કેટલીક ફિલ્મો એવી તો અસરકારક અને સજ્જ હોય કે એ શરૂ થાય ત્યારથી, એની પહેલી ફ્રેમથી પ્રેક્ષક તરીકે આપણને સતત એની સાથે જકડી રાખે અને આપણે એમાં ઊંડા ને ઉંડા ઊતરતા જઇએ, જાણે રીતસર ખૂંપી જઈએ. એ ફિલ્મની સફર પડદા પર ચાલી રહેલા દ્રશ્યો નહીં પણ જાણે આપણે ખરેખર જીવતા હોઈએ એવી રીતે એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય. લીજો જોઝ પેલિસરી દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ આવી જ એક અસરકારક, દંગ કરી દેતી સિનેમેટિક સુંદરતાથી ભરેલી અદભુત ફિલ્મ છે.
મલયાલમ લેખક અને અનુવાદક એસ. હરીશની વાર્તા માઓઇસ્ટ પરથી બનેલી આ ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ તેમણે જ લખ્યો છે. ૨૦ થી ૨૮ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન ગોવામાં યોજાયેલા પચાસમાં ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જલ્લીકટ્ટુ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર લીઝોને મળ્યો. ફિલ્મને વિવેચકોએ વખાણી અને વધાવી લીધી.
જલ્લીકટ્ટુ મૂળ તો સદીઓ જૂની જોખમી એવી એક રમતનુ નામ છે જેમાં બળદને લોકોના સમૂહમાં છૂટો મૂકી દેવામાં આવે છે અને લોકો તે બળદની સવારી કરવાનો અને એમ શક્ય એટલું વધું અંતર કાપવાનો, એને રોકવાનો અને એના શિંગડે બાંધેલા ઝંડા ખોલવાનો પ્રયત્ન કરે છે. પણ ફિલ્મમાં એક રીતે આ રમતને અને એના નામને ઉંધે માથે પછાડ્યું છે.
જલ્લીકટ્ટુ ફિલ્મની વાર્તા કહેવી હોય તો માઇક્રોફિક્શન જેટલા શબ્દોમાં કહી શકાય, જોકે તે છતાં ૯૧ મિનિટની આ ફિલ્મ એક ક્ષણ પૂરતી પણ, કોઈપણ જગ્યાએ ઢીલી પડતી નથી. ઊલટાનું વાર્તા અને સ્ક્રીનપ્લે તેની સૌથી સબળ બાજુઓ છે.
સામાન્ય રીતે એવું મનાય છે કે વિવેચકોએ વખાણેલી ફિલ્મ કોમર્શિયલ પ્રેક્ષકો માટે કામની હોતી નથી, એવી ફિલ્મથી મનોરંજનની આશા રાખીને ગયેલા પ્રેક્ષકો નિરાશ જ થશે એવો સામાન્ય મત છે, પણ જલ્લીકટ્ટુ એમાં અપવાદ છે. જલ્લીકટ્ટુ રિલીઝ થઈ એ દિવસે એટલે કે ૪ ઓક્ટોબરે તેના સિવાય ત્રણ મલયાલમ ફિલ્મો અને અન્ય ભાષાની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં જોકર, વૉર, સ્યે રા નરસિંમ્હા રેડ્ડી સામેલ હતી તે છતાં જલ્લીકટ્ટુ સાત કરોડ ઉપરનો વકરો ફક્ત કેરલમાં પહેલા અઠવાડિયામાં કરી ગઈ.
વાત એમ છે કે વાર્કે નામનો એક કસાઈ છે, અને એ પહાડ વચ્ચે વસેલા આખા ગામને કાયમ ભેંસનું તાજુ માંસ પૂરું પાડે છે. પણ એકવાર એવું થાય છે કે ભેંસને મારવા જતા વાર્કેના હાથમાંથી એ છટકીને ભાગી જાય છે. અને ભાગતા ભાગતા એ દુકાનો, ઉભેલા પાક અને જડીબુટ્ટીના છોડવાઓને કચડતી સતત ભમ્યા કરે છે. ગામના ઘણા બધા લોકો વાર્કે તરફ આંગળી ચીંધે છે, પોલીસ બોલાવાઇ છે અને આખું ગામ જાણે હવે એ ભેંસને મારવાનું ધ્યેય લઈને નીકળી પડે છે. ભેંંસ હિંસક થઈ ચૂકી છે, અને એને પકડવામાં સતત મળી રહેલી નિષ્ફળતાને લીધે ગામલોકો વાર્કેના અને એની ટોળીના માણસ એવા એન્ટનીના વિરોધી અને બંદૂક ચલાવવામાં માહેર શિકારી કુટ્ટાચનને બોલાવે છે. પછી શું થાય છે, ભેંસ પકડાય છે કે નહીં અને જો પકડાય તો કઈ રીતે પકડાય એ જોવું રસપ્રદ છે જ અને એ જ ફિલ્મનું મુખ્ય સસ્પેન્સ પણ છે, પણ એની સાથે સાથે અન્ય નાના પ્લોટ, ખૂબ નાની વાર્તાઓ પણ સતત ચાલતી રહેશે, મુખ્ય વાર્તાના સસ્પેન્સ ઉપરાંત આ બધું પણ અત્યંત રસપ્રદ છે.
આ ફિલ્મની એક અનોખી અને ખૂબ જ નોંધપાત્ર કહી શકાય એવી બાબત છે એનું પાર્શ્વ સંગીત. કુદરતી અવાજોનો, જીવનમાં સામાન્ય રીતે આપણે જેને નોંધીએ પણ નહીં એવા માનવ અવાજો કેવી ખૂબસુરતીથી વાપર્યા છે, અને ફિલ્મની વાર્તા સાથે કેવા સરસ રીતે બંધ બેસે એ તો ખરેખર માણશો તો જ અનુભવશો. રેગન્થ રવિની સાઉન્ડ ડિઝાઇન અને પ્રશાંથ પિલ્લાઈનું સંગીત બાજી મારી જાય છે. ફિલ્મ શરૂ થાય ત્યારથી શરૂ થતા આ અવાજો છેક પૂરી થઈ જાય પછી પણ ગૂંજતા રહે છે.
જલ્લીકટ્ટુમાં કોઈ સુપરસ્ટાર અભિનેતા નથી એ ફિલ્મ માટે સૌથી મોટા આશીર્વાદ છે. ફિલ્મ ટેકનિકલી ખૂબ જ સબળ છે, ગિરીશ ગંગાધરનના વિઝ્યુઅલ અને કલ્પના, કેમેરાની ગતિ અને એંગલ અદભુત છે, એ માટે મલયાલમ સિનેમા લાંબા સમય સુધી આ ફિલ્મનું ઉદાહરણ આપી શકશે.
અર્જુન રેડ્ડી ફિલ્મ જેણે હિંસાને ઉત્સવ બનાવીને લોકો સમક્ષ પ્રસ્તુત કરતી હતી, એક માથાફરેલા માણસની તરત હિંસક થઈ જવાની વૃત્તિ ને આપણે બધાએ સીટીઓ મારી ને અને તાળીઓથી વધાવી લીધી હતી. જલ્લીકટ્ટુમાં માણસની આ જ હિંસક વૃત્તિ કોઈપણ મેકઅપ વગર દેખાડાઈ છે, એક કટાક્ષ છે આપણા બધા ઉપર કે જાઓ થાય તો હવે આ હિંસાને વધાવો. પણ ફિલ્મ પૂરી થઈ ગયા પછી પણ સ્તબ્ધ પ્રેક્ષક સર્જકનો સંદેશ બરાબર મર્મસ્થાને લાગ્યાની ખાતરી કરાવે છે.
ફિલ્મ પૂરી થઈ ગયા પછી પણ એ પાત્રો, એ ભેંસ, એ અવાજ અને એ વાતાવરણ ક્યાંય સુધી તમારી સાથે રહેશે એ નક્કી છે. માણસ અને જાનવર ની ભેદરેખા લગભગ ભૂંસી નાખતી આ ફિલ્મ ભારતીય ભાષાઓમાં બનતી ફિલ્મો નું અને એની શ્રેષ્ઠતાનું આગવું ઉદાહરણ છે. કાશ ક્યારેક કોઈક ગુજરાતી ફિલ્મ પણ આવી જ વાર્તા તથા બનાવટની દ્રષ્ટિએ પાંચમાંથી પાંચ ગુણ આપી શકીએ એવી બને.
આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર હિન્દી તથા અંગ્રેજી સબટાઈટલ સાથે ઉપલબ્ધ છે.
— જિજ્ઞેશ અધ્યારૂ
(મૂળે યંગિસ્તાન ગ્રુપ માટે ‘ફિલ્મીસ્તાન’ સ્પર્ધા અંતર્ગત ડિસેમ્બર ૨૦૧૯માં લખાયેલા આ રિવ્યૂને નવોદિત વિભાગમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.)
Me aa film joi ne tarat badha mitro ne suggest kari hati, mane khub j gami hati pan gujarati ma review aaje paheli var vanchva malyo. Aavi films indian cinema ne jivant rakhe chhe ane sathe afsos thai chhe ke aavi filmo vadhu loko sudhi pahochti nathi.
review etlo saras , sachot chhe k story line ni khabar pan padi jaay ane chhata film jovani ek dam ichha thai jaay… super reivew.