પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે 4


આકાશમાં ઉડવાનું કોને ન ગમે? પણ ઉડવું શી રીતે? હનુમાન અને સુપરમેન ઉડી શકે પણ આપણે કેવી રીતે ઉડવું? ભલે આપણે ન ઉડી શકીએ પણ ઉડવામાં જેને ગોલ્ડ મેડલ મળી શકે તેવાં ગોલ્ડન ગરુડના વિશ્વમાં તો આપણે વિહરી શકીએને!

જેને પાંખ હોય તેને પંખી કહેવાય. પંખીઓમાં જેને રાજા ગણવામાં આવે છે તેને પંખીરાજ કહે છે. પંખીરાજ એટલે ગરુડ! એટલે જ તો તે ગરુડગામીનું એટલે કે વિષ્ણુનું વાહન છે. ધજા પર ગરુડના ચિન્હવાળા વિષ્ણુને ગરુડધ્વજ કહ્યા છે.

ગરુડ ભવ્ય છે. તેની વિશાળ પાંખો અને તીક્ષ્ણ દૃષ્ટિ વડે તે આભમાં હોય ત્યારે એક માઈલ દૂરથી નાચતા કૂદતા સસલાંને જોઈ શકે છે. તેની જોવાની ક્ષમતા આપણા કરતાં સાડાત્રણ ગણી વધારે છે. આકાશમાં ઉડતા બીજાં ગરુડને તો તે ૫૦ માઈલ દૂરથી પણ જોઈ શકે! તેની વાંકી ચાંચ, તેનાં શક્તિશાળી નહોર અને તેની ટોચે બિરાજવાની ટેવ તેનાં મજબૂત અને સશક્ત સ્નાયુઓની સાક્ષી પૂરે છે. તે પોતાનાં કરતાં સાત-આઠ ગણું વજન ઉચકી શકે છે. તે સહુથી મોટું પક્ષી છે પણ કોઈક ગીધ તેનાં કરતાં મોટું હોઈ પણ શકે. પરંતુ મોટું હોય તેથી શું, ગીધ પાસે ગરુડ જેવી ભવ્યતા કે તેનાં જેવું ગૌરવ નથી! ગરુડને ૧૫-૨૦ દેશોના રાજચિહ્નમાં સ્થાન મળ્યું છે. તેની ઊંચાઈ ત્રણ ફૂટ સુધીની હોય છે પણ તે આકાશના સ્વર્ગમાં વિહરી શકે છે! સમડી, શકરા, ગીધ કે બાજથી તે અલગ છે, તે દગાબાજ નથી! તે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રીયામાં જોવા મળે છે.

જેનામાં શીખવાની તમન્ના હોય તે ગરુડ પાસેથી ઘણું શીખી શકે. શીખવાની વાતો પછી કરીએ પરંતુ તે પહેલા ગરુડ વિષે કેટલીક અદભુત અને રસપ્રદ વાતો જાણી લઈએ.
પક્ષીઓમાં ગરુડનું આયુષ્ય સહુથી વધારે હોય છે. તેનું આયુષ્ય ૭૦ વર્ષ સુધીનું હોઈ શકે છે. પરંતુ એટલું આયુષ્ય ભોગવવા માટે તેણે ઘણું ઘણું સહન કરવું પડે છે. તેનાં આયુષ્યના પાંચમાં દશકમાં તેનાં લાંબા અને મજબૂત પકડ ધરાવતા શિકારી નહોર નબળા પડી જાય છે અને તેથી તે શિકાર પકડી શકતું નથી. તેની લાંબી તીક્ષ્ણ ચાંચ અતિશય વૃદ્ધ માણસની કમરની જેમ વાંકી વળી જાય છે. તેની વયોવૃદ્ધ એવી જાડા પીછાથી ભારેખમ પાંખો જાણે તેની છાતી સાથે ચોંટી ગઈ હોય તેમ તેને વળગી રહે છે. અને તેનું ભવ્ય ઊડ્ડયન તેને માટે માત્ર ભૂતકાળની યાદ બની રહે છે. હવે તેની પાસે માત્ર બે જ વિકલ્પ રહે છે: મૃત્યુ પામવું અથવા પરિવર્તનની અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું. આ પ્રક્રિયા એક બે દિવસમાં પૂરી થઇ જાય તેવી નથી હોતી, તે લંબાય છે પૂરા એક સો પચાસ દિવસ સુધી! છતાં તેનાં મગજમાં આજના આછકલા યુવકો કે યુવતીઓની જેમ નાની શી મુશ્કેલીમાં આપઘાત કરવાનો ખયાલ સુદ્ધાં નથી આવતો!

