(ગબલા શિયાળનાં પરાક્રમોમાંથી સાભાર)
સિંહ સરકારના ગુસ્સાનો પાર નહોતો.
તેણે ભયંકર ગર્જના કરી કહ્યું, ‘બોલો, હવે કોણ બીડું ઝડપે છે?’
ટાબરો નામે ઉંદરડો એક ખૂણામાં બેઠો હતો. સાહસનો એ શોખીન હતો. કોઈ ઊઠતું નથી એ જોઈ એણે આગળ આવી બીડું ઝડપ્યું.
સિંહે કહ્યું, ‘અલ્યા તું? તું શું કરશે?’
ટાબરાએ કહ્યું, ‘હું શું કરું છું તે આપ જોજોને, મહારાજ! હું રીંછ અને વાંદરા જેવો મૂર્ખ નથી. હું એ દુષ્ટ ગલબાને જીવતો નહીં, તો મરેલો આપની કચેરીમાં હાજર કરીશ.’
સિંહે કહ્યું; ‘વાહ, તો દેખાડ તારું પરાક્રમ!’
હવે આખી કચેરીએ તાળીઓ પાડી ટાબરાને ધન્યવાદ આપ્યા.
પછી ટાબરો ગલબાને ઘેર ગયો.
ટાબરાને જોઈ ગલબાએ કહ્યું; ‘પધારો, પધારો, ટાબરલાલ, પધારો!’
ટાબરાએ એકદમ આંખમાં આંલાવી કહ્યું; ‘હાય! આવતી કાલે હું મિત્ર વગરનો થઈ જવાનો!’
ગલબાએ કહ્યું; ‘કેમ, શાથી?’
ટાબરાએ રડતાં રડતાં કહ્યું; ‘આવતી કાલે સવારે દશ વાગતાં તમે દરબારમાં હાજર નહીં થાઓ, તો સિંહ મહારાજ પોતે તમારે ઘેર આવી તમને પકડશે અને સૌના દેખતાં તમને શૂળીએ ચડાવશે એવું મહારાજે આજે દરબારમાં જાહેર કર્યું છે. હાય, હવે શું થશે? ગલબાભાઈ, મને ખબર છે કે તમે તમારી જાતે તો મહારાજને સલામ કરવા દરબારમાં હાજર થવાના જ નહીં, અને સિંહ સરકારના ગુસ્સામાંથી કોઈ તમને બચાવી શકવાનું નહીં! પરિણામે આવતી કાલે હું મિત્ર વગરનો થઈ જવાનો! હાય રે, મારું નસીબ!’
હવે ગલબો બોલ્યો, ‘કોણે કહ્યુંં કે હું મહારાજને સલામ કરવા દરબારમાં હાજર થવાનો નહિ?’
ટાબરાએ કહ્યું, ‘રતનો રીંછ અને પપૂડો વાંદરો એવું કહેતા હતા.’
ગલબાએ કહ્યું, ‘ખોટી વાત! મહારાજને સલામ કરવાની મેં કદી ના કહી જ નથી.’
ટાબરાએ આંસુ લૂછી નાખી કહ્યું, ‘બસ, તો હવે મારા જીવને ટાઢક થઈ! હવે મને ખાવુંં ભાવશે!’
વહેલી સવારે ચા-પાણી પીને ટાબરો ને ગલબો સિંહ સરકારના દરબારમાં જવા નીકળી પડ્યા.
દરબાર ભરાયો હતો. સિંહ સરકાર સુખાસન પર બિરાજ્યા હતા. એવામાં ટાબરો ગલબાને લઈને હાજર થયો.
ટાબરાએ સિંહને સલામ કરી કહ્યું, ‘મહારાજ, આ આપનો ગુનેગાર ગલબો! હવે ગમે તો એને શૂળીએ ચડાવો કે ફાંસીએ લટકાવો!’
આ સાંંભળી ગલબો ચમકી ગયો. તેણે ટાબરાની સામે જોયું. ટાબરાએ ધીમેથી એના કાનમાં કહ્યું; ‘બચ્ચાજી, અક્કલ ખાલી તમારી પાસે જ છે? હવે તમારી મજા છે!’
પણ ગલબો એમ ગભરાઈ જાય એમ નહોતો. હિંમતથી આગળ આવી એ સિંહને પગે લાગ્યો. સિંહે એકદમ લાલચોળ આંખો કરી કહ્યું, ‘પાપી ગલબા, તારી સામે સંખ્યાબંધ ફરિયાદો આગળ આવી છે. હું આજે તને જીવતો રહેંસી નાખવાની સજા કરવાનો છું.
