મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી 5


આવજો, આવજો, વા’લી બા!
એક વાર બોલ; ભલે ભાઈ, તું જા!

પાછલી તે રાતને પે’લે પરો ઢિયે
ઝબકીને તું જ્યારે જાગે,
રે મા! ઝબકીને તું જ્યારે જાગે,
ઓશીકે પાંગતે ફેરવતા હાથ તુંને
પડખું ખાલી લાગે, હો મા!

માડી, મને પાડજે હળવા સાદ,
પડઘો થઈ હું દૈશ જવાબ.. – આવજો..

તારા હૈયા તે પરે ખેલવા ને ગેલવા
આવું બની હવાનો હિલોળો,
રે મા! આવું બની હવાનો હિલોળો,
લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે,
ગૂંથશે તું જ્યારે અંબોડો, હો મા!

માડી! તારો ઝાલ્યો હું નહીં રે ઝલાઉં
ચાર પાંચ ચૂમી ભરી ચાલ્યો જાઉં.. – આવજો..

ચંદન તલાવડીના નીર મહ ના’તી,
જોઈ જૈશ હું તને જ્યારે,
રે મા! જોઈ જૈશ હું તને જ્યારે,
મોજું બનીને તારે અંગેઅંગ મા’લીશ
તોય મને કોઈ નહીં ભાળે, હો મા!

માડી, મારી છલછલ છાની વાત,
સાંભળીને કરજેના કલપાંત.. – આવજો..

આષાઢી રાતની મેહુલિયા-ધારનું
ઝરમર વાજું વાગતું,
રે માં! ઝરમર વાજું વાગતું,
બાબુડિયા બેટડાને સંભારી જાગતી
માડી! તુંને મીઠડી ઉંઘાડું, હો મા!

માડી, હું તો વીજળીનો ઝબકારો,
કે જાળિયેથી ‘હાઉક’ કરી જૈશ હું અટારો.. – આવજો..

આકાશી ગોખનો ટલમલ તારલોમ્
થૈને બોલીશ; બા, સૂઈ જા!
રે મા! થૈને બોલીશ; બા, સૂઈ જા!
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જઈશ એક બે બક્કા હો મા!

માડી, તું તો ફેરવીને ગાલે હાથ,
નાખજે નવ ઊંડો નિશ્વાસ.. – આવજો..

ઝબલું-ટોપી લઈને માશીબા આવશે,
પૂછશે; ક્યાં ગયો બચુડો?
રે મા! પૂછશે ક્યાં ગયો બચુડો?
કે’જે કે બે’ન, બચુ આ રે બેઠો
મારી આંખ કેરી કીકીઓમાં રૂડો.

હો બે’ન! મારે ખોળલે ને હૈયામાંય
બાળ મારો બેઠો છે સંતાઈ!.. – આવજો..

– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરના ‘વિદાય’પરથી, શ્રી ઝવેરચંદ મેઘાણીની ૭૫મી જયંતિ પ્રસંગે તેમના સંગ્રહો ‘વેણીના ફૂલ’ અને ‘કિલ્લોલ’ માંથી ચૂંટેલા ગીતોના સંગ્રહ ‘નાના થૈને રે’માંથી સાભાર)

પ્રસંગ કાંઈક એવો છે કે બાળક મૃત્યુના મુખમાં છે અને એ અવશ્યંભાવી અંતને જોઈને બાળમનમાં કઈ કઈ વાતો આવે છે તેનું હ્રદયસ્પર્શી ચિત્રણ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે આપણને મળે છે. બાળકના મનોભાવો સર્વથા તેની માતા પ્રત્યે છે, તેને દુઃખ થશે, માસી તેના વિશે પૂછશે, રાત્રે પથારીમાં તેની ગેરહાજરી સાલશે જેવા પ્રસંગો આવે ત્યારની વાત પ્રત્યે આશ્વાસન આ બાળહ્રદય તેની માતાને આપે છે. શૌર્ય, ખુમારી અને માતા પ્રત્યેના પ્રેમથી સભર બાળહ્રદયનું આ કાવ્ય અનોખું અને આગવું છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ ‘કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક બાળગીતો મૂક્યાં છે, તેમાં માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી