કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૨ (નવરાશનો સદઉપયોગ) 2


ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી અક્ષરનાદની આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં ઇ-પુસ્તકો પછી બીજા ક્રમે આવે છે. દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે.. 

૧. https://theoatmeal.com

આપણને માહિતી અને સૂચનાઓના ફકરા વાંચવા કરતા એને સરળતાથી રજૂ કરતા ચિત્રો દ્વારા સમજવાની, વાંચવાની વધારે મજા આવે છે, જેમ કે અત્યારના સંજોગોમાં આપણા હાથ ચહેરાને અડાડવાની તાલાવેલી કઈ રીતે રોકવી જોઈએ એ વિશેના ત્રણ ફકરા કોઈ વાંચવાનું નથી, પણ જો એ વિશે નીચે મૂક્યા એવા ચિત્રો હોય તો? ધ ઓટમીલ ચિત્રો દ્વારા જરૂરી વાતો સરસ અને મજેદાર રીતે રજૂ કરતી વેબસાઈટ છે. એ વેબકોમિક કહી શકાય એવા સ્વરૂપમાં છે અને એના વિષયો કાયમ તરોતાજા હોય છે જેમ કે ઉપર કહ્યો એ વિષય સિવાય અત્યારના અન્ય વિષયો છે, સોશિઅલ ડિસ્ટન્સિંગ કઈ રીતે રાખી શકાય કે આ સમયે તમારા ડૉગીને કઈ રીતે બહાર શૌચ કરવા લઈ જઈ શકો. અહીં પાલતુ પ્રાણીઓ વિશેની પણ ઘણી જાણકારીઓ અને વાતો છે. સાથેસાથે ઘણી રસપ્રદ માહિતીઓ પણ છે જે વધુ સર્ફ કરશો તો જોઈ શક્શો. એક ઉદાહરણ નીચે આપ્યું છે..

https://theoatmeal.com/comics/believe

૨. https://findtheinvisiblecow.com

ફાઇન્ડ ધ ઇન્વિઝિબલ કાઉ એટલે કે અદ્રશ્ય ગાયની શોધ કરાવતી આ વેબસાઈટ સમય પસાર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ગેમ ખૂબ સરળ છે, તમે એક ખાલી સફેદ સ્ક્રીન જુઓ છો અને અદ્રશ્ય ગાયને શોધવાનો પ્રયાસ કરો. પરંતુ જે રમતને અદ્ભુત બનાવે છે તે ઓડીયોમાં કર્સર સાથે બદલાવ. જેમ કર્સર ફેરવતા જશો એમ ‘કાઉ’ બોલતો અવાજ વધતો ઘટતો જશે. વધતા અવાજ તરફ કાળજીપૂર્વક કર્સર લઈ જાવ, જેમ જેમ તમે ગાયના સ્થાનની નજીક જશો તેમ અવાજ વધુ જોરથી સંભળાતો જાય છે. જ્યાં સુધી તમને આખરે સાદા કર્સરની બદલે ક્લિક કરી શકાય એવું કર્સર મળે અને ક્લિક કરતા ગાય મળે ત્યાં સુધી.

૩. http://app.thefacesoffacebook.com

નામ સૂચવે છે તેમ આ વેબપેજ પર ફેસબુકના કરોડો પ્રોફાઈલ પિક્ચરનો સંગ્રહ છે, ઝૂમ કરીને તથા ડાબે જમણે અને ઉપર નીચે સ્ક્રોલ કરીને વિવિધ પ્રોફાઈલ ફોટો જોઈ શકાય છે. ૧૨૭ કરોડથી વધુ પ્રોફાઈલ ફોટા આ વેબપેજ પર હોવાનું કહેવાયું છે અને એની ગણતરી સતત એ પેજ પર વધતી રહે છે. રસપ્રદ પાનું અને સમય પસાર કરવાનો આગવો વિકલ્પ. મને જો કે સમજાયું નહીં કે બીજાના ફેસબુક ફોટા જોવા સિવાય આ પેજનો શો ઉપયોગ છે.

