ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ 2


આજકાલ ફેમિનિઝમનો વાયરો વાય છે, ઘણી રીતે એ યથાર્થ પણ છે. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કદાચ હવે આઉટડેટેડ છે, પોતાના અલગ અસ્તિત્વને ઝંખતી – પામતી સ્ત્રીઓની વાત કહેતી ઘણી ફિલ્મો – ટી.વી અને વેબ શ્રેણીઓ આવી રહી છે, એમાંથી ઘણી એ વાતને યોગ્ય રીતે મૂકી શકવામાં સફળ રહી છે, અમુક એવી પણ છે જે ફેમિનિઝમના પેકેટમાં એ જ ચવાઈને ડુચ્ચો થઈ ગયેલી વાતો ભયાનક રીતે ડ્રામેટાઈઝ કરીને મૂકે છે..

સંંપૂર્ણ રીતે મહિલાઓની જ ટીમે બનાવેલી અમેઝોન પ્રાઈમની વેબશ્રેણી ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ મુંબઈમાં રહેતી – કામ કરતી ચાર મહિલા દોસ્તોની વાત લઈને આવે છે. ચારેયની એમના પોતપોતાના જીવનની તકલીફો છે અને એમને જોડતી કડી રૂપ ટ્રક બારમાં નિયમિતપણે ટકીલાના શોટ્સ સાથે પોતાના મનની વાતો વહેંંચે છે એવી પૂર્વભૂમિકા સાથે આ આખી વાત શરૂ થાય છે.

Four More Shots Please! lead cast

જો તમને ૨૦૧૬માં અજય દેવગણ પ્રોડક્શનની રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા અને તનિષ્ઠા ચેટર્જીના દમદાર અભિનયવાળી ફિલ્મ પાર્ચ્ડ યાદ હોય, તો એમાં પણ ચાર સ્ત્રીઓની એમની તકલીફો અને પોતાની સ્વતંત્રતા માટેની ઝંખના, ગ્રામ્ય પરિવેશમાં પણ ખૂબ સરસ રીતે મૂકી શકાઈ હતી. પાર્ચ્ડ ફેમિનિઝમને એ ક્વોટ અનક્વોટ વગર ખૂબ અસરકારક રીતે, વિચારતા કરી મૂકે એવી રીતે, જીવનની હકીકતોને સ્પર્શીને એ આખી વાત મૂકી શકી હતી. એ પાત્રો તમે પોતાની આસપાસ ક્યાંક શોધી – જોઈ શકો. ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ના ચારેય પાત્રો હકીકતમાં અસલ લોકો સાથે સરખાવી શકવા મુશ્કેલ છે અને એટલે જ એનો પહેલો હપ્તો ખૂબ નિરાશ કરે છે. એ જોઈને જો સીરીઝ વિશે મત બાંધવાનો હોય તો ન જ જોઈએ.. ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ નું ટ્રેલર પણ ફેમિનિસ્ટ અને બોલ્ડ બનવાની લ્હાયમાં ભદ્દા બની ગયેલા સંવાદોથી છલકાવી નાખેલું છે એટલે તમને એમ જ લાગે કે સ્ત્રી સ્વાતંત્ર્યના બ્યૂગલ વગાડતી અને એ ઓઠા નીચે સ્ત્રીઓને સ્વચ્છંદી બતાવતી સીરીઝ જ હશે. પણ ટ્વિટર પર એના અન્ય એપિસોડ વિશે વખાણ વાંચ્યા પછી બીજો એપિસોડ જોવાની ઈચ્છા થઈ. અને પછી એ વાર્તા ખુલતી ગઈ એમ મજા આવતી ગઈ. પ્રતીક બબ્બર, બાની જે, શિમોના સિંહ, કીર્તિ કુલ્હારી અને સયાની ગુપ્તાનો અભિનય સરસ છે, જોવાની મજા આવે છે.

