એ નગરનું નામ ખાંડવપ્રસ્થ – લલિત ખંભાયતા 1


ગુજરાત સમાચારની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં ઓક્ટોબર ૨૦૧૮થી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી લલિતભાઈ ખંભાયતાની સુંદર કિશોર સાહસ કથા ‘એ નગરનું નામ ખાંડવપ્રસ્થ’ને વાચકોનો સુંદર આવકાર મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં એ પૂર્ણ થઈ પછી હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ છે. લલિતભાઈનો બાળસાહિત્યના પ્રકારમાં પ્રથમ પ્રયાસ છે અને એ વાચકોનો પ્રેમ પામી છે એ બદલ તેમને ખૂબ અભિનંદન અને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ તેમનો આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે. પ્રસ્તુત છે પુસ્તકનું પ્રથમ પ્રકરણ..

1. ભવ્ય પ્રસનપુરની ભવ્ય હોડી સ્પર્ધા

9 નવેમ્બર, 2017

સોયની અણીની માફક ચડતા સુરજના કિરણોના પ્રહારથી એની ઊંઘ ઉડી. હોડીમાં ઘૂસી આવેલી ખારા પાણીની છાલકોએ તેનું શરીર ભીંજવ્યુ છે અને હવે તો જાગ્યા પછી ખંજવાળ પણ આવતી હતી. ઉપરથી આવતા પ્રકાશના સીધા કિરણો અને નીચે પાણીમાં તેના પરાવર્તનને કારણે થોડી વાર સુધી તો એ સરખી આંખો પણ ખોલી શક્યો ન હતો… પરંતુ જેવી-તેવી ખુલેલી આંખે જોયેલા દૃશ્ય પછી તેના માનસમાં પ્રગટેલાં વિચારદ્વંદ્વ તેને ઉભો થવા મજબૂર કર્યો હતો. એ એકલો ન હતો, પોતાના બે સાથીદારો પણ હોડીના ખપાટિયાઓ પર મેરેથોન દોડ પછી થાક્યા હોય એમ લોથ-પોથ થઈને પડયા હતા.. તેને જગાડવા બૂમ પાડતા પહેલાં હોડીના પડખાનો ટેકો લઈને ઉભો થયો અને એ સમયે જ સાથીદારોને જગાવવા ખુલેલા તેના હોઠ ખુલ્લાં જ રહી ગયા!

એ નગરનું નામ ખાંડવપ્રસ્થ લલિત ખંભાયતા

ચો તરફ અરબ સાગરના અફાટ પાણીનું ચક્રવર્તિ સામ્રાજ્ય ફેલાયેલું હતું. દરિયાઈ સૃષ્ટિ સિવાય ત્યાં કોઈ હલચલ ન હતી. ગમે તે દિશામાં નજર પહોંચે.. અંતે તો ક્ષિતિજે જ અથડાઈને પાછી ફરતી હતી. સૂર્યપ્રકાશને કારણે પાણીને વરખ ચડાવ્યો હોય એમ ચમકી રહ્યું હતું, એટલે જ એ પાણી સામે એ લાંબો સમય જોઈ શક્યો નહીં. જમીન અહીંથી કેટલી દૂર છે એ ખબર ન પડી પરંતુ ફૂંકાતા પવનની ખારાશે એ વાતની ચાડી ખાધી કે ભૂમિકાંઠો સાવ નજીક નથી.

પણ અમે અહીં કઈ રીતે? આંખ ખુલી ત્યારથી દબાયેલા સ્વરે પ્રગટ થતો એ સવાલ હવે બોલકો બન્યો. વનરાજે સાથીદારો જેક અને મનુને જગાડયા સિવાય છૂટકો ન હતો. બાકીના બન્ને સાથીદારો જેક-મનુ પણ ઉઠીને આંખો ચોળીને ધીમે ધીમે જાગ્રતાવસ્થામાં આવે એવી લક્ઝરી અત્યારે પોસાય એમ ન હતી. કેમ કે એક વખત હોડીની બહાર નજર નાખ્યા પછી તેમની તમામ પ્રકારની સુસ્તી ખરી પડી. કોઈએ એક-બીજાને પૂછ્યું નહીં તો પણ બધાના મનમાં સવાલ ઘૂમરાવા લાગ્યા..

