અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14
૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.