વિશ્વ પુસ્તકમેળો, દિલ્હી : એક અવલોકન – જીજ્ઞેશ અધ્યારૂ 10


અમારા પુસ્તક ‘માઈક્રોસર્જન – ૨’ ના વિમોચન અને ત્યાર બાદની વ્યસ્તતાઓની વચ્ચે પુસ્તકમેળાનો શરૂઆતનો સમય તેમાં જઈ શકાયું નહીં, અને પછી ફક્ત છેલ્લો જ દિવસ બચ્યો. પણ મારે દિલ્હીમાં આયોજીત આ વિશ્વ પુસ્તકમેળો ૨૦૧૮ કોઈ હાલતમાં ચૂકવો નહોતો. એટલે એના અંતિમ દિવસે – ૧૪ જાન્યુઆરીએ સવારથી પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનથી બુકફેરની ટિકિટ લઈને લાઈનમાં લાગી ગયેલો. મેળો શરૂ થયો કે તરત જ તેમાં જાણે એક આખો માનવસાગર અંદર ધસ્યો.

પ્રદર્શન હૉલમાં પ્રવેશતા પહેલા જ કેટલાક મુસ્લિમ વડીલો, ખ્રિસ્તી મિત્રો અને ઈસ્કોનના મિત્રો પોતપોતાના સાહિત્યને લઈને, જાતજાતના અને ભાતભાતના ચોપાનીયા સાથે ઉભા હતા, અને મને પુસ્તકમેળામાં ધર્મપ્રચારની આ રીત સામે સખત ચીડ છે, એટલે એ ત્રણેય અને એ ઉપરાંત પણ એવા કેટલાય લોકોના ટોળા અવગણીને પહેલા ખંડમાં પ્રવેશ્યો.

પહેલા જ ખંડમાં હિન્દી પ્રકાશકોનો ભયાનક મોટો જમાવડો હતો. ઑથર્સ કોર્નર પર પુસ્તક વિમોચનની તૈયારીઓ થઈ રહી હતી, જાણીતા પ્રકાશકોના સ્ટૉલ પર ભીડ હતી. એક પછી એક પ્રકાશકોના સ્ટૉલ પર ફરતો રહ્યો અને તેમના સ્ટૉલની અનેરી સજાવટ, પુસ્તકોની ગોઠવણી, વિવિધતા, વિષયોની તાજગી, કેટલાક સદાબહાર પુસ્તકોની અવનવી પ્રત જોતો રહ્યો. મુખ્ય ગેટથી જે આખી ભીડ મારી સાથે આવેલી એ સામેના અંગ્રેજી પુસ્તકોના ખંડ તરફ વળી ગઈ હતી, એટલે આ ખંડમાં એની સરખામણીએ ઓછા લોકો હતા. હિન્દી પ્રકાશકો સિવાય અહીં વિવિધ ધાર્મિક પુસ્તકો અને ગુરુઓ – બાબાઓના સાહિત્યના સ્ટૉલ પણ હતા. કેટલાક ઈ-પુસ્તકોના અને ઑડિયો પુસ્તકોના સ્ટૉલ પણ હતા. મને ઘણાં સ્ટૉલ ગમી ગયા, પણ તેમાં અમુક નોંધપાત્ર સ્ટૉલ અને તેમના પુસ્તકો વિશે લખ્યા વગર રહી શકીશ નહીં. આ વખતે અજાણતા જ એવો નિર્ણય લેવાઈ ગયેલો કે હિન્દી પુસ્તકો જ ખરીદવા છે, અને એ માટે સતત અવનવા પુસ્તકો મળતા પણ રહ્યાં.

