જૂનાગઢની શબ્દયાત્રા – હરેશ દવે 9


‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ હાજર વર્ષનો ઈતિહાસ ધરાવતું ગુજરાતનું આ મોખરાનું શહેર છે. અહીં વૈદિક, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શિલ્પ-સ્થાપત્ય, ઉત્કૃષ્ટ બાંધકામો, સંગીત, કળા-સાહિત્ય, પુરાતત્વ વગેરેનો વરસો સચવાયેલો છે.

જૂનાગઢ પર્વ અને પરંપરાઓનું શહેર છે। નાના-મોટા મેળાઓનો માહોલ અહીં હંમેશાં સર્જાતો રહે છે. દેશ-વિદેશથી પ્રતિવર્ષ પંદર લાખ જેટલા પ્રવાસીઓ અહીં આવે છે. જૂનાગઢ અને ગિરનાર એક સિક્કાની બે બાજુ સમાન છે. ભૂસ્તરશાસ્ત્રીઓનાં મંતવ્ય અનુસાર ગિરનાર પર્વત હિમાલયનો પણ પ્રપીતામહ છે. વેદ અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતભરમાં સમુદ્રની સપાટીથી સૌથી વધુ ઊંચાઈ, ગિરનારની ઉપરના ગોરખનાથના શિખરની છે જે 3666 ફૂટની ઊંચાઈએ આવેલું છે .

ગિરનારે યુગપુરુષ સ્વામી વિવેકાનંદને પણ પ્રેરણા આપી હોવાની વાત જાણીતી છે. આવો આ ગિરનાર યુવાનો માટે સાહસના કેન્દ્ર સમાન બની રહ્યો છે. અહીં રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું પ્રતિવર્ષ આયોજન થાય છે. ગુજરાતના ગૌરવ સમા ગરવા ગિરનારની નિશ્રામાં બિરાજમાન ભગવાન ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો ભારતભરમાં જાણીતો છે, ભક્તિમંત્રનો મહિમા સૂચવતો આ મેળો કાઠિયાવાડની પ્રાચીન ભજન પરંપરાના જીવંત દસ્તાવેજ સમો છે. તેવી જ રીતે ગીરનારની પરિક્રમા પણ લોકજીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાતઃસ્મરણીય સંત નરસિંહ મહેતાની આ કર્મભૂમિ છે. સતી રાણક્દેવીના ઇતિહાસની સાક્ષી સમો ઉપરકોટનો કિલ્લો હજુ પણ અડીખમ ઊભો છે.

પુરાણ પ્રસિદ્ધ દામોદરકુંડનો મહિમા ભાવિક્જનોમાં આજે પણ જોવા મળે છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અહીં મોજૂદ છે. ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક પરંપરાનો ત્રિવેણી સંગમ અહીં સર્જાયેલો છે.

આ ગુજરાતનું એક એવું શહેર છે કે જેના સીમાડે સમૃદ્ધ એવું ગીરનું જંગલ આવેલું છે. ગિરનારની ગિરિમાળા વિસ્તારનું આ જંગલ 180 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તર્યું છે. જેમાં અદભુત ઔષધ સમી વિવિધ જાતની વનસ્પતિઓ અને ભવ્ય વૃક્ષો આવેલાં છે. ગીરના ડાલામથ્થા કેસરી સિંહો આ જંગલમાં વસી રહ્યા છે જે અહીની એક વિશિષ્ટતા છે. હાલ અહીં 16 સિંહો ઉપરાંત દીપડા તેમજ વિવિધ જાતના ઘણાં વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓ જંગલની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. દેવસ્થાનો અને મંદિરોની આ ભૂમિ છે. ગિરનાર પર્વત ઉપર ભગવાન ગુરુદાત્તાત્રય અને માતા અંબાજી બિરાજમાન છે તેમજ જૈન સંપ્રદાયના દેરાસરો તથા સ્થાનકો આવેલા છે. ગિરિ તળેટી માં આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર, ભવનાથના મંદિર કરતા પણ પ્રાચીન છે. જૂનાગઢ શહેરમાં સ્વામીનારાયણનું મંદિર પણ સુવિખ્યાત છે તેવી જ રીતે વિલિંગડન ડેમની ઉપરના ભાગમાં આવેલા જમીયલશા દાતાર બાપુની જગ્યાનો મહિમા ભાવિક જનોમાં અનેરો છે.

