વર્તમાનમાં જીવવાની રીત (બાળવાર્તા) – ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’ 5


રતનપુર નામે એક ગામ. ગામમાં ગજુભાઈ નામે એક ધનાઢ્ય વેપારી રહે. ગજુભાઈનો વ્યાપાર ખૂબ સુંદર રીતે ખીલ્યો હતો.

તેઓ ઘણા વર્ષો વ્યાપારમાં વ્યસ્ત રહ્યા. અઢળક નાણું પણ કમાયા. નીતિ-અનીતિ, ધર્મ-ાધર્મ, પાપ-પુણ્ય તેમજ સામ, દામ, દંડ, ભેદથી હરીફાઈના યુગમાં તેઓ વ્યાપારમાં ટકીતો રહ્યાં, પરંતુ છેલ્લે થાક્યા. રોજ તબીયત થોડી બગડતી હતી પરંતુ હવે પચાસ વર્ષો વટાવ્યા પછી તબિયત ઘણી લથડતી હોય તેમ તેને લાગતું હતું. શરીરથી તો માંદા પડ્યા, પરંતુ મનથી પણ વધુ માંદા પડ્યા. ઘણાં જ દાક્તરોની, વૈદોની દવા લીધી; પરંતુ તબિયત વળી નહીં.

એકવાર તેઓએ નક્કી કર્યું કે રોજ સવારે ફરવા જવું, અને આ પ્રમાણે ચાલવાથી કંઈક રાહત થશે; કારણ, આમ તો જીવન ભોગવિલાસમાં વાહનોમાં ફરતાં જ ગયું, તેઓ આમ રોજ ફરવા જતા હશે. તેવામાં તેમને એક દિવસ બહુ તડકો હોવાથી તરસ લાગી. તેમણે આમતેમ નજર કરી, તો એકાદ મજૂરમામા નજરે પડ્યા. તેમને નજીક બોલાવી પાણી માટે પૂછ્યું. મજૂરમામા તો નજીકથી પાણી લઈ આવ્યા, ગજુભાઈને સહેજ રાહત થઈ.

થોડીવાર શાંત રહી, તેમણે મજૂરમામાને પૂછ્યું, ‘તમારૂ નામ શું છે ભાઈ? તમે શું કામ કરો છો?’

‘મારૂ નામ મંગૂમામા, અમે રોજ સવારે બધા અહીં કામ માટે એકઠા થઈએ છીએ. આજે હજી મને કામ મળવાનું બાકી છે, નહીં તો ઘણીવાર વહેલું મળી જાય છે.’

‘મંગૂમામા, પણ તમે કોઈ બચત કરી હશે કે નહીં? કારણ જો આજે કામ ન મળે તો રોટલા શું ખાશો અને ઘરવાળાને શું ખવરાવશો?’

‘કાકા, અમે તો બધાં વર્તમાનમાં જીવનારા. આજનું રળી, આજે ખાઈએ; તેથી જ તો રોજી ઉપર નભીએ. અમારે વળી એકાદ-બે દિવસથી વધુ બચત શેની?’

‘પરંતુ તમે આટલાં વરસોથી બધા જ કામ માટે આમ રખડો છો, તો શું તમને બધાને કામ અને રોજી મળી રહે છે ખરી?’

‘હા, અમે ઈષ્ટદેવનું સ્મરણ, તેમના ઉપર શ્રદ્ધા રાખી ઘરેથી નીકળીએ છીએ; અને મહેનત એ અમારી મૂડી છે. બસ, આ બે વસ્તુ જ અમારા સાથી. આજ દિન સુધી પેટને પાટા દીધા નથી હોં કે!’

ગજુકાકાને તો ઘણું આશ્ચર્ય થયું કે આ મામાઓ વિશે સાંભળ્યું હતું; પણ તેમને નજીકથી સમજવાનો મોકો તો આજે જ મળ્યો છે. ઉંડા વિચારમાંથી તેઓ બહાર આવ્યા, ક્ષણમાં તો તેમણે તે બંનેના જીવનની વિરોધાભાસી રહેણીકરણીનું મનોમંથન કર્યું, પછી ફરી મંગુમામાને પૂછ્યું,

‘તમે માંદા પડો તો તમારા ઘરે રોટલા કેમ મેળવો છો?’

‘અમારૂ નિયમિત અને મહેનતુ જીવન તેમજ શારીરિક પરિશ્રમને કારણે અમારા શરીરને પૂરતી કસરત મળી રહે છે, બાપલા ! અને ભૂલથી શરીરે કંઈ વાગ્યું-ફીટ્યું તો મજબૂરીથી પણ ખાડો ન પાડીએ હોં ને? એમ જ સમજીએ કે જાણે આ શરીર છે જ નહીં. મનમાં શરીરની પીડા આવવા જ ન દઈએ હોં!’