ગલબાએ કહ્યું, ‘પણ મહારાજ, મારો કંઈ ગુનો?’
સિંહે કહ્યું, ‘હજી ગુનો પૂછે છે? જરી આ રતના રિંછ અને પપૂડા વાંદરાની સામે તો જો! બેઉ માંડ બચ્યા છે.’
ગલબાએ વિનયપૂર્વક કહ્યું, ‘મહારાજ, એ બંનેની એવી હાલત થઈ એમાં મારો મુદ્દલે વાંક નથી!’
સિંહે તડૂકીને કહ્યું, ‘તારો નથી તો કોનો છે?’
ગલબાએ કહ્યું, ‘એમનો પોતાનો! આપે રતનાને મારે ઘેર મને તેડવા મોકલ્યો હતો, પણ એણે શું કર્યું? એ મધ ચોરી ખાવા ઠેકડો મારી ઝાડના પોલા થડમાં જઈ ભરાયો! મેં એને ઉંચકીને ત્યાં નથી નાખ્યો એટલું તો આપ કબૂલ કરશો જ. કારણ એ બાર મણની કાયાને મારી અધમણની દૂબળી કાયા કેમ કરીને ઊંચકી શકવાની? પછી કમનસીબે બન્યું એવું કે એ મધ ચોરી ખાવા પેઠો છે એની મધમાખીઓને ખબર પડી ગઈ, એટલે પછી માખીઓ એને બાઝી! રતનો કહે, ‘મને કાઢ!’ પણ હું અધમણિયો એ બારમણિયાને ઝાડના થડમાંથી બહાર કાઢું કેવી રીતે? તેવું જ આ પપૂડાનું છે! મેં કહ્યું, ‘ખાવાનું તૈયાર છે, ખાવા બેસ!’ ત્યારે એ ભાઈ સાહેબ કહે, ‘ના, ખાવાનું ખાવા કરતાં હીંચકા ખવામાં મને વધારે રસ છે!’ એ હીંચકા ખાવા ગયો, પણ ખાતાં આવડ્યું નહીં, અને બંધાઈ ગયો! એમાં મારો શો વાંક, સરકાર? હું કંઈ એને ઊંચકીને ઝાડ પર ચડ્યો નથી! મને તો ઝાડ પર ચડતાં જ ક્યાં આવડે છે?’
સિંહે કહ્યું, ‘પણ તું એમની સાથે અહીં કેમ આવ્યો નહીં?’
ગલબાએ કુરનિશ બજાવી કહ્યું; ‘મહારાજ, કેવી રીતે આવું? એક મધ ખાવા રહ્યો, ને બીજો હીંચકા ખાવા રહ્યો! પછી હું આવું કોની સાથે? મેં આવવાની ના કહી હોય તો પૂછો એમને!’
સિંહે રતનાને અને પપૂડાને પૂછ્યું, ‘બોલો, આ વાત સાચી છે? ગલબાએ દરબારમાં આવવાનું કહ્યું હતું?’
બંને જણે માથું હલાવી કહ્યું, ‘હા, કહ્યું તો હતું!’
સિંહે કહ્યું, ‘તો તમે મને એવું કેમ કહ્યું નહિ? જુઠાઓ, તમે દરબારમાં બેસવાને લાયક નથી!’
આ સાંભળીને રતનો ને પપૂડો નીચું મોં કરી બેસી રહ્યા. પછી શકરા વરૂએ આગળ આવીને કહ્યું; ‘મહારાજ, ગલબાના બીજા ગુનાઓનું શું? એની સામે તેર ફરિયાદો છે! પહેલી તો મારી જ ફરિયાદ છે. એણે મને બીલાં ખાવા મોકલી એવો માર ખવડાવ્યો હતો કે હું અધમૂઓ થઈ ગયો હતો. એવી જ ફરિયાદ રતના રીંછની અને વલવા વાઘની પણ છે!!
સિંહે કહ્યું, ‘ગલબા, આની સામે તારો શો બચાવ છે?’
ગલબાએ પગે લાગી કહ્યું, ‘મહારાજ! બચાવ કરવાનું મને મન નથી. આપ ખુશીથી મને શૂળીએ ચડાવો! હું હસતો હસતો શૂળીએ ન ચડું તો મારું નામ ગલબો શિયાળ નહીં! આપની ખાતર એક વાર મેં મોતનો સામનો કર્યો છે, આજે બીજી વાર ખુશીથી કરીશ!’
સિંહે નવાઈ પામી કહ્યું, ‘ગલબા તું આ શું બોલે છે? તેં મારા માટે ક્યારે મોતનો સામનો કર્યો છે?’
