જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય 6


હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે મારું વક્તવ્ય રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.

લગભગ સર્વવિદિત છે કે આ નવલકથા અરુણા શાનબાગ સાથે થયેલી ગોઝારી ઘટનાના આધારે લખાયેલી છે. ક્યાંક વાંચેલું છે કે આ પ્રકરણ ચિત્રલેખામાં આવતા ત્યારે એક જ ઘરમાં વાંચવા માટે પડાપડી થતી, લોકોએ તુલસીને ભાનમાં લાવવા હરકિસનભાઈને રીતસરના પત્રો લખેલા. મુંબઈની કે.ઈ.એમ હોસ્પિટલની નર્સ અરુણા શાનબાગ પર એની જ હોસ્પિટલના વોર્ડબોય દ્વારા બળાત્કારનો પ્રયત્ન થયેલો અને એમાં નિષ્ફળ જવાથી એના ગળા ફરતે કૂતરા બાંંધવાની ચેનથી ભરડો લઈ મારી નાખવાનો પ્રયત્ન કરાયેલો. એથી અરુણાના મગજ સુધી જતી નસ કપાઈ ગઈ અને એ એક પ્રકારના કૉમામાં જતી રહેલી. બેંતાલીસ વર્ષે એ જ અવસ્થામાં એ મૃત્યુ પામી પણ પેલો ગુનેગાર તો ફક્ત સાત વર્ષ જેલ ભોગવીને છૂટી ગયો હતો એ સાચો ઘટનાક્રમ. નવલકથામાં અરુણાના પાત્રરૂપ નર્સ તુલસી ગોસ્વામી, એની સાથે સગાઈ થઈ છે એવા એની જ હોસ્પિટલના હાઉસ ડૉ. શ્રીકાંત, તુલસીનો બાળપણનો મિત્ર અને મનોમન એને ચાહતો ચિંતન, ચિંતનના માતા યશોદાબેન, હોસ્પિટલના ડીન ડૉ. શ્રીવાસ્તવ, તુલસીના પિતા મધુકર ગોસ્વામી, તુલસી પર બળાત્કારનો પ્રયત્ન કરનાર વોર્ડબોય સખારામ, સિસ્ટર ડિસોઝા, ડૉ. ગોર્કી, શ્રીકાંતની પત્ની સુરુચિ, શ્રીકાંતના પિતા રિટાયર્ડ જજ મિ. દિક્ષિત, ડિફેન્સ મિનિસ્ટર જગતનારાયણ, એનો પુત્ર સૂરજનારાયણ અને એવા તો અનેક વિશિષ્ટ પાત્રોનો આ નવલકથામાં જમાવડો છે. બે ભાગમાં અને નવસોથી (જૂની આવૃત્તિમાં અગિયારસોથી) વધારે પાનામાં વહેંચાયેલી આ નવલકથા મેં અનેકવાર વાંચી છે. નાગરિક બેંકના શ્રી ભરતભાઈ કાપડીઆએ જ્યારથી એના વક્તવ્યનો પ્રસ્તાવ મૂકેલો ત્યારથી એ ફરીથી પણ અલગ દ્રષ્ટિકોણથી, એ બીજા સુધી મારા કોઈપણ ઉમેરા કે અલગ અર્થ સિવાય પહોંચાડવાની છે એ હેતુપૂર્વક વાંચવાનું શરૂ કરી દીધેલું. દિવાળીની રજાઓમાં પણ એ વાંચન ચાલુ રહ્યું. અને મારે બોલવાનું હતું એ દિવસ આવ્યો ત્યાં સુધીમાં ત્રણેક વખત વાંચી ગયો.

પ્રશ્ન એ હતો કે બે કલાકમાં આખી નવલકથાના બંને ભાગ, ફક્ત મહત્વની ઘટનાઓ અને પાત્રો સાથે પણ મૂકવા અશક્ય હતા, એટલે મેં ફક્ત પહેલા ભાગ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું જે મારા મતે નવલકથાનું મુખ્ય આકર્ષણ છે. બીજા ભાગની ઘટનાઓ અને પાત્રો વિશે ફક્ત અછડતો ઉલ્લેખ કરીને પૂર્ણ કરવું એવું નક્કી કર્યું જેથી વાચકોને ઘટનાક્રમની ઈંંતેઝારી રહે. ઘરમાં બીજા માળે જઈને અનેક વખત રિહર્સલ કર્યા અને આખરે એ દિવસ આવ્યો. સદભાગ્યે એ દિવસ, ૧૭ નવેમ્બર, અમારો લગ્નદિવસ હતો. ભરતભાઈ અને સ્નેહલબેને પહોંચતાની સાથે જ લગ્નદિવસ નિમિત્તે મોઢું મીઠું કરાવીને અમને આવકાર્યા.

