‘અથશ્રી’ પ્રશ્નોત્તરીના જવાબો 1


મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે. એનું વિધિવત વિમોચન કારતક સુદ સાતમે, તા. 21 નવેમ્બર ને શનિવારે સાંજે કરીશું. એ વિમોચનમાં અનેક આદરણીય વડીલોની આપણાં આ ગ્રંથો વિશેની, એના પાત્રો વિશેની અને એ વિશે થતાં પ્રશ્નો તથા એના ઉત્તરો વિશેની વાતો વિગતે કરીશું જ.

પુસ્તકના અનેક મિત્રોના હ્રદયંગમ પ્રતિભાવો સહ આજે પ્રસ્તુત છે આપણાંં ગ્રંથોમાંથી જ ખૂબ જાણીતી વાતોને સાંકળતી અને જેને અનેક મિત્રોનો અદ્રુત પ્રતિભાવ મળ્યો છે એ પ્રશ્નોત્તરીના જવાબો. બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપનાર કોઈપણ બે વિજેતાઓને ‘અથશ્રી’ પુસ્તક તદ્દન નિ:શુલ્ક મોકલવાનું છે પણ કોઈ પણ મિત્ર બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપી શક્યા નથી એટલે જેમનો એક જ ઉત્તર ખોટો છે એવા બે મિત્રોને વિજેતા સ્વરૂપે પુસ્તક પાઠવીશ. એ બે વિજેતાઓના નામ અને પ્રશ્નોત્તરીની વિગતો પોસ્ટને અંતે મૂક્યા છે.. વિજેતાઓ અંગે, જવાબો અંગે અંતિમ નિર્ણય જિજ્ઞેશ અધ્યારૂનો એટલે કે મારો જ છે..

તો હવે પ્રશ્નોના ઉત્તરો

૧. મહારાજ ધૃતરાષ્ટ્રના સંતાનોમાં દુ:શલા કયા ક્રમે હતી?

જવાબ છે ૧૦૨ મા ક્રમે, કારણ કે મહાભારતના ક્રમ મુજબ દુર્યોધન, યુયુત્સુ અને પછી બીજા ૯૯ ભાઈઓ એટલે દુ:શલા ૧૦૨ ક્રમે આવે.

૨. માતા કુંતીના કુલ કેટલા સંતાનો હતાં?

કુલ ચાર સંતાનો, કર્ણ, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન

૩. દુર્યોધને ગંગા કિનારે જળક્રીડા માટે પાંડવોને બોલાવ્યા એ સ્થળનું નામ શું હતું? જ્યાં ભીમને ગંગામાં પધરાવી દીધો હતો.

ગંગાકિનારે આવેલી એ જગ્યાનું નામ હતું પ્રમાણકોટિ

૪. દાસ તરીકે વેચાયા પછી મહારાજ હરિશ્ચંદ્રને તેમના માલિકે કયું કામ આપ્યું?

સ્મશાન જાળવણી, અંતિમ વિધિ માટે કર ઉઘરાવવાનું અને પછી શબ બાળવાનું.

૫. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ કયા ગ્રંથનો ભાગ છે?

વેદ વ્યાસ કૃત મહાભારત

૬. ધૌમ્ય ઋષિના કયા શિષ્યને એની ગુરુભક્તિ માટે યાદ કરાય છે?

જવાબ છે આરુણી જે ગુરુની ચિંતા નિવારવા ખેતરમાં પાણીની પાળે પડેલા બાકોરાને બંધ કરવા એની આડો આખી રાત સૂઈ રહ્યો, પછી એનું નામ ઉદ્દાલક થયું, ઉદ્દાલક એટલે પાણીનો બંધ..

૭. ‘મારા જ નામવાળી કન્યા મળશે તો હું લગ્ન કરીશ.’ એવું વચન કયા મુનિએ લીધેલું?

મુનિ જરત્કારુ

૮. મહારાજ યુધિષ્ઠિરના પુરોહિત કોણ હતા?

ઋષિ ધૌમ્ય

૯. લંકા જતાં હનુમાનજીને કઈ ત્રણ સ્ત્રીઓ મળી હતી?

સુરસા, સિંહિકા અને લંકિનિ

૧૦. અમુક વિશેષ વિધિમાં જનોઈને ડાબા ખભેથી જમણે કરવાની ક્રિયાને શું કહેવાય છે?

