નેટફ્લિક્સ પર ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ રજૂ થયેલી દસ હપ્તાની વેબશ્રેણી ‘ઓલ્ટર્ડ કાર્બન’ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સનું આજથી સાડા ત્રણસો વર્ષ પછીનું કલ્પનાતીત સ્વરૂપ આપણી સમક્ષ મૂકે છે. કલ્પનાની ઉડાન તો અનોખી અને ઉંચી છે જ, સાથે સાથે વાર્તા પણ અત્યંત ગૂંથાયેલી અને રસપ્રદ છે. આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ પર બનેલી કદાચ આ સૌથી વધુ જટિલ અને મોટી વેબશ્રેણી છે. આવી શ્રેણીને સાયબરપન્ક કહે છે, સાયન્સ ફિક્શનનો જ એક પેટાપ્રકાર, જેમાં કાયદાકાનૂન નહિવત અસર કરતા હોય એવા શ્રીમંતોથી ચાલતા ભવિષ્યના એક એવા સમાજની કલ્પના છે જેમાં માનવજીવન કરતા કોમ્પ્યુટર અને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ વધુ પ્રભાવશાળી છે.અહીં જીવનને પ્રાથમિકતા નથી. માનવીય પરીપ્રેક્ષ્યમાં આ ભયાનક રીતે કથળી ગયેલી સજીવસૃષ્ટિ છે, અને તે છતાંય ન્યાય માટે લડનાર માણસો આ સમયમાં પણ છે. પ્રોટૅગનિસ્ટ વગર જેમ ફિલ્મની કલ્પના ન થઈ શકે તેમ જેમાં બધા નકારાત્મક જ હોય એવા વિશ્વની કલ્પના પણ ન જ થઈ શકે. આ તો થઈ શ્રેણીના અછડતા પરિચયની વાત.
ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,
‘Death was the ultimate safeguard against the darkest dangers of our nature.’
અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે. તો માણસના સિન્થેટિક શરીર પણ ખરીદી શકાય છે, જેને ‘સ્લીવ’ કહે છે. આ બધામાં અગત્યનું છે તો ફક્ત કોર્ટિકલ સ્ટૅકમાં સંગ્રહાયેલું વ્યક્તિત્વ. શરીરો એટલે કે સ્લીવ અને પેન ડ્રાઈવ એટલે કે કોર્ટિકલ સ્ટૅક જથ્થાબંધ બને છે. સારા અને યુવાન શરીરો મોંઘા છે, વૃદ્ધ શરીરો સસ્તા છે. વાત શરૂ થાય છે ૨૫૦ વર્ષથી સંગ્રહી રખાયેલા વ્યક્તિત્વ ‘તાકોશી કોવાચ’ના સ્ટૅકને નવા શરીર એટલે કે સ્લીવમાં મૂકવાથી. ૨૫૦ વર્ષ પહેલા આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ સામે થયેલા બળવામાં કોવાચ પણ સૈનિક હતો, એનામાં એક ખૂંખાર યોદ્ધાની બધી આવડતો છે, એ ચપળ, ઝનૂની, હિંસક અને ચતુર છે. બીજા બધા બળવાખોરો મૃત્યુ પામ્યા, ફક્ત કોવાચ બચી ગયો અને પકડાઈ ગયો, એના શરીરમાંથી અલગ કરીને એનું વ્યક્તિત્વ સ્ટૅકમાં સંગ્રહાઈને બચી ગયું. બળવા બદલ શરીરને અને સ્ટેકને ૫૦૦ વર્ષ કોલ્ડ સ્લીપમાં રહેવાની, એટલે કે નિષ્ક્રિય રહેવાની સજા મળી. પણ ૨૫૦ વર્ષે જ એને નવી સ્લીવમાં જીવિત કરાયો એ આશ્ચર્યે એને વિચારતો કરી મૂક્યો. એને જીવતો કરનાર છે વિશ્વનો સૌથી ધનિક ઉદ્યોગપતિ લોરેન્સ બેન્ક્રોફ્ટ. વાર્તા શરૂ થાય છે જ્યારે કોવાચને જીવતો કરાય છે અને એની સામે શરત મૂકાય છે હજી વધુ ૨૫૦ વર્ષ કેદ રહેવાની અથવા તો લોરેન્સ બેન્ક્રોફ્ટના ખૂનીની તલાશ કરવાની, અને એ કોયડો ઉકેલવા બદલ એને આઝાદી સાથે અધધ કહી શકાય એટલી મિલ્કત પણ મળવાની છે. પુરાવા સૂચવે છે કે બેન્ક્રોફ્ટે આત્મહત્યા કરેલી, પણ બેન્ક્રોફ્ટ પોતે એ વાત સાથે સંમત નથી. લોરેન્સ બેન્ક્રોફ્ટ સાથેની પહેલી મુલાકાતમાં જ કોવાચ ખૂનીને શોધવાનો આ પડકાર સ્વીકારી લે છે.
