ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત 11


૧. મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,

એ હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,

દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.

– ત્રિભુવન વ્યાસ

૨. એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,
એણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં એ તરવા ગઈ.

તળાવમાં તો મગ્ગર,
બિલ્લીને આવ્યાં ચક્કર,
સાડી છેડો છૂટી ગયો
મગ્ગરના મોંમાં આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઇ ગયો !

– ચં. ચી. મહેતા

૩. પા ! પા ! પગલી

બાળકને બે હાથ ઝાલી તાલમાં ચાલતાં શીખવવાનું
[પા ! પા ! પગલી, મામાની ઢગલી’—એ લોક-જોડકણાંનો ઢાળ ]

પા ! પા ! પગલી
ફૂલની ઢગલી
ઢગલીમાં ઢેલડ
જીવે મારી બેનડ !

પા ! પા ! પગલી
બાગમાં બગલી
બગલી બોલાવે
ડોક ડોલાવે
નીર ઝુલાવે
તીર તળાવે

પા ! પા ! પગલી
નાજુક ડગલી
ડગલી ભરતાં
દડવડ દડતાં
બેની મારી પડતાં !

પા ! પા ! પડિયાં
થોડુંક રડીયાં
આંસુડાં દડીયાં
ભાઇ સાથે લડીયાં
ભાઇ ભરે બકી
જાણે ચકો-ચકી.

પા ! પા ! પાલર
ઝૂલે છે ઝાલર
ઝાલર જડીયો
બેનીબાનો ચણિયો
જાણે નાનો દરિયો !

પા ! પા ! પૂજન
આંબે કૂજન
કૂ કૂ કરતી
જંગલ ભરતી
કોયલ ફરતી.

પા ! પા ! પાણી
નદી છલકાણી
પાણીમાં પડિયાં
તગ ! તગ ! તરિયાં
નીર નીતરિયાં
ઊંડાં ઊતરિયાં
નાવણ કરિયાં
બેડલાં ભરિયાં.

પા ! પા ! પૂનમ
તારા ટમટમ
ચાંદો ચમચમ
રાત્રી રમઝમ
સાગર ઘમમમ !

પા ! પા ! પોળી
ધીમાં ઝબોળી
બોળીને ખાજો !
ગલુ ભાગ દેજો !

પા ! પા ! પલકે
વીજળી વ્રળકે
મેહુલો મલકે
મોર મીઠી હલકે
કેહુ ! ગેહુ ! ગળકે
નીર ધારા ખળકે.

પા ! પા ! પરીઓ
ઠેકે દરિયો
દરિયો ડોલે
હીંચે હીંડોળે
છલછલ છોળે.

પા ! પા ! પોપટ
લીલો લટપટ
લળીલળી ચાલે
સરોવરની પાળ્યે
પાંખો પલાળે
કાંઠલે કાળે
પ્રેમે બેની પાળે.

પા ! પા ! પંખી
મા મરે ઝંખી
મા ગૂંથે માળા
સાફ સુંવાળા
ધોળા ને કાળા
બાળ રૂપાળા.

પા ! પા ! પોઢણ
આભનાં ઓઢણ
ઓઢીને ઊંઘો
સોણલાં સૂંઘો
ઝટ પાછાં જાગો
પ્રભુ પાસે માંગો !

પા ! પા ! પ્રભુજી !
એક જ અરજી
ઝટ દો પગ જી !
પગે ઝાડ ચડશું
પહાડે રખડશું
વેરી સાથે લડશું
મા કાજે મરશું,
ફરી અવતરશું !

– સં. ઝવેરચંદ મેઘાણી (‘સોના-નાવડી’ માંથી સાભાર.)

બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. મારા ઘરે અવતરેલા પુત્રને પણ આવા જ ગીતો શીખવવા છે એ પોતાની જાતને યાદ કરાવવા આજે પ્રસ્તુત છે ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ત્રણ સુંદર મજાના બાળગીતો – સંકલિત

 • ashalata

  વાર્તા રે વર્તા,
  ભાભુ ઢોર ચારતા
  છ્હોકરા સમજાવતા એક છોકરો રીસાણો
  કોથી પછ્હળ સન્તાણો કોઠી પડી આડી
  અરરર ર માડી—–

 • Paresh Trivedi

  નીકળ્યો સહેજ લટાર મારવા પત્થરો ના શહેર માં,
  ઝાકઝમાળ ને જાજરમાન ઇમારતો ના શહેર માં,

  દેખાતી દૂર થી અતી સુન્દર, થયું મન પ્રસન્ન,
  લાવ જોઉઁ જરા સમીપ જઈને, થયું એવુ મન,

  ગયો જ્યાં નજીક , ત્યાં વરતાઈ ઈમાર,
  ધબકાર ચુકી ગયુઁ દીલ, થયુઁ આટલી છે આ બેઢઁગી?

  આવી અચાનક દુર્ગઁધ આ આવાસો માઁ થી એવી,
  નથી આવતી છાણ ને ગારા ના ઝુઁપડા માઁ થી જેવી,

  રહેતુ હશે કોણ આમાઁ? કળીયુગ નો માનવ કે સત્ યુગ નો દાનવ
  દાનવ પણ હોય છે માનવ, પણ રહેતા નથી અહિઁ માનવ,

  જોયા દાવપેચ ને રાજ રમતો શ્રીમઁતો ની ,પૈસા થી પૈસા ખેઁચવાની,
  જોઇ પેટ નો ખાડો પુરવા માટે દુકાન, જિસ્મ માઁ ખાડા પડાવવા ની,

  માસૂમ ના આઁસુ થી બનેલી મદિરા પી ને ચઢેલી મસ્તી,
  શુઁ છે માસૂમો ના અશ્રુ ની કિઁમત આટલી સસ્તી,

  પસ્તાયો ખુબ જ “માનવ” જઈને પત્થરો ના શહેર માઁ,
  ઝાકઝમાળ ને જાજરમાન ઈમારતો ના શહેર મા.

 • Minal

  ચાંદો સુરજ રમતા તા
  રમતા રમતા કોડી જ્ડી
  કોડી ના મે ચિભડા લિધા
  ચિભડે મને બેી દેીધા
  બિ મે વાડૅ નાખ્યા
  વાડૅ મને વેલો આપિયો
  વેલો મે ગાય ને આપિઓ
  ગાયે મને દુધ આપિયુ
  દુધ મે મહાદેવ ને આપિયુ
  મહાદેવ મને લાડવો આપિયો
  એ લાડવો હુ ખાઈ ગયો……

 • PH Bharadia

  ૧૯૪૦-૧૯૫૦ નાં વર્ષો દરમ્યાન વડોદરાથી પ્રસિદ્ધ થતું બાલમાસિક ‘બાલજીવન’માં
  બાળપણમાં આ નીચેનો ઉખાણો વાંચ્યો હતો ને તે ગમ્મત ખાતર ‘ગોખી’ લીધેલો જે
  હજુ યાદ છે,આજે આ પ્રસંગે વર્ષોપછી લખી રહ્યો છું.
  “અ બી સી ડી ઈ એફ જી, પાઘડી લૂગડાં ગેબજી
  ગેબજીના ગાણીયા, વઢી માર્યા બે વાણીયા,
  વાણીયાએ કરી અરજી,વઢી મર્યા બે દરજી,
  દરજી ની ઓટલી,ભામણને ઉગી ચોટલી,
  ચોટલીના ચારસો,વઢી માર્યા બે વારસો,
  વારસો ને ચડ્યું માન,વઢી માર્યા બે મુસલમાન,
  મુસલમાને કર્યું વેર,ચાલો આપને જઈએ ઘેર.”
  બાલજીવન,બાલમિત્ર,રમકડું જેવા માસિકોમાં પીરસાતા બાળસાહિત્યનો આજે ‘ખો’ નીકળી ગયો છે
  અને આજના આપણા’ગુજરાતી’ દૈનિકોમાં પણ ‘બાળસાહિત્ય’ને નહીવત સ્થાન છે,
  પશ્ચિમનાં યુરોપીય દેશોમાં હજી પણ બાળસાહિત્ય ઘણી માત્રામાં લખાઈ છે,
  જેવાકે ‘હેરિ પોરટેર’ની લોકપ્રિયતાની બધાને જાણ છે.
  બકોર પટેલ,ચક્કો મક્કો જેવા પાત્રો આજે ગુજરાતી બાળસાહિત્યમાંથી ગુમ થઇ ગયા છે
  તે ખેદ ની વાત છે.નિર્દોષ અને રમુજી બાળસાહિત્યમાટે કમર કસવી પડશે નહીંતર
  ભવિષ્યની પ્રજાની ‘આંખમાં’થી આપણે નીચા પડી જઈશું.

 • ashalata

  પાવ રે પાવ
  મામાને ત્યા જાવ
  મામાનુ ઘર કેટ્લે
  દીવો બળે એટ્લે
  દીવો તો મે દીથો
  મામો લાગે મીઠો—-

  એન ઘેન દીવા ઘેન્—-

  આડ્કો દ્ડકો દહી દડુકો—

  આવા ઘણા ગીતો યાદ આવે છે.

 • arif khan

  ઇલા કદિ હોત હુ દેવબાળ તારા ભર આપત એક થાળ

  તથા કાલે રજા છે બહુ થાકિ વાન્ચિસ વહેલા સહુ પાઠ બાકિ

  યાદ આવે છે.

 • Atul Jani (Agantuk)

  બાળકની સાથે રમતાં રમતા આપણે પણ બાળક બની જઈએ છીએ. આસ્થા જ્યારે નાની હતી ત્યારે તેની સાથે રમતાં રમતાં તેને ખભે બેસાડીને અનાયાસે જોડકણાં ગવાઈ જતા –

  ઢિંગલો રે ઢિંગલો
  નાનો નાનો ઢિંગલો
  ડાહ્યો ડાહ્યો ઢિંગલો
  વ્હાલો વ્હાલો ઢિંગલો
  નાનો નાનો – ડાહ્યો ડાહ્યો
  વ્હાલો વ્હાલો – છે મજાનો

  આસ્થા રે આસ્થા
  નાની નાની આસ્થા
  વ્હાલી વ્હાલી આસ્થા
  ડાહી ડાહી આસ્થા
  છે મજાનીઆસ્થા