અસ્વસ્થ માનવીની સ્વસ્થ કૃતિ – ડૉ. મેહબૂબ દેસાઈ 7


એક સવારે મોબાઈલની રિંગ વાગી. મેં મોબાઈલ ઉપાડ્યો, “હેલ્લો.”

સામે છેડેથી એક યુવતીનો મધુર અવાજ રણક્યો, “આપ દેસાઈ સાહેબ બોલો છો ?”

“જી”

“અસ્સલામુઅલયકુમ.”

“વાલેકુમ અસ્સલામ.”

“મારું નામ જેના છે. આપની સાથે પાંચેક મિનિટ વાત કરી શકું ?”

“ચોક્કસ.”

અને તે દિવસે જેનાએ લગભગ પાંચેક મીનીટ સુધી મારી દિવ્ય ભાસ્કરની ‘રાહે રોશન’ કોલમનાં ભરપેટ વખાણ કર્યાં. પછી તો એ ઘટનાને હું ભૂલી ગયો. એકાદ બે માસ પછી મને એક પુસ્તક મળ્યું. બ્લેક મુખપૃષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડિઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રેજીમાં લખ્યું હતું – ૯૯ પેન્ટિંગ્સ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ અર્થાત ‘અલ્લાહનાં અત્યંત સુંદર નવ્વાણું નામોનાં ૯૯ ચિત્રો.’

પુસ્તકનાં પૃષ્ઠો ઊથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઇ. સૌ પ્રથમ તો હું જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો, પણ જ્યારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ ડૉ.જેના આનંદ એલ. વાંચ્યું ત્યારે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ એરેબિક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું — રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયું. બંને હિન્દુધર્મીઓએ અલ્લાહનાં નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમૂલ્ય સમય ખર્ચ્યો હતો. એ પામીને મેં પુન: સુખદ આઘાત અનુભવ્યો.

પુસ્તકના મુખપૃષ્ઠ પર “ઇશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઇ. અલ્લાહનાં ૯૯ નામોનાં સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહનાં નામો અને તેના સરળ અર્થોવાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિન્દુ-ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું. અને પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કર્યું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેનાં અલ્લાહનાં ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો એ તો ચિત્રોનું નિરીક્ષણ કરતાં પ્રથમ દૃષ્ટિએ જ હું પામી ગયો. અલ્લાહનાં નામો અને તેના અર્થને વ્યક્ત કરતાં ચિત્રોમાં ક્યાંય માનવ – પશુ – પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સૌંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહનાં ૯૯ નામોને અદભુત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવામાં આવ્યાં છે. જેમ કે અલ્લાહનાં ૯૯ નામોમાંનું ૧૩મું નામ છે ‘અલ બારી’ જેનો અર્થ થાય છે, ‘ચૈતન્ય તત્ત્વ’. ડૉ. જેનાએ અલાહનાં ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હ્રદયના કાર્ડિયોગ્રામ (ઇ.સી.જી.)નું ચિત્ર મૂકી પોતાની આધ્યાત્મિક કલ્પનાશક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. મનવહ્રદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એ જ રીતે અલ્લાહનાં ૯૦મા નામ ‘અલ માનીઅ:’ અર્થાત નુકશાન કે હાનિથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ. જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂક્યું છે. હેલ્મેટ આધુનિક યુગમાં સુરક્ષાનું ઉમદા પ્રતીક છે. તેના પર એરેબિકમાં સુંદર અક્ષરોમાં ‘અલ માનીઅ:’ લખ્યું છે. અલ્લાહનું ૪૮મું નામ છે ‘અલ વદૂદ:’ જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર, પ્રેમ કરવા લાયક. એરેબિકમાં લખાયેલા ‘અલ વદૂદ:’ શબ્દ નીચે ડૉ. જેનાએ ધબકતું માનવ હ્રદય લાલ રંગમાં મૂક્યું છે, જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતીક છે. અલ્લાહનાં નામોનાં આવાં ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમૂલ્ય જણસ છે.

