પ્રલંબ લયની બે સુંદર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 3


૧. હું અને મારી હયાતી

ઝાડ પરથી પાંદડું એકાદ જ્યાં નીચે ખરે ને થાય છે કે હું અને મારી હયાતી,
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી;
શૂન્યતા એકાંતની જ્યારે નજરમાં તરવરે ને થાય છે કે હું અને મારી હયાતી
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી.

ભીતરી અસ્તિત્વને મેં જન્મ લેતાંવેંત મૂક્યું છે સમયના ચાકડે આ ગોળ મીંડાળી
ધરામાં કો મને પહોંચી વળે એ વાતમાં કૈં દમ નથી.
તે છતાં કૈં ચોતરફ ઘડિયાળમાં કાંટા ફરે ને થાય છે કે હું અને મારી હયાતી
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી.

પ્રશ્ન કેવળ અંતનો જો હોત તો ઉત્તર તરીકે હું રજૂ થઈ જાત ને મારી બધીયે
નામના એકાદ પાનામાં ભરીને ચાલતો થઈ જાત અહીંથી ક્યાંક પણ
અંતનો ઉદભવ જરા જ્યાં પાસ મારી ફરફરે ને થાય છે કે હું અને મારી હયાતી
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી.

આમ તો હું જળ તણો જ એક જીવ છું, આ ઓટ ને ભરતી તણી ઘટના અમારે
મન હવે નૂતન નથી, આવે પ્રસંગો આંખ નામક મંચ પર ને તુર્ત એ ઘટના ઘટે;
પણ પછીથી છૂટવા માટે કિનારો કરગરે ને થાય છે કે હું અને મારી હયાતી
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી.

જિંદગીને શ્વાસ મળશે ક્યાં સુધી? ને ક્યાં સુધી છે આંખ પર આ સ્વપ્નના કિસ્સા
અને કિસ્સા તળે ઘટતી જતી કૈં સ્વપ્નસમ આ વાસ્તવિક દારુણ્યતાઓ?
આમ કૈં પ્રશ્નો ઉપર પ્રશ્નો હ્રદય જ્યાં કૈં કરે ને થાય છે કે હું અને મારી હયાતી
છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈં નથી.

૨. વૃક્ષ શી લીલાશ જ્યારે…

વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે,
પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક એ
વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,
એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ.. અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;
ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;
બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

– જિતેન્દ્ર પ્રજાપતિ

ગઝલકાર શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અક્ષરનાદના એક આગવા રચનાકાર છે. લગભગ બે વર્ષથી તેમની રચનાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આપણી ભાષાના એક સમર્થ અને સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને લગભગ બધા જ અગ્રગણ્ય ગુજરાતી સામયિકોમાં તેમની ગઝલો પ્રસ્તુત થતી રહે છે એ ખૂબ આનંદની વાત છે. ગઝલરચનામાં મુશ્કેલ ગણાય એવી પ્રલંબ લયની ગઝલરચના એ તેમની આગવી ખાસીયત છે જેને અનેક સમર્થ ગઝલકારોએ વખાણી છે. આજે પ્રસ્તુત છે તેમના રચનાસાગરમાંથી પ્રલંબલયની બે સુંદર રચનાઓ. અક્ષરનાદને સદાય પોતાની રચનાઓ પ્રસ્તુત કરવાના માધ્યમ તરીકે પસંદ કરવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બિલિપત્ર

મને એવું હવે લાગ્યા કરે છે આ હથેળી લઈ અને જોષી કને જઈએ જરા.
બને તો હાથ વચ્ચે જિંદગી આખી સમેટી લઈ અને જોષી કને જઈએ જરા.

ભલે લાવ્યા સ્મરણમાં હો તમે સૌ પાઠ નરસૈંયા તણા ને ભોમકા જૂનાગઢી,
બજે કેદાર જ્યાં કાયમ પ્રભાતે એ તળેટી લઈ અને જોષી કને જઈએ જરા.

– જિતેન્દ્ર પ્રજાપતિ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પ્રલંબ લયની બે સુંદર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