રશિઅન ડૉલ : જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી – જીજ્ઞેશ અધ્યારૂ 1


લંડનથી એક વાચકમિત્રે કહ્યું કે અનેક વેબશ્રેણીઓના રિવ્યૂ અક્ષરનાદ પર વાંચ્યા છે, પણ નેટફ્લિક્સની વેબશ્રેણી રશિઅન ડૉલ વિશે કેમ લખ્યું નથી? ચોતરફ એની ચર્ચા છે અને એને રૉટન ટોમેટૉસ પર સમીક્ષકોના ૯૬% અને પ્રેક્ષકોના ૮૭% જેવા રેટિંગ મળ્યા છે.. હકીકતે આ વેબશ્રેણી વિશે મને ક્યાંય કંઈપણ વાંચવામાં કે જોવામાં આવ્યું નહોતું એટલે મેં એમને લખ્યું કે હું ચોક્કસ જોઈશ અને ગમશે તો એના વિશે વિગતે લખીશ..

રશિઅન ડૉલ - જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી

અને છેલ્લા અઠવાડીયે લગભગ રોજ એકના સરેરાશ હિસાબે ‘રશિઅન ડૉલ’ના આઠેય હપ્તા જોયા, દરેક હપ્તે ઉત્કંઠા વધારતી, ક્યારેક તો એક જ ભાગમાં બે ત્રણ વખત જાણે ઝટકા આપી દિગ્મૂઢ કરી દેતી હોય એમ લાગે એવી આ શ્રેણી ટાઈમલૂપના વિચારને કેન્દ્રમાં રાખીને બનાવાયેલ અનેક ફિલ્મો – શ્રેણીઓમાં જ એક વધારો છે. પણ એની વાર્તાની માવજત, વાચકની ધારણાથી સતત વધારે આપી શકવાની એની ક્ષમતા અને વાર્તાકથનની અનોખી પદ્ધતિને લીધે એ નિખરી આવે છે.

‘ગ્રાઉન્ડહૉગ ડે’ ના શીર્ષક હેઠળ ૧૯૯૩માં બનેલી અને ખૂબ વખણાયેલી અમેરિકન કોમેડી ફિલ્મ પણ ટાઈમલૂપના વિચારને જ કેન્દ્રમાં રાખીને બનાવાઈ હતી. (ગ્રાઉન્ડહૉગ ડે – દર વર્ષે ૨ ફેબ્રુઆરીએ અમેરિકા અને કેનેડામાં ઉજવાતો એક તહેવાર જેમાં ઘૂસ જેવું એક પ્રાણી જમીનની બહાર આવી ચોખ્ખા વાતાવરણને લીધે જો પોતાનો પડછાયો જોઈ શકે અને પાછું પોતાના દરમાં જતું રહે તો શિયાળો છ અઠવાડીયા લંબાય, અને જો વાદળને કારણે એ પોતાનો પડછાયો ન જોઈ શકે તો વસંતઋતુ આવી ગઈ છે એવી માન્યતાને પોષતો દિવસ) એમાં નાયક ફિલ કોનર્સ ગ્રાઉન્ડહૉગ ડેની ઉજાણી રિપોર્ટ કરવા પેન્સિલવેનિઆ જાય છે, રાત્રે એ વહેલો સૂઈ જાય છે. બીજા દિવસે સવારે જાગી એ તૈયાર થાય છે, એ ચીડાયેલો છે, નાના શહેરમાં એને ગમતું નથી, એ મન વગરનું રિપોર્ટિંગ કરે છે, એને તરત પિટ્સબર્ગ પાછું જવું છે જ્યારે એની ન્યૂઝ પ્રોડ્યૂસર રીટાને હજુ વધારે કવરેજ કરવું છે, અને એ માટે ત્યાં વધુ રહેવું છે. દિવસને અંતે હિમવર્ષા સાથેનું સખત વાવાઝોડું રસ્તા બંધ કરી દે ત્યારે ફિલ વહેલો સૂઈ જાય છે, પણ બીજે દિવસે સવારે જાગે ત્યારે ફરી એ જ ગ્રાઉન્ડહૉગ ડે છે, ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે.. અને એ પછી રોજ સવારે ઉઠે ત્યારે એ જ ગ્રાઉન્ડહૉગ ડે.. એ દિવસમાં ફિલ પૂરાઈ ગયો છે.. ખેર, આ તો થઈ ‘ગ્રાઉન્ડહૉગ ડે’ ની વાત, વેબશ્રેણી ‘રશિઅન ડૉલ’ એથી થોડી આગળ જાય છે, વાર્તામાં નાવીન્ય છે, અને ઘણાં બધા ચમકારા..

પહેલા હપ્તાનું નામ છે, Nothing in This World Is Easy – એની શરૂઆત થાય છે વૉશરૂમમાં અરીસાની સામે ઉભેલી નાયિકા નાદિયાથી, એનો આજે ૩૬મો જન્મદિવસ છે, અને એની મિત્ર મેક્સીને એક પાર્ટી આપી છે, નાદિયા એ પાર્ટીમાં છે, સાથે જાણીતા – અજાણ્યા અનેક લોકો પણ એ પાર્ટીમાં છે. નાદિયા એક સોફ્ટવેર ઈજનેર – વિડીઓ ગેમ પ્રોગ્રામર છે અને એ પોતાના સંબંધોમાં અસ્થિરતાને લઈને ગૂંચવણમાં છે. એ ઢગલાબંધ સિગરેટ ફૂંકે છે અને મનફાવે એમ શરાબ પીવે છે. એનો પહેલાનો બોયફ્રેન્ડ જ્હોન પણ આ પાર્ટીમાં આવ્યો છે અને એ નાદિયાની સહાનુભૂતિ ઈચ્છે છે, એ પોતાની પત્નીને છૂટાછેડા આપવાની તૈયારીમાં છે, નાદીયાનો બિલાડો ઓટ્મીલ ત્રણ દિવસથી ખોવાઈ ગયો છે એની નાદિયાને ચિંતા છે. પાર્ટીમાં મેક્સીન એને કોકેઈન ભરેલી એક સિગારેટ આપે છે જેમાંથી નાદિયા થોડા કશ લે છે, એ ખૂબ પીવે છે અને પછી પાર્ટીમાં આવેલા જેરેમી બોબ – સાહિત્યના પ્રોફેસર સાથે પાર્ટી પછી નીકળી પડે છે. બંને પાસેની દુકાનમાંથી જરૂરી વસ્તુઓ લઈ નાદિયાના ઘરે જાય છે. વહેલી સવારે નાદિયા બૉબને તેના ઘરે મોકલી આપે છે અને પોતે સિગારેટ ખતમ થઈ ગઈ છે એ લેવા પેલા સ્ટોર તરફ જાય છે. રસ્તાની સામેની તરફ એને પોતાનો બિલાડો ઓટ્મીલ દેખાય છે, એને પકડવા નાદિયા રસ્તો ક્રોસ કરવા જાય ત્યારે રસ્તા પર પૂરપાટ આવી રહેલી એક ગાડી સાથે તેનો અકસ્માત થાય છે અને તે રસ્તા પર જ મૃત્યુ પામે છે.

પણ બીજી જ ક્ષણે નાદિયા ફરી મેક્સીને પાર્ટી આપી છે એ જગ્યાના પેલા બાથરૂમમાં છે, બેકગ્રાઉન્ડમાં એ જ ગીત વાગી રહ્યું છે, દરવાજાની બહાર નીકળે ત્યારે એ જ લોકો, મેક્સીન એને પહેલાની જેમ જ જન્મદિવસની શુભેચ્છાઓ આપે અને કોકેઈન ભરેલી પેલી સિગારેટ આપે છે.. આપણને બધાને ઘણી વાર અનુભવાય એમ નાદિયાને પણ લાગે છે કે એને ભ્રમ થયો છે.. નાદિયા ફરી રાત્રે ઓટ્મીલને શોધી કાઢે છે અને એને પકડીને નદી કિનારે એક બાંકડાને અઢેલીને સવારની રાહ જોતી બેઠી રહે છે, એને ઝોકું આવી જાય એમાં ઓટ્મીલ એના હાથમાંથી છટકી જાય છે, અને એને શોધવાની લ્હાયમાં એ નદીમાં પડી મૃત્યુ પામે છે..