ગલબાએ કહ્યું, ‘મહારાજ, એ વાત મારે મોઢે ન બોલાવો તો સારું! મને હવે જીવવાનો મોહ નથી. જીવવું અમે જૂતાં ખાવાં મને પોસ તેમ નથી!’
સિંહનો આગ્રહ વધ્યો. તેણે કહ્યું, ‘નહીં ગલબા, તારે મારા સવાલનો જવાબ દેવો જ પડશે!’
ગલબાએ કહ્યું; ‘મહારાજ, મારો જીવ આપીને જવાબ દેવાનો હોય તોયે દેવા તૈયાર છું. પણ શકરો વરુ મારો દોસ્ત છે, રતનો રીંછ મારો ભાઈબંધ છે. એમના પર મહારાજ ખફા થાય તેવું હું કદાપિ નહિ કરું! શકરો વરૂ ભલે જંગલનો રાજા થતો અને રતનો રીંછ ભલે પ્રધાન થતો!’
સિંહે પગ પછાડીને કહ્યું, ‘ગલબા, તુ આ શું બોલે છે અને તને કંઈ ભાન છે?’
ગલબાએ હતાશ સ્વરે કહ્યું, ‘મહારાજ, હવે ભાન ન હોય તો સારું! આપને કમોતે મરતા જોવા પડે તે પહેલાં હું શૂળીએ ચડી જવા ચાહું છું. પછી દુનિયાને ખાતરી થશે કે હું મહારાજનો વફાદાર સેવક હતો!’
‘કેવી રીતે?’
‘મહારાજ, મને માફ કરો! હું એ નહીં કહી શકું!’
સિંહે આગ્રહ કરીને કહ્યું, ‘તારે કહેવું જ પડશે!’
ગલબાએ રડું રડું થઈ જઈને કહ્યું, ‘મહારાજ, મને માફ કરો! શકરો વરુ મારો દોસ્ત છે, રતનો રીંછ મારો ભાઈબંધ છે! મને માત્ર આપ દગાથી મરશો એનું દુઃખ થાય છે!’
સિંહે ઘૂરકીને કહ્યું, ‘કોણ, હું દગાથી મરીશ? શા સારુ? શું શકરો વરુ અને રતનો રીંછ એવા દગાબાજ છે?’
ગલબાએ બેઉકાને હાથ દઈ કહ્યું, ‘હરિ હરિ! હરિ હરિ! હરિ હરિ! મારે મોઢે એ ન બોલાવશો! મને એવી ફરજ ન પાડશો! શકરો વરુ મારો દોસ્ત છે રતનો રીંછ મારો ભાઈબંધ છે! ભલે એક રાજા થતો, બીજો ભલે પ્રધાન થતો!’
સિંહે ગર્જના કરી, ‘શું શકરા વરુને રાજા થવું છે? મને મારીને?’
આ સાંભળી શકરા વરુએ કહ્યું, ‘મહારાજ ગલબો જૂઠું બોલે છે. હું આમાનું કશું નથી જાણતો!’
સિંહે કહ્યું, ‘ગલબા, સાચું બોલ, શી હકીકત છે?’
ગલબા એ કહ્યું, ‘મહારાજ, શકરો શા માટે અજાણ્યો બની જાય છે તે હું સમજી શકું છું. એણે અજાણ્યા બનવું જ જોઈએ. હું એની જગાએ હોઉં તો હું પણ એવું જ કરું. પણ મારે જૂઠું બોલીને કંઈ કામ નથી. હું તો હમણાં શૂળીએ ચડી જવાનો છું. મને મરવું ગમે છે એટલે જૂઠું બોલવું ગમતું નથી!’
સિંહે કહ્યું, ‘હું એ જાણું છું. માટે જ તને કહું છું કે તું સાચી વાત કહી દે!’
આ વખતે રતના રીંછે કહ્યું, ‘મહારાજ, ગલબો જૂઠો છે!’
શકરા વરુએ પણ ફરી કહ્યું, ‘મહારાજ, ગલબો જૂઠો છે!’
ગલબો શકરો વરુને અને રતના રીંછને પોતાના દોસ્ત કહેતો હતો, અને શકરો વરૂ તથા રતનો રીંછ બંને જણા ગલબાને જૂઠો, મહા જૂઠો કહેતા હતા. તેથી સિંહે તેમને કહ્યું, ‘કેવી નવાઈની વાત! ગલબો તમને દોસ્ત કહે છે, અને તમે એને જૂઠો કહો છો!’
ગલબાએ ઝૂકીને સલામ કરીને કહ્યું, ‘ મહારાજ, હું ફરી કહું છું કે શકરો મારો દોસ્ત છે, અને રતનો મારો ભાઈબંધ છે. એમનો વાળ પણ વાંકો થાય એ મને પસંદ નથી. મારું ચાલત તો હું એમને ખુશીથી મારા સાતે ચરુ આપી દેત. ભલે એ ધન ખરચીને શકરો રાજા થતો, અને રતનો પ્રધાન થતો..! પણ… પણ… મહારાજ, મારી પાસે ન બોલાવો તો સારું! કૃપા કરીને મને હમણાં ને હમણાં શૂળીએ ચડાવી દો! મારાથી આ દુઃખ નથી ખમાતું.’
સિંહે કહ્યું, ‘પણ બણ કંઈ નહીં – સાચી વાત બોલી દે, અબઘડી બોલી દે, નહીં તો હું તારા નામ પર થૂંકીશ!’
ગલબાએ કહ્યું, ‘અરર! ગમે તો મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરો. પણ મહારાજ, મારા નામ પર થૂંકીને મારું મોત બગાડશો નહિ!’
સિંહે કહ્યું; ‘તો સાચી વાત કહી દે – મારો હુકમ છે!’
ગલબાએ શકરા વરૂ અને રતના રીંછની સામે નજર કરી લઈ કહ્યું; ‘શકરા મારા દોસ્ત, રતના મારા ભાઈબંધ! મને માફ કરજો! મહારાજના હુકમથી મારે આ બોલવું પડે છે!’
પછી તેણે ઠાવકું મોં કરી કહ્યું, ‘મહારાજ, આજથી આઠમા દિવસ પર, શનિવારે, વૈશાખી પૂનમની રાતે, માથા પર ચાંદો ચડ્યો હતો તે વખતે, રામપરાની સીમમાં, ગેબીનાથ મહાદેવના મંદિરની પાછળ ત્રણ જણા બેઠા બેઠા વાતો કરતા હતા – એકનું નામ શકરો વરૂ, બીજાનું નામ રતનો રીંછ અને ત્રીજાનું ગબલો શિયાળ – હું પોતે! શકરાએ કહ્યું; ‘ગલબા. હું વનનો રાજા થાઉં એ તને ગમે કે નહીં? રતનો મારો પ્રધાન થાય એ તને પસંદ પડે કે નહીં?’
મેં કહ્યું; ‘હા, મને ખૂબ ગમે, તમે બેઉ મારા દોસ્ત છો!’
સિંહે ગુસ્સે થઈને કહ્યું, ‘એમ, આવું કહ્યું તેં?’
શિયાળે પગે લાગીને કહ્યું, ‘મહારાજ, મને માફ કરો! આપના હુકમથી સાચ વાત મારે કહેવી પડે છે. શકરો મારો દોસ્ત છે, રતનો મારો ભાઈબંધ છે – એમની ચડતી જોઈ હું જરૂર ખુશ થાઉં, મહારાજ! પછી શકરાએ મને કહ્યું; ‘ગલબા, તારી પાસે સાત ચરૂ ધન છે તે તું મને આપ!’
મેં કહ્યું, ‘એ ધન તો મેં સિંહ મહારાજ સારુ સાચવી રાખ્યું છે!’
ત્યારે શકરાએ કહ્યું, ‘મૂઓ તારો સિંહ મહારાજ!એ દાઢીવાળા આખલામાં અક્કલ ક્યાં છે!’
સિંહે તાડૂકીને કહ્યું, ‘એમ? એવું બોલ્યો એ?’
ગલબાએ કહ્યું, ‘મહારાજ, આપ સરકાર છો! સરકાર ગુસ્સે ન થાય તો કોણ થશે? પણ પહેલાં, આપ મારી વાત પૂરી સાંભળો!’
સિંહ શાંત થયો.
ગલબાએ બોલવા માંડ્યું, ‘મહારાજ, પછી રતના રીંછે મને કહ્યું; ‘ગલબા, તારું ધન અમને આપ. અમારે એ દરબારીઓમાં વહેંચવું છે!’ મેં કહ્યું, ‘શા માટે?’ એણે કહ્યું, ‘ધન મળતાં દરબારીઓ બધા મારા હાથમાં આવી જશે. પછી અમે બચ્ચા સિંહને કાન ઝાલીને ગાદી પરથી ઉઠાડી મૂકીશું ને શકરા વરુને રાજા બનાવી દેશું?’
આમ કહીને પછી એ મારા કાનમાં ગુસપુસ કરીને કહે, ‘અને તને ખજાનચી બનાવીશું!’
આ સાંભળી શકરો અને રતનો બંને સાથે બોલી ઊઠ્યા, ‘ખોટી વાત! સાવ ખોટી વાત!’