મારા હિસાબે સૌથી વિશાળ અને સૌથી વધુ ભીડભર્યો સ્ટૉલ હતો રાજકમલ પ્રકાશનનો. હિન્દી વાચકોનો આ પ્રિય સ્ટૉલ હતો. ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલા આ સ્ટૉલમાં હજારો પુસ્તકો લગભગ ૧૦ થી ૨૦% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હતા. રાજકલમ પેપરબેક્સ બ્રાન્ડનેમ સાથે વેચાઈ રહેલી અનેક કૃતિઓમાં લોકો પુસ્તક અને લેખકના નામ સાથેની લાંબી યાદીઓ લઈને આવેલા, અને રાજકમલના સ્ટાફની એમાં ખૂબ સરસ મદદ મળી રહી હતી. અહીં મન્ટોનો આખો સંગ્રહ પણ ઉપલબ્ધ હતો. ઈસ્મત ચુગતાઈની લગભગ બધી જ કૃતિઓ પણ અહીં હતી. તો મન્ટો, ગાલિબ, મીર, ફૈઝ વગેરેના ટી-શર્ટ, ટી-મગ, ફ્રિજ મેગ્નેટ વગેરે પણ વેચાણમાં હતા, અને એનો સ્ટૉક ખાલી થઈ ગયેલો. આવો જોરદાર પ્રતિભાવ જોઈને તેમણે ફેસબુક પર પેજ શરૂ કરેલું, જો તમે ત્યાં સ્ટૉલ પર ઓર્ડર નોંધાવો તો શિપિંગ ફ્રી..

અહીંથી મેં ખરીદેલા કેટલાક પુસ્તકોમાં છે,
– મનોહર શ્યામ જોશીની હાસ્યરચનાઓનું પુસ્તક કુરુ કુરુ સ્વાહા
– ભગવતીચરણ વર્માની પ્રખ્યાત નવલકથા રેખા
– ઈસ્મત ચુગતાઈની ખૂબ જાણીતી નવલકથા ટેઢી ખીર મુખ્ય છે.

બીજો સ્ટૉલ જે મને ખૂબ ગમ્યો એ હતો રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ (નેશનલ બુક ટ્રસ્ટ) જેમાં એવા તે સુંદર અને અલગ પુસ્તકો દેખાયા કે ખરીદ્યા વગર ન રહી શકાયું, અને અનુદિત પુસ્તકોનો તો અહીં જાણે ખજાનો હતો. લગભગ બધી જ ભાષાના અગ્રગણ્ય સાહિત્યને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાયું છે. અન્ય ભાષાઓના સાહિત્યને સમજવા અહીં મૂકાયેલા આ અનુદિત પુસ્તકો ખજાનાથી ઓછા નહોતા. વળી તેમની એક બસ પણ બહાર હતી જે મોબાઈલ લાઈબ્રેરી તરીકે કાયમ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પુસ્તક વેચાણ અર્થે ફરતી રહે છે.

અહીંથી મેં ખરીદેલા કેટલાક પુસ્તકોમાં
– સંપાદિત ઉડિયા વાર્તાઓ
– હિન્દી હાસ્ય-વ્યંગ્ય સંકલન
– આધુનિક તમિલ વાર્તાઓનું સંકલન
– સમકાલીન મલયાલમ વાર્તાઓનું સંકલન મુખ્ય છે.

