ભલાઈનો બદલો… – હર્ષદ દવે 17


ભલાઈનો બદલો – હર્ષદ દવે.
(એનિડ બ્લાયટનની વાર્તા ઉપર આધારિત)

ભલાકાકા વૃદ્ધ હતા. તે કાયમ બધાને મદદ કરતા હતા. તેમનો સ્વભાવ બહુ મજાનો હતો. ગરીબ હોવા છતાં તે ગમે તેને મદદ કરવા હંમેશાં તત્પર રહેતા. એક દિવસમાં તે એટલા બધા લોકોને મદદ કરતા કે તે જાણીને તમને નવાઈ લાગે.

કોઈ નાના બાળકને વાહનોથી ધમધમતો રસ્તો ઓળંગવામાં તે મદદ કરે, તે થાકેલી ધોબણના માથેથી કપડાની ગાંસડી ઊંચકી લેતા ન અચકાય, ઘણીવાર તો તે કોઈના કૂતરાને ફરવા પણ લઇ જાય. તે પોતાનો બધો સમય ખરેખર બીજા લોકોનું ભલું કરવામાં જ વિતાવતા હતા. તે ખૂબ સુખી હતા કારણ કે તેને ઘણા મિત્રો હતા. પાડોશમાં રહેતો નાનો મુકુલ પણ તેનો મિત્ર હતો. મુકુલ રોજ ભલાકાકાને બીજાને મદદ કરતા જોતો. જયારે લોકો ભલાકાકાની મદદ બદલ આભાર માનતા ત્યારે તે શું કહેતા તેની તેને ખબર હતી. તે હંમેશાં એક જ વાત કહેતા, “મેં તમને મદદ કરી તે માટે મારો આભાર માનવા કરતા તમે પણ બીજાને મદદ કરો તો વધારે સારું.”

“તમે પણ બીજાને મદદ કરો તો સારું એમ કહેવું જરા વિચિત્ર લાગે છે નહીં?” મુકુલે એક દિવસ ભલાકાકાને પૂછ્યું.

“જો આપણે બધા એકબીજાનું ભલું કરવા લાગીએ તો દુનિયા તરત જ ભલાઈના કાર્યોથી ભરાઈ જશે!” વૃદ્ધ ભલાકાકા એ કહ્યું. “પછી તો આપણે બધા ખૂબ સુખી અને બધા મિત્રો બની જશું, કેમ બરાબરને? અને એ કેટલી સારી વાત કહેવાય!”

“ઠીક, હું હવે જયારે કોઈને મદદ કરીશ ત્યારે તમારી જેમ જ કહીશ”, મુકુલે કહ્યું, “હું તેમને કહીશ, તમે પણ બીજાને મદદ કરો તો સારું.”

“સારું, કહેજે!” ભલાકાકાએ કહ્યું, “તું જોજે, તને બહુ મજા આવશે અને કાંઈક નવી વાત જોવા મળશે, મુકુલ. આજે નહીં તો કાલે તે કરેલી મદદનો બદલો તને બીજા કોઈની મદદ દ્વારા જરૂર મળવાનો! હા, સાચેસાચ એક દિવસ એવું થવાનું! એ બીજી જાતની મદદ હશે પણ એના મૂળમાં તે શરૂ કરેલી મદદની પહેલી કડી હશે!”

મુકુલે વિચાર્યું – આ તો નવાઈની વાત! પણ ભલાકાકાને ખબર હતી તે શું કહેવા માંગે છે. અને હવે સાંભળો મુકુલે કરેલી મદદની અને તેનો બદલો તેને કેવી રીતે મળ્યો તેની વાત!

બીજે દિવસે મુકુલ વિજય સાથે રમવા ગયો. વિજય મુકુલનો ખાસ મિત્ર હતો. તેઓ લખોટીથી ખૂબ રમ્યા. ઘણી વાર પછી તેમને થયું કે બાજુની શેરીમાં રહેતા તારકને બોલાવીએ અને આપણી લખોટીઓ તેને બતાવીએ. તેઓ ત્યાં જતા હતા ત્યાં જ – અરે યાર, રસ્તામાં વિજયનો સૌથી સરસ, મોટો વાદળી કાચમાં ગુલાબી પટ્ટાવાળો લખોટો (તેને તેઓ દાણીયો કહેતા) એક બંધ દુકાનની અંદર ગબડી ગયો.

વિજય તરત જ ઊભો રહી ગયો અને નિરાશાથી તેણે બંધ બારણાની તડમાંથી અંદર જોયું. દુકાન ખાલી હતી. તે લાંબા સમયથી બંધ પડી હોય તેમ લાગતું હતું. હવે શું કરવું?

“મારો લખોટો શું હવે મને પાછો નહીં મળે?” રડમસ અવાજે વિજયે કહ્યું. તે રડી પડશે એમ લાગ્યું. ખરેખર લખોટો બહુ જ સરસ હતો. “દુકાન તો ખાલી છે અને બહાર તાળું લગાવેલું છે. હવે લખોટો કેવી રીતે મળે?”

પણ મુકુલના મગજમાં એક યુક્તિ આવી.

“આ દુકાનની ચાવી જેની પાસે છે તેને મારા પપ્પા ઓળખે છે,” તેણે કહ્યું, “હું એને કહીશ તો તે ચાવી લાવી આપશે અને હું તારો લખોટો તને શોધી આપીશ. મને તાળું ખોલતાં આવડે છે.”

“અરે મુકુલ, પણ ત્યાં અંદર નીચે અંધારામાં સાવ એકલા જતાં તને ડર નહીં લાગે? વિજયે મુકુલને પૂછ્યું.

“કદાચ થોડો ડર લાગે” મુકુલે કહ્યું, “તો પણ હું કોશિશ જરૂર કરીશ, વિજય, મારા પપ્પા ઘરે આવશે કે તરત જ હું તેમને કહીશ.”

મુકુલે બોલેલું પાળ્યું. તેણે તેના પપ્પાને બધી વાત કરી. અને તેમને એ પણ કહ્યું કે તેઓ ગલીના નાકે રહેતા વિરજીભાઈને ત્યાંથી ચાવી લાવી આપે તો પોતે વિજયનો લખોટો શોધીને તેણે આપી શકે.

“ભલે, જેવી તારી મરજી.” એમ કહી તેના પપ્પાએ વિરજીભાઈ પર એક ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી લઇ મુકુલ વિરજીભાઈના ઘરે દોડતો ગયો. એક-બે મીનીટમાં તો તેના હાથમાં દુકાનની ચાવી આવી ગઈ હતી. સરસ! હવે પોતે વિજયનો લખોટો શોધી શકશે.

સાંજનું અંધારું થવાને બહુ વાર નહોતી. તેથી તેણે પોતાની ટોર્ચ સાથે લીધી. મુકુલે દુકાન ખોલી. તે અંદર ગયો. અંદર તો બધું ધૂળ ધૂળ, બંધિયાર અને હવડ વાસથી ગંધાતું હતું. તે પગથિયાં શોધતો અંદર ઊતરતો ગયો. ચારે તરફ અણગમતા કરોળિયાનાં જાળાં બાઝેલાં હતાં. પણ હવે તેણે વિજયનો લખોટો શોધવો જ જોઈએ એમ વિચારી તેણે ટોર્ચનો પ્રકાશ આમતેમ ફેંકી જોયો. આખરે તેને એ વાદળી લખોટો એક ખૂણામાં પડેલો દેખાયો. તેણે તે તરત જ લઈને પોતાનાં ખિસ્સામાં મૂક્યો. પછી તે પગથિયાં ચડીને ઉપર આવ્યો. પળવારમાં તે દુકાનની બહાર હતો. તે આનંદથી લખોટા સાથે વિજયના ઘર તરફ દોડ્યો.

“તું પણ યાર કમાલ છો” વિજયે ખુશ થતાં કહ્યું, “જો મુકુલ, મારો મોટો લખોટો પાછો મેળવી આપાવાના બદલામાં તું આ નાની લખોટી રાખી લે. તેં ખરેખર મને સારી મદદ કરી!”

“ના ભાઈ, એમાં શું? મારે બદલો નથી જોતો. પણ જેમ મેં તને મદદ કરી તેમ તું પણ બીજા કોઈને મદદ કરજે. કરીશને? તને ઠીક પડે તેણે થોડીક મદદ કરજે, બહુ મજા આવશે – અને તું બીજાને પણ કહેજે કે તે વળી કોઈ ત્રીજાને મદદ કરે. કહેશેને?”

