે પણ એ સ્વસ્થ થઈ શકી નહોતી. ચા પીતાં એણે નરેન્દ્રને પૂછ્યું : ‘મને તો હજુ ય નથી સમજાતું નરેન્દ્ર, કે તારું આવું અપમાન થયું હોવા છતાં તને કેમ કંઈ લાગતું નથી !’

સુધાને હજુ પણ રોષમાં જોઈ નરેન્દ્રના મુખ પર સ્વાભાવિક ગાંભીર્ય પ્રસરી રહ્યું. ગંભીર અવાજે એણે શરૂ કર્યું : ‘સુધા, આજે બપોરે તેં મને ‘‘જાનવર’’ કહ્યો. છતાં હું તારા ઉપર ગુસ્સે ન ભયો. શાથી ?’

સુધા કંઈ બોલી નહો. નરેન્દ્રે કહ્યું : ‘જે કારણથી હું, પતિને “જાનવર” કહેનાર પત્ની ઉપર ગુસ્સે નથી થયો એ જ કારણથી સ્મિતા ઉપર પણ ગુસ્સે નથી થયો.’

સુધાએ નરેન્દ્ર તરફ નજર ઠેરવી.

પોતાની તરફ સ્મિત વેરી રહેલા પતિના કોઈ આંતરિક વ્યક્તિત્વની તત્કાળ અસર હેઠળ એ એવી તો ઘેલી બની ગઈ કે એણે બે હાથે નરેન્દ્રના ગાલ આમળ્યા અને બોલી ઊઠી : ‘તને તો શું કહેવું ? તારા હૈયાના સુવર્ણપાત્રમાં સિંહણનું દૂધ છલોછલ ભર્યું છે !’

– મોહનલાલ પટેલ


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “કનકપાત્ર – મોહનલાલ પટેલ

 • VINOD PATEL

  આ લઘુક્થાની છેલ્લી પંક્તિમાં વાર્તાની ખૂબી છે,ચોટ છે .
  વાહ , મોહનલાલ પટેલ !

  તેઓ મારા વિદ્યાગુરુ છે .એમના હાથે સર્વ વિદ્યાલય કડીમાં ગુજરાતી સાહિત્યનો પરિચય પામવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે .

  મોહનલાલ પટેલ લઘુકથાના જનક કહેવાય છે .
  આ લઘુકથાના અંતે એમનો ટૂંકો પરિચય આપ્યો હોત
  તો ઇષ્ટ હતું .

 • Kunjal Chhaya

  જી, પ્રેમને લીધે જ સ્તો, પત્નીને માટે હોય કે બહેન; એ જ કારણ છે જેને લીધે માન-અપમાન કે ક્રોધ નડતો નથી. એકદમ સચોટ જવાબ ! નરેન્દ્રનો.
  જો આ વાત ધીરે ધીરે બધાં સમજવા લાગે તો કંકાસ-કકળાટ થાય જ નહીં.
  સરસ વાત !

 • ashvin desai47@gmail.com

  માનનિય મોહનભાઈ નિવદેલા લેખક ચ્હે તેથિ આદર્શ
  લઘુકથા કરિ શક્યા ચ્હે .
  ‘ તુકિ વાર્તા લેખક્ના ઉપાદનિ સાથે સમાન્તર ભાવકના
  મનમા પન શરુ થતિ હોય ચ્હે , અને એના ઘદતર
  દરમિયાન પન ભાવ ક્ના મનમા આકાર લેતિ વાર્તા સાથે
  તાલ મિલાવવાનો પ્રયત્ન કરતિ હોય ચ્હે , પન વાર્તા જ્યારે
  ભાવકનિ અપેક્ષા થિ જુદો અન્ત લાવિને આચકો
  આપે ચ્હે , ત્યારે વાર્તા ‘ બનિ ‘ એમ કહિ શકાય .
  લઘુકથા ભાવક્ને એતલો સમય કે અવકાશ આપ્તિ નથિ .
  તેમ ચ્હતા એ નાનકદા મનોભાવને સરસ ન્યાય આપિ શકે ચ્હે , તે અન્હિ મોહ્ન્ભાઈ સરલતાથિ સિધ્ધ્હ કરિ ગયા
  અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

 • durgesh oza

  સુંદર રજૂઆત. ટૂંકી વાર્તાને કાપીકૂપીને લઘુકથા નથી બનતી. એમનું લાઘવ સ્વયંભૂ હોય તો જ એ નીપજે. આ નવલિકા નથી પણ લઘુકથા છે. એમાં ચોટ સારી,પણ હોય જ એવી જરૂરી નથી. અંત એવો હોય કે જેમાં દેખીતી ચોટ ન હોય ને છતાં તે અંત કે વિષયનું હાર્દ કૃતિ અને માણસના ચિત્ત પર છવાઈ જાય એમ પણ બને. મોહનભાઈને અભિનંદન.

 • jjugalkishor

  એમની વાર્તાઓએ ‘ટુંકીવાર્તા’ નામ સાર્થક કર્યું છે. લઘુકથા શબ્દ પણ એ નામથી અલગ તો નથી જ. છતાં મોહનલાલની ટુંકીવાર્તા એમ ઓળખ આપવી પડે એટલી હદે એ વાર્તાઓ એમનો પરીચય બની શકી છે !

  તમે મુકી છે તેનાથીય ટુંકાણમાં એ વાર્તાઓ લખાઈ છે. લાઘવ સાથે ચોટ એ નવલિકાનું ખાસ લક્ષણ છે – કાવ્યમાં જાણે મુક્તક !!

  સરસ રજુઆત.