આ જ હૉલમાં એક નાનકડા ટેબલસ્ટૉલ સાથે ખૂણામાં પુસ્તક વેચી રહેલા એક યુવાને મને બોલાવ્યો, મને કહે, તમે કયા પુસ્તકો ખરીદ્યા? તમને કેવું સાહિત્ય વાંચવુ ગમે છે? મેં એને મારા ખરીદેલા પુસ્તકો બતાવ્યા એટલે એણે એ પુસ્તકોની ખાસિયત અને એમાંના સાહિત્ય વિશે વાત કરી, અને કેટલાક વધુ પુસ્તકો સૂચવ્યા. વાતો પરથી લાગ્યું કે એનું હિન્દી – અંગ્રેજી વાંચન ખૂબ છે. એ ત્યાં હતા આચાર્ય પ્રશાંતના વિચારો મૂકતા સાહિત્યના પ્રચાર માટે બહારથી સ્વયંસેવક તરીકે આવ્યા હતા. આચાર્ય પ્રશાંત વિશે માહિતી આપી, જેઓ આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમમાં ભણેલા છે અને ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ હતા, તેમણે અદ્વૈત મૂવમેન્ટની સ્થાપના કરી ભારતના વિવિધ ભાગોમાં ફર્યા. લોકોના પ્રશ્નોના તેમણે જવાબ આપ્યા અને એ પ્રશ્નોત્તરીને વિવિધ ભાગમાં વર્ગીકૃત કરી સ્વયંસેવકોએ પુસ્તક પ્રકાશિત કર્યા. અનેકવિધ વિષયો પર તેમના વિચારો બતાવતા પુસ્તકોમાં અધ્યાત્મ, પ્રેમ, સંબંધો, સેક્સ, દુઃખ, મૃત્યુ, હતાશા વગેરે હતાં. તેમના વિચારોનું સંકલન પુસ્તક ‘અ ફ્લાઈંગ કિસ ટુ ધ સ્કાય’ લીધું. તેમણે કહ્યું કે જો ઈચ્છો તો પુસ્તક ડિસ્કાઉન્ટમાં લઈ શકો પણ જો એમ.આર.પી પર લેશો તો એ રકમ આવા વધુ પુસ્તકો બનાવવામાં વપરાશે, એટલે મેં એમ જ કર્યું. તેમના વિચારો અને આવી પ્રશ્નોત્તરી ક્વોરા પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો.. આ ખરેખર નિઃશુલ્ક ઉપલબ્ધ સરસ વાંચન છે.

તો ત્યાર પછી તેમણે સૂચવેલા રાજપાલ એન્ડ સન્સના ખૂબ આકર્ષક અને વિશાળ સ્ટૉલમાં ગયો. અહીં પુસ્તકો જોઈને આનંદ એટલે થયો કે જેમના નામનું સદાય અનેરું આકર્ષણ રહ્યું છે એવા બધા જ હિન્દી સાહિત્યના ખ્યાતનામ લેખકો અહીં ઉપલબ્ધ હતા. કવિતા અને ગઝલ વિભાગમાં બશીરબદ્ર, ગાલિબ, મીર, ફૈઝ, કૈફી આઝમી, કતિલ શિફાઈ, ઝૌક, ઈકબાલ, સરદાર જાફરી, મઝરુહ સુલ્તાનપુરી, સાહિર લુધિયાનવી, નિદા ફાઝલી વગેરેના સંગ્રહો ઉપલબ્ધ હતા. તો નવલકથા વિભાગ એથીય ક્યાંય મોટો અને સમૃદ્ધ, આત્મકથા અને નોન ફિક્શન વિભાગ પણ ખૂબ સરસ રીતે ગોઠવેલો. અહીંથી લીધેલા પુસ્તકોમાં

– બશીરબદ્રનો સંગ્રહ
– અમૃતા પ્રીતમની ખામોશી કે આંચલ મેં
– અજ્ઞેયની મેરી પ્રિય કહાનિયાં
– વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયની પાથેર પાંચાલી
– આચાર્ય ચતુરસેનની વૈશાલી કી નગરવધુ અને સોમનાથ મુખ્ય છે.

