મને શું થવું ગમે? – દેવયાની બારૈયા (પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ) 16


(મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં, અક્ષરનાદ દ્વારા અને શાળાના શિક્ષકોના સહયોગથી થોડાક વખત પહેલા એક નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીમિત્રોની જાહેરાત અને આ સમગ્ર આયોજન વિશે “અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …” અંતર્ગત સૂચવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની કુમારીશ્રી બારૈયા દેવયાની રમેશભાઈ (ધોરણ 6)ની વિષય – મને શું થવું ગમે (શિક્ષક) પર લખાયેલ નિબંધ આજે પ્રસ્તુત કર્યો છે. આશા છે આ કૃતિને વાંચકો વધાવશે અને આ નાનકડી લેખિકાને આપના પ્રેરણા અને પ્રોત્સાહન તથા શુભેચ્છાઓ મળશે. તેમનો સંપર્ક મોબાઈલ નંબર +૯૧ ૯૯૦૪૦ ૨૨૩૮૦ પર કરી શકાય છે. )

મને શું થવું ગમે? – શિક્ષક

સમાજમાં આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યવસાય સાથે સંકળાયેલ હોય છે, જેમ કે ડોક્ટર, એન્જીનીયર કે શિક્ષક વગેરે. પણ શું એ તેમને ગમતા હોય છે?

મારું નામ દેવયાની છે, હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. નાનપણથીજ કાંઈકને કાંઈક બનવાની ઈચ્છા સૌને હોય છે. કોઈ ડોક્ટર, કોઈ નેતા તો કોઈ લેખક બનવા માંગે છે, પણ હું ભણી-ગણીને શિક્ષિકા બનવા ઈચ્છું છું.

આજકાલ તમે જુઓ કે લગભગ બધી જ શાળાઓમાં – સંસ્થાઓમાં, માત્ર શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે. અથવા તો શિક્ષક લખાવે ત્યારે વિદ્યાર્થી લખે છે. આમ ગોખણીયું જ્ઞાન જ આપવામાં આવે છે. એકલું પોપટીયું જ્ઞાન, પણ હું મારા વિદ્યાર્થીઓને આવું પોપટીયું ગોખણીયું જ્ઞાન આપવા ઈચ્છતી નથી. હું મારા વિદ્યાર્થીઓને અનેક નવી નવી પ્રવૃત્તિઓ, વિષયો, કાર્યક્રમો, સારા પુસ્તકો વગેરે તેમના જીવનમાં ઉપયોગી બને તેવું નવું શીખવીશ. ગણિત અને ગુજરાતી જેવા વિષયો ઉપરાંત હું મારા વિદ્યાર્થીઓને દેશ-દુનિયાનું નવું જ્ઞાન આપવા ઈચ્છું છું. અત્યારે વિશ્વમાં દર મિનિટે નવી નવી કાંઇક ને કાંઈક શોધ થતી રહે છે, હું મારા વિદ્યાર્થીઓને આ બધી માહિતિ જણાવતા રહેવાનો પ્રયત્ન કરીશ.

વિદ્યા વિનયથી શોભે છે.

આ સુવિચારથી આપણને પ્રેરણા મળે છે કે વિદ્યાને આપણે આદર અને પ્રેમથી અપનાવવી જોઈએ. આ સુવિચારમાં કહેવામાં આવ્યું છે કે વિનય અને વિવેક વિનાની વિદ્યા નકામી છે, તેનું કોઈ મહત્વ નથી. આથી હું મારા વિદ્યાર્થીઓને વિદ્યાની સાથે સાથે સારા સંસ્કારો પણ શીખવવા માંગું છું જેથી તે આપણા દેશના સારા નાગરીક થાય અને દેશનો વિકાસ કરી તેને આગળ વધારે.

વિદ્યાનો સંગ્રહ કરવાથી તે વધતી નથી, તેનો ફેલાવો કરવાથી, વહેંચવાથી તે વધે છે.

આ સુવિચારથી તમને સમજાઈ જ ગયું હશે કે તમે વિદ્યાનો ગમે તેટલો સંગ્રહ કરો, તે વધી શક્તી નથી. વિદ્યા તો બીજાને આપવાથી – વહેંચવાથી વધે છે. તેથી હું પણ મેં જેટલું મેળવ્યું છે તે જ્ઞાનને વહેંચવા માંગું છું. મારા વિદ્યાર્થીઓ મારી જાણકારીનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તેવું ઈચ્છું છું.

હું મારા વિદ્યાર્થીઓને સારા પુસ્તકો વાંચવાની, તેમને પ્રેરણા મળે તેવી વાતો જાણવાની ભલામણ કરીશ અને અનુભવોમાંથી કેમ શીખી શકાય તે બાબત શીખવીશ. ધાર્મિક પુસ્તકો પણ હું તેમને વાંચવાનું સૂચવીશ જેથી જીવનના કપરા સમયે તે નાસીપાસ ન થાય, હિંમત રાખીને આગળ વધે.

હું મારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમતો, બાળગીતો, અભિનય ગીતો તેમજ વાર્તાઓ અને નાટકોમાં, આ બધી કલાઓમાં પણ પારંગત બને તેવો પ્રયત્ન કરીશ. તેમનામાં છુપાયેલી કલાને બહાર લાવવાનો પ્રયત્ન કરીશ, સાથેસાથે તેમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીશ.

હું મારા વિદ્યાર્થીઓને સારા અક્ષર કરવા, શુદ્ધ ગુજરાતી બોલવા પ્રેરીશ. હું તેમને શીખવવા માંગું છું કે મોટાઓ સાથે કઈ રીતે વર્તવું તેમન શાળામાં – વર્ગખંડમાં શિસ્ત કેમ જાળવવી. આજકાલના વિદ્યાર્થીઓમાં આવા ગુણો જોવા મળતાં જ નથી, હું મારા વિદ્યાર્થીઓમાં તે કેળવીને જ રહીશ.

બધાં કહે છે,

પુસ્તક વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે.

એટલે કે સાચી પ્રેરણા, સાચા ગુણો અને સાચા આદર્શો પુસ્તકમાંથી જ મળે છે. આજનો વિદ્યાર્થી એ આવતી કાલનો નાગરીક છે. તેથી તેને શાળામાં જ્ઞાન મળવું ખૂબ જ જરૂરી છે.

એક કહેવત છે ને કે,

કુમળો છોડ વાળીએ તેમ વળે

એટલે કે આપણે નાનપણથીજ બાળકોને સારા સંસ્કારો અને સારા ગુણો આપવાથી તેમાં નાનપણથીજ આવા ગુણો અને ટેવો આવી જાય છે. પણ મોટી ઉંમરે આવા ગુણો અને ટેવો આવી શક્તા નથી. આવા બાળકો જ આપણા દેશને આગળ વધારી શકે છે. અને દેશ અને દેશવાસીઓની મદદ અને સેવા કરી શકે છે.

હું મારા વિદ્યાર્થીઓને સમજાવીશ કે તેઓ એકબીજા સાથે ઝઘડે નહીં, કોઈ વિદ્યાર્થીને દુઃખ ન પહોંચાડે. એકબીજા સાથે હળીમળીને રહેવું તે શીખવીશ તેમજ આ સુવિચારનો અર્થ સમજાવીશ, “સંપ ત્યાં જંપ“. તેમજ ક્રોધ ન કરવો, ગુસ્સે ન થવું તે શીખવીશ. તેમજ ક્રોધથી આપણને ઘણા બધા નુકસાનો થાય છે તે પણ શીખવીશ. “ક્રોધ વિવેકનો નાશ કરે છે.

હું મારા વિદ્યાર્થીઓને પ્રાર્થનાનો અર્થ સમજાવીશ, કે પ્રાર્થના હંમેશા રાગમાં ગાવી જોઈએ, અને સમજાવીશ કે પ્રાર્થના કોઈ ક્રિયાકાંડ નથી. એ તો હ્રદયપૂર્વક અને સમજપૂર્વકની ક્રિયા છે. એટલે પ્રાર્થના હંમેશા પ્રેમથી, હ્રદયથી અને એક રાગમાં ગાવી જોઈએ. પ્રાર્થનાથી મન નિર્મળ અને સ્થિર થાય છે. વગેરે પ્રાર્થનાથી થતાં લાભો વિશે કહીશ.

હું મારા વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ નહીં રાખીશ. બધા જ વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા રાખીશ. કોઈ ગરીબ વિદ્યાર્થી કે અમીર વિદ્યાર્થી બધાં જ મારી માટે સરખાં જ છે. આજ કાલ આપણા દેશમાં એકલા ભેદભાવો, ઈર્ષ્યા, આ મારું, આ તારું, એવા ભેદભાવો ચાલતા જ રહે છે. પણ હું મારા વિદ્યાર્થીઓમાં આવા ગુણો આવવા દઈશ નહીં.