“હા, કેમ નહીં, તેં મને આટલી મદદ કરી તો હું પણ કોઈને જરૂર મદદ કરીશ, તારી વાત તો મજાની છે,” વિજયે કહ્યું.

બીજે દિવસે વિજય જયારે દોડતો જલેબી લેવા જઇ રહ્યો હતો ત્યારે તેનાં દેખતા જ એક બહેનનો પગ લપસ્યો અને તે રસ્તા પર પડી ગયા. તે બહેનની થેલી હાથમાંથી છૂટી ગઈ અને બધું બહાર વેરાઈ ગયું. તેનાં કાગળો હવામાં ઉડવા લાગ્યા, પુસ્તકો આમતેમ વિખેરાઈ ગયાં, પેન-પેન્સિલ ફૂટપાથ પર પથરાઈ ગયા.

“અરે… અરે.. રે..” બોલતા બોલતા બહેન પોતાનાં કાગળો ભેગા કરવા લાગ્યા. “હું તમને મદદ કરીશ”, વિજયને યાદ આવી ગયું કે તેણે કોઈને મદદ કરવાની છે. તે ઊડી જતા કાગળોને પકડવા લાગ્યો, તેણે બધું ભેગું કરીને, થેલીમાં મૂકી તે પેલા બહેનને આપી. તે બહેને વિજયનો આભાર માન્યો અને તેણે ઇનામ આપવા માટે પોતાનું પર્સ ખોલ્યું. પણ વિજયે પૈસા ન લીધા. “મારે ઇનામ નથી જોતું” તેણે કહ્યું, “મારે તો મદદ કરવાના કામને આગળ વધારવું છે, તમે પણ કોઈને મદદ કરીને એ મદદ કરવાનું કામ આગળ વધારજો, કરશોને?”

“અરે વાહ! કેટલો સરસ વિચાર છે તારો!” ખૂબ ખુશ થઇ તે બહેન બોલ્યા, “જરૂર, જરૂર, હું પણ કોઈને મદદ કરીશ.”

તે બહેનને પોતાનાં શબ્દો પાળતા બહુ વાર ન લાગી. એ જ સાંજે તે ઝડપથી ઘરે જઈ રહ્યા હતા એવામાં તેની નજર એક વૃદ્ધ માજી પર પડી. તેમને રસ્તો ઓળંગવો હતો પણ રસ્તા પર સખત ભીડ હતી. વાહનોની સતત અવરજવરને કારણે તે માજી ઊભા હતા. તે બહેન માજી પાસે ગયા અને તેનો હાથ ઝાલી કહ્યું, “ચાલો, હું તમને મદદ કરું, મારી સાથે આરામથી ચાલો.”

માજીને સામે લઇ જઈ તે બહેન નમ્રતાથી સહેજ નમીને જવા લાગ્યા ત્યારે માજીએ ખુશ થઇ કહ્યું, “દીકરી, ભગવાન તારું ભલું કરે, તે મને સારી મદદ કરી, તારો ઘણો આભાર.” માજીએ આશિષ આપતા હોય તેમ કહ્યું.

“તમે પણ તમારાથી થઇ શકે તેવી મદદ કોઈને કરો તો મને ગમશે, ભૂલી તો નહીં જાઓને?” તે બહેને હળવેથી, આદરભાવથી પૂછ્યું.

માજી ખરેખર ભૂલ્યા નહીં. તે કોઈને મદદ કરવાની તક શોધતા હતા. આખરે તેમને એ તક મળી.

બાજુવાળા મંજુ બહેન ધોયેલાં કપડાં દોરી પર સૂકવી બજારમાં ખરીદી કરવા ગયા હતા. માજી બારીમાંથી એ તરફ જોઈ રહ્યા હતા અને બરાબર એ જ સમયે દોરી તૂટી અને બધાં કપડાં ઢગલો થઇ નીચે પડ્યાં!

“અરે! અરે!” માજી અસ્વસ્થ થતાં બોલ્યા, “જુઓ તો ખરા મંજુબહેનના કપડા …? જો તરત કાંઈ નહીં કરું તો બધા કપડાં ખરાબ થઇ જશે. મારે પાછળથી ત્યાં જઈને કપડાં લઇ લેવા જોઈએ. મદદ કરવાની મને આ સારી તક મળી છે, લાવ તેનો ઉપયોગ કરું!”