ગલબાએ તેમની સામે જોઈ કહ્યું; ‘તો સાચી વાત શી છે એ તમે કહો!’
રતનાએ કહ્યું, ‘સાચી વાત કંઈ છે જ નહિ!’
ગલબાએ કહ્યું, ‘તો વૈશાખી પૂનમ આવી ગઈ એ વાત પણ ખોટી?’
રતનાએ કહ્યું, ‘એ વાત સાચી!’
ગલબા એ કહ્યું, ‘પૂનમે શનિવાર હતો એ વાત ખોટી?’
રતનાએ કહ્યું, ‘એ વાત સાચી!’
ગલબાએ કહ્યું, ‘તો રામપુરાની સીમ ખોટી?’
રતનાએ કહ્યું, ‘સીમ સાચી!’
‘તો ગેબીનાથનું મંદિર ખોટું?’
‘મંદિર સાચું!’
‘તો શકરો વરૂ ખોટો? તમે ખોટા? હું ગલબો શિયાળ છું એ ખોટું?’
‘એ ય સાચું!’
ગલબાએ હસીને કહ્યું, ‘આટલું બધું સાચું છે તેમ તમે કબૂલ કરો છો અને છતાં પાછા તમે જ કહો છો કે સાચું કંઈ છે જ નહીં એ કેમ બને? હશે, હવે સાચા ખોટાનો ન્યાય મહારાજે કરવાનો છે. હું તો હમણાં શૂળી એ ચડવાનો છું – મને જીવવાનો મોહ નથી.’
સિંહે કહ્યું, ‘મોહ નથી એ ન ચાલે! તારે જીવવું પડશે. હું તને શૂળીએ ન ચડવા દઉં.’
ગલબાએ પગે લાગીને કહ્યું, ‘મહારાજ, મારે હવે નથી જીવવું. જીવીજીવીને હું ધરાઈ ગયો છું. તમે મને આજે જ શૂલીએ ચડાવી દો જેથી આપની સેવા કર્યાનો મને કાંઈક સંતોષ તો મળે!’
સિંહે કહ્યું, ‘પણ એ સેવા કરવા માટે હું તને જીવતો રહેવાની સજા કરું છું, અને આ દુષ્ટ દગાખોર શકરા – રતનાને, હે મારા શાણા દરબારીઓ, બોલો, શી સજા કરું?’
આખી સભાએ એક અવાજે કહ્યું, ‘એ દુષ્ટોની માલમિકલત જપ્ત કરી એમને કેદમાં પૂરો!’
સિંહે કહ્યું, ‘ભલે એમ! હું એ બેઉને જન્મકેદની સજા કરું છું. અને ગલબા, હું તને જ મારો પ્રધાન બનાવું છું.’
ગલબાએ કહ્યું, ‘મહારાજ, મને માફ કરો! હું પરધાન થવાને લાયક નથી, એ પદને લાયક એક માત્ર વલવો વાઘ છે!’
આ સાંભળી વલવો વાઘ ગલબા પર ખુશ થઈ ગયો.
સિંહે વલવાને પ્રધાન બનાવ્યો.
પછી સિંહે કહ્યું, ‘ગલબા, મારે તારી રાજભક્તિની કંઈક તો કદર કરવી જોઈએ. હું તને ખાનનો ખિતાબ આપું છું. આજથી તું ગબાલખાન કહેવાશે.’
સભામાં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો.
પછી સિંહે ઊભા થઈને ભાષણ કર્યું, ‘મારા વહાલા સભાસદો, ગલબાખાન કેવો વફાદાર રાજભક્ત છે એ આજે તમે બધા નજરોનજર જોયું! હું ઇચ્છું છું કે તમે બધાયે એના જેવા વફાદાર બનો અને મારા દરબારની શોભા બની રહો!’
ઉપરઉપરી તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો.
સભાસદોએ કૂદી કૂદીને ગલબાખાનની જય બોલાવી.
શકરો વરૂ અને રતનો રીંછ જેલની કોટડીમાં પુરાઈ ગયા. ગલબા શિયાળે એ દિવસે સિંહ સરકારની સાથે એક ભાણે બેસીને ભોજન લીધું. એના સુખનો પાર નહોતો. પૂછડીનો છેડો પકડી એ ખૂબ નાચ્યો.
– રમણલાલ સોની
Saras balvarta.Ant sudhi ras jalvai rahe chhe.
આ બાળવાર્તાના લેખક રમણલાલ સોનીને સલામ.
બાળપણ ની યાદ આવી ગઈ.
ગલબો શિયાળ ના પરાક્રમો – Amazing book.