પરિવર્તનની આ પ્રક્રિયામાં ગરુડરાજે પર્વતની ટોચ પર ધીરજ ધરી બેસવું પડે છે. પોતાની વળી ગયેલી ચાંચ ને કાળમીંઢ ખડક સાથે અથડાવી અથડાવીને જાતે જ તોડવી પડે છે. નકામી થઇ ગયેલી ચાંચ તૂટે ત્યારબાદ જ્યાં સુધી નવી ચાંચ ન આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડે છે. હવે વારો આવે છે તેના એક વખત જે શક્તિશાળી હતા તે નિર્બળ થઇ ચુકેલા નહોરનો. કોઈનું અભિમાન ટકે નહીં તેની તેને ખબર જ છે અને આપણે પણ એ વાત સારી રીતે જાણીએ છીએ. ચાંચની જેમાં જ આ યૂસલેસ નહોરનો પણ તેણે જ પથ્થર સાથે ઘસીને નાશ કરવો પડે છે. ફરી એ જ રીતે નવા નહોર આવે ત્યાં સુધી રાહ પણ જોવી પડે છે. છેવટે નિષ્ક્રિય અને વજનદાર બની બેઠેલાં પીછાં ખંખેરવાની ક્રિયા પણ તેણે સ્વયં કરવી પડે છે. ગળે નહીં પણ પેટે વળગેલા એ પીછાં ગયા પછી પાંચ મહિને તેને નવાં પીછાં આવે છે. આ રીતે ગરુડના પરિવર્તનની પ્રક્રિયાને પુનર્જન્મ જેવી પ્રક્રિયા ગણી શકાય. પરંતુ અહીં જન્મની પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા જેટલી અદભુત છે તેટલી જ કષ્ટપ્રદ પણ છે. આ અપાર પીડા સહ્યા પછી તે ગરુડ ફરીવાર આકાશને આંબવા સમર્થ બને છે! અને મહામહેનતે મેળવેલું સામર્થ્ય આવનારા ત્રીસ વર્ષો સુધી અકબંધ રહે છે! ‘પક્ષીરાજ’ નું બિરુદ કાંઈ ફોગટમાં નથી મળી જતું!

૦ જીવનમાં આવું પરિવર્તન શાં માટે જરૂરી છે?

– ઘણીવાર આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારના પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી બની રહે છે.

૦ જીવનમાં…

– એક એવો સમય પણ આવે છે કે જયારે આપણે આપણા મનને જૂની અને જર્જરિત થઇ ગયેલી

સ્મૃતિઓથી, ટેવોથી અને પ્રાચીન પરંપરાની પળોજણથી મુક્ત કરવું જોઈએ.

મન જયારે પ્રાચીન વિચારોના બોજથી મુક્ત થયેલું હોય ત્યારે જ તે વર્તમાનના વૃન્દાવનમાં

વિહાર કરી શકે અને ત્યારે જે તે ‘આજ’ ને આવકારવાનો ઉત્સવ ઉજવી શકે.

ગરુડનું વજન સાડા છ કિલોગ્રામ થી સાત કિલોગ્રામ જેટલું હોય છે. જંગલના ગરુડ અને અન્યત્ર રહેતા ગરુડની જીવનશૈલીમાં ફરક હોય છે. માદા ગરુડનું કદ નર ગરુડના કદ કરતાં મોટું હોય છે. ગરુડનો માળો આઈરીસ(eyries) કહેવાય છે. તે સાંઠીકડાનો બનેલો હોય છે. આ માળો આપણે જોઈ ન શકીએ એટલે ઊંચે એટલે કે ૫૦ થી ૧૫૦ ફૂટ ઊચા વૃક્ષો ઉપર જ હોય છે. એ જાણીને નવાઈ લાગે કે શિકારી પક્ષી હોવા છતાં તે સ્વભાવે સૌમ્ય અને કરુણાસભર હોય છે. તેનામાં સંવેદનશીલતા અને શક્તિનો અનેરો સમન્વય જોવા મળે છે. તે શક્ય હોય ત્યાં સુધી મૃત શિકાર પહેલા શોધે છે અને તે ન મળે તો જ જીવિત પ્રાણી પર દૃષ્ટિ દોડાવે છે. દયા કાંઈ આંધળો પ્રેમ નથી, તેમાં પ્રેમ અને ન્યાયનું સુંદર સંયોજન છે.

