આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા 4
ગુજરાત પર શ્રી ગિજુભાઈ બધેકાનું અમિટ ઋણ છે, વીસમી સદીની ત્રીશીના દાયકા અગા ઉના અને એ પછીના શિક્ષણમાં / અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને તેને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને જાય છે. અગા ઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેના માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. ગિજુભાઈએ જેવા શિક્ષકની, શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં, કદાચ વાતાવરણ, સાધનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યાં. પુસ્તક ‘માબાપોને..’ આગવું પુસ્તક છે અને વિશ્વમાં ભાગ્યે જ બાળકોના પક્ષે માબાપોને માટે આવું લખાયું હશે. અહીં ગિજુભાઈએ બાળકોની વકીલાત કરી છે, તેમના સુખ માટેના પ્રયત્નો કરવાની ટહેલ, તેમને સમજવાને માટે યાચના કરી છે. આપણાં બાળકોને ખાતર આપણે શું કરવું જોઈએ એ સમજાવવાનો નિષ્ઠાપૂર્વકનો અને સંવેદનશીલ પ્રયાસ છે. આશા છે વાચકમિત્રોને આવી અનોખી કૃતિઓ માણવાનું ગમશે.