આપણે ક્યાં છીએ?
કેમ છીએ?
કેવી રીતે પહોંચ્યા?
અને એ સિવાય ઘણા સવાલો હૈયામાં હતાં, પરંતુ હોઠે આવતાં ન હતાં.

E nagar nu naam khandavprasth lalit khabmbayta

ગુર્જરદેશનું એ પ્રસ્થાનપુર નગર.

શહેરની એક તરફ દરિયાકાંઠો અને બીજી તરફ નાનકડી ડૂંગરમાળ તેને કુદરતી રીતે સુરક્ષિત તથા સૌંદર્યવાન બનાવતાં હતાં. અહીંની પ્રજા મુખ્યત્વે તો વેપારી અને દરિયાખેડૂ. દરિયાઈ પેદાશો અને પરદેશ સાથેનો વેપાર શહેરની આજીવીકાના સાધનો હતાં. શહેરના ડુંગર તરફના છેડે આવેલા પથ્થરિયા વિસ્તારમાં ખાણોમાંથી પથ્થરો પણ નીકળતા હતાં. પીળા-સફેદ મિશ્રિત કલરના, એક ફીટ જાડા, એક ફીટ પહોળા અને બે ફીટ લાંબા એવા કદમાં કપાઈને વેચાતા એ પથ્થરો ઘણા જ પ્રચલિત હતાં. પરંતુ બદલાતા સમય સાથે પથ્થરોનું ઉત્પાદન મર્યાદિત થઈ ગયુ હતું. તો પણ પથ્થર-ઉદ્યોગને કારણે શહેરનાં એ વિસ્તારનાં રસ્તા સફેદ થઈ ગયાં હતાં!

શહેરના રસ્તા પહોળા અને સ્વચ્છ હતાં. અલબત્ત, કેટલાક વિસ્તારોમાં સરકારે નવાં-સવાં જાહેર કરેલા ગેસ કનેક્શનોને કારણે રસ્તાઓ ખોદાયેલાં પણ હતાં. શહેર પાસે નાણાંની રેલમછેલ તો ન હતી, પણ આર્થિક રીતે સમૃદ્ધ જરૂર હતું. સરેરાશ પ્રજાજનો રાત પડયે નિશ્ચિંત થઈને ઊંઘી શકતા હતા. મુખ્ય ત્રણ બજારો હતી અને તેમાંની એક ‘નીચા નગર’ જેેવી બજાર દરિયા કાંઠે હતી. એક જમાનામાં યુરોપથી ફિરંગીઓ પણ અહીંથી ખરીદી કરવા આવતાં હતાં. હજુએ કો’ક કો’ક દુકાનોમાં એવા ચિત્રો જોવા મળતાં હતાં, જેમાં પરદેશી વેપારીઓ નીચા નગરમાં આવીને ખરીદી કરતાં હોય.

જિલ્લા મથક હોવાથી આસપસાના અનેક ગામડાઓના રહેવાસીઓ અહીં રોજરોજ ખરીદી માટે ઉમટી પડતાં હતાં. એટલે સાંજ પડયે ત્રણેય બજારોમાં મેળો ભરાયો હોય એવું દૃશ્ય સર્જાતુ હતું. ગામના એક છેડે ટેકરીની પાછળ થોડા નીચાણવાળા ભાગમાં એક કિલ્લો હતો. ખાલી પડેલા કિલ્લામાં એક જમાનામાં રાજા-દરબાર ભરાતો હતો. હવે તો અહીં લોકો માત્ર રખડવા આવી પહોંચતા હતાં. શહેરથી જરા દૂર હોવાથી નાનેરાં બાળકો તો ત્યાં એકલા જતાં ડરતા પણ હતાં. ‘ત્યાં એક ચૂડેલ થાય છે’ એવી માન્યતાના કારણે જુવાનીયાઓમાં રાતે એકલા કિલ્લાની સફરે જવાની શરતો પણ લાગતી હતી..

પણ આ બધા શહેરના આંતરીક આકર્ષણો હતાં. બહારના લોકો માટે મુખ્ય આકર્ષણ તો દર વર્ષે યોજાતી ‘પ્રસ્થાનપુર હોડી સ્પર્ધા’  હતી. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાતી એ સ્પર્ધામાં ભાગ લેવા આખા દેશમાંથી 60-70 હોડીઓ અહીં આવી પહોંચતી હતી. સ્પર્ધામાં ભાગ લેવા દૂરના ગામોમાંથી આવતી હોડીઓ ક્યારેક લાંબા ખટારા પર સવાર થઈને આવતી જોઈને બાળકોને ભારે કૂતુહલ થતુ હતું.