અપસવ્ય જે પિતૃઓ માટેની વિધિમાં થાય છે.

૧૧. શ્રીકૃષ્ણ મહાભારતમાં જેને આનર્તનગર કહે છે એ જગ્યા આજે કયા નામે ઓળખાય છે?

દ્વારકા (મહાભારતમાં જ એનો ઉલ્લેખ છે)

૧૨. વાલીને કયા ઋષિએ શ્રાપ આપ્યો હતો?

ઋષી માતંગ અથવા મતંગ

૧૩. અઢાર દિવસના મહાભારત યુદ્ધમાં કર્ણનો યોદ્ધા તરીકે પ્રવેશ કયા દિવસે થાય છે?

૧૧મા દિવસે

૧૪. ત્રિગર્ત ભાઈઓમાં સહુથી મોટો ભાઈ કોણ હતો?

સુશર્મા

૧૫. કોણ હનુમાનજીને સમુદ્ર પાર કરવા એમની શક્તિઓ યાદ અપાવે છે?

જામવંત (જાંબુવાન)

૧૬. શ્રીરામ શબરીને કયા સરોવરની નજીક મળ્યા હોવાનું મનાય છે?

પંપા સરોવર

૧૭. સ્વર્ણમૃગનું રૂપ ધરીને રાવણે જેને મોકલ્યા હતા એનું નામ શું હતું?

મારિચ જે રાવણના મામા હતાં

૧૮. ઋષિ શૃંગના માતાપિતા કોણ હતાં?

મુનિ વિભંડક અને અપ્સરા ઉર્વશી

૧૯. લક્ષ્મણજીના પ્રાણ બચાવવાનો ઉપાય બતાવનાર વૈદ્યનું નામ શું હતું?

સુષેણ

૨૦. જટાયુનો ભાઈ જે સીતાજીના સમાચાર હનુમાનજીને આપે છે એનું નામ શું?

સંપાતિ


આશા છે આ પ્રશ્નોત્તરીથી મિત્રોને મજા આવી હશે. ફોન કરીને અને વ્હોટ્સએપથી પણ આ પ્રશ્નો માટે ઉત્સાહ વ્યક્ત કરનાર મિત્રોનો આભાર. જવાબોની ચર્ચા આ પ્રશ્નોત્તરી ચાલુ હોવાથી કરી નહોતી, હજુ સ્પષ્ટતા ન થઈ હોય તો હવે એ મિત્રોને સ્પષ્ટતા આપી શકીશ.

મહદંશે બધા પહેલા પ્રશ્નના, દુ:શલાના સંતાન તરીકેના ક્રમના ઉત્તરમાં જ ખોટા પડ્યા છે જ્યારે પંપા સરોવર સૌથી વધુ અપાયેલો સાચો જવાબ છે. સૌથી ઓછા સાચા ઉત્તર વીસમાંથી શૂન્ય છે. અઢાર સાચા ઉત્તર આપનાર છ મિત્રો છે અને સત્તર સાચા ઉત્તર આપનાર પણ છ મિત્રો છે.

બધા સાચા જવાબો આપનાર કોઈ નથી અને એથી જેમના મહત્તમ જવાબ સાચા છે એવા બે જ મિત્રો છે એટલે મારે લકી ડ્રો કરવો પડ્યો નથી. એ મિત્રોના નામ નીચે મુજબ છે.

૧. આશુતોષ ભટ્ટ

૨. રાજેશ જયરામભાઈ ચૌહાણ

બંને મિત્રોને અભિનંદન અને ધન્યવાદ, તમારાં સરનામાં જે ફોર્મમાં લખ્યા એ કન્ફર્મ કરવા મારો વ્હોટ્સએપ પર સંપર્ક કરશો.

અથશ્રી હવે ધૂમખરીદી પર પણ ઉપલબ્ધ છે.. એની કડી છે..

https://www.dhoomkharidi.com/athashree-gujarati-book-by-jignesh-adhyaru

ઉપરાંત અમેઝોન પર નીચેની કડીએ ઉપલબ્ધ છે..

Amazon Link of Athashree

અને નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પરથી તો એ મળશે જ.

https://navbharatonline.com/athashree.html


આપનો પ્રતિભાવ આપો....

One thought on “‘અથશ્રી’ પ્રશ્નોત્તરીના જવાબો