પાછળના દરવાજેથી બગીચામાં આવી માજીએ નીચે પડેલા અને દોરી પર રહેલા કપડાં લઇ લીધા. એટલી વારમાં તો મંજુબહેન ખરીદી કરીને પાછા આવી ગયા. તેણે માજીએ કરેલું કામ જોયું.

“અરે માસી!” તેણે કહ્યું, “તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને મદદ ન કરી હોત તો મારે પાછા આવીને બધા કપડાં ફરીવાર ધોવા પડ્યા હોત – તો તો મારું આવી જ બનત!”

“અચ્છા, પણ હવે તારે ય બીજા કોઈને મદદ કરવી પડે તો કરીશને? તને મારી વાત સમજાય છે?” માજીએ હસતાં હસતાં કહ્યું.

“ભલે”, મંજુબહેને કહ્યું.

અને મંજુબહેન પણ ભૂલ્યા નહીં. કોને મદદની જરૂર છે એ તપાસ કરતા તેને તરત જ એક તક મળી. સામે રહેતા ઘરડા શંકરભાઇને સખત શરદી થઇ ગઈ હતી. તેઓ પથારીવશ હતા. મંજુબહેને વિચાર્યું કે પોતે તેના માટે ગરમ ગરમ રાબ બનાવશે અને તે રાત્રે સૂતા પહેલાં લેશે તો સારું રહેશે. રાત્રે તે શંકરભાઈ માટે રાબ લઇ ગયા. શંકરભાઇને બહુ સારું લાગ્યું.

“ખરેખર તમે ખૂબ માયાળુ છો, રાબ બહુ સરસ હતી. આજે મને સારી ઊંઘ આવશે. મંજુબહેન તમારો આભાર. તમે મારા તરફ જે લાગણી રાખી છે તેનો બદલો હું એક દિવસ જરૂર વાળી આપીશ.”

“સારું, તો તમે પણ બીજા કોઈને મદદ કરીને આ ભલાઈના કાર્યને આગળ ધપાવો!” મંજુબહેને મધુર હાસ્ય વેરતાં કહ્યું, “કોઈને જરૂર હોય ત્યારે મદદ કરવી એ એક સારું કામ છે નહીં શંકરભાઈ?”

પથારીમાં પડ્યા પડ્યા શંકરભાઈ મંજુબહેને જે કહ્યું હતું તે વિશે વિચારતા રહ્યા. આમ જોઈએ તો શંકરભાઈ કાંઈ ભલા માણસ ન હતા. સાચું કહીએ તો તેઓ કઠોર હતા. પરંતુ અત્યારે આ બધું વિચારવા તેની પાસે પૂરતો સમય હતો. તેને થયું કે પોતે જિંદગીમાં થોડા ભલાઈના કાર્યો કર્યા હોત તો સારું હતું.

“હં…જાગ્યા ત્યારથી સવાર! શરૂ કરવા માટે હજુ પણ મોડું નથી થયું,” તેણે પોતાની જાતને જ કહ્યું, “તું વૃદ્ધ છો તો શું થયું? બીજાને મદદ કરવા માટે તારી પાસે પૂરતો સમય છે. કેવી રીતે મદદ કરું? કોને મદદ કરું?”

શંકરભાઇને રમકડાની દુકાન હતી. તેમાં બે માણસો કામ કરતા હતા. દુકાનમાં એક બહેન હતા અને એક ભાઈ. ભાઈ બહારના કામકાજ કરતા, પાર્સલો પહોંચાડવા, તૂટેલાં રમકડા સમા કરવાં, દુકાન સાફ કરવી, ચોપડા લખવા વગેરે વગેરે કામ પણ તે સંભાળતા હતા. શંકરભાઈએ તેના વિશે વિચાર્યું.

“શાહભાઈને મારી માંદગીને કારણે બમણું કામ કરવું પડે છે” શંકરભાઈએ વિચાર્યું, “તે ખૂબ મહેનતુ છે. મને લાગે છે કે મારે તેને મદદ કરવી જોઈએ. હું તેને પૂછી જોઇશ કે તેને કોઈ બાળક છે કે નહીં. જો તેને બાળકો હશે તો હું તે દરેક માટે એક એક રમકડું મોકલાવીશ. મંજુબહેને મને કરેલી મદદના કાર્યને હું એ રીતે ચાલુ રાખીશ.”