અને ફરી, બીજી જ ક્ષણે નાદિયા ફરી મેક્સીને પાર્ટી આપી છે એ જગ્યાના પેલા બાથરૂમમાં છે, બેકગ્રાઉન્ડમાં એ જ ગીત વાગી રહ્યું છે.. અને હવે નાદિયાને ખાત્રી થઈ રહી છે કે એને કોઈ ભ્રમ નથી થઈ રહ્યો, એ સાચે જ મરી રહી છે.. પણ એનું કારણ શું? પોતાના જન્મદિવસની સાંજે એ બાથરૂમમાં અરીસા સામે ઉભેલી અને એ પછીના ગણતરીના કલાકોમાં મોતને ભેટતી નાદિયા એ સમયમાં કયા કારણે અટવાઈ ગઈ છે? કુદરત એની પાસેથી શું ઈચ્છે છે? આ ટાઈમલૂપમાંથી મુક્ત થવાનો માર્ગ કયો? વાર્તામાં ચડાવઉતાર સાથે આવતી અનેકવિધ ઘટનાઓ અને ઘણીબધી નાની વિગતો, ઘણાં સરસ સંવાદો સાથેની આ વેબશ્રેણી બીજા હપ્તાથી તમને એવા પકડી લે કે તમને ‘હવે શું થશે?’ નો પ્રશ્ન સતત મનમાં ગૂંજતો લાગે. બીજા હપ્તામાં એ પાંચ મિનિટમાં ચાર વાર મરે છે.. એ દાદરા પરથી પડીને, ઠંડીથી થીજી જઈને, રસ્તાપરના ખાડામાં પડીને, ગેસલીક થવાથી બ્લાસ્ટમાં, કોઈએ મારેલી ગોળીથી, ગળામાં ચિકન ફસાઈ જવાથી એમ અનેક રીતે મરતી રહે છે અને એમ થવાના કારણો શોધતી રહે છે, તમને વાર્તામાં એકરૂપતા આવતી લાગે કે તરત ત્રીજા હપ્તાને અંતે એક નવા પાત્રનો પ્રવેશ થાય છે.. લિફ્ટ પડી રહી છે, નાદિયાને ખબર છે કે અનેક રીતે થયેલા એના મૃત્યુમાં આ એક નવો ઉમેરો છે, પણ એની સાથે ઉભેલો પેલો યુવાન કેમ ગભરાયેલો નથી? ‘તને સમાચાર મળ્યા કે નહીં? આપણે મરી રહ્યાં છીએ!” નાદિયા એને કહે છે, અને જવાબમાં એ કહે છે, “મારા માટે કોઈ નવાઈ નથી, હું તો કાયમ મરતો જ રહું છું..” અને લિફ્ટ ધડાકાભેર પડે છે, બીજી જ ક્ષણે નાદિયા ફરી મેક્સીને પાર્ટી આપી છે એ જગ્યાના પેલા બાથરૂમમાં છે.

રશિઅન ડૉલ - જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી
Netflix series Russian Doll – The lift Scene Ep. 3

એ કોણ હતો? નાદિયા અને એ યુવાનની જિંદગી કઈ રીતે સંકળાયેલી છે? શું નાદિયા એને ફરી શોધી શક્શે? એ સિવાય અનેક બીજા પાત્રો પણ નાદિયા સાથે એક અથવા બીજી રીતે સંકળાયેલા છે, પણ એ કોઈ નાદીયાની જેમ ટાઈમલૂપમાં નથી, એ દરેક પાત્રમાંથી નાદીયાની આ પરિસ્થિતિમાં એની કોણ મદદ કરી શકે? એની ક્યાં અને શું ભૂલ થઈ છે? એ આ વિષચક્રમાંથી કેમ કરીને બહાર નીકળશે? આ બધા પ્રશ્નોના જવાબ માટે તમારે વેબશ્રેણી ‘રશિઅન ડૉલ’ જોવી જ રહી.

આખી શ્રેણીમાં નાદિયા જ્યારે બાથરૂમમાં દેખાડાઈ છે ત્યારે પહેલીવાર અને મૃત્યુ પછી બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત શરૂઆતમાં મજેદાર અને પછી ભયાનક લાગવા માંડે છે, એક હદથી વધારે મૃત્યુ પછી નાદિયાને જ્યારે અનુભવ થાય કે એના દરેક મૃત્યુ સાથે પાર્ટીમાં લોકો ઓછા થઈ રહ્યાં છે, અને એક સમયે ફક્ત મેક્સીન સિવાય આખું મકાન ખાલી હોય છે ત્યારે એ ગીત ભયાનક લાગે છે. એક જ ગીતને અનેકવિધ સ્વરૂપે દેખાડી શકવાની ક્ષમતાનો અદ્રુત ઉપયોગ અહીં થયો છે. એ ગીત છે હેરી નિલ્સનના ૧૯૭૧ના આલ્બમ ‘નિલ્સન સ્મિલ્સન’નો ટાઈટલ ટ્રેક.. નતાશા આ ગીત વિશે કહે છે, ‘કાયમ એક એવો અંત એમાં દેખાય છે જે અપ્રિય હોય, જે હેરીના ગીતમાં ઉપરછલ્લી રીતે નહીં, પણ એના મૂળ ભાવની, એની સપાટીની નીચે જઈને અનુભવાય. એક જ ક્ષણે ખૂબ આશાવાદી અને છતાં અંધારભર્યું..”

