ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા 1


પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. રાકેશભાઈ, દિનેશભાઈ કાનાણી અને પારસભાઈ હેમાણી સાથે થોડા સમય પહેલા પોરબંદર જવાનો અને બે-એક દિવસ સાંદીપનીમાં આ ખૂબ સરળ અને વિચક્ષણ સર્જક મિત્રોના સત્સંગનો અવસર મળ્યો હતો, એ વખતે રાકેશભાઈના આ સંગ્રહ વિશે જાણકારી મળી હતી. ખૂબ સરળ અને ઋજુ સ્વભાવના કવિને આ નવી ઉંચાઈ બદલ અનેક અભિનંદન અને તેમની કલમને પોંખણાં, શુભેચ્છાઓ, અભિનંદન.. આજે સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી ગમતા શે’ર પ્રસ્તુત કર્યા છે.

કવિના આ સંગ્રહમાં એમના પોતાના અનુભવો, લાગણીઓ અને સ્વભાવનો આછેરો પરિચય મળી રહે છે, રાકેશભાઈને જેટલા હું ઓળખી શક્યો છું, મને લાગે છે કે એ પોતાના તરફ ફેકાતા પથ્થરમાંથી પણ પગથીયા બનાવી ઉર્ધ્વગતિ ચાલુ રાખી શકે એવા સર્જક છે.. જુઓ આ શે’ર..

એમના ફળિયામાંથી આવ્યા છે,
કંકુ ચોખા લઈ વધાવો પથ્થર.

એટલા તો થાય ઓછા ‘રાકેશ’,
ભીતરે થોડાંં સમાવો પથ્થર.

રાકેશભાઈને બાળપણ સાથે અનેરી નિસ્બત છે, એમના આ સંગ્રહમાં પણ એ ભાવ સહજતાથી છલકે છે અને ભાવકને રસતરબોળ કરી મૂકે છે.. જુઓ..

કલ્પના તો બે ઘડી એવી કરો,
બાળકોની પીઠ પર દફતર નથી.

કે પછી

પાછું પંડમાં આવે બચપણ,
બા ફોડે જ્યાં ઘરમાં ધાણી.

અને આ શેર

ટેરવાં બેભાન થાતાં જાય છે,
તો ય આ લેસન ક્યાં પૂરું થાય છે.


સંગ્રહનાં ઘણાં શે’ર ખૂબ ગમી ગયા, એમાંથી થોડાક અત્રે પ્રસ્તુત કર્યા છે..

સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંંયે મસ્તક નમાવીને.

ચરણ મૂૂૂૂકો ને થઈ જાતો તરત રસ્તો,
તમે આવ્યાં નસીબ એવુંં લખાવીને.


જો સાંભળો તો, આ પાન પીળા,
ઘણુંં કહે છે ખરી ખરીને.

વસંત વીતી ગઈ હવે તો,
તમેય આવ્યા રહી રહીને.


ઊભું રહે છે વૃક્ષ આજીવન,
પંડિતો કહો, શું આ સફર નથી?

એ ક્યાય દેખાતો ન હો ભલે,
અહિયાં કશું એના વગર નથી.

ગઝલસંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’ મુખપૃષ્ઠ

થાય ક્યાંથી એણે દર્શન ટોચનાં,
જે કદી ઉતર્યા ન હો ગહેરાઈમાં.

કોઈ મારા શત્રુ કાં બનતાં નથી?
કૈક તો ખામી હશે સચ્ચાઈમાં.


એ જ ઊગી નીકળ્યાં છે ચોતરફ લ્યો,
કોઈ દી વાવ્યાં ન’તાં જે વાતનાં બીજ.

આ જણસ તો વારસાગત છે ભઈલા,
ક્યાંય પણ મળતાં નથી ઓકાતનાં બીજ.


ઓશીકું દઈ ઇશારાનું,
પાંપણો એણે ઢાળી છે.

આપણે જ્યાં ભીંજાયા’તાં,
આજ પણ ત્યાં હરિયાળી છે.


એ લોકો સૌને સાવ નશામાં રાખે છે,
વસ્તીને કાયમ એ જ દશામાં રાખે છે.

‘લીલી’ હો યા ‘ભગવી’ બંનેને ફરકાવે,
ક્યારેય પાવાના ક્યાં ભેદ કશામાં રાખે છે.


ના કરો અહિયાં સુરક્ષાના વિચારો,
જંગલોમાં ફાળ રે’વા દ્યો તો સારું.

બંધ બાંધીને કબર જળની ના ખોદો,
હર નદી નખરાળ રહેવા દ્યો તો સારું.