જોતજોતામાં આ જ ખંડમાં ત્રણ કલાક વીતી ગયા, પગ દુઃખવા લાગ્યા અને પેટમાં પણ ઉંદર દોડવા લાગ્યા. હૉલની બહાર આવીને સરસ મજાના છોલેભટૂરેને ન્યાય આપ્યો. પાસે જ મળતું તાજુ ફ્રૂટ જ્યૂસ પીધું અને પછી લાવ્યો સામેના હૉલમાં પ્રવેશ માટેની લાંબી લાઈનમાં, જે અંગ્રેજી પ્રકાશકોનો હૉલ હતો. રસ્કિન બોન્ડના પુસ્તકનું વિમોચન ચાલી રહેલું, એટલે પેંગ્વિનના મસમોટા સ્ટૉલ અને આસપાસની બધી જગ્યા લોકોથી ભરાઈ ગયેલી છતાંય અંદર આવનારાઓની સંખ્યા ઘટવાને બદલે વધતી જ રહી. પ્રવેશતાં જ નેશનલ બુક ટ્રસ્ટનો ખૂબ વિશાળ સ્ટૉલ હતો. અનેકવિધ પુસ્તકો અને વિવિધ વિષયોમાં વહેંચાયેલા સ્ટૉલમાં પુસ્તકોનું વર્ગીકરણ સરસ રીતે કરીને મૂકાયેલું, વિષયવાર પુસ્તકોની ગોઠવણી પણ સરસ હતી, અને લોકોની ભીડ પણ ભારે હતી. બાજુમાં જ પેંગ્વિનના સ્ટૉલમાં ૩૦% જેવું ડિસ્કાઉન્ટ અને રસ્કિન બોન્ડની હાજરી જ એની પરિસ્થિતિ સમજાવવા પૂરતી હતી. પાઉલો કોએલ્હોના પુસ્તકોનો સેટ અહીં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હતો. અઁગ્રેજીમાં ખૂબ વેચાઈ રહેલા પુસ્તકો જે લગભગ બધા જ લોકો ખરીદી રહ્યાં હતા, એ મુખ્યત્વે હતા,

‘The Twilight saga’, ‘Fifty Shades of Grey’, ‘Pride and Prejudice’, ‘Macbeth’, Arundhati Roy’s The God of Small Things’, Khalid Hossaini’s ‘The Kite Runner’ and ‘Thousand Splendid Suns’, Dan Brown’s ‘Origin’, Paulo Coelho’s ‘The Spy’, Devdutt Pattanaik’s ‘Gita’ & “Sita’ etc.

આમાંથી ઘણાં પુસ્તકો દરિયાગંજ પુસ્તક માર્કેટમાંથી લઈ ચૂક્યો હતો, વળી શૉલ્ડર બેગ અને હાથમાંના થેલા પુસ્તકોથી ફુલ હતા, બીજે જગ્યા બચી નહોતી. જ્યોર્જ આર. આર. માર્ટિનની ‘અ સોંગ ઑફ આઈસ એન્ડ ફાયર’નો સંપુટ ૪૦% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હતો, લેવાની ખૂબ ઈચ્છા પણ એ મૂકવાની જગ્યા નહોતી. તો પાઉલો કોએલ્હોના ઘણાં પુસ્તકો મારી પાસે છે જ, એટલે એ સંપુટ લેવાનો ય સવાલ નહોતો. છતાંય એવા અનેક સ્ટૉલ્સમાં ફરવા અને જોવાનો લોભ જતો ન કરી શક્યો, પણ ઝડપથી ફરતો રહ્યો. અહીં ઘણી ઑડિયો સુવિધાઓ વિશે પણ માહિતી મળી જે નવલકથાઓ અને વાર્તાઓને ઑડિયો સ્વરૂપે એપ્લિકેશન અને વેબ ઈન્ટરફેસમાં ઉપલબ્ધ કરાવે છે, પણ તેના સબસ્ક્રિપ્શન ચાર્જ ખૂબ વધુ છે. એવી ઘણી એપ્લિકેશનની ટ્રાયલ પણ લીધી, જેનું ગુજરાતી સ્વરૂપ બનાવવાનો પ્રયાસ અમે કરી રહ્યાં છીએ.

રોલી બુક્સ, બાળકોના પુસ્તકો વેચતા પેગાસુસ, સચિત્ર નવલકથાઓ વેચતો સ્ટૉલ, ઓક્સફર્ડ પ્રેસ, વપરાયેલા પુસ્તકો ખૂબ સસ્તામાં વેચતા બુકચોર, ૫૦ રૂપિયામાં નવલકથા વેચતા નાના સ્ટૉલ્સ, સૌથી વધુ ધસારો ધરાવતો ગીતાપ્રેસ ગોરખપુરનો સ્ટૉલ, સાહિત્ય સર્જકોને અંજલી રૂપ સુંદર કેલેન્ડર અને ડાયરી વેચતા ઓનલાઈન પોર્ટલ કવિતાકોશનો સ્ટૉલ.. કેટકેટલું જોયું અને માણ્યું, અને તો પણ પુસ્તકમેળો અડધોય માંડ જોઈ શક્યો.

