એક મોટું મેદાન હતું. તેમાં બપોરે એક ગાય ઊભી ઊભી જોરજોરથી ભાંભરતી હતી, એક બકરી નાચતી કૂદતી ત્યાં આવી. ઘડીક આમ ડોલે, ઘડીક તેમ ડોલે. એ ગાયને જોઈને બોલી, ‘ઓ ગાય રે ગાય, તને આ શું થાય? આમ મોટેમોટેથી કાં બોલે ?’
ગાય કહે, ‘ઓ બકરી, આ ભૂખે તો બહુ કરી. મને લાગી છે ભૂખ, પણ છે એ વાતનું દુઃખ કે ક્યાંય ચરવા જેવું મળતું નથી. આ જો ને માણસ ઝાડનાં ઝાડ કાપવા બેઠો છે. ક્યાંક લીલુંછમ મેદાન મળે તો ચરું ને? સાંજ સુધીમાં કાંઈક ખાવાનું મળે તો સારું.’

બકરી કહે, ‘ઓ ગાય, એમ વાત છે? પણ એમાં મુંઝાઈ શું ગઈ? સમજ તારી તકલીફ હમણાં દૂર થઇ ગઈ. બધા માણસો કાંઈ ખરાબ નથી. અહીંથી થોડે દૂર એક માણસે ઝાઝાં બધાં ઝાડ વાવ્યાં છે. ત્યાં એક મોટું મેદાન છે. હું ત્યાં ચરીને આવી. તે એવું તો મસ્ત ને લીલુંછમ છે કે ન પૂછો વાત. તું ચાલ ત્યાં મારી સાથે. તું તારે ત્યાં ધરાઈને ખાવું હોય એટલું ખાજે. હા, એ માટે તારે થોડુંક ચાલવું પડશે હો!’
ગાય તો રાજીની રેડ! એ તો પ્રેમથી પોતાની જીભ વડે બકરીનું માથું ચાટવા લાગી ને કહે, ‘બકરી, તારો પાડ જેટલો માનું એટલો ઓછો. મને ચાલવાની આળસ નથી. ફરે તે ચરે, ને બાંધ્યો ભૂખે મરે. ચાલ.’ ત્યાં અચાનક બકરીને પગમાં કાંટો વાગ્યો. બકરી કહે, ‘ઓહ..આ..આ કાંટો લાગ્યો એમાં મારાથી ચલાતું નથી. હવે શું કરશું? તને ખાવાનું મળશે એ વાતે હું તો બહુ રાજી થઈ’તી, પણ ઓહ આ..!’
ગાય કહે, ‘ઓ બકરી, એમાં મુંઝાઇ શું ગઈ? એક કામ કર, તું મારી પીઠ પર બેસી જા.’
બકરી કહે, ‘તારી વાત તો મજાની, પણ ઓ ગાય, તને મારો ભાર નહીં લાગે?’
ગાય કહે, ‘ના રે ના, તારો ભાર શેનો લાગે? વળી તું તો સારું કામ કરે છે. તારે મારી પાસેથી કાંઈ કરતા કાંઈ નહોતું જોતું તોય તું મારી મદદ કરે છે એટલે હું તો સાવ હળવીફૂલ થઇ ગઈ. ચાલ તું બેસી જા ને કંઈ બાજુ જવાનું એ કહેતી જાજે. તને બહુ દુઃખે છે ને? જો હું ચાલીશ, એ વખતે આ કાંટો કેમ ઝટ નીકળી જાય એય વિચારતી જઈશ.’ આમ કહી ગાય નીચે બેસી ગઈ ને બકરી એની પીઠ ઉપર..