‘તો શું, તમને કોઈ ભય નથી સતાવતો?’

મંગુમામા હસતા હસતા બોલ્યા, ‘અમારી પાસે જરૂરતથી વધુ ધન જ નથી, કે જેને સાચવવા માટે અમારે દિન-રાત જાગવું પડે. અમે વર્તમાનમાં જ રળીએ, ભવિષ્યની ચિંતા હોય તો કોઈ લઈ જાય તેવો ભય રહે ને? અમે તો મીઠી નિંદર માણીએ, હોં. પછી ભલેને આ ભોંય હોય. અમારી કમર અને સ્નાયુઓ છેલ્લે સુધી શક્તિવાળા જ રહે. મકાન, પૈસો, ઘરેણાં, ગાડી હોય તો મનમાં ભય રહે ને? અમે તો મોતને પણ પ્રેમથી સ્વીકારીએ છીએ પછી ભય કોનો અને શા માટે?’

ગજુભાઈને થયું કે મંગુમામા ભલે સામાન્ય દેખાતા હોય પરંતુ વાત ઉંચી કહે છે, તેમણે વળતો પ્રશ્ન કર્યો,

‘શું તમે તમારા સંતાનો માટે પણ કંઈ સાચવવા ઈચ્છતા નથી?’

મંગુમામાએ આકાશ તરફ જોઈ, બે હાથ જોડી જવાબ દીધો, ‘જુઓ, દરેક જીવ પોતાનું ભાગ્ય અને કર્મનું ભાથું સાથે જ લાવે છે એવું અમારા વડીલો કહે છે, વળી અમે અમારા સંતાનોને તૈયાર ભાણે જમવાનું નથી શીખવતા. જેને માટે સાચવીએ તેને જ મળશે અને ભોગવશે એની શી ખાતરી?’

‘આ પંખી અને પશુઓ તેમના બચ્ચાં માટે શું કંઈ પણ મૂકી જાય છે ખરાં? તેઓ પોતાની મહેનતથી પોતે જ વર્તમાનમાં રળી ખાય છે. આપણે મનુષ્યો પણ મહેનત કરી પોતે નથી વાપરતા પણ બાળકોને વારસામાં ઘણું આપીએ છીએ એથી કોઈકવાર અસંસ્કારી બાળકો, તેમના માતા પિતાને ઘરડાઘરમાં પણ મૂકી આવે છે, તેના કરતાં પોતાની આજની મહેનતનું પોતે જ ખાવું, પછી જો વધે તો બાળકોને આશીર્વાદ રૂપે ભેટ આપવી.’

ગજુભાઈ તો સાવ અવાક જ થઈ ગયા. તેમણે જીવન જીવવાની શૈલી પર ઘણાં પ્રવચન સાંભળ્યા હતા પરંતુ તેનો પ્રત્યક્ષ અમલ કરનારને જોઈ તેઓ ઘણાં ખુશ થયા. તેમણે મંગુમામાને બે હાથ જોડી નમન કર્યા.

‘આજે તમે મારી આંખ ખોલી છે મંગુમામા, વર્તમાનમાં જે મળે તે મહેનતથી રળવું અને ઈષ્ટ પર શ્રદ્ધા રાખી સારું જ વિચારવું તેમાં જ સંતોષ માનવો એ મને આજે સમજાયું.’

બાળદોસ્તો, આજનું કામ આજે કરીએ તો કાલ પણ સારી જ જશે હોં !

– ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’

વ્યવસાયે અનેક ખ્યાતનામ કંપનીઓ સાથે ‘કંપની સેક્રેટરી’ તરીકે કાર્ય કરનાર શ્રી ચિરંતન પટ્ટણીના બાળવાર્તાઓ, કાવ્યસંગ્રહ, નવલકથા એમ વિવિધ સાહિત્યિક ક્ષેત્રમાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. અક્ષરનાદને તેમના પુસ્તકોનો સંપુટ તેમણે ભેટ કર્યો છે. આજે તેમના વાર્તાસંગ્રહ ‘રતન જતન’ માંથી એક બાળવાર્તા પ્રસ્તુત કરી છે. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. આ રચના પ્રસ્તુત કરવાની અને તેમના પુસ્તકોનો સંપુટ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વર્તમાનમાં જીવવાની રીત (બાળવાર્તા) – ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’