કોણ જાણે કેમ દેખાતો નથી,
બાપનો આ પ્રેમ દેખાતો નથી.
ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો પણ એના પ્રેક્ષકોનો પ્રેમ દેખાતો નથી એવી ફરિયાદ લાંબા સમયથી રહી છે. નટસમ્રાટ માટે સિદ્ધાર્થભાઈએ પણ ટકોર કરવી પડી હતી. ખેર.. લોકો અર્બનના છોગા વગર ફિલ્મ બનાવવાની હિંમત કરે એય ઘણું છે. લવની ભવાઈ, રેવા અને નટસમ્રાટ પછી આ ચોથી ગુજરાતી ફિલ્મ છે જે જોવાની મને મજા આવી ગઈ.. એક વર્ષમાં ચાર સરસ ફિલ્મો કંઈ ઓછી થોડી કહેવાય?
આજકાલ ગુજરાતી ફિલ્મો નવી આદત પાડી રહી છે, થિએટરમાં મનગમતી સીટ પર બેસીને જાણે આપણા જ માટે શો ગોઠવાયો હોય એમ ફિલ્મ જોવાની આદત. દિલ્હી હતો ત્યારે નોઈડામાં ચાલ મન જીતવા જઈએ જોઈ, આખા થિએટરમાં પાંચ-છ જણ હતા, ગયા અઠવાડીયે નટસમ્રાટ જોઈ ત્યારે ત્રીસેક જણ હતા, એમાંય પાંચેક કપલ હતા જેમને કઈ ફિલ્મ છે એની સાથે કોઈ મતલબ નહોતો, નટસમ્રાટમાં તો મારી આગળ ટિકિટ લઈ રહેલા ભાઈએ કહ્યું, “કયું ખાલી છે?” પેલા બહેન કહે, “નટસમ્રાટ” તો કહે, ‘બે ટિકિટ આપો.” પણ બહેને જ્યારે ૨૮૦ રૂપિયા કહ્યા તો એ ભાઈ એમની સાથે આવેલા બહેનને કહે ‘ગુજરાતી ફિલમની ટિકિટ ૧૪૦, બોલો..’ હા, વડોદરામાં રેવા હાઉસફુલ હતું, પણ એવા પ્રસંગો ગુજરાતી ફિલ્મો માટે કેટલા?
એટલે ગઈકાલે મોટેરાના પી.વી.આરમાં ‘વેન્ટિલેટર’ જોવા ગયા અને અડધાથી વધારે થિએટર ભરેલું જોયું તો હરખના આંસુુ છલકાઈ ગયા. ક્યારેક મનગમતી સીટ ન મળવાનોય આનંદ હોય છે. શક્ય હોય એ લગભગ બધી જ ગુજરાતી ફિલ્મો થિએટરમા જોઉં છું. ગઈકાલે અમે ‘લવ સોનિયા’ જોવા જવાના હતા, પછી થયું ‘વેન્ટિલેટર’ની તો રાહ જોતા હતા, તો એ જ પહેલા જોઈએ.
‘વેન્ટિલેટર’ ફિલ્મ સરસ બની છે – રીમેક છે તો પણ, એ રીમેકનો જરાય પડછાયો લઈને નથી ચાલતી એટલે પણ મજેદાર છે – ખાસ તો એટલે કે એ ‘ગુજરાતી’ ફિલ્મ છે, ‘અર્બન’ના છોગા વગરની.. જેકી શ્રોફ, સુચિતા ત્રિવેદી, મેહુલ બૂચ અને પ્રતીક ગાંધી.. મારા માટે ફિલ્મની આ ચાર હાઈલાઈટ્સ છે..
જેકી શ્રોફનું ગુજરાતી એમની માતૃભાષા હોવા છતાં, થોડું પ્રયત્નપૂર્વકનું લાગે પણ ફિલ્મને એમની હાજરી અલગ જ સ્ટારડમ આપે છે, એમનો અભિનય સરળ પણ સરસ છે. મેહુલભાઈ બુચના તો અમે અદના ફેન છીએ જ, વળી આ ફિલ્મમાં અલ્પનાબેન પણ છે. મેહુલભાઈનો જેકી શ્રોફ સાથેનો અભિનય સુંદર સંવાદોને લીધે ધારદાર થયો છે. એવો જ સુંદર અભિનય સુચિતા ત્રિવેદીનો પણ છે, સપનાના વાવેતરથી એમના સક્ષમ અભિનયની જે છાપ બંધાઈ છે, એ તેમણે હજુય સજ્જડ અકબંધ રાખી છે. અને પ્રતીક ગાંધી, એ ફિલ્મનો ભાર એકલા પણ ખેંચી જાય એમ છે. આ ચારના અભિનય સિવાય સંજય ગોરાડીયા મજેદાર પણ થોડા લાઉડ લાગે છે, ઉત્કર્ષભાઈનો અભિનય પણ સરસ છે. વેન્ટિલેટર જોતી વખતે થયું કે બહુ વધારે લોકોનો શંભુમેળો છે, અમુક પાત્રોને એટલો મોટો રોલ જ નથી કે તમે એમને નોંધી શકો. જો આટલા બધા લોકો ન હોત અને થોડાકને વધારે સ્ક્રીનટાઈમ અપાયો હોત તો અભિનયના ચમકારા હજુ વધારે જોવા મળ્યા હોત એમ લાગ્યું. રેહાનને ફક્ત ક્લાઈમેક્સની પાર્શ્વભૂમિકા બાંધવા લાવ્યા એના કરતા પહેલેથી જ લાવ્યા હોત અને વધારે પંચ આપ્યા હોત તો જોવાની મજા આવત એમ મને લાગે છે.
શરૂઆતમાંં ફિલ્મ ઈમ્પ્રેસ કરતી નથી, થોડો કંટાળો પણ આવે કે આ બધુ શું થઈ રહ્યું છે? કારણ કે શરૂઆતમાં ફક્ત પાત્રપરિચય જ છે, અને એટલા બધા પાત્રો છે કે બધાને ઈન્ટ્રોડ્યૂસ કરતા, એમની જરૂરત સમજાવતા ખાસ્સો સમય જતો રહે, અને ઈન્ટરવલ પણ અચાનક જ આવી જાય છે. એટલી ખબર પડે કે આ આખું એક કુટુંબ છે, જેમાં બધાને પોતપોતાની તકલીફો અને ગમા-અણગમા છે. ગિજુકાકા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર છે અને બધા એમને જોવા હોસ્પિટલ આવી રહ્યાં છે.. પણ એ બધા ગિજુકાકાને જોવા નથી આવી રહ્યાં, બધા આવે છે પોતપોતાની અપેક્ષાઓની ધાર કાઢીને, પોતપોતાના મતલબથી આવે છે. એટલે બધા સ્વાર્થી લાગે, ઈવન એમનો પુત્ર એટલે કે પ્રતીક ગાંધી પણ એમને મૂકીને પોતાના કામ માટે જતો રહે. એની પાસે પૈસા નથી એટલે એ પણ વેન્ટિલેટર હટાવી લેવાની તરફેણમાં છે. આમેય એને પોતાના પિતાથી ઘણી ફરિયાદો છે.
પણ પછી વાર્તાની સાથે સાથે ચાલેલી લાગણી અને સંબંધોની નાનકડી સફર બધો જ ભાર ઉતારી દે છે, અને એ છેક અંત સુધી આંગળી પકડીને લઈ જાય છે. ફિલ્મ સરસ હોય તો ભાષાય ક્યાંક ભૂંસાઈ જાય, જાણે ગુજરાતી નહીં, કોઈ હિન્દી ફિલ્મ જ જોઈ રહ્યાં છીએ.
ઘણાં સંવાદો હ્રદયસ્પર્શી અને ચોટદાર છે, પણ એ ક્યાંય વધારે પડતા નથી લાગતા કારણ કે એ બધું આપણી આસપાસ સતત જોવા મળે જ છે. શું શહેર કે શું ગામડું, બધે સમાજવ્યવસ્થાની અને સંબંધોની આ જ પરિસ્થિતિ છે, એ જ મુદ્દો ફિલ્મને બધા જ પ્રકારના – અર્બન અને રૂરલ – માટે જોવાલાયક પણ બનાવે છે.
ઈન્ટરવલ પછી ફિલ્મ રસપ્રદ અને સરસ ગૂંથણીવાળી બનતી જાય છે, જાણે અચાનક જ વાત મેચ્યોર થાય – પકડમાં આવે. અગત્યના પાત્રોની વાત આવતી જાય અને આપણે એમાં ડૂબતા જઈએ. મારા માટે ત્રણ દ્રશ્યો યાદગાર રહ્યાં, ઈન્ટરવલ પહેલા મેહુલભાઈ અને જેકીભાઈ વચ્ચેનો હોસ્પિટલમાંનો પિતા વિશેનો સંવાદ.. ઈન્ટરવલ પછી પ્રતીકભાઈ અને ઉત્કર્ષભાઈ સાથેનું દ્રશ્ય અને છેલ્લે પ્રતીકભાઈનું સુચિતા ત્રિવેદી સાથેનું રુદનનું દ્રશ્ય.. કોઈ હીરોને જો કન્વિન્સ થઈ શકીએ એ રીતે રડતા જોયો હોય તો એ પ્રતીકભાઈ.. અફલાતૂન અને દમદાર અભિનય છે એમનો, એટલે જ એ મારા મતે નવાઝુદ્દીન કે રાજકુમાર રાવને રસ્તે છે.. સારું છે આપણી પાસે આવો ધરખમ અભિનેતા છે.
અને આ બધામાં બોનસ તરીકે નોંધપાત્ર છે અર્ચનભાઈ ત્રિવેદી અને જેકી શ્રોફ વચ્ચેનું એ દ્રશ્ય, આપણી ભૂલાઈ રહેલી પરંપરા – ભવાઈ વિશેની એ આખીય પ્રસ્તુતિ ખૂબ સ્પર્શી ગઈ. એડિટરે જો એ સીક્વન્સ કાપી નાખી હોત તો પણ ફિલ્મને કોઈ ફરક નહોતો પડવાનો, પણ એ રહેવા દેવાઈ – ભવાઈને આટલી સરસ રીતે માન અપાયું એ માટે ફિલ્મની ક્રિએટિવ ટીમને સલામ કરવાનું મન થઈ આવે.
ફિલ્મનું બીજુ નોંધપાત્ર પાસુ એનો બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતના શબ્દો છે. ‘લવની ભવાઈ’ પછી ફરી ગુજરાતી ગીતના પ્રેમમાં પડવાનું મન થાય એવા શબ્દો લખાયા છે, દુહાથી શરૂ થતો તદ્દન ગુજરાતી એવો ગરબો સરસ બન્યો છે,
શક્તિ દે ભક્તિ દે મુક્તિ દે
બુદ્ધિ દે શુદ્ધિ દે વૃદ્ધિ દે
તારે જ રંગે, તારે ઉમંગે ઘૂમે રે આખી ભોમ..
અંબા રે અંબા, ઓ જગદંબા.. બાજે રે તારા ઢોલ..
નવરાત્રીમાં દર્શન રાવલના સંકર ‘ચોગાડા’ને બદલે આ ‘અંબા રે અંબા..’ વધુ ચાલવું જોઈએ એમ લાગે છે..
‘જીવ તું શાને ફરે છે ગુમાનમાં..’ નું પ્રતિકાવ્ય સરસ રીતે લખાયું અને ઉપયોગમાં લેવાયું છે. આદિત્ય ગઢવીનો અવાજ જાનદાર છે.
અડધું આયખું ટી.વી માં ગ્યું ને તારું અડધું ગ્યું ફોનમાં,
મનમાં તો ગીતડા ફિલમના વાગે તારા કહેવાતા મૌનમાં,
તારે પડવું નથી એના ધ્યાનમાં,
હરી મળતા નથી એમ ગામમાં
તું તો દર્શન માંગે દુકાનમાં..
જીવ શિદને ફરે છે ગુમાનમાં.. તારે રહેવું ભાડાના મકાનમાં
અને એમાંય
‘રોટલો ન નાખ્યો તે ભૂખ્યાના પેટમાં
ભગતી રહી તારી હે ઈન્ટરનેટમાં
હવે ખૂટ્યો છે ડેટા તારા પ્લાનમાં.. તારે રહેવું ભાડાના મકાનમાં” પર જે વાહ વાહ થયું અને તાળીઓ પડી છે.. પ્યોર મોજ..
પણ સૌથી વધુ હ્રદયસ્પર્શી રહ્યું પિતા પુત્રના પ્રેમને સાર્થક કરતું સિદ્ધાર્થ ભાવસારના સ્વરમાં પ્રસ્તુત થયેલું ગીત..
“કોણ જાણે કેમ દેખાતો નથી,
બાપનો આ પ્રેમ દેખાતો નથી.
વાયરાની જેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી”
ગીતના લિરિક્સ ખૂબ પ્રભાવશાળી છે, એમાંય
“બેઉ પેઢીને ઘણી ફરિયાદ છે,
કાચ પાયેલા બધાં સંવાદ છે.
નાની નાની વાતમાં વિખવાદ છે,
તોયે આજે આંખમાં વરસાદ છે
આતમાની જેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી”
વાહ બોલાવી જ દે.
ફિલ્મનું દિગ્દર્શન ખૂબ સરસ છે, ઉમંગભાઈ વ્યાસને એ માટે અભિનંદન સહ આભાર. મલ્હારનો અને જૂહી ચાવલાનો કેમિઓ સરસ રહ્યો, મલ્હારનો એ જ – છેલ્લો દિવસ વાળો ટોન યથાવત રહ્યો છે. જૂહીજી પાસે પૂરું ગુજરાતી જ બોલાવ્યું હોત તો વધુ મજા આવી હોત કારણકે એ જેટલું પણ ગુજરાતી બોલ્યા છે, મીઠું જ લાગ્યું છે.
હું કોઈ ફિલ્મ સમીક્ષક કે રિવ્યુલેખક નથી, જે ગમે અને નોંધપાત્ર લાગે એના જ રિવ્યુ લખું છું. પણ જ્યારે ગુજરાતી ફિલ્મ જોઉં ત્યારે થાય કે આપણી ભાષામાં આવતી ફિલ્મોની મજા જ કંઈ અલગ છે. વેન્ટિલેટર જેવું ગિજુકાકાને ફળ્યું, અને ગિજુકાકા જેવા વેન્ટિલેટરને ફળ્યા.. શ્વાસ, જેવા વેન્ટિલેટરને મળ્યા એવા સૌને મળજો.
ventilator gujarati movie review Jackie shroff pratik gandhi sucheta trivedi Utkarsh Mazumdar mehul buch sanjay goradia mitra gadhvi
I have not seen the movie “Ventileter” but the review written is really very catchy and made me curious to watch this movie.
According to me this is a golden era of Gujarati movies, just because we are relieved from historical and religious films.
All the recent films are worth enjoying. I welcome the idea of Gujarat government to offer more relief to Gujarati movie makers.
hemant shah
98205 27647