શંકરભાઇને પોતાનાં નિર્ણયનો અમલ કરવાની ચટપટી થઇ. ત્રણ દિવસ પછી તે દુકાને ગયા. શાહ્ભાઈએ તેમની સાથે કામ કરતા બહેનને દુકાનનું કામ કરવામાં મદદ કરી હતી, પોતાનું બધું કામકાજ કરવા ઉપરાંત શંકરભાઈનું કામ પણ કર્યું હતું. શંકરભાઈ એના કામથી ઘણા ખુશ થયા હતા.

“તમારે કોઇ બાળક છે?” તેણે શાહભાઇને પૂછ્યું.

“હા, એક બાબો છે,” શાહભાઇએ નવાઈ પામીને કહ્યું, “તે આઠ વરસનો છે.”

“અચ્છા, મને એમ કે તમારે ત્રણ-ચાર બાળકો હશે” હતાશ અવાજે શંકરભાઈ બોલ્યા, “બધાને એક-એક રમકડું આપવાની મારી ઈચ્છા હતી. ઠીક, હવે જયારે તમારે એક જ બાબો છે તેથી આપણે તેના માટે સૌથી સુંદર રમકડું પસંદ કરવું જોઈએ. શાહભાઇ, તેને શું ગમશે, જુઓ તો.”

“અરે શંકરભાઈ તમે કેટલાં દયાળુ છો! શાહભાઈએ આનંદ અને આશ્ચર્યથી કહ્યું, “હં…એક એવી સરસ ચીજ છે કે જેને મેળવી મારો બાબો બહુ ખુશ થશે, અને તે છે આ ચાવીવાળું સરસ એન્જિન. તેનું એન્જિન હમણાં જ તૂટી ગયું છે તેથી તે ગુમસુમ થઇ ગયો છે. જો તમે એને આ એન્જિન આપશો તો તે ઘણો ખુશ થશે અને તમને પણ ગમશે.”

“મારે તો મદદ કરવી જ છે,” શંકરભાઈ ખુશ થતા બોલ્યા, “જુઓ, આ ચાવીવાળું એન્જિન સહુથી સરસ છે, શાહભાઇ, તમે એમ કરો – બે ડબ્બા અને આ સિગ્નલ પણ સાથે લઇ જાવ. તમારા બાબાને કહેજો કે તેને મદદ કરવાથી મને આનંદ થયો છે અને તેને કહેજો કે તે પણ બીજાને મદદ કરે.”

તે રાત્રે શાહભાઇ ઘરે પહોંચવા અધીરા થઇ રહ્યા હતા. પોતે શું લાવ્યા છે એ જોઈ તે કેવો રાજી થશે! તેનું એન્જિન તૂટી ગયું તેથી તે કેટલો દુખી લાગે છે, પણ હવે તે ખુશ થઇ જશે. શાહ્ભાઈએ એન્જિન, સિગ્નલ અને બે ડબ્બા એકસાથે બાંધી લીધા. હવે તે જલ્દી ઘરે પહોંચવા માંગતા હતા.

“પપ્પા, તમે તો પરસેવે રેબઝેબ થઇ ગયા છો અને તમને શ્વાસ ચઢ્યો છે?” તેના બાબાએ આશ્ચર્યથી પૂછ્યું, “તમે દોડીને આવ્યા લાગો છો, શા માટે આમ દોડીને આવ્યા?”

“કારણ કે મારી પાસે તને નવાઈ લાગે એવી એક અફલાતૂન ચીજ છે,” તેના પિતાએ હસતા હતા કહ્યું,”આ ખોલ અને જો!”

તેણે જયારે નવી નક્કોર ટ્રેન અને સુંદર સિગ્નલ જોયું ત્યારે તે ખુશાલીથી ઊછળી પડ્યો, “આ મારા માટે છે, હેં પપ્પા? ” તેણે પૂછ્યું.