અહીંની સ્પર્ધા જરા વિશિષ્ટ હતી. આધુનિક યુગમાં પણ દરેક હોડી સઢ અને હલેસાંઓ વડે ચલાવવાની હતી. હલેસાં હોડીને શરૂઆત આપવા અને દિશા બદલવા સિવાય કામ લાગી શકે એમ ન હતાં. કેમ કે લાંબી સ્પર્ધા દરમિયાન સતત હલેસાં મારવામાં શક્તિ વેડફવી કોઈ સ્પર્ધકોને પોસાય નહીં. દરમિયાન કોઈ એક દિશામા નક્કી કરેલા સમયમાં મહત્તમ દરિયાઈ વિસ્તાર ફરીને પરત આવવાનું હતું. આ સ્પર્ધાનો પ્રાથમિક નિયમ હતો. પછી તો ઘણા પેટા નિયમો હતાં. આ સ્પર્ધા માત્ર ઈનામ મેળવવા માટે નહોતી યોજાતી, પણ ભવિષ્યના દરિયાખેડૂ તૈયાર થાય એ મુખ્ય ઉદ્દેશ હતો. દરિયાકાંઠે વિકસી રહેલાં પ્રસ્થાનપુરને દરિયાઈ મરજીવાઓ વગર ચાલે એમ ન હતું.

એટલા જ માટે સ્પર્ધાનો મુખ્ય નિયમ એવો કે સવારના સાતથી સાંજના સાત સુધીની 12 કલાકની સફર દરમિયાન સ્પર્ધકોએ દરિયામાં શું જોયું, ક્યા જળચરો ઓળખ્યાં, કયા-કયા પક્ષીઓનો તેમને ભેટો થયો, દરિયાનું વાતાવરણ કેવું લાગ્યું, દરિયાઈ તોફાન વખતે શું કર્યું… વગેરે પ્રકારના 16 સવાલોના જવાબો આપવાના થતાં હતાં. એક રીતે તો સ્પર્ધા ‘ટ્રેઝર હન્ટ’ પ્રકારની હતી. આ સ્પર્ધામાં 12થી 17 વર્ષના કિશોરો જ ભાગ લઈ શકતા હતાં. એક હોડીમાં 2થી માંડીને 5 કિશોરો ટૂકડી બનાવીને સામેલ થઈ શકતા હતા. સ્પર્ધા દરમિયાન તેમની સુરક્ષા માટે ‘પ્રસ્થાનપુર કમ્પિટિશન કમિટિ’એ એક હેલિકોપ્ટરની વ્યવ્સ્થા પણ કરી હતી. જ્યારે ‘કોસ્ટ ગાર્ડ’ની હોડીઓ પણ સમગ્ર સ્પર્ધા દરમિયાન ફરતી રહેતી હતી. અહીંના દરિયામાં કોઈ હિંસક સજીવો ન હતાં અને ભાગ્યે જ દાયકાઓમાં એકાદ વખત દરિયાઈ તોફાન આવતુ હતું. માટે સ્પર્ધા વખતે ખાસ જોખમ જોવા મળતું ન હતું. મોટા ભાગના સ્પર્ધકો થોડે દૂર જઈને પોતાની સફર અન્ય સ્પર્ધકોથી અલગ બને એટલે જુદી જુદી દિશા પકડી લેતાં હતાં. અફાટ દરિયામાં નાની-નાની હોડીઓ માટે જગ્યાની કોઈ કમી ન હતી.

આ સ્પર્ધા અહીં છેક 18મી સદીથી યોજાતી હતી. એમાંય કોઈ કોઈ જાણકારો તો એવુ કહેતાં હતાં કે વાસ્કો-દ-ગામા અહીંથી પસાર થયો ત્યારે તેણે આ સ્પર્ધાની હોડીઓ જોઈ હતી! એ રીતે તેનો ઈતિહાસ પંદરમી સદી સુધી પહોંચતો હતો. માટે જ પ્રસ્થાનપુરવાસીઓને આ સ્પર્ધાનું ભારે ગૌરવ હતું. સ્પર્ધાની તૈયારીઓ જોર-શોરથી થતી હતી અને જોવાં પણ હજારો લોકો આવતાં હતાં. બીજા લાખો લોકો ટીવીમાં એ સ્પર્ધા જોતાં હતાં. સ્પર્ધા છેક ‘ઈન્ટરનેશનલ સેઇલિંગ ફેડરેશન’માં નોંધાયેલી હોવાથી બે-ત્રણ વર્ષે ફેડરેશનના કોઈ અધિકારીઓ પણ સ્પર્ધામાં ઉપસ્થિત રહેવાનું પસંદ કરતાં હતાં. 