થોડીવારમાં પેલું લીલુંછમ મેદાન આવી ગયું, પણ ગાયે હજી ચરવાનું શરૂ ન કર્યું. તે ચોતરફ જોતી હતી. ત્યાં એક કાગડો આવ્યો. આ જોઈને ગાય ખુશ થઈને બોલી, ‘ઓ કાગડા, આ બકરીને પગમાં કાંટો લાગ્યો છે, તારી ચાંચ છે અણીદાર. તું પહેલાં એનાથી કાઢી દે એનો કાંટો.’ કાગડો કહે, ’કાં કાં કાં.. એમાં શું? હમણાં કાઢી દઉં. ઓ બકરી, તું લાંબી થઈને સૂઈ જા. તારો પગ બતાવ જોઉં.’ બકરીએ જે પગમાં કાંટો વાગ્યો’તો એ પગ બતાવ્યો. કાગડાએ એના પગમાંથી કાંટો કાઢી દીધો. હવે ગાયને શાંતિ થઇ. હવે તે મેદાનમાં નિરાંતે ચરવા લાગી. એણે તો એયને ટેસથી સરસ મજાનું કૂણું કૂણું ઘાસ ખાધું.
એનું પેટ ભરાઈ ગયું. એ પછી તે બકરી અને કાગડા પાસે આવી. ખુશીમાં બકરી ફરી પહેલાંની જેમ નાચવા લાગી. ગાય ને કાગડો પણ નાચવાં લાગ્યાં. એ જોઈ બકરી કહે, ‘હું નાચું છું, એ તો જાણે સમજાય છે, પણ તમે બેય પણ શું કામ નાચો છો? મને એ તો સમજાવો!’
ગાય કહે, ‘તારો કાંટો નીકળી ગયો, એની ખુશીમાં.’ કાગડો કહે, ‘બકરી, તને દુખતું’તું એ મટી ગ્યું ને? એટલે મને ને ગાયને મજા પડી એટલે અમે એની ખુશીમાં નાચીએ છીએ. જો બધા આમ કોઈને ખુશ કરીને કે ખુશ જોઈને રાજીરાજી થાય તો તો આ ધરતી ખૂબ તાજીમાજી ને સુંદર બની જાય. કાં કાં કાં.‘
બકરી કહે, ‘બેં બેં બેં. તું કાળો કાગડો, પણ મને ગમ્યો તારો આ મીઠો રાગડો. તે મારા પગનો કાંટો કાઢી દીધો. ને ઓ ગાય, તું નાચ ભલે, પણ તારું ધ્યાન રાખજે હો! તું થોડીક જાડી, નાચવામાં પડી ન જાતી આડી. તને કકડીને ભૂખ લાગી હતી, તોય મારા પગનો કાંટો ન નીકળ્યો ત્યાં સુધી તે કાંઈ ખાધું પણ નહીં. તે કાગડાને કહીને એની પાસે મારા પગમાં રહેલો કાંટો કઢાવ્યો. તમારો બેયનો આભાર.’
ગાય કહે, ‘આભાર તો મારે તારો માનવો જોઈએ બકરી, કેમ કે તે મારું પેટ ઠાર્યું, મને ખાવાનું ગોતી દીધું ને તને પગમાં લાગ્યું, તને દુઃખતું હતું તોય મારા માટે તું મારી સાથે આવી. ’ કાગડો કહે, ‘ મને તો સારાં કામ કરવાની મજા આવે હો! બકરી, તારા પગનો કાંટો કાઢ્યો એ કામ કરીને હું ખૂબ રાજી થ્યો. તે મને ખુશી આપી એટલે તારો ધન્યવાદ.’
ત્રણેયે એકબીજા સામે પ્રેમથી જોયું. ને પછી તો ગાય, કાગડો ને બકરી ત્રણેય એ લીલાંછમ મેદાનમાં હારબંધ ઊભાં રહી આનંદથી નાચવાં-ગાવાં લાગ્યાં.
– દુર્ગેશ ઓઝા.
સંપર્ક: મો. ૯૮૯૮૧૬૪૯૮૮. ઈ-મેઈલ : durgeshoza@yahoo.co.in
(‘ફૂલછાબ’ બાલવર્લ્ડ પૂર્તિ તા.૦૫.૦૮.૨૦૨૦માં પ્રકાશિત)
Good story line and inspiring for kids Thanks Durgesh Bhai
nice bal varta learn child like help each other as possible.