વડોદરા નગરી… – બાલમુકુન્દ દવે 1


વડોદરા શે’ર સાથે પુરાણી છે પ્રીત મારે,
સાત વર્ષ લગી મારો અહીં વસવાટ છે;
આજવાનાં પાણી હજી ઊચળે છે અંગ અંગ
માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે.

પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર, લે’રીપુરા,
એટલો આ શહેરનો અસલ વિસ્તાર છે;
અલકાપુરી ને બીજાં એવા એવાં ઝૂમખાંઓ
પાછળથી વસેલાં તે બાવનની બા’ર છે.

માંડવીથી ડાબે હાથ ચોક્સીની ઓળ પછી,
ઘડીયાળી પોળ નાકે અંબાજી હજૂર છે;
નાકની દાંડીની સામે સીધેસીધા ચાલ્યા જાઓ;
સયાજી ઈસ્કૂલ ત્યાંથી જરાયે ના દૂર છે.

સયાજી ઈસ્કૂલ ભાઈ, સંભારું છું સકારણ,
ભણ્યો છું હું એમાં, એનું ઋણ તો અપાર છે.
કુંભકાર જેમ જેણે ટીપણાથી ટીપી ટીપી
ઘડ્યો મારો ઘાટ, એને વંદન હજાર છે.

ભૂલું શેં શુક્કરવારી? દશેરાની ભવ્ય સ્વારી ?
અગ્ગડ, અખાડા અને સંગીતની ગુંજને
બળતા બપોર સમી ભરણવાટ વિશે
સદાય હરિત રાખે હૈયા કેરી કુંજને.

નગર પિયારા ! તારે પ્રાણ હજી સ્ફૂરી રહ્યા
પ્રેમાનંદી માણ તણા રમ્ય રણકાર છે.
દયારામ નગરી ડભોઈ નથી દૂર એની
ગરબીના સૂર ઉર પૂરે ઝણકાર છે.

શરદની રાતે અહીં પોળ તણા ચોકઠામાં
સરખી સહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે,
કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો
મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે.

નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે;
સભાની અદબ રાખી વાણીને લગામ કરું
કે’તો નથી એટલું કે કેવા એનાં નેણ છે.

લલિત લાજાળુ નાર તણાં શાં કરું વખાણ?
રસોઈની વાનીમાંયે એવી હોંશિયાર છે,
અરધીક પોળ લગી મચી જાય છીંકાછીંક
એવો એનો ટેસદાર દાળનો વઘાર છે !

( દાળ તણી વાત જ્યારે નીકળી તો ભેગાભેગી
એક આડવાત યાદ આવે સે’જ સે’જમાં,
દિવસો મસ્તાન હતા જિંદગીના જ્યારે અમે
સૂઈ રે’તા ઓટલે ને ખાઈ લેતા લોજમાં

એક દી સંજોગ એવો ભૂંડો બન્યો ભાઈ મારા
કોનું મોઢું જોયું હશે ઊઠતાં પ્રભાતમાં ?
લોજ વિશે દાળ તણો સબડકો લેવા જતાં
બીડી તણું ઠુંઠું ભેગું આવી ચડ્યું હાથમાં ! )

અહીંની અનેક પોળ મહીં ઘર ભાડે રાખી,
ખટ માસે બદલતા રસિક એ વાત છે;
મંડળી અમારી ઘર ગોતવાને ઘૂમે ત્યારે
ગુસપુસ બોલે લોક ‘જુદી આ જમાત છે !’

‘ખાલી ઘર છે અહીં?’ પૂછતાંની વાર, જોઈ
દીદાર અમારા સામો સવાલ પૂછાય છે;
‘કુંવારા કે પરણેલા ?’ ઠેર ઠેર એની એ જ
શંકાભરી નજરોની મોકાણ મંડાય છે.

નાયક ટોળીનો થઈ ઠાવકો બજાવે વેશ;
‘ઘરવાળાં પિયરમાં થોડા દી’ની વાર છે.
લખ્ખણ અમારાં જોઈ, ગાજી ઉઠે લોકનાદ
પોળમાંથી કાઢો આ તો વાંઢાની લંગાર છે !

રાજમહેલ જોવા જતાં પાવલી ખટાવી અમે
પલંગમાં પોઢવાની કરી લેતા પેરવી;
મ્યુઝિયમ જોવા જતાં નજર ચુકાવી અમે
આરસની સુંદરીને હાથ લેતા ફેરવી.

કાચના પિયાલા અમે રોશનીમાં ચોરી લીધા,
ગ્રંથાલયે ઘૂસી જઈ ફોટા ફાડી લીધા છે;
થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા,
એવાં એવાં કામ અમે બાહોશીના કીધાં છે.

કોને યાદ કરું ? કોને વિસારું ? કિતાબ થાય
એકથી સવાયા એક એટલા પ્રસંગ છે;
અધ્યયનકાળ મારો વીત્યો જે લાખેણો અહીં,
નમૂનાનાં બતાવ્યાં મેં એક બે આ નંગ છે.

– બાલમુકુન્દ દવે

વડોદરા નગરની અનેક વિશેષતાઓ, ભૌગોલિક પરિદ્રશ્ય અને એ સાથે સંકળાયેલી કવિના અધ્યયનકાળની અનેરી યાદો, તેમણે કરેલા તોફાનો અને એ સમય દરમ્યાન ઘટેલા પ્રસંગો આંખો સમક્ષ તરવરી ઉઠે છે જેને કવિ ખૂબ સહજ રીતે પ્રસ્તુત કાવ્યમાં વણી લે છે. વડોદરામાં મારો અધ્યયનકાળ પણ કાંઈક આવો જ વીત્યો છે, તેમના વર્ણનોથી ક્યાંય વધુ શરારતો અમે અહીં કરી છે, શાળા – કોલેજની એ યાદો એક અણમોલ નજરાણું છે, જેને કવિ શ્રી બાલમુકુન્દ દવે ખૂબ સુંદર રીતે શબ્દસ્થ કરી શક્યા છે. પ્રસ્તુત રચના લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય-કોડિયાં માંથી સાભાર લેવામાં આવી છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વડોદરા નગરી… – બાલમુકુન્દ દવે

  • Anila Patel

    કવિએ પોતાના બાળપણના સંભારણા કવિતામા બહુજ આગવી રિતે રજૂકરીને સંસ્કારીનગરી વડોદરાનુ ભૌગોલિક દર્શન કરાવ્યુ. મઝા આવી માણવાની.