પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત 4


(જન્મ: 01/02/1916, જામખંભાળીયા નિર્વાણ: 03/01/1980, મુંબઇ)

૧. બ્રહ્મમંગલા

વાય વેણુ પરોઢધૂન માંડી,
ને નાચે છે નોબતની દાંડી,
હો દેવ ! આજે જાગો !

વેદ ગુંજે છે છંદ,
ગેબ ગાજે પડછંદ,
મારાં નયનોના નંદ—
દેવ જાગો… મારા મંદિરના દેવ, આજ જાગો…!

મને રાખી અણજાણ,
રોજ ઊગો છો ભાણ !
આજ મનખાની આણ–
દેવ જાગો… મારા હૈયાના દેવ ! આજ જાગો…!

નાથ ! જુગ જુગનાં ઘેન આજ છાંડો,
સૂનાં તલખે છે ચૌદે બ્રહ્માંડો,
પ્રેમમંગલ બે લોચનિયાં માંડો –
હો દેવ,
આજ જાગો… મારા માનવના દેવ, આજ જાગો !

૨. અમલકટોરી

ભર મન ! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે
મને હરિરસ વ્હાલો રે….

અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,
સતવાયકનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો:
મારગ સુરગંગાનો લીધો. – ભર મન.

માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,
હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી:
વાગી અનહદની રણભેરી. – ભર મન.

કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,
જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:
મારે ઊંચી આત્મ-સપાટી. – ભર મન.

સંતન! મેં સંજીવન પીધું, ગયો કાળ-ઘા ઠાલો,
’આખર’ની વૃન્દાવનકુંજે ગુંજત મુરલીવાલો:
ઊડે ચેતનરંગ – ગુલાલો. – ભર મન.

રગરગ બ્રહ્મભાવના ફોરી !
પીધી હરિરસ – અમલકટોરી !

૩. કોક તો જાગે !

આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે, એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે, આપણામાંથી કોક તો જાગે !

હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં,
કૈંક કડાયાં કેરને પીધાં-
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે–
સાચ-ખમીરનો ઘૂંટડો માગે :
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી–
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણાં જૂતાં,
ઘોર અંધારં આભથી ચૂતાં–
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે–
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
તોય ઊભાં જે માનવી મોસલ–
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ ચડી’તી ,
શબ જેવી વચમાં જ પડી’તી–
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે :
આપણામાંથી કોક તો જાગે !
કોઇ જાગે કે કોઇ ના જાગે,
કોઇ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે–
આપણામાંથી તું જ જા આગે…!

૪. નાનકડી નારનો મેળો

હાલો પરોઢીયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ :
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ.
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ—
હાલોને સહિયર ! ….

નેણનાં નેવંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એજબીજાને ગાજે રે લોલ.
હાલોને સહિયર! …

સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર !

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂતે રે લોલ:
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ–
હાલોને સહિયર !

૫. સુખડ અને બાવળ

સુખનાં સુખડ જલે રે મારા મનવા !
દુ:ખના બાવળ બળે, બળે રે જી… દુ:ખના બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમનીઢગલી ને
બાવળનાં કોયલા પડે, મારા મનવા !
તરસ્યા ટોળે વળે, વળે રે જી… દુ:ખના બાવળ બળે.

કોઇનું સુખ ખટરસનું ભોજન, (ભૂખ્યાનું ભોજન)
કોઇ મગન ઉપવાસે,
કોઇનું સુખ આ દુનિયાદારી,
કોઇ મગન સંન્યાસે,
રે મનવા !

કોઇ મગન સંન્યાસે,
સુખનાં સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…. (નહીં કરવાના કરે)
ચડે રે જી… તરસ્યા ટોળે વળે…..
રે મનવા !

કોઇ પરમારથમાં સુખ શોધે,
કોઇ પરદુ:ખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઇ મંદિરના રે મુખિયા:
રે મનવા !

કોઇ મંદિરના રે મુખિયા :
સમદુખિયાંનો શંભુમેળો
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી :
રે મનવા !

સહુને દીઠા પ્યાસી :
બધા ઝઝૂમે—
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળ્ગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.
સુખના સુખડ જલે રે
મારા મનવા !
દુ:ખના બાવળ બળે.

– વેણીભાઈ પુરોહિત

આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત