અમદાવાદના ઓરોબોરોસમાં અમે જ્યારે ‘હું ચંદ્રકાંત બક્ષી’ જોવા ગયા ત્યાં સુધીમાં તો થિએટર હાઊસફુલ થઈ ગયેલું. માંડ ટીકિટનો મેળ પડ્યો, એ પણ સૂચના સાથે, ‘બેસવામાં અગવડ થશે, શો હાઉસફુલ છે.’ મેં કહ્યું, ‘કંઈ વાંધો નહીં, પણ જોવું તો છે જ..’ એ જ દિવસે બપોરે વેન્ટિલેટર જોયેલું એટલે પ્રતીક ગાંધીનો અભિનય માનસપટ પર છવાયેલો હતો, અને ‘હું ચંદ્રકાંત બક્ષી’માં એમના અભિનય વિશે ખૂબ સાંભળેલું, એટલે અવસર ચૂકવો નહોતો. અમે દાખલ થયા તો લોકોનો ધસારો અને ઉત્સાહ ખૂબ હતો પણ થિએટરની ક્ષમતા ઓછી, એટલે લોકો વધી ગયેલા; પણ તે છતાં બધા શાંતિથી ગોઠવાઈ ગયા. ઘણાંને નીચે બેઠા, કેટલાક પગથિયાં પર બેઠા, કેટલાક તો એ સ્ટેજની ધારે.. પણ બધાનો હેતુ હતો ચંદ્રકાંત બક્ષીને વાયા પ્રતીક ગાંધી માણવાનો..
મનોજ શાહ દિગ્દર્શિત અને શિશિર રામાવત લિખિત આ દોઢ કલાકનો મોનોલૉગ બક્ષીના વાચકો – ચાહકો માટે તો એક જલસો છે જ.. બક્ષીસાહેબ વાયા પ્રતીકભાઈ કહે છે એમ.. ‘Its a lark..’, બક્ષીને ન જાણતા હોય કે ન વાંચ્યા હોય એવા લોકોમાં તેમના વ્યક્તિત્વની એક અલગ અને સજ્જડ છાપ છોડી જાય એવું સરસ લેખન છે આ નાટકનું, અને આપણી ભાષામાં આ પ્રકારના અદ્રુત પ્રયોગ થાય છે એ જાણીને જોવાની ઉત્સુકતા ખૂબ હતી.
લગભગ છએક વર્ષ પહેલા એક મિત્ર સાથે મુંબઈના ‘પૃથ્વી’ થિએટરમાં ‘સ્પન્ક’ નામનું એક અંગ્રેજી કૉમેડી નાટક જોયેલું. ‘પૃથ્વી’ની સામાન્ય છાપ એવી છે કે ત્યાં આવતા નાટકોમાં ભારોભાર ગુણવત્તા હોય; નિરાશ ન જ કરે, અને બીજી એક છાપ એવી કે ત્યાં ભાગ્યે જ કોઈ ગુજરાતી નાટક થાય. મનોજભાઈના ‘આઇડિઆસ અનલિમિટેડ’ના ગુજરાતી નાટકો એમાં અપવાદ; એટલે એના વિશે મને કાયમ ઉત્સુકતા રહે.. દોઢ બે વર્ષ દિલ્હીમાં અને એ પહેલા થોડો સમય કર્ણાટકમાં હોવાથી ઘણાં નાટકો વિશે ફક્ત વાંચ્યુ હતું, પણ એ જોવાનો અવસર નહોતો મળ્યો.
મહીનાઓ પહેલા દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય થિએટર ફેસ્ટિવલમાં એમનું ‘ડૉ. આનંદીબાઈ’ નાટક જોયેલું, એ પણ દોઢ કલાકનો મોનોલૉગ – એ વિશે પણ લખ્યા વગર નહોતો રહી શક્યો. (એ રિવ્યુની લિંક આ રહી.) એ જોવા ગયો ત્યારે વિચારેલું કે મોનોલોગ અને એ પણ દોઢ કલાકનો? એક જ માણસ સતત બોલ્યા કરે એને આપણે કેટલું સાંભળી શકીએ? એની ક્ષમતાની અને આપણી ધીરજની કસોટી ન થઈ જાય? પણ મનોજભાઈ શાહનું નામ હતું એટલે વિશ્વાસ હતો કે કંઈક અલગ જ હશે.. અને એ વિશ્વાસ સાર્થક થતો હોય એમ નાટકમાં ખબર જ ન પડી કે દોઢ કલાક ક્યારે પૂરો થઈ ગયો. આનંદીબાઈની જિંદગી વાયા માનસી જોશીના અભિનયમાં જાણે સજ્જડ બંધાઈ ગયેલો. એ અદ્રુત અનુભવે જે મજા કરાવેલી એનું જ પુનરાવર્તન મેળવવાના ઉત્સાહ સાથે જોયું ‘હું ચંદ્રકાંત બક્ષી’..