ગુજરાતભરમાં સૌથી વધુ શિલ્પ-સ્થાપત્યો, સ્મારકો અને શિલાલેખો અહીં છે. પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરાયેલા આવા 107 જેટલા પૌરાણિક સ્મારકો જૂનાગઢના ઇતિહાસની વાતો કહે છે. તેવી જ રીતે શહેરમાં આવેલા બબ્બે મ્યૂઝીયમો, સવા સદી નોંધાવી ચૂકેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ સુપરિચિત છે. કૃષિ યુનિવર્સીટી સંકુલ હસ્તકનો મોતીબાગ, સરદારબાગ અને લાલઢોરીની રમણીયતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

ગુજરાતી ભાષાના આદિ કવિ ભકતશ્રી નરસિંહ મહેતાની આ કર્મભૂમિ છે . મહેતાજી જ્યાં રહેતા તે ‘નરસિંહ મહેતાનો ચોરો’ એક જોવાલાયક સ્થળ છે. અહીં રાસ-ચોરો તેમજ ગોપનાથની દેરી અને નરસિંહ મહેતાની મૂર્તિ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.

ગિરિનગર જૂનાગઢ કળા, શિક્ષણ અને સંસ્કૃતિના ધામ સમું છે. ગુજરાતના શહેરોમાં તેનું સ્થાન વિશિષ્ટ છે . જૂનાગઢમાં જે છે તે બીજે ક્યાય નથી. આ પુરાતન નગરની વિવિધતાભરી કથાઓ, તેનો ભવ્ય ઈતિહાસ, ઉપર્યુક્ત સ્થળોનો સવિસ્તર ઉલ્લેખ, જૂનાગઢની ગઈકાલ અને આજ તેમજ ગરવા ગીરનાર અને શહેરના દર્શનીય સ્થાનો વગરે અંગે કડીબદ્ધ અને વિસ્તૃત માહિતી, જૂનાગઢના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો પરિચય જેવી વિગતો આપને પ્રસંગોપાત્ત મળતી રહેશે.

વિશેષ : દેશ વિદેશથી આવતા અનેક ટૂરિસ્ટ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારથી અજાણ્યા હોય છે. તેમને યોગ્ય માહિતી મળી શકે અને આનંદપૂર્વક ગીરનાર જેવા પૌરાણિક સ્થળોનાં સૌન્દર્યનું રસપાન કરી શકે તે માટે તેઓ આ પીઢ પત્રકારનો સંપર્ક કરી શકે છે.

સંપર્ક સૂત્ર :

–  હરેશ દવે

‘આશિષ’, જૈન દેરાસર શેરી, જગમાલ ચોક, જૂનાગઢ. મોબાઈલ: ૯૮૨૫૨ ૬૧૫૭૦ ફોન: ૦૨૮૫ ૨૬૫૨ ૪૦૬


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “જૂનાગઢની શબ્દયાત્રા – હરેશ દવે

  • Nitin

    લેખક શ્રી હરેશભાઈ દવે -ખુબ જ સુંદર લેખ
    હું આ લેખ ને મારા ફેસબુક પેજ માં શેર કરવા માંગું છુ જો તમે હા કહો તો,
    તમારો જવાબ જણાવશો

    -તમારો કાઠીયાવાડી ભાઈ

  • hari bha gadhvi

    bahu sunadR varanan jane ghare betha junagadh na darsan thai gaya bhai mane pan a dharti partye anhad akrsan chhe 3/4 mahine a kadhi var jaruar jayu chuu
    abhar

  • Harshad Dave

    શ્રી પુષ્પકાંત તાલાતીજી, તમારી વાત સાચી છે અને હર્ષદભાઈની વાત પણ સાચી છે. એક ઉપર કોટ ગીરનાર પર્વત ઉપર જૈન દેરા છે ત્યાં છે. તમે પણ જૈન હશો તેવી મારી ધારણા છે. કોટ શબ્દનો અર્થ કિલ્લો અથવા દુર્ગ છે. તે ગીરનાર પર્વત ઉપર હોવાથી કદાચ તેણે ઉપર કોટ કહે છે. બીજો ઉપરકોટ જૂનાગઢમાં જગમાલ ચોક પાસે છે. આપના પ્રતિભાવ બદલ આભાર. -હરેશ દવે.(પત્રકાર)

  • Pushpakant Talati


    Harshad Dave:

    સરસ લેખ! અભિનંદન. ‘અડીકડી વાવ અને નવઘણ કૂવો, ન જુએ એ જીવતા મુઓ’…જાણીતી ઉક્તિ છે. શું જૂનાગઢમાં બે ઉપરકોટ છે એ વાત સાચી છે? – હદ.

    શ્રી હરેશભાઈ;
    હર્શદભાઈ દવે એ પુછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર અજાણ્યા માટે ખુબ જ જરુરી છે. – તો – પ્લિઝ, જરા જણાવશો કે જુનાગઢમાં બે ઉપરકોટ છે ?

  • Harshad Dave

    સરસ લેખ! અભિનંદન. ‘અડીકડી વાવ અને નવઘણ કૂવો, ન જુએ એ જીવતા મુઓ’…જાણીતી ઉક્તિ છે. શું જૂનાગઢમાં બે ઉપરકોટ છે એ વાત સાચી છે? – હદ.