ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬ 2


આપણને બધાને નવી અને ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન વિશે જાણી અખતરો કરવાનું ગમે છે! એ નિર્વિવાદ સત્ય છે. અક્ષરનાદ પર એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે લખવાનું ઘણાં વખત પહેલા શરૂ કરેલું અને પાંચેક મણકા પછી એ અટકી ગયેલું. હવે ફરી દર મહીને એકવાર ઉપયોગી પણ ખૂબ ઓછી જાણીતી એન્ડ્રોઈડ એપ્લિકેશન વિશે જણાવવાનો હેતુ છે. એ અંતર્ગત આજે કેટલીક સરસ મજાની એપ્લિકેશન્સની વાત મૂકી રહ્યો છું.

આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા, રસપ્રદ ગેમ, ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા, મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે.

Useful Android Applications
Useful Android Applications

૧. AppsFree

ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી પેઇડ એપ્લિકેશન એવી હોય છે જે અમુક દિવસો પૂરતી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ હોય છે. જો કે એ કયા દિવસે મફત ઉપલબ્ધ હોય એ શોધવું કેમ?

AppsFree એવી એપ્લિકેશન છે જે આવી ઉપયોગી પેઇડ એપ્લિકેશન, ગેમ, વોલપેપર વગેરેને શોધવા અને ડાઉનલોડ કરવાની સરળ અને અનુકૂળ પદ્ધતિ આપે છે. લગભગ રોજેરોજ આ યાદી અપડેટ થાય છે અને જે-તે દિવસે નિઃશુલ્ક ઉપલબ્ધ એપ્લિકેશનની યાદી મળે છે. છેલ્લા લગભ્ગ દોઢેક વર્ષથી હું આ એપ્લિકેશન વાપરું છું અને મને એ ઉપયોગી લાગી છે.

૨. Bridge Race

૨૦૨૧ના વર્ષમાં ગૂગલ પ્લેસ્ટોર પર ગેમ્સ વિભાગમાં ત્રીજી સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ એટલે બ્રિજ રેસ. ટાઇલ્સ ભેગી કરો અને બ્રિજ બનાવો, નવા સ્થળે પહોંચો અને ફરી ટાઇલ્સ ભેગી કરી બ્રિજ બનાવો. ગેમ સરળ છે, રમતની બંધાણી બનાવી દે એવી છે. રમતા જશો એમ ખ્યાલ આવશે કે તમે બીજાઓને પાડી તેમની ટાઇલ્સ પણ વિખરી શકો છો.

જો કે ઘણાં વપરાશકારોએ ગેમમાં વચ્ચે આવતી જાહેરાતો વિશે નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ અત્યાર સુધીમાં આ ગેમના પ્લેસ્ટોર પરથી દસ કરોડથી વધુ મોબાઇલમાં ડાઉનલોડ થઈ ચૂકી છે જે એનો વ્યાપ દર્શાવે છે. એકંદરે સરસ ગેમ અપ્લિકેશન.

૩. Ayurvedic Treatments – Offline

આયુર્વેદ આપણી સનાતન પરંપરાની પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે જે રોગોમાં ચિકિત્સા માટે અને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડે છે. આ એપ્લિકેશન અંતર્ગત આયુર્વેદિક પદ્ધતિએ સામાન્ય રોગોની સારવાર માટેની તમામ માહિતી હાથવગી મળી રહે છે.

અહીં ઉપલબ્ધ વિભાગોમાં રોગ અને ઉપચાર, અંતર્ગત મોઢામાં પડતા ચાંદા, માથાનો દુઃખાવો, પથરી, અપચો, ડાયાબિટીઝ, એલર્જી, એસિડીટી, માઇગ્રેન, અસ્થમા, શરદી, દાંતનો દુઃખાવો, હિસ્ટીરીયા તથા ગુપ્તરોગ સહિત અનેક તકલીફો માટે આયુર્વેદિક ઉપચાર અને એની પદ્ધતિ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એમાં મેં જોયેલી કેટલીક માહિતી હાથવગી અને ઉપયોગી લાગી છે.

આયુર્વેદના જાણકાર કોઈ મિત્ર આ એપ્લિકેશનમાં આપેલી માહિતીની ખરાઈ કરી એની ઉપયોગિતા વિશે વધુ પ્રકાશ પાડી શકે.

Ayurvedic Treatments App recommended by Aksharnaad

૪. Forest: Stay focused

જો તમે તમારા મોબાઇલને એક તરફ મૂકવામાં અસમર્થ હોવ, જો તમે સતત ફેસબુક, ટ્વિટર કે અન્ય એપ્લિકેશન સ્ક્રોલ કરવાનું બંધ કરી શકતા નથી, આત્મ-નિયંત્રણનો અભાવ હોય તો ફોરેસ્ટ એપ્લિકેશન તમારે માટે જરૂરી છે. તમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એ રીતે ઉત્પાદકતા વધારવામાં મદદ કરવા માટે સૌથી સુંદર ટાઈમ મશીન છે આ એપ્લિકેશન!