હું મારા વિદ્યાર્થીઓને મુખ્ય વિષયો જેવા કે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરેમાં તો ધ્યાન આપીને ભણવાનું કહીશ જ, પણ આ ઉપરાંત તેમને શારીરિક શિક્ષણમાં યોગ અને યોગાસનો, કસરત ના દાવ, પોતાના પોષાક અને આહાર વગેરે વિશે, વિવિધ ઋતુઓમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી કેમ લેવી તે વિશે શીખવીશ. હું તેમને ગણિતના દાખલાઓ ખૂબજ ધ્યાન દઈને કઈ રીતે સરળતાથી ગણી શકાય તે શીખવીશ. અંગ્રેજી બોલતા પણ તેમને હું શીખવીશ, વિવિધ સ્પેલિંગો, વાક્યો વગેરે બધું જ શીખવીશ. આજકાલ અંગ્રેજી શીખવું જ પડે છે તેથી તેમને હું અંગ્રેજી શીખવાડીને જ રહીશ. હું તેમને વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રયોગો વિષે બધી વાતો કહીશ તેમજ સામાજીક વિજ્ઞાન, ઈતીહાસની વાતો, ભૂગોળ તેમજ નાગરીકશાસ્ત્ર વગેરે વિશે બધી માહિતિ આપીશ.

આજકાલ કોમ્પ્યુટરનું કેટલું મહત્વ છે? કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભુત શોધ છે. વકીલો, ઈન્જીનીયર, ડોક્ટર કે દુકાનદાર, બધાં તેનો ઉપયોગ કરે છે. હું મારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિશે પૂરતી માહિતિ આપવાનો પ્રયત્ન કરીશ. તેમને ઈન્ટરનેટ દ્વારા ઈ-મેલની સેવા, નવા નવા પ્રોગ્રામો વગેરે શીખવીશ. હું તેમને કોમ્પ્યુટર વિશે માહિતિ આપીશ કે તારાઓ ના સ્થાન અને તેમના રહસ્યો જાણવા કે આકાશમાં ઉપગ્રહો અને યાનો મોકલવામાં કોમ્પ્યુટરનું જ યોગદાન છે. વ્યાપક રીતે કોમ્પ્યુટરનો ક્યાં અને કઈ રીતે ઉપયોગ થાય છે તે પણ તેમને હું કહીશ.

હું મારા વિદ્યાર્થીઓને આ બધાં ઉપરાંત દેશ વિશે પણ કહીશ. આપણા નેતાઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે વિશે કહીશ, તેમાં હું “સરદાર વલ્લભભાઈ પટેલ” અને “ગાંધીજી” વિશે તો ખૂબ જ કહીશ. વલ્લભભાઈ પટેલના જન્મથી તેમના જીવનપ્રસંગોથી તેમના અવસાન સુધી બધી જ માહિતિ તેમને આપીશ, સરદારની સહનશીલતા, દેશભક્તિ, ત્યાગ અને નિર્ભયતા વગેરે ગુણો વિદ્યાર્થીઓમાં કેળવવા પ્રયત્ન કરીશ, તો એકલા સરદાર વલ્લભભાઈ પટેલ જ નહીં, ચાચા નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ભગતસિંહ, ગાંધીજી વગેરે ના લીધે આપણને સ્વતંત્રતા મળી છે, તેમણે કેટલો ત્યાગ કર્યો છે એ વિશે માહિતિ હું તેમને આપીશ.

હું તેમને પર્યાવરણની જાળવણી અને વૃક્ષો વિશે પણ માહિતિ આપીશ.

હું જ્યારે શિક્ષિકા બનીશ ત્યારે આ બધુંય કરીશ. અને હું શિક્ષિકા બનું તે માટે ખૂબજ વાંચીશ અને પરીશ્રમ કરીશ અને મારી ઈચ્છા પૂરી કરીશ.

હું મહેનત કરીને શિક્ષિકા બનીશ. મારી ખૂબ જ ઈચ્છા છે કે હું શિક્ષિકા બનું. હું એટલી પણ પૈસાવાળી નથી કે હું શિક્ષિકા બનું, પણ ગમે તેવી પરિસ્થિતિમાં હું શિક્ષિકા બનીને જ રહીશ.

હું ભગવાનને પ્રાથના કરીશ કે તેઓ મારી આ ઈચ્છા પૂરી કરે. તમે પણ ભગવાનને મારી માટે પ્રાર્થના કરજો કે હું શિક્ષિકા બનું.