સાબરમતી ગાંધી આશ્રમમાં અલ્લાહનાં ૯૯ નામોનાં આવાં અર્થસભર ચિત્રોના પ્રદર્શનને અમદાવાદના સુજ્ઞ શહેરીજનોએ હાથોહાથ વધાવી લીધું હતું. પત્રકાર વૃશિકા ભાવસાર લખે છે, “પંચ તત્વ, નવરસ ઉપરાંત માનવસહજ અપેક્ષાભાવોને પ્રાકૃતિક નિર્જીવ પાત્રો અને બીજી પરિકલ્પનામાંથી અંકિત કર્યા છે. એમાં અદભુત કલાસૂઝ અને કોઠાસૂઝ પ્રગટ થાય છે.”

સદવિચાર પરિવારના વડીલ શ્રી હરિભાઇ પંચાલ લખે છે “ગાંધી નિર્વાણ દિને સાબરમતી આશ્રમમાં કોમી એકતાની પ્રેરણા આપનારું ૯૯ ચિત્રોનું પ્રદર્શન એક અઠવાડિયા સુધી ગોઠવાયું હતું, જેનો બહોળો લાભ શહેરીજનોએ લીધો હતો.”

‘નયા માર્ગ’ના તંત્રી અને વિચારક શ્રી ઇન્દુકુમાર જાની લખે છે, “ચિત્ર પ્રદર્શન : ઇશ્વર અલ્લાહ તેરે નામ. બહેન જેનાને લાખ લાખ સલામ.”

ડૉ. જેના મેનેજમેન્ટ શાખાનાં ડૉક્ટર છે. શિક્ષણ અને ટેક્ષ્ટાઇલનો ડીપ્લોમા ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે. ગાંધીજી પર તેમણે ‘ગાંધીઝ લીડરશીપ’ નામક પુસ્તક લખ્યું છે. એક હિન્દુ હોવા છતાં અલ્લાહનાં ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,

“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજુ, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા-પિતાએ ધર્મ નિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવનસ્થિતિમાં સકારાત્મક અન નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આ જ જીવનશૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઈસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.” પ્રદર્શન અને પુસ્તકમાં એરેબિક લેખનનું કાર્ય સુંદર રીતે અદા કરનાર રાહુલ ઝાલા સારા ચિત્રકાર છે. મેં તેમને ફોન પર પૂછ્યું, “આવું રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી?”

એક પળ ફોનમાં મૌન પથરાઇ ગયું. મેં ફોન ચાલુ છે કે નહિ તે તપાસવા ‘હેલ્લો’ કહ્યું ત્યારે રાહુલ ઝાલાનો અવાજ સંભળાયો, “સર, મેં તો આમાં કશું કર્યું જ નથી. મને તો જેનાબહેને જે કહ્યું તે મેં કરી આપ્યું.”

મને રાહુલની નમ્રતા ગમી ગઇ. પણ પ્રશ્નના અર્કને વળગી રહેતાં મેં કહ્યું, “છતાં એક હિન્દુ તરીકે અલ્લાહનાં ૯૯ નામો એરેબિકમાં લખવા તમે કેમ પ્રેરાયા?”

“સર, ઇશ્વર કે અલ્લાહ સૌ નામો પાછળ એક જ શક્તિ છે અને એટલે મારા માટે ઇશ્વરનાં બધાં નામ સરખાં છે.” હું રાહુલની વાત સાંભળી રહ્યો. પણ ત્યારે મારા હ્રદયના ધબકારા કહી રહ્યા હતા કે આ બંને મહાનુભાવોએ પોતાની તંદુરસ્ત મનોદશા દ્વારા સમાજને આપેલ આટલો મોટો સંદેશ કેટલી સરળતાથી આત્મસાત કર્યો છે !

પણ આ સમગ્ર ઘટનાનો અંતિમ આઘાત સાચ્ચે જ રુંવાડાં ખડા કરી દે તેવો છે. આ ચિત્રોનું સર્જન કરનાર ૩૫-૪૦ વર્ષની વયનાં ડૉ. જેના બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. છતાં તેમના ચહેરા પર હંમેશ હાસ્ય પથરાયેલું હોય છે. ગોરો વાન, ગોળ ચહેરો અને ઘાટીલી કાયાનાં માલિક જેનાબહેન એ દિવસોમાં ઝાઝું ચાલી શકતાં ન હતાં. એવા સમયે જેનાબહેને અલ્લાહનાં નામોનાં ચિત્રોનું સર્જન કર્યું એ ઘટના જ કોઇ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મૂકે તેવી છે. અલ્લાહનાં નામોને એરેબિક ભાષામાં ચીતરનાર રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા ચિત્તભ્રમ અને સ્મૃતિ-દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢિયે ત્રણ વાગ્યે બ્રાહ્મમૂહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબિક અક્ષરોના સર્જનનું કાર્ય આરંભવું એ ઘટના જ અસામાન્ય અને અનોખી છે. અને આમ છતાં શારીરિક ક્ષતિને અતિક્રમીને, વિલક્ષણ પ્રકૃતિ ધરાવતા આ બન્ને માનવીઓએ સર્જેલ ચિત્રો આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલે જ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે.

“આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજરચનાના સાચા ઘડવૈયાઓ છે.”

– ડૉ. મહેબૂબ દેસાઈ

(મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના, યજ્ઞ પ્રકાશન, પાના: ૭૦ થી ૭૨)

હ્રદયને સ્પર્શી જતી કેટલીક સત્યઘટનાઓને સંકલિત કરીને ડૉ. મેહબૂબ દેસાઈએ ‘મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે. આ જ પુસ્તકમાંની એક હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના અહીં આજે પ્રસ્તુત કરી છે. ડૉ. જેનાબહેન અને રાહુલભાઈ ઝાલાના અત્યંત સુંદર અને લાગણીશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ઘટનાની અંતે એ બંને વિશેની માહિતિ તેમના વિશેના માનને અનેકગણું વધારી મૂકે છે. પ્રસ્તુત લેખ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. મેહબૂબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

Love is just a word until you find someone who gives it the definition.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અસ્વસ્થ માનવીની સ્વસ્થ કૃતિ – ડૉ. મેહબૂબ દેસાઈ

 • ashvin desai47@gmail.com

  દેસાઈ – સાહેબનુ પુસ્તક એ માત્ર નિર્જિવ પુસ્તક નથિ , પન
  એક જિવતો – જાગતો જિવન પ્રેરક ગ્રન્થ ભોમિયો ચ્હે ,
  જે કોઇ પન ધર્મ કે સમ્પ્રદાય ને અનુસરતા માનવ્માત્ર માતે
  સાચો રાહ્બર બનિ શકે એમ ચ્હે
  આ નો પ્રચાર થાય તેતલો ઓચ્હો ચ્હે . તમે અદભુત કામ
  કરો ચ્હો , એતલે દેસાઈ – સાહેબ્ને / તમને પન સલામ
  ashvin . desai 47 @gmail.com

 • અશોકકુમાર દેશાઈ (દાસ) -'દાદીમા ની પોટલી'

  ડો. મહેબુબ દેસાઈ દ્વારા ડો. જેનાબહેન અને રાહુલભાઈ વિષે હૃદયસ્પર્શી વાત જાણી ખૂબજ ખુશી થઇ સાથે શારીરિક અસ્વસ્થતા હોવા છતાં આવું સુંદર કાર્ય કરવા બદલ બન્ને વિભૂતિઓ ને લાખ લાખ ધન્યવાદ !

  ઈશ્વર – અલ્લાહ – ગોડ જેને જે નામે બોલાવતા હોઈએ તેની લીલા ને પણ વંદન કરીએ અને સાથે આવા સુંદર જીવોમાં આવી સુંદર વિચાર શક્તિ અને પ્રેરણાશક્તિ અર્પે અને તેઓના સ્વાસ્થયને સદા સ્વસ્થ રાખે તે જ પ્રાર્થના.

 • સુભાષ પટેલ

  બિલિપત્રમાં લખ્યા પ્રમાણે હૃદયને સ્પર્શી જતી ડૉ. મેહબૂબ દેસાઇ સંકલિત સત્યઘટના પ્રેરણાદાયક તો છે જ પણ સાથે સાથે એ વિચારતાં જરુર કરી મુકે છે કે સ્વસ્થ કૃતિ કરનારને અલ્લાહે અસ્વસ્થતા શા માટે આપી? આનાથી ઉલટ ભ્રષ્ટાચારીઓને વૈભવ શા માટે આપે છે?
  અને અલ્લાહનો આવો જ અભિગમ હોય તો પ્રેરણા કેવી રીતે લઇ શકાય?