૧. જન્મી છે બેન..
ચુનમુનબેને જાણ્યું જ્યારે જન્મી છે એક બેન;
ઘડી ન એને જંપ વળે ને ઘડી પડે નહિ ચેન.
કેવા એના હશે હાથ-પગ? કેવાં હશે નેન?
કેવે મુખડે હશે બોલતી મીઠાં મીઠાં વેણ?
ગાતી હશે કેવું, જાણે દરબારી તાનસેન?
હશે ઊંઘતી કેવું, જાણે ચડ્યું હોય બહું ઘેન?
મારી સાથે રમશે શું એ ટન ટન ટીપરી ટેન?
મારી સાથે લખશે શું એ પકડી કાગળ પેન?
હું તો થઈ ગઈ મોટી, ઘરમાં રમકડાંની સેન;
સઘળાં એનાં બનશે, મમ્મી એને મારી દેન.
૨. સપનાં જોતી લડકી
જુઓ જુઓ, એક લડકી આંંહી બેઠી ખુલ્લી આંખે;
જુએ નહીં એ અમને, તમને, ખાલી આભે ઝાંકે!
આસપાસ જે કાંંઈ થાય, ના એની સામે તાકે,
કોઈ બોલી કોઈની ના સાંંભળતી જરાકે.
હા, એ આંખો ક્યારે ક્યારે ફરકે ફરકે જરી ઝબાકે;
જાણે આકાશે કો નાટક ચાલે એની સાખે!
ઘડીક એના હોઠ ફરકતા, સળવળ ગાલે, નાકે;
જાણે એ સપનામાં રમતાંં જીતે, હારે થાકે!
આજે આવાં સપનાં જોતી બચપણને વળાંંકે,
મોટી થઈને આ જ દીકરી નાવ દેશની હાંકે.
૩. મમ્મી, ક્યારે દિવાળી?
મમ્મી! તું તો કહેતી’તી કે આસોમાં આવે દિવાળી,
પણ આ તો દહાડા ચાલ્યા ને દીવાલી મેં ક્યાંય ન ભાળી;
મમ્મી! કહે, ક્યારે દિવાળી?
નવરાત્રિની નવે રાત હું જાગી લેતી – દેતી તાળી,
થાકતાં લગી ઘૂમી ઘમરાઘમ, ગરબડિયે કોરાવી જાળી. મમ્મી..
દિવસ દશેરાનો આવ્યો. નીકળી વાનરસેના પૂંછાળી,
હુપ્પ કરીને હુંય કૂદી ગઈ હનુમાન પાસે રૂપાળી. મમ્મી…
શરદપૂનમે મામા ઊગ્યા મસ મોતી જ્યમ રૂપાથાળી,
માર દૂધ-પૌંંઆ ચાટી ગઈ બિલ્લી જેને તેં છે પાળી. મમ્મી…
ધનતેરસને દિન પપ્પાએ પૂજી પાવલી ખોટી, કાળી,
લક્ષ્મી માટે ફૂલ તોડવા ગઈ ત્યારે ચીડાયો માળી. મમ્મી…
દર મહિને ચૌદશ તો આવે, એકે નહોતી આવી કાળી,
દ્રુજી રાતભર ભૂતથી ડરી, શિયાળવાંની સુણતાં લાળી. મમ્મી…..
(‘ચોકોલેટ ગીતો’માંથી સાભાર.)
સરસ ચોકોલેટ ગીતો.