ગીતના શબ્દો છે..

Gotta get up, gotta get out, gotta get home before the morning comes
What if I’m late, gotta big date, gotta get home before the sun comes up
Up and away, got a big day, sorry can’t stay, I gotta run, run, yeah
Gotta get home, pick up the phone, I gotta let the people know I’m gonna be late
There was a time when we could dance until a quarter to ten,
We never thought it would end then, we never thought it would end
We used to carry on and drink and do the rock and roll
We never thought we’d get older
We never thought it’d grow cold, but now
Gotta get up, gotta get out, gotta get home before the morning comes..

આખી શ્રેણીના ફિલ્માંકનમાં અનેક નાની નાની બાબતો પ્રત્યે ચીવટ દેખાઈ આવે છે, અને ખૂબ સરસ સિનેમેટોગ્રાફી આખી શ્રેણીનું મુખ્ય પાસું છે. ભલે ટાઈમલૂપને લીધે વાર્તાનું એક દ્રશ્ય સતત પુનરાવર્તન પામે, પણ દરેક દ્રશ્ય, દરેક હપ્તો એટલી બધી નવીનતાથી ભરપૂર છે કે એમાં સ્ક્રિપ્ટ સહેજ પણ ઢીલી પડી નથી. ક્યારેક તો એ જ દ્રશ્ય જે શરૂઆતમાં કોમેડી લાગતું હોય એ બે હપ્તા પછી દુ:ખદ અને છેલ્લા હપ્તામાં ભયાનક લાગે છે. જીવનની સાથે જોડાયેલી અનેક વિસંગતતાઓ અને સંઘર્ષો, લોકો તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ અને સહાનુભૂતિની જરૂરત હોય એવા લોકો પ્રત્યે પ્રત્યે આપણી બરછટ લાગણી, પોતાના મૃત્યુના કારણો શોધવામાં નાદિયા આપણને કેટકેટલું બતાવી જાય છે! અહીં કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન નથી, અને તે છતાંય મૃત્યુની શક્યતાની એની દરેક તપાસમાં એ ઘણું કહી જાય છે.

પ્રોડ્યૂસર અને સર્જક હોવાની સાથે નાદિયાનું મુખ્ય પાત્ર નિભાવતી નતાશા લિઓન અભિનય દ્વારા પણ બાજી મારી જાય છે. એની દરેક મુખમુદ્રા, જિંદગી જીવવાની એની બિંદાસ્ત રીત, સમયની કેદમાંથી નીકળવા માટે વિચારવું જોઈશે એ કામ માટેનો એનો કંટાળો અને ગુસ્સો, ગુસ્સાથી કંઈ નહીં વળે એ સમજ પછીનો એનો લોકો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ અને છેલ્લે રૂના ઢગલામાંથી સોય શોધવાનો યત્ન, આપણને ખરેખર એમ જ લાગે કે નતાશાએ નાદિયાનું પાત્ર નથી ભજવ્યું પણ એ ખરેખર ટાઈમલૂપમાંં ફસાયેલી છે.

અનેક વેબશ્રેણીઓના જમાવડા વચ્ચે માત્ર ‘ટાઈમલૂપ’ હોવાના લીધે શરૂ કરેલી ‘રશિઅન ડૉલ’ એક ક્ષણ પણ નિરાશ નથી કરતી. ખૂબ સબળ અને સ્પષ્ટ વાર્તાકથન, મજેદાર અને રસપ્રદ વળાંકો, પ્રભાવશાળી અભિનય, સહજ સંવાદો, વાર્તાની સાથે સતત વહેતો એક અંડરકરંટ જે સતત પ્રેક્ષકને વાર્તાથી આગળ લઈ જાય, અને ખૂબ આશાભર્યો અંત.. બધું મળીને આ શ્રેણીને આટલી લોકપ્રિય બનાવે છે.

જુઓ નેટફ્લિક્સની આ શ્રેણીનું ટ્રેલર..

સાંભળો હેરી નીલ્સનનું Gotta get up, gotta get out આખું ગીત..


આપનો પ્રતિભાવ આપો....

One thought on “રશિઅન ડૉલ : જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી – જીજ્ઞેશ અધ્યારૂ