ગરુડ જયારે ઉડે ત્યારે તેની ઉઘાડ બંધ થતી પાંખોનો ફડફડાટ સારો એવો અવાજ કરે છે પરંતુ તે જયારે તેનાં માળા ઉપર આવે ત્યારે તે એટલું કાળજી રાખીને આવે છે કે તેનાં માળામાં ઊંઘતા બચ્ચાંની ઊંઘમાં ખલેલ ન પહોંચે! આમ તેનું હૃદય કોમળ છે. તે તેનાં બચ્ચાને હૃદય કઠોર કરીને જરા ધક્કો મારે કે ઉડતા શીખી જાય છે. આપણે પણ બધાં જીવો પ્રત્યે કરુણાસભર બનવું જોઈએ! ગરુડનું ગગનગામી ઉડ્ડયન આપણા વિચારના ઉડ્ડયનને ઉર્ધ્વગતિ પ્રેરવા માટે સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આપણે પણ નિરંતર અભ્યાસથી ઊંચે જઇ શકીએ, તેની તીક્ષ્ણ દૃષ્ટિ અને સાત ફૂટ જેટલી પહોળાઈએ ખુલતી તેની પાંખોની આકાશી ગતિમાંથી ઉચિત બોધ ગ્રહણ કરી શકીએ. આ પાંખો ઈશ્વરીય વિસ્મય અને પ્રેમનું પ્રતીક છે. તમે માની ન શકો પરંતુ એકમાત્ર ગરુડ પક્ષી જ સૂરજને સીધી નજર માંડીને જોઈ શકે છે. આપણે પણ આપણા લક્ષ તરફ સીધી નજર માંડીને તેને પામી શકીએ!

વિશ્વની વસ્તીમાં માનવીનું વૈવિધ્ય સારું એવું છે તે જ રીતે પક્ષીઓમાં અને ગરુડની પ્રજાતિઓમાં પણ વિવિધતા જોવા મળે છે. એકંદરે ગરુડની ૫૦-૬૦ જેટલી પ્રજાતિઓ છે પણ આપણે તેમાંથી પાંચ-પંદર પ્રજાતિઓના નામોનો પરિચય મેળવીએ એટલે ઘણું:

૧. સી ઇગલ.
૨. ફિલિપાઈન્સ ઇગલ.
૩. હાર્પી ઇગલ.
૪. વ્હાઈટ ઇગલ.
૫. માર્શલ ઇગલ.
૬. ગોલ્ડન ઇગલ.
૭. બ્રાઉન સ્નેક ઇગલ.
૮. સ્ટેપી ઇગલ.
૯. આફ્રિકન હોક ઇગલ.
૧૦. હોલ બર્ગ્સ ઇગલ.
૧૧. યેલો બિલ્ડ ઇગલ.
૧૨. બાલ્ડ ઇગલ.
૧૩. સ્ટેલર્સ સી ઇગલ.
૧૪. આફ્રિકન ફીશ ઇગલ.
૧૫. લોંગ ક્રીસ્ટેડ ઇગલ.
૧૬. વેજ ટેલ્ડ ઇગલ.

ગરુડને અંગ્રેજી ભાષામાં ‘ઇગલ’ કહેવામાં આવે છે.

વિશ્વ ચિંતક જે. કૃષ્ણમૂર્તિનું ‘ધ ફ્લાઈટ ઓફ ધ ઇગલ’ નામનું એક પુસ્તક છે જેનો આ લેખના લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે ‘ગરુડનું ઉડ્ડયન’ નામે. તેમાં તેમણે ગરુડ પક્ષી વિષે નહીં પણ પ્રતીકાત્મક ‘માનવ મન’ ના સંદર્ભમાં વાત કરી છે. એ વાતો પણ જાણવા જેવી અને બની શકે તો જીવનમાં વણી લેવા જેવી છે. ‘ગરુડનું ઉડ્ડયન તેની પાછળ કોઈ ચિહ્ન છોડતું નથી.’

મનના આકાશમાં ઉડવા માટે કલ્પનાશીલતાની પાંખો જોઈએ.

– હર્ષદ દવે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે

 • Maheshchandra Naik

  ગરુડ પુરાણ સવિસ્તાર વાચી પક્ષીરાજના જગત વિશે જાણકારી પ્રાપ્ત થઈ, આપનો આભાર………

 • Pushpakant Talati

  વાહ ! !!
  સરસ અને માહિતી સભર લેખ વાંચવાથી ઘણું નવું જાણવા મળ્યું.
  પુસ્તક મળશે તો જરૂર ધ્યાન પુર્વક અને મનન પુર્વક વાચી અને જો યોગ્ય લાગશે તો મિત્રોને ભેટ રુપે તેઓને અર્પણ કરીશ.
  પુષ્પકાન્ત તલાટી નો હાર્દિક આભાર સ્વિકારશોજી.

 • Bharat Kapadia

  વાહ ! ગરુડ વિશે મને આટલી ખબર ક્યારેય ન હતી. મજેદાર માહિતી ! આભાર.