બેન્ક્રોફ્ટ એટલો સમૃદ્ધ છે કે એણે પોતાના સ્ટેકની લાઈવ બેકઅપની વ્યવસ્થા કરી રાખી છે, જેથી એનું ખૂન થઈ જાય તો પણ એના સ્ટેકની એટલે કે વ્યક્તિત્વની કોપી સેટેલાઈટમાં સંગ્રહાતી રહે. બે બેકઅપ વચ્ચે ૪૮ કલાકનો સમય હોય છે. અને એવા જ એક બેકઅપ પછી થોડા કલાકોમાં એનું ખૂન થઈ જાય છે. એ પાછો નવી સ્લીવમાં એટલે કે નવા શરીરમાં જીવતો થાય ત્યારે છેલ્લા બેકઅપ અને એના ખૂન વચ્ચે શું થયું એ બેકઅપ ન હોવાને લીધે એને યાદ નથી, અને એટલે પોતાના ખૂનીને શોધવાનું કામ એ કોવાચને આપે છે. પહેલા જ હપ્તામાં એકસાથે ઘણી નવી વસ્તુઓનો પરિચય આંખનો પલકારો મારવાનોય અવસર નહીં આપે, શ્રેણીના સંવાદો મજેદાર છે, દ્રશ્યો અદ્રુત છે અને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના આ વિશ્વમાં દર્શક ખોવાઈ જાય છે. વિશ્વમાં બધે અંધાધૂંધી છે, કોઈ કાયદો નથી, કોવાચ નવા શરીરમાં હોસ્પિટલમાંથી બહાર આવે ત્યારે જુએ છે કે એક બાળકીનું મૃત્યુ થવાથી સરકાર એનો સ્ટેક એક વૃદ્ધાના શરીરમાં મૂકી આપે છે, કારણકે નિઃશુલ્ક મળતા શરીરો વૃદ્ધોના જ છે. એની માતા હોસ્પિટલના કર્મચારીને કહે છે કે એ ફક્ત સાત વર્ષની છે અને શરીર સિત્તેર વર્ષનું, તો જવાબ મળે છે કે જરૂરી પૈસા ચૂકવો અને જોઈએ એ શરીર લઈ જાવ, મફતમાં તો સરકાર તરફથી આ જ મળશે.
કોવાચ ખૂંખાર છે એ જાણતા હોવાથી પોલિસ વિભાગ પણ એનો પીછો કરે છે, લેફ્ટનન્ટ ક્રિસ્ટિન ઓર્ટેગા એની પૂછપરછ કરે છે, પણ કંઈ ખાસ જાણી શક્તી નથી, આ તરફ કોવાચ એ.આઈ સંચાલિત એક હોટલમાં ઉતરે છે. શકમંદોને કોવાચ નજીકથી જોઈ શકે એ માટે બેન્ક્રોફ્ટ એક પાર્ટી આપે છે, જેમાં બધા જ શક્તિશાળી લોકો મોજૂદ છે. કોવાચ એ દરેક પર નજર રાખવાનું શરૂ કરે છે અને ઓર્ટેગા એનો સતત પીછો કરે છે. એ કોવાચને બેન્ક્રોફ્ટની મદદ ન કરવા સમજાવતા કોવાચને એ કહે છે,
“The human eye is a wonderful device. With a little effort, it can fail to see even the most glaring injustice.”
એ દરમ્યાન અજાણ્યા લોકો દ્વારા કોવાચને પકડીને તેને ટોર્ચર કરવામાં આવે છે. આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ તકલીફો પણ માનસિક જ છે, પરંતુ કોવાચ તેની તાલીમ વખતની નેતા ક્વિલક્રિસ્ટની શીખામણ યાદ કરે છે, અને એમાંથી છૂટવા મુકાબલો કરે છે. કોવાચ પોતાની તાલીમ દરમ્યાન ક્વિલક્રિસ્ટના પ્રેમમાં પડ્યો હતો અને એની ખૂબ કાળજી લેતો. ટોર્ચર કરનારાના ચંગુલમાંથી છૂટ્યા પછી તેને લેફ્ટનન્ટ ઓર્ટેગા દ્વારા ખબર પડે છે કે જે શરીરમાં કોવાચનો સ્ટેક મૂકાયો છે એ ખરેખર ઓર્ટેગાના પ્રેમી એલિસ રાયકરનો છે જેને અપમાનિત કરીને મારી નંખાયેલો અને એના વિરોધીઓ જ કોવાચની પાછળ પડ્યા છે. ઓર્ટેગા પર જીવલેણ હુમલો થાય છે જેમાં કોવાચ એને બચાવે છે, તો એ દરમ્યાન જ બળવા દરમ્યાન થયેલા બોંબ વિસ્ફોટમાં પોતાની બહેન રીલીનને મૃત માનનાર કોવાચ એને જુએ છે, બંને મળે છે ત્યારે એ કોવાચને કહે છે કે એ ખૂબ શક્તિશાળી અને ધનવાન છે. કોવાચને યાદ આવે છે કે બળવા દરમ્યાન આખી ટોળી પર હુમલો થયો ત્યારે પ્લેનમાં રીલીન અને ક્વિલક્રિસ્ટ સાથે ભાગ્યા હતાં. ખૂબ મથામણ અને અનેક પ્રસંગો પછી એને ધ્યાન આવે છે કે બળવાને નિષ્ફળ કરનાર અને હુમલો કરાવનાર એની પોતાની બહેન રીલીન જ હતી. આ બધા ઘટનાક્રમમાં એને ખ્યાલ આવે છે કે એની બહેનનું સેટેલાઈટ વિમાન જ કોવાચની ઘૃણાસ્પદ ઈચ્છાઓની પૂર્તિની જગ્યા છે, જ્યાં એ છોકરીઓને ભોગવી, અનેક યાતનાઓ આપ્યાની વિકૃત મજા લઈ તેમને મારી નાંખતો અને ફરી નવા સ્ટૅકમાં જીવતી કરતો. અને કોવાચની ઈચ્છાઓ પૂરી કરવા રીલીન બધી વ્યવસ્થાઓ કરી આપતી. એમાંથી જ બચી ગયેલી પણ માનસિક અસ્થિર થઈ ગયેલી એક છોકરી લિઝીને એ સધિયારો અને તાલીમ આપે છે. શ્રેણીના છેલ્લા હપ્તામાં ખબર પડે છે કે બેન્ક્રોફ્ટનું મૃત્યુ…
એ રહસ્ય હું અહીં નથી કહેતો.. કોવાચ પોતાની પ્રેમિકા ક્વિલક્રિસ્ટને મારનાર અને દગો કરનાર રીલીનને મારશે કે સમજાવી શક્શે? બેન્ક્રોફ્ટનું મૃત્યુ આખરે કયા કારણે થયેલું. કોવાચના મૂળ શરીરમાં જીવતો થયેલો માણસ કોણ છે? રાયકરના વિરોધીઓનો મુકાબલો કોવાચ કઈ રીતે કરે છે? શ્રેણીના છેલ્લા બે હપ્તામાં આ બધા જ સવાલોના જવાબો એકબીજા સાથે સંકળાયેલા દેખાડાય છે અને છેલ્લો હપ્તો તો આખો જાણે બધા પ્રશ્નોનો ઉકેલ જ છે. આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના આ અનોખા વિશ્વમાં અનેક વાતો અસંભવ લાગતી હોવા છતાં અહીં ઉભું કરાયેલું વિશ્વ, ખૂબ ઉંડાણપૂર્વકનો અને વિશદ સ્ક્રીનપ્લે, અદ્વિતિય વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને અદ્રુત અભિનય આ શ્રેણીને યાદગાર બનાવે છે. આ શ્રેણીને તમે એક હાર્ડકોર સાયન્સ ફિક્શન કહી શકો કારણકે અહીં શક્યતા-અશક્યતાની સીમાઓને પાર કલ્પનાઓ કરાઈ છે. કેટલાક વિવેચકો કોર્ટિકલ સ્ટેકની વાતની ઉંડાણ અને સમજણપૂર્વકની રજુઆતના તો કેટલાક એના અદ્રુત દ્રશ્યોના વખાણ કરે છે. શ્રેણીના કેટલાક સંવાદો ચોટદાર અને ફિલસૂફીથી ભરપૂર છે, જેમ કે કોવાચની વાત
Peace is an illusion and no matter how tranquil the world seems peace doesn’t last long. Peace is a struggle against our very nature. A skin we stretch over the bone, muscle and sinew of our own innate savagery. The instinct of violence curls inside us like a parasite, waiting for a chance to feed on our rage and multiply until it bursts out of us. War is the only thing we really understand.
અને બેન્ક્રોફ્ટનું વાક્ય
In this world the only real choice is between being the purchaser and the purchased.
કે પછી આ
What we believe shapes who we are. But when you believe a lie for too long, the truth doesn’t set you free. It tears you apart.
અને શ્રેણીના શીર્ષક ઓલ્ટર્ડ કાર્બનને સમજાવતો, સાર્થક કરતો આ ચોટદાર સંવાદ
For all that we have done, as a civilization, as individuals, the universe is not stable, and nor is any single thing within it. Stars consume themselves, the universe itself rushes apart, and we ourselves are composed of matter in constant flux. Colonies of cells in temporary alliance, replicating and decaying and housed within, an incandescent cloud of electrical impulse and precariously stacked carbon code memory. This is reality, this is self-knowledge, and the perception of it will, of course, make you dizzy.
કોવાચના પાત્રમાં ‘ઈઝી મની’ ફિલ્મથી ખ્યાતિ પામેલા સ્વીડિશ અભિનેતા જોએલ કિન્નામેનનો અભિનય શાનદાર છે તો લેફ્ટનન્ટ ઓર્ટેગા બનતી મેક્સિકન અભિનેત્રી અને સ્ક્રીનરાઈટર માર્થા હેગાર્ડા પાત્રને સરસ ન્યાય આપે છે, પણ સૌથી સુંદર અભિનય છે ક્વિલક્રિસ્ટનું પાત્ર ભજવનાર અમેરિકન બ્રોડવે અભિનેત્રી, ગાયિકા રીની અલિસ ગોલ્ડસબેરીની. શ્રેણીની બનાવટ હોલિવુડની ફિલ્મ જેવી જાનદાર છે, સાયન્સ ફિક્શન હોવાને લીધે કલ્પનાના વિશ્વમાં ઉંચી ઉડાન છે જે પ્રેક્ષકોને ખૂબ મનોરંજન આપે છે અને સાથે સાથે ખૂબ સરસ રીતે ગૂંથાયેલા વાર્તાના તાણાવાણા અને પાત્રોનો જાનદાર અભિનય નેટફ્લિક્સની આ શ્રેણીને જોવાલાયક બનાવે છે. મોટેભાગે એની બીજી સીઝન આવવાની શક્યતાઓ નથી એટલે દસ હપ્તાની શ્રેણીથી સંતોષ માનવો રહ્યો.
– જીજ્ઞેશ અધ્યારૂ
Altered Carbon Netflix Review Gujarati
એક ખૂબ સરસ અને રસપ્રદ જાણકારી છે.આ ટીવી શૉ’ઝ નિર્માણ થઈ રહ્યુ છે તે મુળ પુસ્તક ઑનલાઈન વાંચવા ગુગલ પર પણ મળે છે. એ સરસ વાત.
મેમરી ટ્રન્સ્ફર શક્ય બને ખરું. બ્રહ્મ રંધ્ર એ એક કેન્દ્ર છે. જે “હું” તત્ત્વ છે તે અહીં સુપર સ્ટ્રીંગ એક કોંબીનેશનના રુપમાં છે. જે નવો અવતાર મળે તે મેમરીને મળે છે. જે અગઔના શરીરમાં “હું” હતો, તે આ નવો અવતાર નથી. જોકે તેથી બીજા ઓને ફેર પડતો નથી. ફેર ફક્ત મૂળ આત્મા (સુપરસ્ટ્રીંગ)ને પડે છે..
જો કે આ મારી માન્યતા છે. જે યુનીફાઈડ ફિલ્ડ થીએરી ઉપર આધારિત છે.
vaah gagarma saagar….. jevu analysis.
વાહ મજેદાર… બોલીવુડ નિર્માતા પણ કંઈક આવુ વિચારે તો મજા પડે.