શરૂઆતી ધબડકા છતાં જેવી એ ચારેયની જિંદગીની, એમની સમસ્યાઓની વાત શરૂ થાય કે એ અચાનક થોડીક હકીકતની નજીક આવતી લાગે છે. પાત્રો થોડા પચાવી શકાય એ હદમાં આવતા જાય છે. દામિનિ રોય (સયાની ગુપ્તા) એક પત્રકાર છે, એની હિંમત બદલ ત્રણ વખત નિડર પત્રકારનો અવોર્ડ પણ મળ્યો છે, અને છતાં એ પોતાની જ વેબસાઈટના કામમાં ગળાકાપ સ્પર્ધાથી પરેશાન છે. એની પાસે પોતાના માટે કે પુરુષો માટે સમય નથી, એ એના ગાયનેકોલોજીસ્ટ ડો. આમિર (મિલિંદ સોમણ)થી શારીરિક રીતે આકર્ષાયેલી છે. પંજાબથી આવેલી ઉમંગ (જે. બાની) બાયસેક્સ્યુઅલ છે, જિમમાં કામ કરે છે, અને સ્વમાન ખાતર નોકરી છોડ્યા પછી ફિલ્મસ્ટાર સમારા કપૂર (લીઝા રે) ની સાથે પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતા બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. અંજના મેનન બનેલી કીર્તિ ડિવોર્સી છે, એનો પતિ તો જીવનમાં આગળ વધી ચૂક્યો છે પણ એ હજી પણ એને બીજી સ્ત્રી સાથે જોઈને અસહજ થઈ જાય છે. સિધ્ધિ પટેલ (માનવી) માને છે કે એની મા સ્નેહા પટેલ (શિમોના સિંહ) ને એ બિલકુલ પસંદ નથી અને એથી જ કાયમ એના લગ્ન માટે જ પ્રયાસરત એવી માને એ સતત ધિક્કારે છે. એ પોતાની માને સ્નેહા કહીને જ બોલાવે છે અને પોતે શરીરમાં જાડી છે એટલે કોઈ છોકરો એની સાથે લગ્ન કરવા તૈયાર નથી એવી સ્નેહાની માન્યતાને પણ ધિક્કારે છે.

આ ચારેય પોતપોતાની તકલીફોને લઈને એક બારમાં મળે છે જ્યાં એ ટકીલાના શોટ્સ પર મન હળવુંં કરે છે. મરીન ડ્રાઈવ પર એ ચારેય પર ફિલ્માવાયેલ દ્રશ્ય જુઓ તો તમને પાર્ચ્ડનું પેલું છકડા વાળું દ્રશ્ય યાદ આવ્યા વગર ન રહે. એવું જ બોલ્ડ સંવાદોથી ભરપૂર બારનું પણ એક દ્રશ્ય છે જે ટ્રેલરમાં દેખાડાયું છે. બીજા હપ્તા પછીથી દરેકની સમસ્યાઓ વાર્તામાં વેગ પકડતી જાય છે – વધુ ઘેરી બનતી જાય છે અને એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતી આ ચારેય મિત્રો એ બારમાં જ રોજનો ઘટનાક્રમ એકબીજા સાથે વહેંચતી રહે છે. પણ છેલ્લા હપ્તામાં પણ પહેલા જ હપ્તાની જેમ નિરાશા થાય છે, કદાચ બીજી સીઝન બનાવવાની લાલચે વાર્તાને લટકતી મૂકાઈ છે, અને પ્રયત્ન એવો છે કે દર્શકને કંઈક અંશે તેમની તકલીફોનો ઉકેલ મળ્યો હોવાની લાગણી થાય જેમાં દિગ્દર્શન નિષ્ફળ નીવડ્યા છે.