“હા”, તેના પિતાએ કહ્યું, “શંકરભાઈ કહેતા હતા કે તે કોઈને મદદ કરવા ઇચ્છતા હતા તેથી તેણે આ ગાડી તારા માટે મને આપી. તેણે તને કહેવડાવ્યું છે કે તારે પણ બીજા કોઈને મદદ કરવાની છે.”

તેણે આશ્ચર્યથી તેના પિતા તરફ જોઇને કહ્યું,”અરે, કેવી મજાની વાત છે! એ જ શબ્દો મે વિજયને તેનો લખોટો શોધી આપ્યો ત્યારે કહ્યા હતા. તમે માનો કે ન માનો પપ્પા, પણ આ મે તેને કરેલી મદદનો બદલો મને મળી રહ્યો છે!”

“એમ! એ તો બહુ મજાની વાત કહેવાય”, તેના પિતાએ કહ્યું,”તારી મદદની હારમાળા એકથી બીજા તરફ આગળ વધતી ફરતી ફરતી ફરી તારી પાસે આવી હશે તો મને ખરેખર નવાઈ લાગશે. ચાલો આપણે તપાસ કરીએ. સહુ પ્રથમ તો આપણે વિજયને પૂછીએ કે તેણે કોણે મદદ કરી હતી.”

બીજે દિવસે મુકુલે વિજયને પૂછ્યું, “લે…મેં એક બહેન પડી ગયા હતા ત્યારે તેની બધી વસ્તુઓ ભેગી કરીને તેમને આપી હતી. હું તેમને ઓળખતો નથી, પણ હું તેમને રોજ જોઉં છું. જો તારી ઈચ્છા હોય તો આપણે તેમને પૂછશું કે તેણે કોઈને મદદ કરી છે કે નહીં.”

તે દિવસે બંને તેની રાહ જોતાં ઊભા રહ્યા. રોજની જેમ જેવા તે બહેન દેખાયા કે વિજયે તેની પાસે જઈ ઘણી નમ્રતાથી પૂછ્યું. “હા…મને યાદ છે! તેમણે હસતા હસતા કહ્યું, “મેં પણ મદદ કરી છે, મેં એક માજીને આ સામેનો વાહનોની અવરજવરવાળો રસ્તો ઓળંગવામાં ત્યાં મદદ કરી હતી. આ જ સમય હતો ત્યારે લગભગ, કદાચ તે ફરી કાંઈ ખરીદવા માટે એ બાજુ જઈ રહ્યા હોય. જુઓ! મને લાગે છે કે પેલા માજી જ હતા તે, હા…આ તો એ જ છે! ચાલો આપણે તેમને પૂછીએ કે તેમણે કોઈને મદદ કરી છે કે નહીં.”

જયારે તેઓએ માજીને પૂછ્યું તો તેણે માથું હલાવી હસીને “હા,” કહ્યું. “હા ભાઈ”, તેણે કહ્યું, “મેં મદદ કરી છે. ચોક્કસ કરી છે! જયારે મારા પડોશીની દોરી તૂટી ગઈ હતી ત્યારે મેં તેનાં બધાં કપડાં ભેગાં કરેલાં. ચાલો પૂછવું હોય તો ! તેણે કોણે મદદ કરી છે એ પણ પૂછશું!” વિજય ખૂબ જ ઉત્તેજિત થઇ બોલ્યો, “કેવું અદભુત ! મદદ કરવાની હારમાળા કેટલ બધા લોકો દ્વારા આગળ વધતી જાય છે!”

બધા માજી સાથે મંજુબહેનના ઘરે પહોંચ્યા અને તેમણે તેને એ જ મહાન પ્રશ્ન પૂછ્યો: “શું તમે કોઈને મદદ કરી છે?”

“કેમ નહીં, મેં મદદ કરી છે ને!” તેણે કહ્યું, “સામે રહેતા વૃદ્ધ માણસ માટે હું રાબ લઇ ગઈ હતી. તમારે ખાતરી કરવી હોય તો તમે બાજુની ગલીમાં આવેલી રમકડાની દુકાને જાવ. એ ત્યાં મળશે.”