8 નવેમ્બર, 2017

આજે 256 વર્ષ પુરાં કરીને 257મી સ્પર્ધા શરૂ થવાને ગણતરીની મિનિટો બાકી હતી. સવારનો ઉજાશ સ્પર્ધકોના ચહેરા પર વધુ તરવરાટ ચમકાવતો હતો. લગભગ એક સરખા કદની, એક સરખા સઢ ધરાવતી અનેક હોડીઓ એક સાથે તૈયાર ઉભી હતી. તેમની વચ્ચે આયોજકોની નાનકડી ડિંગીઓ પણ અવલોકન કરવા માટે આમ-તેમ ફરતી હતી. સફેદ કલરના સઢ વચ્ચે સ્પર્ધકોએ પહેરેલા કેસરી કલરના લાઈફ જેકેટની રંગપૂરણીને કારણે દરિયાની સપાટી પર તારામંડળ ગોઠવ્યુ હોય એવો સીન સર્જાતો હતો. અહીંથી સંકેત મળે ત્યારે બધી હોડીઓએ રવાના થવાનું રહેતુ હતું. થોડે દૂર એક અઢીસો ફીટ ઊંચી દીવાદાંડી હતી. ત્યાં પણ આયોજન મંડળીના સભ્યો દૂરબીન લઈને ઉભી ગયા હતાં. માથે ‘પ્રસ્થાનપુર હોડી સ્પર્ધા 257’ લખેલી ટોપીઓ ચડાવી હોવાથી એ બધાં આયોજકો તરીકે જુદાં તરી આવતાં હતાં.

દરેક હોડીમાં ત્રણ દિવસ ચાલે એટલો ખોરાક-પાણી, વધારાનાં કપડાં, દરિયાઈ નકશો, મુશ્કેલી વખતે દરિયામાં કઈ રીતે ટકી રહેવુ તેનું માર્ગદર્શન આપતી પત્રિકા પહેલેથી જ ગોઠવી દેવાઈ હતી. હોડી દરિયામાં ભૂલી પડે તો પણ આકાશમાંથી નજરે પડે એવા જ ચમકીલા રંગે રંગવામાં આવતી હતી. એક તબક્કે આયોજકોએ દરેક હોડીને ‘સેટેલાઈટ ફોન’ અને ‘જીપીએસથી’ સજ્જ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ ત્યારે કેટલાક પરંપરાવાદી સમિતિ સભ્યોએ વિરોધ કરતાં કહ્યું હતું કે ‘આપણા વડવાઓ હજારો વર્ષથી આવા ઉપકરણો વગર દરિયો ખેડે છે. આપણે એ પરંપરા જાળવી રાખવા માટે શક્ય એટલા ઓછા આધુનિક સાધનો વાપરવા જોઈએ.’ વાત તો સાચી હતી કેમ કે અઢીસો વર્ષના ઈતિહાસમાં સ્પર્ધામાં કોઈ નોંધપાત્ર દુર્ઘટના નહોતી સર્જાઈ. હકીકતે તો પરંપરાગત રીતે યોજાતી હોવાથી જ આ સ્પર્ધા જગતભરની અન્ય હોડી સ્પર્ધાઓથી અલગ પડતી હતી. અહીં શક્ય એટલી પ્રાચીનતા જાળવી રાખવામાં આવી હતી. જેમ કે, કોઈ હોડી ડીઝલ એન્જીનથી સજ્જ ન હતી. સ્પર્ધા દરમિયાન મોબાઈલ ફોન પણ સાથે રાખવાની છૂટ ન હતી. દરેક હોડીને આયોજકોએ નક્કી કરેલું હોકાયંત્ર આપવામાં આવતુ હતું.

ભવ્ય પરંપરા ધરાવતી એ સ્પર્ધાની શરૂઆતનો સંકેત થયો. સ્તંભ પર ઉભેલા આયોજકોએ મરૂન કલરનો ધૂમાડો આકાશમાં છોડયો એ સાથે હોડીઓ ધીમે ધીમે કરતી સાંડકા બારામાંથી ખુલ્લા દરિયા તરફ રવાના થઈ. આજે કુલ 67 હોડીઓએ ભાગ લીધો હતો. સાંજ પડયે 67 પૈકી 66 હોડીઓ પરત આવી ચૂકી હતી. અને 67મી હોડી.. એ હોડી જ અહીં મધદરિયે દેખાઈ રહી હતી. દસેક ફીટ ઊંચા પડખાં પર હોડીનું નામ દૂરથી જ વંચાતુ હતુંઃ ‘સહેલ’. માંડ ત્રીસેક ફીટ લંબાઈ અને દસ-બાર ફીટ પહોળી હોડી જોતાં જ ખબર પડી આવે છે કે એ લાંબી સફર માટે સર્જાઈ ન હતી.

મધદરિયે હોડીમાં ઉભેલા વનરાજ, જેક અને મનુના મનમાં દરિયાનાં મોઝાં કરતાં પણ વધુ ઝડપથી એક પછી એક સવાલો ઉભા થવા લાગ્યાં.

‘સ્પર્ધા શરૂ થઈ ત્યારે તો સંખ્યાબંધ હોડીઓ હતી એ બધી ક્યાં ગઈ? ‘

‘કે પછી પોતે ભુલા પડયા છે?’

‘કે પછી કોઈ તેમને અહીં ઢસડી લાવ્યુ છે? ‘

‘અને ખાસ તો એ દીવાદાંડી કેમ નથી દેખાતી જેનાં આધારે કાંઠા પર પરત ફરવાનું છે?’

સ્પર્ધા જોવા આવેલા નગરજનોના કલબલાટને બદલે અહીં તો દરિયાનો ઘૂઘવાટ સંભળાય છે. એ સ્થિતિ વચ્ચે પણ સ્વસ્થતા દાખવ્યા વગર આરો નથી એમ વિચારી વનરાજે કહ્યું, ‘આપણે સૌથી પહેલાં તો હોડીમાં ઘૂસી આવેલું ખારુ પાણી ઉલેચવુ પડશે.’ ત્રણેયે હાથ વડે પાણી ઉલેચવાનું શરૂ કરી દીધું. ઊંચા મોઝાનું પાણી ઉલેચતા ખાસ વાર ન લાગી.

અકળામણ વચ્ચે જેક વારંવાર ઘડિયાળમાં જોયા કરતો હતો. પરંતુ ચોથી વાર ઘડિયાળમાં નજર પડી ત્યારે એ ચોંકી ઉઠયોઃ ‘અરે આ શું ઘડિયાળમાં તો તારીખ 9મી નવેમ્બર બતાવે છે! સ્પર્ધા તો આઠમી તારીખે હતી, તો પછી ખરેખર દિવસ બદલી ગયો છે કે મારી ઘડિયાળમાં ગરબડ છે?’

તાળો મેળવવા મનુએ પણ કાંડે બાંધેલી સ્પોર્ટ્સ વોચ પર નજર નાખી. તારીખ એમાં પણ નવમી જ હતી.

‘તો પછી એટલું તો સાબિત થાય છે કે આપણે આખી રાત અને અત્યાર સુધીનો દિવસ દરિયામાં જ પસાર કર્યો છે. કોઈ કારણસર આપણે બેહોશ થઈ ગયા પછી હોડી બેકાબૂ બની આ તરફ આવતી રહી હશે.’ રાજની વાતથી સ્થિતિ સ્પષ્ટ થઈ. વનરાજ નામ હતું, પણ દોસ્તો તેને રાજ નામે જ બોલાવતા હતાં.

‘તો હવે કરવાનું છેે શું?’ મનુએ દૂર દરિયા તરફ નજર રાખીને જ પૂછી નાખ્યું.

‘એ જવાબ તો હવે શોધવો પડશે’ રાજ પાસે પણ હજુ સુધી કોઈ ઉપાય ન હતો.