૨૦૧૮માં ગૂગલની શ્રેષ્ઠ સેલ્ફ હેલ્પ માટેની એટલે કે જાતને મદદ કરતી એપ્લિકેશન તરીકે ફોરેસ્ટ મોખરે હતી. એટલે એના ઉપયોગી હોવા વિશે કોઈ શંકા નથી. દિવસ દરમ્યાન તમારો મોબાઈલ વપરાશનો સમય ઘટાડવા માટે આ સચોટ માર્ગ છે.

જ્યારે તમારે ફોન મૂકી દેવાની જરૂર હોય ત્યારે આ એપ્લિકેશન ખોલી ફોરેસ્ટમાં બીજ વાવો, અને પછી તમારા કામ પર ધ્યાન આપો. જેમ જેમ તમે કામમાં વધારે સમય આપશો તેમ તેમ આ બીજ ધીમે ધીમે વૃક્ષ તરીકે વિકસશે. જો તમે ફોન ઉપાડી એને ચેક કરવાની લાલચ નહીં છોડી શકો તો તમે વાવેલું એ વૃક્ષ સુકાઈ જશે. તમારું ધ્યેય છે એક ફોરેસ્ટ બનાવવાનું – તમારા કામના કલાકો વધારવાનું.

અહીંનું દરેક વૃક્ષ તમારા સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વૃક્ષ સાથે સમૃદ્ધ જંગલ જોતી વખતે તમે બચાવેલા સમયનો વિચાર તમને મોબાઇલનો વપરાશ ઓછો કરવા પરોક્ષ પ્રેરણા આપશે. અને એથી

૫. Mappls (MapmyIndia Move)

ગૂગલ મેપ્સ વાપરતી વખતે તમને એવું અનુભવાયું હશે કે એ ક્યારેક ખોટા રસ્તે લઈ જાય છે, એવા રસ્તા જે કાં તો સાંકડા હોય, કાં તો બંધ થઈ ગયા હોય અથવા રેગ્યુલર રસ્તાથી તદ્દન ઇતર જગ્યાએ જ લઈ જાય. આ તકલીફોનો ઉકેલ છે મેપલ્સ એપ્લિકેશન. મેપ માય ઇન્ડિયા ભારતનું પોતાનું નકશાને વિગતે દર્શાવતું પોર્ટલ છે. અનેકવિધ પ્રકારના નકશા અહીં મળી રહે છે. અને આ એપ્લિકેશન એ અંતર્ગત જ વિકસાવાઈ છે. ભારત માટે એ ગૂગલ મેપથી વધુ ચોક્કસ અને ઉપયોગી છે.

Mappls એપ્લિકેશનનો ઉપયોગ કરીને સરળતાથી તમારા રસ્તા પર લાઇવ ટ્રાફિક અપડેટ્સ, પહોંચવાનો અંદાજિત સમય અને વૈકલ્પિક રસ્તાઓ વગેરે સાથે ગૂગલ મેપની જેમ જ માર્ગદર્શન પણ આપે છે. તમારા નિર્ધારિત સ્થળે પહોંચવા સુધી દરેક સ્તરે વોઇસ મદદ પણ આમાં ઉપલબ્ધ છે જેથી ડ્રાઇવ કરતી વખતે પણ એ વાપરી શકાય.

અત્યારે હું આ એપ્લિકેશન અને ગૂગલ મેપ્સ એકસાથે વાપરી એની ચોકસાઈ તપારી રહ્યો છું, પરંતુ જેટલો સમય આ એપ વાપરી એટલા સમયમાં એનું માર્ગદર્શન સંતોષકારક છે. મહિન્દ્રાની અમુક કાર અને મારુતિ સુઝુકીની કારમાં આ નકશાએ ગૂગલ મેપ્સનું સ્થાન ઓલરેડી લઈ લીધું છે. એટલે ભારતીય પરિવહન ક્ષેત્રમાં આ નકશાનું મહત્વ વધવાનું જ છે.

આ જ નકશા તમારા કોમ્પ્યૂટર પર જોવા ક્લિક કરો https://www.mappls.com


આ પહેલાના ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન, વેબસાઇટ્સ વગેરે વિશેના લેખ અહીં ક્લિક કરી વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬

  • anil1082003

    excellent useful for new user. i love your publication. 80 yrs old new student in computer education. kg standard computer knoweledge. so many time computer web site fight with google and window lost so many important documents, how recover don’t know yet. security softwear download still problem. you are good start for android my phone is android. thank you. pl. continue with new.