તો પુસ્તક મેળામાં કેટલાક ખરાબ અનુભવ પણ રહ્યા. સૌથી ખરાબ અનુભવ હતો ભારતીય જ્ઞાનપીઠનો સ્ટૉલ. પુસ્તકોની ખરાબ ગોઠવણ અને આડેધડ ખડકલાં તો હતા જ, સાથે કાર્ડથી પૈસા લેવાની સગવડ પણ નહોતી અને વાચકોને પુસ્તક શોધવામાં મદદ કરવા કોઈ નવરું નહોતું. મેં પૂછ્યું તો કહે ‘આપકો હી ઢુંઢના પડેગા!’ સામયિકોની ગત મહીનાઓ – વર્ષોની પસ્તી જેવી નકલો સ્ટૉલમાં પ્રવેશો કે તરત જ મૂકાઈ હતી. મને અહીંથી પણ પાંચેક પુસ્તકો ગમ્યા હતા પણ કાર્ડથી ચૂકવી શકવાની અક્ષમતાએ મૂકવા પડ્યા. જો કે તેમને વેચવામાં રસ પણ નહોતો.

બીજો ધાર્મિક સ્ટૉલ્સનો… કુરાન વાંચવાની ઈચ્છા ઘણા વખતથી હતી, પણ ઈસ્લામિક સાહિત્યના સ્ટૉલ્સમાં કુરાનને બદલે અહીં જુઓ છો એવા લિફ્લેટ જ અપાતા હતા. અને આખરે સદનસીબે એક ભાઈ મને એ સ્ટૉલ્સથી દૂર ઉભેલો જોઈ મારી પાસે આવ્યા. મને કહે, ‘ક્યા ઢૂંઢ રહે હૈ જી?” મેં કહ્યું, “કુરાનેશરીફ લેના ચાહતા થા, પર પતા નહીં કહાં સે લું..’ એ પાસેના જ એક સ્ટૉલ પાસે લઈ ગયા જ્યાં નિઃશુલ્ક કુરાનેશરીફ આપતા હતા. એ લઈને આગળ વધ્યો તો હાથમાં કુરાન જોઈને એક ભાઈ બીજુ નિઃશુલ્ક પુસ્તક આપી ગયા, શીર્ષક હતું, ‘પવિત્ર શાસ્ત્ર – ભજનસંહિતા અને નીતીશાસ્ત્ર’ મને એમ કે એ કોઈક હિંદુ ગ્રંથ હશે, પણ ખોલીને જોયું તો પ્રકાશક ઈન્ડિયા બાઈબલ પબ્લિશર્સ.. મેં પાછા જઈને એ ભાઈને કહ્યું કે આના પર બાઈબલ કેમ નથી લખ્યું? તો એ કહે, આ ‘ધ ન્યૂ ટેસ્ટામેન્ટ’ નો અનુવાદ છે, મેં કહ્યું, ‘મને એમ કે આ બાઈબલ જ છે.’ તો એ ‘યૂ મસ્ટ રીડ ધિસ.’ કહી બીજાને એ પુસ્તકની અન્ય નકલો આપવામાં વ્યસ્ત થઈ ગયા. શૉલ્ડર બેગ અને હાથમાંના થેલા પણ ફુલ હતા એટલે એ બંને પુસ્તકો હાથમાં જ રાખી હૉલની બહાર નીકળ્યો, અને એ પછી અનેક સંપ્રદાયો અને બીજા અનેક લોકો આ જ પ્રકારના લિફ્લેટ અને પુસ્તકો આપતા રહ્યાં અનેે જગ્યાને અભાવે ન લઈ શક્યો – લેવાની ઈચ્છા પણ નહોતી.

ખભે અને હાથોમાં વજન, ખૂટી ગયેલ ધીરજ અને થાક છતાં સાંજના સાડા છ સુધી પુસ્તકમેળામાં ફરતો રહ્યો. બહાર નીકળ્યો તો પુસ્તકમેળાના દરવાજા બહાર એક અલગ જ પુસ્તકમેળો ચાલી રહેલો – ફુટપાથ પરના ફેરીયાઓનો પુસ્તકમેળો, અને અંદર જેટલા જ લોકો અહીંથી પણ પુસ્તકો ખરીદી રહેલા. એ પણ આશ્ચર્ય અને કમનસીબી જ છે કે લાખોનો ખર્ચો કરી પુસ્તકો વેચતા પ્રકાશકોને આ પાયરેટેડ પુસ્તકો વેચી નજીવો નફો કમાતા ગરીબો તેમના જ પુસ્તકો દ્વારા અજબની હરીફાઈ આપી રહ્યાં હતા. આ લોકોની પોતાની જ અલગ દુનિયા છે અને આ પાયરેટેડ પુસ્તકોના ખરીદનારાઓ પણ એટલા જ જેટલા કદાચ અંદર મૂળ પુસ્તકો જોનારા.. એક જ લેખકના એક જ પુસ્તકના બે અલગ અલગ અવતાર વચ્ચેનો આ સંઘર્ષ અનોખો છે, અને સતત ચાલતો રહ્યો છે.

ધસારાને લીધે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન થોડા સમય માટે બંધ કરી દેવાયેલું કારણકે સ્ટેશનમાં લોકોને સમાવવાની જગ્યા નહોતી, એટલે વળી અડધો કલાક આસપાસ ફરતો રહ્યો. અને ફરી ઘરમાં એ પુસ્તકોને સમાવવાની જગ્યા વિશે વિચારતો ઘરે પહોંચ્યો. પુસ્તકમેળા મને હંમેશા એક અલગ વિશ્વમાં લઈ જાય છે, કાશ હું પણ પુસ્તકોને અથવા સાહિત્યને જ લાગતી વળગતી કોઈ પ્રવૃત્તિમાં નોકરી કરતો હોત! કાશ!

– જીજ્ઞેશ અધ્યારૂ

world book fair Delhi 2018


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “વિશ્વ પુસ્તકમેળો, દિલ્હી : એક અવલોકન – જીજ્ઞેશ અધ્યારૂ

  • Nemisurigyanshala

    પુસ્તકમેળો ક્યારે છે એની માહિતી દર વખતે જોઈતી હોય તો ક્યાંથી ઉપલબ્ધ થાય?

  • Krishnakumar

    જિગ્નેશભાઈ,
    સરસ લેખ છે જાણે ત્યાંજ હોઇએ તેવી અનુભૂતિ થઈ.

  • Anila Patel

    આપના આ વિશ્વ પુસ્તકમેલાના એક અવલોકનના વાંચનદ્વારા અમે પણ પુસ્તકમેલાની મજા માણી.
    બધાને બધી તકો નથી મલતી, અફસોસ.

  • અમિત

    સરસ અહેવાલ.દિલ્હીનો પુસ્તકમેળો વન ડે નહિ ત્રણ ચાર દિવસનું અફેર હોય તો માણી શકાય.

    • Jignesh Adhyaru Post author

      પુસ્તકમેળો તો ૬ થી ૧૪ જાન્યુઆરી હતો, પણ મને જવા માટે ફક્ત એક જ દિવસ મળ્યો..

  • ગોપાલ ખેતાણી

    વિશ્વ પુસ્ત મેળાની આટલી સરસ માહિતી આપી તેનો ખૂબ જ આનંદ. પુસ્તક મેળા કે ઈવન દરિયાગંજ જઈને દર વખતે એક જ વિચાર આવે કે ઘરની નજીક લાઈબ્રેરી હોય તો કેવું સારું. રાજકોટ હતો ત્યારે મશહુર એવી લેંગ લાઈબ્રેરી અને જી.ટી.શેઠ લાઈબ્રેરીનો બહોળો લાભ લીધો છે. પુસ્તકો સાથેની મિત્રતા અતૂટ રહે તે જ અભ્યર્થના.