બક્ષીના જીવનની, સંઘર્ષો અને સંતોષની, વ્યક્તિત્વ અને ખુદ્દારીની વાત સચોટ કહેતી એકદમ ચુસ્ત સ્ક્રિપ્ટ, જે કહેવું છે એ સિવાય કંઈ જ નહીં કહેવાની કાળજી અને અભિનયનો ઉજાસ – હું ચંદ્રકાંત બક્ષી આ બધા જ માપદંડો સજ્જડ સાચવે છે. બક્ષીનામા લગભગ બેથી વધુ વખત વાંચ્યું છે, એટલે એમના જીવન વિશે તો ખ્યાલ હતો જ. ગયા મહીને કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં હતો ત્યારેય બક્ષીને યાદ કરેલા. પાલનપુર અને કલકત્તા, બંને સાથે બક્ષીનું અદ્વિતિય જોડાણ નાટકમાં સતત ઝળક્યા કરે છે.
‘મને અહંકાર ઓમકાર જેટલો જ સરસ લાગ્યો છે. તૂટેલા માણસને એનો અહં ટકાવી રાખે છે. અહં બ્રહ્માસ્મિનો અર્થ આવો જ કંઈક થતો હશે..’ શબ્દો બોલાય છે પ્રતિકભાઇના મુખે પણ એ ભાવ બક્ષીનો જ છે.. પ્રતીકભાઈનો અભિનય ખરેખર કાબિલેદાદ છે, બક્ષી તરીકે એ જ્યારે સાહિત્ય વિશે વાત કરવાના હોય ત્યારે પાસે મૂકાયેલી સીડીના પગથિયા ચડીને ઉભા રહે છે – આ મેટાફોર માટે એક દિગ્દર્શક તરીકે મનોજભાઈની દ્રષ્ટિને સલામ છે.. અને બક્ષીના જીવન વિશે વાત કરતા હોય ત્યારે પ્રતીકભાઈ ફ્લોર પર ઉભા રહીને, કોટ કાઢતા કે પહેરતા, ખુરશી પર વિવિધ મુદ્રાઓમાં બેસતા, શર્ટની બાંય ચડાવતા ને ઉતારતા, વ્હિસ્કીનો પેગ બનાવતા ને પીતા, ચશ્મા કાઢતા ને પહેરતા જોવા મળે.. આ બધી મુદ્રાઓમાં જો એક વાત સર્વસામાન્ય છે તો એ કે એ બધી જ એક્શન સાહજીક લાગે, એમના અભિનયમાં – ચાલી રહેલી વાતમાં એ તમને ક્યાંય ખલેલ ન પહોંચાડે. સીડીના ચોથે પગથિયે ઉભા રહીને એ જ્યારે ‘ઈટ્સ અ લાર્ક્’ બોલે ત્યારે આપણે બત્રીસે કોઠે દીવા થઈ જાય, ‘ઈટ્સ અ લાર્ક્ બક્ષી’દા’.
‘મરદની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં ન જવું’ જેવા બક્ષીના અનેક પ્રખ્યાત ક્વોટ્સ પણ આ નાટકમાં છે, સેક્સ વિશેની વાત કરવામાં એમનો વારો બે કલાકે આવ્યો ત્યારે ‘આ બાબતે હું બે કલાક રાહ ન જોઉં’ કહેતા બક્ષીની ચતુરાઈ તાદ્દશ દેખાઈ આવે, પ્રતીકભાઈના અભિનયથી સજીવન થઈ ઉઠતા બક્ષીને સતત તાળીઓ મળતી રહી. કોલમ લખવાની શિસ્ત વિષે, સંઘર્ષના સમય વિષે, કુત્તી પર થયેલા કોર્ટકેસ વિષે, પૈસા કમાવાની જદ્દોજહદ વિષે – એ બધી વાતો જાણે બક્ષીના હૃદયમાંથી નીકળતી હોય એમ લાગતું રહ્યું. આખાય નાટકમાં ઢગલો વખત તાળીઓનો ગડગડાટ થયો હતો પણ નોંંધપાત્ર બાબત એ રહી કે એમણે બક્ષીની આંતરીક વિચારસૃષ્ટિ પણ ખોલી આપી છે. માતાનું મૃત્યુ થયું એ વાત કરતા બક્ષી અને દગો થયો ત્યારની વાત કરતા બક્ષી ખૂબ સંવેદનશીલ બની રહ્યાં છે.
સીડી, ખુરશી અને કોટ – ચશ્મા જેવા નગણ્ય પ્રોપ સાથે એક જીવનચરિત્રની આખી રૂપરેખા દોઢ કલાકમાં ફક્ત એક પાત્ર વડે આપવી એ જોખમભર્યું કામ તો છે જ. વળી એમાંય એ પાત્ર જ્યારે બક્ષી જેવું જલદ અને સ્વમાનપ્રિય હોય, એમના પાત્રમાં અનેક શેડ્સ હોય, જીવનના અનેક ઉતારચડાવ દેખાડવાના હોય્ અને બધુંય અભિનય પર જ આધાર રાખે ત્યારે એ ફક્ત અભિનેતા અને દિગ્દર્શક નહીં, લેખક માટે પણ એક પડકાર બની રહે છે. શિશિરભાઈનું લેખન એકદમ સ્પષ્ટ, મુદ્દાસરનું, મોનોલૉગમાં આવે ત્યારે આકર્ષક અને રસપ્રદ લાગે એવું તથા દર્શકને સતત દોઢ કલાક જકડી રાખે એવું થયું છે, કદાચ હજુ વધારે હોત તો પણ એ નીરસ નહોતું થયું એટલે મજા જ આવી હોત. સ્ક્રિપ્ટ એ કોઈ પણ નાટકનો આત્મા છે, અને ખાસ કરીને જ્યારે સ્ક્રિપ્ટની અસરકારકતાનો બધો આધાર એક જ વ્યક્તિના અભિનય પર હોય, ત્યારે નાટક પૂરું થયા પછી પણ અભિભૂત થઈને થિએટરની બહાર જઈ રહેલ પ્રેક્ષક વર્ગની આંખોમાં એની સફળતાના પુરાવાઓ મળી રહે છે. તો પરકાયાપ્રવેશ, અને એ પણ બક્ષી જેવા વ્યક્તિત્વમાં; દોઢ કલાક એક પણ ભૂલ વગર એકધારો મોનોલૉગ, અને છતાંય એક પણ ક્ષણ કોઈનું ધ્યાન એમની પરથી હટ્યું નથી. લાઈટ્સનો બહેતરીન ઉપયોગ થયો છે. ઓજસ ભટ્ટનું સંગીત સરસ છે. સૌથી મજેદાર તો એ કે પ્રતીકભાઈ અભિનય કરે ત્યાંથી બે-ત્રણ વેંત દૂર બેઠેલા પ્રેક્ષકને લીધે અસહજ થવાને બદલે એ વધુ ખીલી ઉઠ્યા. પ્રતીક ગાંધીના સ્વરૂપે એક અદનો અભિનેતા, જે રાજકુમાર રાવ કે ઈરફાનની જોડે ઉભો રહી શકે – મળ્યો છે એ ગુજરાતી તખ્તા માટે ગર્વની અને આનંદની વાત છે.
મનોજભાઈનું જ ક્વોટ છે કે, ‘ચંદ્રકાંત બક્ષી એ માણસ છે જેમણે ગુજરાતીઓમાં ગુજરાતીપણાનો – આપણા હોવા વિશેનો ગર્વ તીવ્ર બનાવ્યો છે.’ એક સર્જક ઉપરાંત વ્યવસાયી, શિક્ષક, પુત્ર અને પિતા જેવા બક્ષીના જીવનના લગભગ બધા પાસાને આ નાટક સ્પર્શે છે. બક્ષીજીને એમના ચાહકોએ જોયા – સાંભળ્યા છે અને એમના બક્ષીનામા ઉપરાંત ઢગલો પુસ્તકો હાથોહાથ ખરીદાતા હોય ત્યારે એમાંથી બક્ષીના જીવનને પ્રતિબિંંબિત કરવાનો શિશિરભાઈનો પ્રયત્ન ખૂબ સફળ રહે છે. અમે નાટક જોયું એ દિવસે બક્ષીજીના પુત્રી રીવાજી પણ પ્રેક્ષકવર્ગમાં હતા અને નાટકને અંતે એમને સ્ટેજ પર જોઇને આનંદ થયો. હવે મનોજભાઈના ‘કાર્લ માર્ક્સ ઈન કાલબાદેવી’ અને ‘મોહનનો મસાલો’ જેવા ખૂબ વખણાયેલા નાટક જોવાના બાકી રહ્યાં છે.. અને મને ખાત્રી છે કે એ નાટ્યપ્રયોગો પણ રિવ્યુ લખવા આમ જ મજબૂર કરશે..
વાહ!વાહ.!જાણે રુબરુ નાટક માણતા હોય એવું અનુભવ્યું.
ડો.મુકેશ આર. મહેતા.
ખુબ સરસ અને મન્ ગમ્તો લેખ્.
અભિનન્દન્
હેમન્ત શાહ્
વાહ અદ્ભુત! આ લેખ, પ્રતીક ગાંધી અને આ નાટ્યપ્રયોગનું લખાણ, ત્રણેય.
ખુબ સુન્દર