Sayani Gupta, Gurbani Judge, Kirti Kulhari, Maanvi Gagroo
Sayani Gupta, Gurbani Judge, Kirti Kulhari, Maanvi Gagroo

સેક્સ્યુઅલ દ્રશ્યો ઘણાં છે, પણ એકાદ બે સિવાય એ કોઈ બળજબરીથી મૂકાયા હોય એમ લાગતા નથી. હા, ઘણાં બોલ્ડ સંવાદો તદ્દન બિનજરૂરી છે. સેક્સ્યુઅલ દ્રશ્યો પુરુષ ને બદલે સ્ત્રીના સંતોષ માટે હોય એમ ફિલ્માવાયા છે જે એનું જમાપાસું છે. પણ એ સિવાય ફેમિનિઝમનો અર્થ જો અંગત સેક્સ્યુઅલ આઝાદી, ફક્ત એવો જ કરવાનો હોય તો આ શ્રેણી એને પૂરેપૂરો ન્યાય આપી જાય છે. એક મુલાકાતમાં આ ચારેય મુખ્ય પાત્રો ભજવતી અભિનેત્રીઓ કહે છે કે તેમના મતે સ્ત્રીને એક વપરાશની વસ્તુ તરીકે જોતા સમાજે સ્ત્રીના દ્રષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ, એમની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ જ્યાં પુરુષોની ઈચ્છાઓ કરતા અગત્યની થઈને ઉભરે એવું દેખાડવાનો પ્રયત્ન અહીં કરાયો છે. મારા મતે ફેમિનિઝમની એ બહુ કંગાળ વ્યાખ્યા છે.

પાત્રો ઉભડક લાગે છે, એમાં ઊંડાણનો અભાવ છે, કેટલાક દ્રશ્યો ખરેખર અપીલ કરી જાય છે, પણ એ ચમકારાની જેમ આવીને જતા રહે છે. દામિનિ રોય બનતી સયાની ગુપ્તાનું પાત્ર સૌથી વધુ નબળું લખાયું છે, પણ એમાં અભિનયનો ચમકારો દેખાઈ આવે છે. તો સામે પક્ષે સિદ્ધિ પટેલ બનતી માનવીનું પાત્ર ખૂબ સરસ રીતે લખાયેલું છે. શારીરિક સ્થૂળતાને લીધે શરૂઆતની અસહજતા અને પછી પોતાના આનંદ – સ્વત્વને માણતી સિદ્ધિ ખૂબ સરસ રીતે ભજવી શકાઈ હોત પણ એ ઉપરછલ્લું લાગે છે. વાત હજુ વધુ ગંભીરતાથી લખાઈ હોત અને ફેમીનીઝમના નશા વગર ફિલ્માવાઈ હોત તો નિખરી ઉઠી હોત એ ચોક્કસ. આધુનિક સ્ત્રીઓની વાત એમના જ પરિવેશમાં જઈને કહેવાનો પ્રયત્ન આવકારદાયક છે. આ પ્રકારની વધુ શ્રેણીઓ બને – વધુ ગંભીરતાપૂર્વક લખાય અને ભજવાય એની જરૂર છે.

– જિજ્ઞેશ અધ્યારૂ

Four More Shots Please, Amazon web Series Review


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ

  • nilesh

    ખૂબ સરસ, ટૂંકમાં અને આખી સિરીજને આવરી લેતા પાસાઓ આપે બતાવ્યા.. પણ પણ પણ…. સિરીજમાં ક્યાંક ક્યાંક પુરુષને કેન્દ્રમાં રાખીને પણ અમુક દ્રશ્યો ફિલ્માવાયા છે એ આપના રિવ્યૂમાં ઉલ્લેખ નથી.. ખેર તો પણ આપનો રિવ્યુ વાંચવો ગમ્યો,,,, સાચી વાત એ છે કે શરૂઆતના એક બે એપિસોડ જોઈને કોઈને પણ કંટાળાજનક લાગે પણ જેમ જેમ એક એક પરત ખૂલતી જાય છે એમ સિરીજ રસપ્રદ બનતી જાય છે,,,

  • gopal khetani

    કદાચ વેબ સિરિઝ પ્રોડક્શનમાં પણ નોકરી / પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા અપાતી હશે જેથી વાર્તા, સ્ક્રીનપ્લે અને એડીટીંગ પર ધ્યાન નહીં દઈ શકાતું હોય. ઢગલા મોઢે વેબ સિરીઝ્નો રાફડો ફાટ્યો છે તેનું પ્રેશર હશે એવું લાગે છે. ખૂબ સરસ રિવ્યુ.