૪. http://indiaquiz.net

આપણને પ્રશ્નોત્તરી રમવાનું ખૂબ ગમે છે. કૌન બનેગા કરોડપતિને લીધે પ્રશ્નોત્તરી ખૂબ પ્રખ્યાત થઈ છે. આ પ્રકારના ચાર વિકલ્પો વાળા પ્રશ્નો અને એ પણ ફક્ત આપણા દેશને લગતા હોય, સામાન્ય જ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, ફિલ્મો, ઇતિહાસ, સાહિત્ય, ભૂગોળ, વિજ્ઞાન, રમતો, રાજકારણ અને વિવિધ રાજ્યોને લગતા વિષયોને લઈને ખૂબ સરસ રીતે બનાવાયેલી આ વેબસાઇટ ખૂબ પ્રોડક્ટિવ સમય પસાર કરવાનું સાધન છે. દર વખતે નવા પ્રશ્નો અને સતત અપડેટ થતી વેબસાઈટ મજેદાર છે. સમય ક્યાં પસાર થઈ જશે એ ખબર નહીં પડે અને માહિતી સાથે જાણકારી વધશે એ નફામાં.

૫. https://stars.chromeexperiments.com

આપણું સમગ્ર અસ્તિત્વ બ્રહ્માંડના એક નાનકડા કણ જેવડી પૃથ્વી પર સીમીત છે. પણ આખા બ્રહ્માંડની અનેક વાતો આપણને ખબર નથી, બ્રહ્માંડની માનવજાતને ઉપલબ્ધ માહિતીનો ભંડાર એવી આ વેબસાઈટ ખૂબ સરસ રીતે ડેવલપ કરાયેલી છે. સૌરમંડળ અને આપણી ગેલેક્સિ ઉપરાંત અનેક વિગત માહીતીઓ આ વેબસાઈટ સરળ અને એનિમેટેડ સ્વરૂપે દર્શાવે છે. વેબસાઈટ પર જઈ ડાબી તરફ ઉપર આવેલ ઓટો ટૂર પર ક્લિક કરો અને બ્રહ્માંડમાં ખોવાઈ જવાનો આનંદ માણો.. ખૂબ સરસ, માહિતીપ્રદ અને ઉપયોગી વેબસાઈટ.

૬. http://fff.cmiscm.com/

કોઈ પણ હેતુ વગરનો નકરો પણ મજેદાર ટાઈમપાસ. માઉસનો ઉપયોગ કર્યા કરો અને એક પછી એક કાર્ડ ઉપાડ્યા કરો. જો કે આવી વેબસાઈટ બનાવવાને આ લોકોનો ખર્ચો કેમ નીકળતો હશે? ભગવાન જાણે, આપણે શું?

૭. https://www.boredpanda.com

આપણી જેમ કંટાળેલો પાન્ડા જેના નામના મૂળમાં છે એવી ઇન્ટરનેટ પર સમય પસાર કરવા માંગતા લોકો માટે આ વેબસાઈટ રસપ્રદ સંકલન છે. ઇન્ટરનેટના વિશ્વમાં જાણવાલાયક, ચહેરા પર સ્મિત લાવી દે તેવી કે ‘મજા આવી ગઈ’ એવો અનુભવ આપતી અનેક પોસ્ટ ધરાવતી આ વેબસાઈટ અનેકવિધ માહિતીનો ખજાનો છે. વર્ષે વીસથી ત્રીસ લાખ ડૉલર રેવન્યુ સાથે તે ફેસબુકના વાવાઝોડામાં પણ સદ્ધર છે એનું મુખ્ય કારણ છે માહિતીની રસપ્રદ શોધ અને સંકલન. તમને પણ એ ગમશે જ..

બિલિપત્ર

૮. https://asoftmurmur.com

ઘરમાં પૂરાઈ રહેવાના લીધે જો લાંબો સમય ગીત સાંભળીને કે ટી.વી જોઈને કંટાળ્યા હોવ તો આ વેબસાઈટ પર જઈ દરિયાનો કે વરસાદનો કે હવાનો કે પક્ષીઓનો કે કૉફીશૉલના વાતાવરણનો કે પછી આ વિવિધ પ્રકારોના એકથી વધુ સંયોજનને સાંભળવા માંગતા હોવ તો ‘અ સોફ્ટ મર્મર’ ખૂબ ઉપયોગી વેબસાઇટ છે.


આ પ્રકારની બીજી વેબસાઈટ્સ વિશે, એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ વિશે જાણવા અને નેટજગતની હલચલ માણવા અક્ષરનાદની શ્રેણી Know More ઇન્ટરનેટ જુઓ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૨ (નવરાશનો સદઉપયોગ)

  • The Gujju Adda

    ખુબ જ સરસ માહિતી છે વેબ્સાઈટ વિશે. ખાસ કરી ને જયારે કોરોનાની મહામારીમાં લોક ડાઉનની પરિસ્થિતિ માં ખુબ ઉપયોગી નીવડે તેમ છે.