સ્નેહલબેન, ભરતભાઈ અને નાગરિક બેંકની વ્યવસ્થાપન ટીમની મહેનત ઉડીને આંખે વળગે એવી હતી. મારો પરિચય કદાચ આટલી સરસ રીતે પહેલા ક્યાંય અપાયો નહોતો, આ પરિચયનો પણ અત્યંત આનંદ હતો, તો સાથે જે દિગ્ગજો મારી પહેલા બોલી ગયેલા એમની યાદી જોઈને ગર્વ પણ થયો કે એ જ સ્ટેજ પર બોલવાનો મને પણ અવસર મળ્યો. પ્રાથમિક પરિચય પછી બોલવાનું શરૂ કર્યું તો એ વાર્તાપ્રવાહ અને પાત્રોની સાથે હું પણ વહેતો ગયો. સતત લગભગ પોણા બે કલાક સુધી જડ-ચેતનના પહેલા ભાગ વિશે શક્ય એટલી વિગતે પણ વાર્તાના મુખ્ય પ્રવાહને વળગી રહીને બોલ્યો. એ આખા વક્તવ્યનો વિડીઓ અહીં મૂક્યો છે. કાર્યક્રમ પછી રૂબરૂમાં અને સતત ત્રણ ચાર દિવસ વોટ્સએપ / ફેસબુક મેસેન્જર દ્વારા પ્રોત્સાહક પ્રતિભાવો મળતા રહ્યાં.

અને હવે પ્રસ્તુત છે એ વક્તવ્યનો નાગરિક બેંક દ્વારા યૂટ્યૂબ પર વહેંચાયેલો વિડીઓ..

Part I – Preamble
Jad Chetan Novel Part I
Jad Chetan Novel Part II

હવે ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાજકોટની લેંગ લાઈબ્રેરીમાં આદરણીય ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ની મારી બુકટૉક છે. શિયાળબેટ, સવાઈબેટ અને વરાહસ્વરૂપ મંદિર જેવા નવલકથામાં આવેલા સ્થળોની વચ્ચે એક આખો દાયકો રહ્યો છું એટલે એ વિશે બોલવાની પણ મજા આવશે એ ચોક્કસ. આપ સૌને બુકટૉકમાં આમંત્રણ છે, આપ સૌને મળવું મને ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય

  • Prakash Mandavia

    ખુબ સરસ, જડ ચેતન પર નું વક્તવ્ય રૂબરૂ માણવા ની તક ગુમાવી,
    પણ “સમુદ્રાન્તિકે” પર નું વક્તવ્ય રૂબરૂ માણવું છે,
    વક્તવ્ય નો સમય જણાવવા વિનંતી

  • hdjkdave

    આદરણીય શ્રી જીજ્ઞેશભાઈ,
    નિતનવા ક્ષેત્રોમાં ખેડાણ કરવાની અને આતમને પાંખ વીંઝવા દેવાની સુગમતા મુક્ત આકાશમાં મળે એ અવસર બધાને સુલભ નથી હોતો. શ્વાસોનો મહાસાગર તો સહુને મળે છે પણ એનો સાર્થક ઉપયોગ કરીને, તમે ઝંપલાવી, ડૂબકી લગાવી, મરજીવા બનીને માંહી પડો છો અને અમને મોતીની મહેફિલમાં મોજ કરાવો છો. જડ ચેતનમાં શ્રી હરકિસનભાઈની અને હવે શ્રી ધ્રુવભાઈ ભટ્ટની સર્જનશક્તિનો પરિચય તમારા શબ્દોમાં જરૂર ગમશે. રાજકોટ ન પહોંચી શકાય તેથી તમે તેને અક્ષરનાદ પર આપો છો તે સારી બાબત છે. આ વાત આભાર માનવાથી અટકતી નથી…યાત્રા સતત ચાલુ રહે છે…શુભેચ્છા સહ…(હર્ષદ દવે)