“આશા વગરનું જીવવું નકામું
સામા નિશાના વિણનું સહુ તાકવાનું”

– બારૈયા દેવયાની રમેશભાઈ.
ધોરણ ૬- અ
શાળા – શ્રી માનસ પ્રાથમિક શાળા, મહુવા
પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ નિબંધ લેખન સ્પર્ધા.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “મને શું થવું ગમે? – દેવયાની બારૈયા (પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ)

 • Jatin Parekh

  આ એક નાની છોકરી છે પણ એના વીચારો ધણાજ સારા છે હુ આશા રાખુ કે એ શીક્ષક જ બને કારણ કે થોડા દીવસ પહેલા મે ૩ ધોરણનુ પેપર જોયુ ધણુ અધરુ લાગ્યુ તો શીક્ષક ને પુછયુ તો એમણે મને જવાબ આપ્યો કે છોકરાઓને જેટલુ આવડે તે ખરુ બાકી પાસ તો કરવાનાજ છે. શુ બાળકોને પાસ થવા માટેજ સ્કુલો ચાલે છે? કે કઇ સીખવા માટે મોકલીયે છે.
  શીક્ષક ને ફકત પોતાના પગારથી સ’તોશ છે બાળકોના ભવીષ્યનો નઇ

 • Pushpakant Talati

  દેવયાની બહેન,
  આપે આપની નાની વિચાર ધારા થી ઘણુ જ સરસ લખી નાખ્યું છે.
  ઈશ્વર આપની શિક્ષક થવાની મનો કામના જરુર પૂર્ણ કરશે. – અને આવો ને આવો અભિગમ તથા જોસ્સો જીવનભર જડવાઈ રહે તેવી શુભેચ્છા .

 • રૂપેન પટેલ

  ખુબ જ સરસ નિબંધ લખવા માટે દેવયાનીને અને આવી ઉમદા પ્રતિભાને વાચકો સુધી લાવવા માટે જીગ્નેશભાઈનો હ્રદયપૂર્વક આભાર . ભવિષ્યમાં દેવયાની શિક્ષક બને કે ના બને પણ તેમના ઉત્તમ વિચારો અને રસપૂર્ણ લખાણ પરથી આપણને એક સારા લેખક જરૂર મળશે .

 • ચાંદસૂરજ

  ચિ.દેવયાનીબહેન, ધામશ્રી મહુવા.
  હાર્દિક અભિનંદન સાથે આપના આદર્શ સંકલ્પોના નિર્ણાયક મનડાએ સજાવેલી એ વરેણ્ય સોણલાની રંગોળીના રંગો સાકારતાને વરે એવી મંગલ કામનાઓ !
  ભવ્ય સંસ્કારિતાના ઉચ્ચ આદર્શમય સંસ્કારોથી ઓપતા સમાજના ઘડતર કાજે આદર્શ શિક્ષિકા બનવાની આપની મનિષા રંગ લાવે કેમકે ફક્ત એવાં ઘડવૈયા કે શિલ્પી જ એવી પ્રતિમાનું નિર્માણ કરી શકે !

 • અશોકકુમાર - 'દાદીમાની પોટલી'

  બેટા દેવયાની,

  તમે તમારા ખૂબજ ઉત્તમ વિચારો વ્યક્ત કરેલ છે. આ વિચારોને ક્યારેય મૂરઝાવા દેશો નહિ. જે જરૂરથી તમારૂ અને તમારી સાથે સંકળાયેલ દરેકના જીવનને ઉજ્જવળ બનાવશે.

  ખૂબજ ખંતથી અભ્યાસમાં આગળ વધો તેવી હાર્દિક શુભેચ્છા !

  ખૂબ ખૂબ અભિનંદન !

  http://das.desais.neyt

 • મુર્તઝા પટેલ

  નાનકડી બહેન દેવયાની, તારો માસૂમ વિચારોથી ભરેલો શિક્ષક ઉપરનો નિબંધ ઘણો સરસ લખાવાયેલો છે.

  ખુબ વાંચે અને આગળ વધે તેવી પ્રાર્થના કરું છું. તને નિબંધ સિવાય એવા વિષય-વિચારો સૂઝે કે જેના પર તું કઈંક લખી શકે તો જરૂરથી લખજે. સમય ભલે કેવો હોય…તારી પાસે નાનકડી એક પેન અને નોટબૂક હંમેશા રાખજે.

  તારા વર્ષો જુના સુવાક્યો પછી આજના જમાનાનું ને આવનાર વખત માટેનું અમેરિકાના પ્રમુખ બરાક ઓબામામુ એક નવું સુવાક્ય મુકું છું. આશા છે કે એણે પણ નજર સમક્ષ રાખજે.

  ” શિક્ષણ અને જ્ઞાન આવનાર સમયનું (માટેનું) ઘણું ઉપયોગી નાણું છે.” – ‘Knowledge is the currency of 21st century!’

  ઓલ ધ બેસ્ટ…