૬ માર્ચ ૨૦૨૧ ના રોજ ઓડિયો કેસેટ્સના ડચ આવિષ્કારક અને ઇજનેર લોઉ ઑટેન્સ ૯૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા. એમની યાદમાં મારી આ કૉલમ પુરાની જીન્સનો પ્રથમ લેખ ઑડિયો કેસેટ્સને સમર્પિત. આમ પણ આ કેસેટ્સ સાથે મારી – આપણી અનેક યાદો જોડાયેલી હોવી સ્વભાવિક છે.
કોરોનાની વૈશ્વિક અસર અને લોકડાઉન વગેરેને કારણે બીજા બધા ઉદ્યોગોની જેમ સંગીતઉદ્યોગને પણ નુકસાન થયું. લાઇવ સ્ટ્રિમિંગ, યૂટ્યુબ અને અમેઝોન મ્યૂઝિક, સ્પોટિફાય જેવી વેસ્ટર્ન ઑડિયો માટેની વેબસાઇટ હોય કે આપણે ત્યાંની ગાના, સાવન વગેરે જેવી એપ્લિકેશન, નવરાશમાં આ એપ્લિકેશન અને વેબસાઈટ્સ તેમના ડેટાબેઝમાં રહેલા ગીતોને લીધે ઘણી ચાલી પણ નવું કન્ટેન્ટ આવતું ખૂબ ઓછું થઈ ગયું.


પરંતુ આશ્ચર્યજનક રીતે ૨૦૨૦માં એક નવો રેકોર્ડ પણ થયો. ઇંગ્લેંડમાં ૨૦૦૩ પછી પહેલીવાર ઑડિયો કેસેટ્સનું વેચાણ ૯૫% જેટલું વધ્યું અને દોઢલાખથી વધુ કેસેટ્સ વેચાઈ. હા, એ જ કેસેટ્સ જેને હવે #90s એટલે કે ૮૦ – ૯૦ના કે એથીય પહેલાના દાયકાની વસ્તુ ગણાય છે. આજકાલ વસ્તુઓ ઝડપથી જૂની થઈ જાય છે, આજે ઘરેઘરે વપરાતી વસ્તુ કાલે સાવ નકામી થઈ જાય એવું આપણે સૌએ જોયું જ છે.
ટેકનોલોજી અને નવીન શોધને લીધે એ સાહજીક પણ છે. જેમ કે પહેલા કોમ્પ્યુટરમાં ફ્લોપી માટેની ડ્રાઇવ આવતી, પછી કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી અને ડિવીડી માટેની ડ્રાઇવ આવતી થઈ. હવેના લેપટોપમાં એ બધું નીકળી ગયું છે, ફક્ત પેનડ્રાઇવના સ્લોટ બચ્યા છે. ભારતમાં હવે કોઈ કંપની કેસેટ બનાવાતી કે વેચતી નથી. હા, કેટલીક દુકાનો છે જે જૂની કેસેટ્સ વેચે છે, પણ એ તેમનો અને ગ્રાહકોનો શોખ સંતોષવા પૂરતી જ છે. મારી પાસે મારું પોતાનું આખું કેસેટ કલેક્શન સાચવેલું છે. એનો એક ભાગ ચારેક દિવસ પહેલા હાથ લાગ્યો. બીજું એક આખું ખોખું ભરીને કેસેટ્સ છે જે માળિયામાં ડૂબકી મારી શોધવી રહી.
૬ માર્ચ ૨૦૨૧ ના રોજ ઓડિયો કેસેટ્સના ડચ આવિષ્કારક અને ઇજનેર લોઉ ઑટેન્સ ૯૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા. એમની યાદમાં મારી આ કૉલમ પુરાની જીન્સનો પ્રથમ લેખ ઑડિયો કેસેટ્સને સમર્પિત. આમ પણ આ કેસેટ્સ સાથે મારી – આપણી અનેક યાદો જોડાયેલી હોવી સ્વભાવિક છે. અમેરિકામાં કેસેટ્સનું વેચાણ ૧૯૬૬ની આસપાસ શરૂ થયું. ૧૯૬૩માં બર્લિનના એક ઇલેક્ટ્રોનિક મેળા દરમ્યાન ઑટેન્સે પોતાની શોધ એવી કેસેટ પ્રસ્તુત કરી. ત્યાર પછી સોની અને ફિલિપ્સે એનું ધમધોકાર ઉત્પાદન શરૂ કર્યું.

કેસેટ્સ આવી એ પહેલા રેડિયોનો જમાનો હતો. વિનાઇલ ડીસ્કનું પ્લેયર તો જૂજ લોકો પાસે હતું, પણ મોટો ખોખા જેવો રેડિયો લગભગ દરેક ઘરે ગૂંજતો, કેસેટ્સના આગમન પછી પણ ભારતમાં તેનું વેચાણ વધતાં વર્ષો નીકળી ગયાં. ૮૦ના દાયકાના અંત ભાગમાં લગભગ દરેક પાનવાળાને ત્યાં પણ અમુક કેસેટ્સ તો વેચાણમાં રહેતી જ. ત્રીસથી ચાલીસ રૂપિયાની મળતી એ કેસેટ્સ ધૂમધડાકે વેચાતી.

કેસેટ્સનો સૌથી મોટો ફાયદો હતો તેની પોર્ટેબિલિટી. એ વૉકમેનમાં વગાડી શકાતી, એ ગાડીમાં વગાડી શકાતી અને ઘરે પણ ગૂંજતી. એ પહેલાની વિનાઇલ ડિસ્ક અને રેડિયો પોર્ટેબલ નહોતા. કેસેટની સાઇઝ અને વધેલી સંગ્રહ ક્ષમતા તથા સરળ વપરાશને લીધે એ ઝડપથી પ્રચલિત થઈ. અને પછી પોર્ટેબલ મ્યૂઝિક પ્લેયર તથા મોબાઇલ પ્લેયર અને આઇપોડ વગેરેને લીધે આવી એથીય વધારે ઝડપથી નામશેષ થઈ ગઈ.
૧૯૯૦-૯૫ આસપાસ સોની, ફિલિપ્સ ઉપરાંત મેક્સેલની કોરી કેસેટ્સ પણ બહુ વેચાતી. મને મારા મામાએ કેટલીક બ્લેન્ક કેસેટ્સ આપી હતી, ઉપરાંત મુંબઈથી મોરારિબાપુની સુંદરકાંડની એક કેસેટ લઈ આવેલો જે મને યાદ છે કે મેં વર્ષો સુધી સાંભળી અને સાચવી હતી (કદાચ હજુ પણ એ ઘરના માળિયે મળી આવે.) ઉપરાંત મામા ફિલ્મની પેટી ફેરવતા અને ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલા એટલે જે તે ફિલ્મની અનેક કેસેટ્સ પણ તેમને મળતી અને વેકેશનમાં એમાંથી હું ઉપાડી લાવતો.
ગુલશન કુમાર કેસેટકિંગ બન્યા, સસ્તી, સારી ગુણવત્તાવાળી અને ઉપયોગી કેસેટ્સ ટી સીરીઝ દ્વારા બહાર પાડવામાં આવતી. અને તેમણે સનાતન ભક્તિગાન અને સ્તુતિઓ વગેરેમાં ઘોડાપૂર આણ્યું હતું. ટી સીરીઝની કેસેટ્સ અન્ય કંપનીઓ કરતા સસ્તી મળતી અને દરેક પંથ, સંપ્રદાય કે કુળદેવી વગેરેની કેસેટ્સ મળી રહેતી. ગુલશન કુમારની હનુમાન ચાલીસાની કેસેટનો વેચાણમાં રેકોર્ડ હતો.
એ.આર રહેમાનના ગીતોની કેસેટ્સ ચપોચપ ઉપડતી. સોનુ નિગમના આલ્બમની પણ એવી જ માંગ રહેતી. એનું દિવાના અને યાદેં – એ બંને આલ્બમ એ વખતે ધૂમ મચાવતા. જગજીતસિહના ચાહકો પણ એમની કેસેટ્સ બહાર પડે કે તરત હાથોહાથ ઉપાડી લેતા. એમના મને ગમતા ગીતોની એક કેસેટ મેં બનાવડાવી હતી. મનગમતાં ગીતોની યાદી બનાવી અને એક કોરી કેસેટ લઈ રેકોર્ડ કરવાવાળાને અમે આપી આવતા, એ આપણા મનપસંદ ગીતો ક્રમાનુસાર કેસેટમાં રેકોર્ડ કરી આપતો. એના રૂપિયા તૈયાર મળતી કેસેટ કરતાં થોડા વધારે થતાં; પણ એના દરેક ગીત આપણી પસંદગીના હોવાથી એ કેસેટ આપણી માનીતી થઈ જતી.

ગુજરાતીમાં મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમન તેમની સૌથી વધુ વેચાયેલી કેસેટમાં અગ્રક્રમે હોવી જોઈએ. જય આદ્યાશક્તિની કેસેટ્સ, ઉતરાયણમાં વગાડવાના ગીતોની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ – આ બધી સદાબહાર કેસેટ્સ હતી. શોલેની તો ડાયલોસ અને ગીતો સાથે આખી ફિલ્મની કુલ ત્રણ કે ચાર કેસેટ્સ બહાર પડી હતી. હમ આપકે હૈ કૌન, દિલ સે, કાંટે અને મૈને પ્યાર કિયા લગભગ રીતે દરેક પાસે મળતી. તો વળી અનેકવિધ કંપનીઓ સદાબહાર ગીતોના ગાયક મુજબના કલેક્શનની પણ કેસેટ્સ બહાર પાડતી. એનો વળી એક આખો અલગ ચાહક વર્ગ હતો.
આ બધી કેસેટ્સના કલેક્શન કરવાનો પણ યુવાનોમાં એક અનોખો ક્રેઝ હતો. પછી એ કલેક્શન મિત્રો સાથે વહેંચતા. અંગ્રેજી ગીતોની કેસેટ્સ જૂજ મળતી, અને જો મળે તો એનો ભાવ વધારે રહેતો. વળી જેની પાસે એ કેસેટ હોય એ બે વેંત અદ્ધર ચાલતાં.
અમે લગભગ ૧૯૮૭માં નેશનલનું એક ટેપ લીધેલું જે ખાસ્સા પંદરેક વર્ષ ચાલ્યું. એની ઉંમરના છેલ્લા થોડાક વર્ષો તો એણે ફક્સ શૉકેસમાં જ ગાળ્યા કારણ કે તેનો વપરાશ તદ્દન ઘટી ગયો હતો. ક્યારેક કેસેટ ટેપમાં ફસાઈ જતી તો એને કાઢવાની પણ એક વિશેષ રીત હતી.
સોનીનું વૉકમેન મારે માટે એક અદ્રુત ઘરેણું હતું. પ્રવાસમાં એ ખૂબ ઉપયોગી નિવડતુંં. સોનીની કેસેટ્સ અને વૉકમેન બંનેને લીધે અવાજની ગુણવત્તા સરસ મળતી, પણ કેસેટ્સની પોતાની ઘણી મર્યાદાઓ હતી. પટ્ટી ઉંધી થઈ ગઈ હોય કે ટેપમાં ગૂંચવાઈ ગઈ હોય ત્યારે કેસેટમાં પેન ભરાવી તેને વ્યવસ્થિત કરાતી. જો કે સી.ડીના આગમન સાથે જ કેસેટ્સનો મૃત્યુઘંટ વાગી ગયેલો પણ પોર્ટેબલ ડિવાઇસથી એ સંપૂર્ણપણે વપરાશમાંથી નીકળી ગઈ.
આજની પેઢી કદાચ કેસેટ્સ સાથે ન સંકળાઈ શકે પણ ૮૦ – ૯૦ના દાયકામાં જેમણે એ વાપરી છે એમને તો અવશ્ય એ યાદગાર રહેવાની. આમ લખું છું ત્યારે થાય છે કે હું ક્યાં હજુ મોટો થઈ ગયો છું? અને પછી એમ માનીને મન વાળી લઉં છું કે કેસેટ્સનો જમાનો જ ટૂંકો હતો. પણ એ જે યાદગીરી મૂકી ગઈ છે એ અદ્રુત છે.
– જિજ્ઞેશ અધ્યારૂ


જિજ્ઞેશ અધ્યારૂની કૉલમ ‘પુરાની જીન્સ’ અંતર્ગત લખાઈ રહેલા લેખોની આ શ્રેણી અહીં ક્લિક કરીને માણી શક્શો.
વાહ! એ સરસ જમાનો યાદ કરાવી દીધો.
અદભૂત . તમારી જેમ જ ઈજનેર એવા આ જણની ગુજરાતી સાહિત્ય યાત્રા કોલેજ પ્રવેશ સાથે બંધ પડેલી. પણ એ ચાલુ કરવાનો યશ ‘આગમન’ને છે.
મેં ઘણી બધી કેસેટસને સાચવી રાખેલી પણ લાસ્ટ ડિસેંબર ૨૦૨૦માં મમ્મીએ ફાઇનલ વાર્નિંગ આપી એમાં બધી જ કેસેટ ભંગારમાં ગઈ. રાજકોટથી ભાવનગર જતાં આવતાં (ડિપ્લોમા દરમ્યાન) અધવચ્ચે જ્યારે વોકમેન સોનુ નિગમમાંથી કે.એલ.સાયગલ થઈ જાય ત્યારે હેડ પર થૂંક લગાડતા. મારા મિત્ર દર્શન ગાંધીએ ૨૦૦૧માં મારા માટે ફ્યૂઝન કેસેટ પર રેકોર્ડ કરી આપેલું. વેકેશનમાં હું મારા મિત્રએ આપેલી Amwayની કેસેટ મારા ટેપ રેકોર્ડરમાં રાખી મૂકતો. વિવિધભારતીના એફએમમાં કોઈ મસ્ત ગીત આવે એટલે એ રેકોર્ડ કરી નાખતો. આજની તારીખે ગદ્દર કે લગાનના ગીત સાંભળુ એટલે મને વોકમેન અને કેસેટ યાદ આવે. કારણકે ટ્રેનીંગ દરમયાન હું છાણી બોર્ડર, બરોડા ખાતે રહેતો ત્યારે વિક ડેઝની સાંજ વોકમેન પર આ બન્ને ફિલ્મના ગીત સાંભળી પસાર કરતો…. ગોલ્ડન ડેય્ઝ!
અહા, આખો સમય યાદ આવી ગયો. કેસેટો, એમાં પેન્સિલ ભરાવી ટેપ સરખી કરતાં, ગમતા ગીતો ગમતા ક્રમમાં સાંભળવા રેકોર્ડિંગ વાળાને સખત સૂચના આપતા…અહા!
can somebody transfer music from spool/caseetes to digtal or atleast cd?
nayan 9099032811
300 No cassetes sent to (Bhangarwala) dust bin in Only 70/- Rupees only