મુકુલ, વિજય, પેલા બહેન, માજી – બધા ત્યાં ગયા. મોટા લોકો પણ બાળકો જેટલા જ આતુર હતા. શંકરભાઈ દુકાનમાં જ હતા. અને જયારે તેમને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “હા, મેં અમારે ત્યાં કામ કરતા શાહભાઈને તેના નાનકડા બાબા માટે એક એન્જિન, બે ડબ્બા અને સિગ્નલ મોકલાવેલા છે”, તેણે કહ્યું, “આમ મેં પણ ભલાઈના કાર્યને આગળ ધપાવ્યું છે.”

“અને હું જ એ નાનકડો બાબો છું!” મુકુલે મોટા અવાજે કહ્યું,”એટલે મેં કરેલી મદદની હારમાળા ફરીને મારી પાસે આવી! કેવી સુંદર વાત બની છે! ફરી મારે કોઈને મદદ કરવી જોઈએ, ફરીવાર હું ભલાઈના કાર્યને આગળ ધપાવીશ! કેવી મજા!”

અને બીજે દિવસે તેણે ફરી બીજા કોઈને મદદ કરી અને કહ્યું, “તમે પણ બીજા કોઈને મદદ કરો તો સારું.”

શું આ મજાની વાત નથી? હું પણ બીજાને મદદ કરીશ. તમે નહીં કરો?

– હર્ષદ દવે

એનિડ બ્લાયટનની એક વાર્તા ઉપર આધારિત હર્ષદભાઈ દવે રચિત પ્રસ્તુત વાર્તાની સરળ પરંતુ ઉપયોગી અને અચૂક શીખામણ આ બાળવાર્તાને મોટેરાંઓને માટે પણ એટલી જ જરૂરી અને પ્રેરક બનાવે છે. આપણા ધર્મગ્રંથો અને વેદો પુરાતનકાળથી જે વાત કહેતા આવ્યા છે એ સરળ અને બાળકો સમજી શકે એવા સ્વરૂપે મૂલતઃ ‘કોઈકને મદદ કરવી’ ના વિચાર સાથે શરૂ થયેલ હારમાળા કેવું સુંદર સ્વરૂપ લે છે એ અહીં જોઈ શકાય છે. અક્ષરનાદને આ સુંદર અને પ્રેરણાત્મક કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “ભલાઈનો બદલો… – હર્ષદ દવે

 • Mamtora Raxa

  ખૂબ જ સરસ બોધદાયક વાર્તા . એક સારી વ્યકિતના સમ્પર્કમા આવનાર દરેક વ્યકિત તે રસ્તે આગળ વધી શકે છે અને તેનાથી આખા સમાજ્મા સુધાર લાવી શકાય છે .

 • Harshad Dave

  આ વાત ગમી તેનો પ્રતિભાવ દર્શાવનારા સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર.-હર્ષદ દવે.

 • gopal

  કર ભલા તો હો ભલા ! કહેવતને સાર્થક કરતી આ વાર્તા ખૂબ જ ગમી.
  ગોપાલ

 • urvashi parekh

  ખુબ જ સરસ વાત છે. હવે આપણે પણ સારુ કામ કરવાનુ શરુ કરિશુ. મે વહેલી સવારે આ વીશે લખેલ પણ દેખાણુ નહી કેમ?

 • Ullas Oza ઉલ્લાસ ઓઝા

  હર્ષદભાઈ સરળ શબ્દોમાં સમજાવી દે છે “ભાઈ / બહેન કોઈને મદદ કરવાની તક મળે તો પાછુ વાળીને ન જોતા તેને મદદરૂપ થજો”. સમાજની દરેક વ્યક્તિ આનુ આચરણ કરે તો ઘણી ઉન્નતિ કરી શકાય.
  ઉલ્લાસ ઓઝા

  • Harshad Dave

   તમને વાત ગમી અને તે પ્રતિભાવ આપીને જણાવ્યું એનો વિશેષ આનંદ છે. આભાર.

 • Rajesh Vyas "JAM"

  જેવું વાવો તેવું લણો એ કહેવત કંઈ એમજ નહી પડી હોય. સુંદર બોધવાર્તા રજુ કરવા બદલ હર્ષદભાઈ નો ખુબ ખુબ આભાર.

 • ashvin desai

  હર્શદ્વભાઈ સુન્દર પ્રેરનાત્મક વાર્તા લૈ આવ્યા .
  એમનિ શૈલિ સરલ , સોસરવિ અને અસરકારક ચ્હે . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા