અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14


૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી. ૨૦૦૯નો અક્ષરનાદનો પહેલો દેખાવ નીચે મુજબનો હતો..

Last Post of my blog Adhyaru Nu Jagat in 2009

આજે અક્ષરનાદને, મારા ગુજરાતી બ્લોગિંગમાં પદાર્પણને બાર વર્ષ પૂર્ણ થયા. સત્યાવીસ મે ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી, એ પહેલા ૨૦૦૧માં, જ્યારે ગુજરાતી ફોન્ટ કે લખાણની કોઈ સગવડ નહોતી ત્યારે યાહુના જીઓસિટીઝમાં પેજીસ બનાવી બ્લોગિંગની શરૂઆત કરેલી, પણ એ સ્વરૂપ બ્લોગનું નહોતું, એ પ્રયત્ન ગુજરાતી નહોતો. એ ફક્ત એક સહજ પ્રયત્ન હતો અને થોડાક જ પાના બનાવીને એ અટકી ગયેલો, એ કામ થોડું મુશ્કેલ અને છતાં સંતોષ ન આપનારું હતું. સમય જતાં વર્ડપ્રેસનો વિકલ્પ મળ્યો અને એમાં આ શરૂઆતના પાયા નંખાયા.

Aksharnaad in 2009

ત્યાર પછી કોડિંગ શીખતો ગયો અને સુવિધાઓ ઉમેરતો ગયો. મૃગેશભાઈએ કહેલું કે કોઈ પ્લગિન ગમે તો એ ન લઈ લેતા, એનો કોડ ખોલીને બેસજો અને સીધો વેબસાઈટમાં જ એને ઉપયોગમાંં લઈ શકાય એ પ્રકારે મહેનત કરજો. એટલે અક્ષરનાદ ઓછામાં ઓછા પ્લગિન સાથે ચલાવવાની સલાહ ત્યારથી જ અનુસરતો રહ્યો છું. ત્યાર પછી ૨૦૧૦માં થીમ બદલી અને મારી જાતે બદલાવ શરૂ કર્યા. સાથે લેખોની સમૃદ્ધિ વધતી ગઈ અને વેબસાઈટ વિસ્તરતી રહી. એનો ૨૦૧૦નો દેખાવ અહીં મૂક્યો છે.. મારે માટે તો આ યાદોના પરીલોકની એક અનૂઠી સફર છે.

This is how Aksharnaad looked back in 2010

ગુજરાતીમાં સૌથી વધુ પ્રચલિત ઈ-પુસ્તકો એક ક્લિકે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવાનો યશ અક્ષરનાદને છે. અને એમાં કેટકેટલા મિત્રો વડીલોનો નિ:સ્વાર્થ ફાળો છે, એ મારા એકલાથી શક્ય જ ન બન્યું હોત. ચાલીસેક લાખની સંખ્યાને પાર કરી ગયેલો આ ઈ-પુસ્તકોના ડાઉનલોડનો આંક દિવસે ન વધે એટલો રાત્રે વધે છે (ભારત બહારના વાચકોને લીધે જ સ્તો..) કુલ ક્લિક્સ તો ક્યારની બે કરોડને પાર કરી ગઈ અને પછી એને ગણવાનું પણ મૂકી દીધું છે..

હમણાં થોડા વખતથી ખૂબ અનિયમિતપણે બંને વેબસાઈટ ચાલે છે, અને એ માટે મારા અંંગત વ્યવસાયિક કારણો જવાબદાર છે, સમય ખૂબ મુશ્કેલીથી મળે છે, અને છતાંય સમય ચોરીને પણ આ કામ કરવાની ઈચ્છા થાય છે એના કારણમાં છે ફક્ત સહ્રદય વાચકો.. ફોનથી જાણવા મળેલા બે પ્રસંગો જે છેલ્લા મહીનામાં જ થયા, એ આપ સૌ સાથે વહેંચવા છે.. આ જ મારી મૂડી છે. તમને વેબસાઈટમાંથી શું મળે છે એવું પૂછતા સર્જકોને જણાવવાનું કે મને “આ પ્રેમ” મળે છે. પુરસ્કાર રૂપે એ સ્વીકારી શક્શો?

એક વાચકમિત્રનો ઝારખંડથી ફોન આવ્યો, તેઓ વ્યવસાયી છે, એમના પિતા વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે અને એ પણ નાનપણથી ત્યાં જ ભણ્યા અને રહ્યાં છે, એમને અક્ષરનાદના લેખની કોઈ લિંક કે ઈ-પુસ્તક કંઈક વોટ્સએપમાં મળ્યું હશે, એ પરથી તેઓ અક્ષરનાદ સુધી પહોંચ્યા, કલાકેક તેમણે વેબસાઈટ પર ગાળ્યો અને પછી મને ફોન કર્યો, કહે વર્ષો પછી ગુજરાતી વાંચવાની ઈચ્છા થઈ ને ખરેખર આટલું બધું વાંચ્યું. મેં તમારી વેબસાઈટ બુકમાર્ક કરી લીધી અને સબસ્કાઈબ પણ કરી છે, તમે રેગ્યુલર અપડેટ કરતા રહેજો, મને મારી ભાષા સાથે આ રીતે ફરી સંકળાવું ખૂબ ગમશે. ત્યારે આ બધાય વર્ષોની મહેનત લેખે લાગી હોય એવો સંતોષ થયો. તડકામાં રસ્તાની એક ધારે ઉભા રહીને, હેલમેટ કાઢીને આ ફોન કરનાર વાચકમિત્રની વાત સાંભળી ત્યારે શીળી છાંય જેવો અનુભવ થયો. સંપાદક તરીકે આ નસીબ તો બળિયા હોય એને જ મળે અને ફળે.. હવે કહો કયો પુરસ્કાર આની સરખામણીએ મૂકું?

બીજો પ્રસંગ જરા લાગણીશીલ છે, એક બહેને રશિયાથી ફોન કર્યો, રાતના લગભગ નવેક વાગ્યાનો સમય હશે. એ ખૂબ વૃદ્ધ હશે. એમનો ઉચ્ચાર પણ તરત ન સમજાય એવો. મને તો આ પ્રકારનો નંબર જ પહેલી વખત જોવા મળેલો એટલે સ્પામ હશે એમ સમજીને ઉપાડવાનો નહોતો પણ ટ્રુ કોલરે લાલ રંગ ન બતાવ્યો એટલે ઉપાડ્યો. પરિચય આપ્યા પછી એ બહેન કહે, “તમારી વેબસાઈટ પરથી રસધારની વાર્તાઓ ડાઉનલોડ કરી, લગભગ છએક દાયકા પછી ફરી એ જ અનુભવ થયો હશે, ઘણાં વર્ષોથી હું ઈન્ડિયા આવી નથી, અમે નાના હતા ત્યારે ગામડે અમારા દાદા આ વાર્તાઓ કહેતા એવું આછું યાદ છે, પણ આજે આ વાંચીને ફરી વર્ષો ફ્લેશબેકમાં જઈ આવી.” ભીના અવાજમાં એ મને કહે, “તમને શું ખબર ગુજરાતીમાં બોલવાનો ‘ચાન્સ’ મળવો એ પણ કેવું મોટું ‘લક’ છે!” ત્યારે પણ થયું કે ૨૦૦૭ની ૨૭ મે ના દિવસે શરૂ કરેલ આ સફર આજે બાર વર્ષ પૂરા કરીને અડીખમ ઉભી છે તો આવા વાચકો, આવા સહ્રદય લોકોના પ્રતાપે જેમને ગુણવત્તાસભર સાહિત્યની ખેવના છે, જેમને વાંચવુ છે, સાહિત્યના વિશ્વમાં જેમને પ્રવેશવું છે, અક્ષરનાદ એવા મિત્રો માટે કાયમ દરવાજો બનીને ઉભવા તૈયાર છે…

અને સામે પક્ષે એવા અનેક મિત્રો મળ્યા છે જેમને અક્ષરનાદને આંગણે સર્જનની પા પા પગલી માંડી આજે વિરાટ પગલાં ભર્યા છે અને તોય અક્ષરનાદને ભૂલ્યા નથી. અહીં કોઈ અખતરાને મનાઈ નથી કરી, બધાને મોકળું મેદાન આપ્યું છે, જરૂર પડ્યે સમજમાં આવ્યા એવા સૂચન પણ કર્યા છે અને ક્યારેક ખૂબ નમ્રતાથી ના પણ પાડી છે, કોઈ પણ સર્જકના નામ નહીં લખું, રખે ને કોઈ રહી જાય, પણ એ બધાનો પણ ઉત્સાહ આજે મારા જેટલો – મારાથી વધારે જ હશે એમાં બે મત નથી. અમારા ગીરના બાપુએ માંડ આવતા નેટવર્ક વચ્ચે ક્લિક કરી અક્ષરનાદનું દ્વાર ખુલ્લું મૂકેલું એ પ્રસંગ હોય કે પૂજ્ય મોરારિબાપુએ ૨૦૧૧માં મહુવામાં શાલ આપી આશિર્વાદ આપેલા એ પ્રસંગ હોય – આ બધુંય અક્ષરનાદની જ લણણી છે. દેશ વિદેશમાં ફેલાયેલા સહ્રદય મિત્રો પણ આ નાનકડી વેબસાઈટના તાંતણે જ જોડાયા છે. માઇક્રોફિક્શન લખતો સર્જન પરિવાર હોય કે સતત લેખ મોકલતા સર્જક મિત્રો હોય, સર્વેને અક્ષરનાદના ‘ટીન એજર’ બનવાના વધામણાં, સંતાન ટીન એજમાં પ્રવેશે એટલે એને વધુ સ્વતંત્રતા આપવી જોઈએ કારણ કે એને સંસ્કારની ગળથૂથી જે મળવાની હતી એ મળી ગઈ છે એમ માની આજથી અક્ષરનાદને વધુ વિસ્તૃત અને લોકોપયોગી કરી શકાય એવા પ્રયત્ન સ્વરૂપ એડિટિંગ માટે ખુલ્લી મૂકું છું. જે મિત્રો અહીંં સંપાદક તરીકે જોડાવા માંગતા હોય એવા ત્રણેક મિત્રોનું સ્વાગત કરીશું.

ગયા વર્ષે યોજાઈ ગયેલા અક્ષરપર્વ ૨ પછી આ વર્ષે વધુ મોટો એવો ‘અક્ષરપર્વ ૩’ આયોજન હેઠળ છે અને માઇક્રોફિક્શન સ્પર્ધા પૂર્ણ થયે એની વધુ વિગતો સાથે ઉપસ્થિત થઈશું.

સર્વે વાચકમિત્રો, વડીલ સાહિત્યકારો, સર્જકો, સહ્રદયો, ભાવકો અને પહેલીવાર પોતે છપાશે એવા વિશ્વાસપૂર્વક અક્ષરનાદને લેખ મોકલતા મિત્રો સહ સર્વેનો આભાર. બાર વર્ષોની આ સફરના વધામણાં.

– જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..