એટલી વારમાં જેકના દિમાગમાં એક વિચાર ઉપજી આવ્યો. ‘આપણે થોડી ઊંચાઈએથી નજર કરીએ તો ખબર પડશે કે નજીકમાં ક્યાંય જમીન છે કે નહીં અથવા તો કોઈ હોડી છે કે કેમ?’ આમ તો એનું નામ જેરામ હતું, પણ ફિલ્મી પાત્ર કેપ્ટન જેક સ્પેરો સાથેના તેના અનહદ લગાવને કારણે તેને યાર-દોસ્તોએ જ જેકનો ઈલ્કાબ આપી દીધો હતો.

એના વિચાર સાથે રાજ સહમત હતો અને આમ પણ અહીં સહમત થવા સિવાય ક્યાં વિકલ્પ હતો? ઊંચાઈ પર ચડવામાં માહેર મનુ કોઈની રાહ જોયા વગર મજબૂત ખૂવા પર ચડયો. ભેજવાળા પવને કારણે ખૂવો થોડો લપસણો થઈ ગયો હતો, પણ મનુએ તેના પર લાંબો સમય રહેવાનું ન હતું. એ જેટલી ત્વરાથી ઊંચે ગયો એટલી જ ત્વરાથી ફરી ઉતર્યો અને અડધા ખૂવેથી જ કૂદકો મારીને હોડીને હબલબલાવી મુકી.

ઉતરતાવેંત મનુએ હાથ લાંબો કરીને દિશા બતાવતા કહ્યું ‘એ ત્યાં જમીન દેખાય છે, પેલી બાજુ…’

‘ઓહો! તો તો ચિંતાનું કોઈ કારણ જ નથી. આપણે એ દિશામાં મારી મુકીએ એટલે જટ ઘરભેળા થઈએ.’ એમ કહીને જેકે હલેસું હાથમાં લીધુ, રાજ અને મનુએ સહેલના સઢને આમ-તેમ ફેરવી પવન સાથે સંધાન સાધ્યુ. થોડી વારમાં દરિયાઈ પવનના સહારે હોડી મનુએ દર્શાવેલી દિશા તરફ આગળ વધવા માંડી. પાણીની છાલકોથી એકબીજા સાથે ઘસાતું હોડીનું લાકડું કિચૂડાટ બોલાવતું હતું અને ઉપર પવન પ્રચંડ અવાજ કરતો હતો.

દોઢેક કલાકની સફર પછી કાંઠો આવ્યો. કાંઠો જરા વધારે પડતો શાંત લાગતો હતો, પાણી જરા વધારે પડતું નિર્મળ લાગતું હતુ. અહીનીં શાંતિ જરા ખૂંચે એવી હતી.

‘પ્રસ્થાનપુરના કાંઠે પણ આવું સ્વચ્છ પાણી છે?’ મનુએ પૂછ્યુ પણ કૂતુહલ તો બધાના મનમાં હતું.

‘આ નગરનો બીજી તરફનો કાંઠો છે. અહીં પાણી ડહોળનારા ઓછા આવતા હોય. એટલે જ પાણી અને કાંઠો બન્ને પોતાનું સૌંદર્ય જાળવી શક્યા છે. આપણે હમણાં હોડી કાંઠે મુકીને ચાલ્યા જશુ એટલે એકાદ રસ્તો મળી આવશે.’ રાજે સ્થિતિને હળવી કરવા માટે પોતાને સુજ્યો એવો ઉપાય બતાવ્યો. હોડીનો મોરો રેતીમાં હળવેકથી મારગ કરતો ખુંપ્યો, હોડી ઉભી રહી, ત્રણેય ફટોફટ ઉતરી ચાલતા થયા.

તડકામાં ચમકી રહેલી સોનરખ જેવી રેતી પર પડી રહેલા ત્રણેય કિશોરોના પગલાં તેમને મંઝિલ તરફ નહીં પણ અજાણી આફત તરફ દોરી જતાં હતાં.. અને તેની એમને ખબર ન હતી…

– લલિત ખંભાયતા

(પુસ્તક પ્રાપ્તિની વિગત – કુલ પાન : ૧૪૦ કિંમત રૂ. ૧૫૦. પ્રાપ્તિસ્થાન : બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯, ફોન ૦૭૯ ૨૬૫૬ ૩૭૦૭. ઈ-મેઈલ : bookshelfa@gmail.com)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “એ નગરનું નામ ખાંડવપ્રસ્થ – લલિત ખંભાયતા