એટલી છે શર્ત કેે એ હો શિખર પર,
તો પછી પ્હાણાંં ય પૂજાતાં રહેે છે.

એ જ કારણથી દુ:ખી આખું જગત છે,
સૌને સુખ એ પાર દેખાતા રહે છે.


સંત હોવાનો ના રહે મિથ્યા ભરમ,
હાથનેે બસ સ્હેજ મેલો રાખીએ.

શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.


સાવ કોરાણે રહી ગઈ લ્યો શેરિયત,
કૈક શાયર દાદમાં અટવાઈ ગયા.

ચીસ માયાવી હરણની જ્યાં સાંભળી,
ખુદ પ્રભુ પણ સાદમાં અટવાઈ ગયા.


જેમ ભીંજે વૃક્ષ, પર્વત ને હવા,
એ રીતે ક્યાં કોઇથી પલાળાય છે,

મન ! તને એ વાત કાં સમજાય નહી?
જાતરા ચરણો વિના પણ થાય છે.


એક હોસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.


મનમાં રાખી ક્યાં સુધી ફરતો રહીશ,
ક્યાંક વાવી દે હવેે તો વ્હાલને.

કવિ શ્રી ગૌરાંગ ઠાકરનો આ શે’ર તરત યાદ આવ્યો..

ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ..
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.


જિંદગીનું થઈ ગયું સંભારણું એ,
એક કાગળ એણે કોરો મોકલ્યો છે!


એને ક્યાં વાપરવી નિર્ભર આપ પર છે,
કેેેેટલાંયેે કામ ચિંગારી કરે છે.


એક જ ગઝલના એકથી વધુ શે’ર ગમે એવું તો આ સંગ્રહમાં ઘણી વાર થયું, પણ આ ગઝલની વાત કૈક અલગ જ છે..

આજે તો વર્ષા ય અવસર થઇ ગઈ,
સીમ આખી આયનાઘર થઇ ગઈ!

વાદળો એવી રીતે વરસી પડ્યાં,
ગારની ભીંતો ય ખેતર થઇ ગઈ!

આંગણામાં એમનાં પગલાં પડ્યાં
ઝૂંપડી બે વેંત અધ્ધર થઈ ગઈ!

મેં તો એમ જ ચીંધી એના ઘર તરફ,
આંગળી મારી તવંગર થઈ ગઈ!

નીકળ્યો ‘રાકેશ’ અહીંથી હાઈવે
કેટલી કેડીઓ પડતર થઈ ગઈ!

રાકેશભાઈના આ પહેલાના ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ નો આસ્વાદ અક્ષરનાદ પર ૨૧ જુલાઈ ૨૦૧૪ના રોજ પ્રસ્તુત કર્યો હતો. અને આ બીજા સંગ્રહનો બરાબર પાંચ વર્ષ પછી એ જ તારીખ અને મહીને આસ્વાદ લખી રહ્યો છું એ પણ અજબ યોગાનુયોગ જ છે ને!

રાકેશભાઈ ખૂબ સરળ વ્યક્તિત્વના, ઋજુ, લાગણીશીલ અને સંવેદનાથી ભરપૂર સર્જક છે, એમના આ સ્વભાવની ઝલક એમના સર્જનોમાં સતત દેખાતી રહે છે. એમના અનુભવો, લાગણીઓ, મંથન અને શબ્દસાધનાનો પડઘો આ સુંદર સંગ્રહમાં ખૂબ સરસ રીતે ભાવકો સુધી પહોંચે છે. આવા સુંદર સંગ્રહ બદલ કવિને સાધુવાદ અને એમની શબ્દયાત્રા સતત આમ જ ચાલતી રહે એ માટે હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ..

બીલિપત્ર

એટલો મીઠો છે આગ્રહ એમનો,
બોર એંઠા ચાખવાં પડશે હવે.

વેદ તો ‘રાકેશ’ હાથવગાં નથી,
પ્રેમપત્રો વાંચવા પડશે હવે.


પુસ્તક પ્રાપ્તિની વિગતો – પ્રકાશક : કે બુક્સ, કે હાઉસ, નવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, ફોર્ડ મોટર્સના શો રૂમ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૭.
મો. – ૯૮૨૪૨ ૧૯૦૭૪;
Email – yogesh@kbooks.co.in


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા

  • anil

    very meaningful GAZAL. if you understand, you must change your thinking. BEST GAZAL. CONGRATUATION RAKESH BHAI NEVER FORGET JIGNESH BHAI THANKS FOR PUBLISHING GAZAL.