ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે 12


આજે સ્વ. મણિકાન્ત રચિત ‘ગઝલમાં ગીતા’ વાંચી. ગીતાના ભાષાંતરો એટએટલાં થયાં છે, કવિશ્વર ન્હાનાલાલથી માંડી સ્વ. મણિકાન્ત સુધી એટએટલા કવિઓ તેના તરફ આકર્ષાયા છે કે હવે કોઈ પણ લેખક મને કહે છે કે ‘હું હમણાં જરા એક ગ્રંથનું ભાષાંતર કરવામાં રોકાયો છું.’ એટલે મને તરત ગભરામણ થાય છે કે ગીતાનું તો નહિ હોય?

સરળ, શુદ્ધ, સુંદર, ઉત્કૃષ્ટ, ઉત્તમ, બેનમૂન, શ્રેષ્ઠ, મૂળને અનુસરતું, અસલને વફાદાર, અર્થવાહી, રસવાહી, મૂળ લેખક ગુજરાતીમાં લખે તો કેવું લખે એવો આદર્શ નજર સામે રાખી લખાયેલું, મૂળ લેખક મરી ન ગયો હોત ને આ વાંચત તો શું કહેત એ પ્રશ્ન નિરંતર મન સમક્ષ રાખી રચાયેલું ઈત્યાદિ ઈત્યાદિ પ્રકારનું ભાષાન્તર કરવું હોય તેણે એટલું યાદ રાખવું જોઈએ કે…

પણ જવા દો, ‘કૌમુદી’માં ‘સફળ ભાષાંતર’ વિશે લેખ પ્રગટ થયેલો હોય અથવા થવાનો હોય તે વાંચી લેવો. પણ ભાષાંતરમાં ‘કૌમુદી’માં પ્રગટ થયેલા કે થવાના લેખમાં લખ્યું હોય કે ન હોય, પણ જે પ્રકારનું ભાષાંતર હોય તે પ્રકારનું વાતાવરણ તો અવશ્ય જોઈએ જ. દાખલા તરીકે ગઝલમાં ગીતાનું ભાષાંતર કરવું હોય તો ગઝલને અનુરૂપ એવું વાતાવરણ ભાષાંતરમાં આવવું જોઈએ. પછી એમ કરવા માટે મૂળની કથામાં કે રચનામાં ફેરફાર કરવો પડે તો હરકત નહિ.

સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.

આવી સ્તુત્ય પ્રતિજ્ઞાથી પ્રેરાઈને મેં ‘ગઝલ શ્રીકૃષ્ણ યાને ગીતાનું ગુલિસ્તાન’ એ નામથી ભગવદગીતાનું ગઝલમાં ભાષાંતર કરી નાખ્યું છે. આપણા ગુજરાતના મહાસાક્ષરોની મહાપ્રશસ્ય પ્રણાલિકાને અનુસરી થોડા ઉતારા આપી, મારા એ અપ્રસિદ્ધમહાપુસ્તકને પ્રસિદ્ધ થતાં પહેલાં પ્રસિદ્ધ કરું? –કરીશ.

સ્થળ: બાદશાહ દુર્યોધનના ‘મંઝિલે ભાનુમતી’ નામના મહેલનું દીવાનખાનું

પાત્રો: અંધ ધૃતરાષ્ટ્, આંખે પાટા બાંધી અંધત્વનો દંભ કરતી ગંધારી ને એ બંનેના અંધત્વનો લાભ લઈ દિવ્યચક્ષુ બનેલો સંજય.

સમય: ભાઈ ભાઈના વિગ્રહને લીધે થનારા જગતના પ્રલયકાળની નજીકનો સત્યયુગ.

ધૃતરાષ્ટ્ર બોલ્યા:

મઝહબમયદાન-કુરુક્ષેત્રે, મળ્યા પાંડવ અને કૌરવ
જમા થઈ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય !

ઘડપણમાં પણ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રે લલકારેલી ગઝલ સાંભળી ગાંધારીએ વર્ષોથી આંખે બાંધેલો પાટો એકદમ છોડી નાખ્યો. ‘આ શું? એકાએક ‘એ’ ગાંડા તો નથી થઈ ગયા? ઘરડે ઘડપણ આ ઈશ્કી જુવાનની પેઠે એમને ગઝલ લલકારવાનો શોખ ક્યાંથી થઈ આવ્યો?’ પણ હજી વિચાર વાચાનું રૂપ લે તે પહેલાં તો સંજયે ધૃતરાષ્ટ્ર કરતાં પણ વધારે પ્રચંડ અવાજથી ગઝલ લલકારી અને આશ્ચર્યથી અવાક કરી મૂકી.

સંજય બોલ્યો:

નિહાળી ચશ્મથી લશ્કર કંઈ દુશ્મનનું દુર્યોધન
જઈ ઉસ્તાદ પાસે લફઝ કહ્યા, તે સુણ દોસ્તેમન !

[દૃશ્યપરિવર્તન—કુરુક્ષેત્રની રણભૂમિ. લડવાને તૈયાર થઈ ઊભેલા પાંડવ તથા કૌરવના સૈનિકો, મોખરે એક રથ. તેમાં સારથિ તરીકે બેઠેલા શ્રીકૃષ્ણ ને અંદર લડવાની આનાકાની કરતો અર્જુન.]

અર્જુન બોલ્યો:

બિરાદર, દોસ્ત ને ચાચા, ઊભા જો ! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનુ કાફિર, ન એ લાજિમ.
*
ન ઉમ્મિદ પાદશાહતની, ન ખાહિશ છે ચમનની એ,
કરું શું પાદશાહતને, ચમનને ? અય રફીકે મન !
*
ધરી ઉમ્મિદ જે ખાતિર જિગરમાં પાદશાહતની,
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાનદૌલતને.
*
લથડતાં જો કદમ મારાં, બદન માંહી ન તાકાત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ !

આમ ઢીલા થયેલા અર્જુનને સંબોધતા કિંચિત હાસ્ય કરતા શ્રીકૃષ્ણે કોકિલ-કોમળ કંથે ગાવા માંડ્યું:

દીવાનો તું બન્યો નાદાન, ધરે ગુમાન કાં ખોટું?
ફના જ્યાં ના કંઈ થાતું, તહીં દિલગીરી શાને આ?

ચલાવી દે છૂરી કાતિલ, કરે કાં ઢીલ સનમ પેઠે?
અરે જો આ ઊભા સર્વે, ધરી ગર્દન છૂરી હેઠે.

જિગરને રાખીને મજબૂત, શરાબે જામ તું ભરની,
ચઢે તો લિજ્જતે જિન્નત, નહિ તો ગુફતગુ તો છે

અર્જુન બોલ્યો:

સુણી તુજ બંસરી ઘેલી, દીવાની નાજનીન્ રાધા;
મીઠી કવ્વાલી પર તારી, દીવાનો મર્દ હું-અર્જુન.

ન કર તું ખત્મ ગાયનને, અહા બુલબુલ ! તું ગાયા કર;
અરે બુલબુલ ! તું ગાયા કર, અહાહાહા ! તું ગાયા કર.

આમ કહીને અર્જુન ત્રણ ડગલે ઘેર પહોંચી ગયો, તેણે ‘બાગે અર્જુન’માં બેઠેલી દ્રૌપદીને બોલાવી તબલાંની એક જોડી મંગાવી. તબલાંની જોડી લઈ તેમાં પોતાનું મોઢું જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી દ્રૌપદી આવીને કિંચિત લજ્જાથી રક્ત થયા છે કપોલ જેના એવી એ મંજુ સ્વરે બોલી: ‘હ્રદયેશ’ — પણ એક કૂદકે તબલાંની જોડ ઝૂંટવી લઈ કંઈ પણ જવાબ દીધા વગર અર્જુન શ્રીકૃષ્ણ પાસે આવી પહોંચ્યો ને એણે જમીન પર બેસી જઈ તબલાં વગાડવા માંડ્યાં. શ્રીકૃષ્ણે ગઝલ ગાવા માંડી. દુર્યોધન ને યુધિષ્ઠિરે એકેકના ગળામાં હાથ નાખી નાચતા નાચતા ગાવા લાગ્યા: ‘ડાલ ગલે બૈયાં મેં રોયે રોયે જાનીઆં.’

નાચતા નાચતા થાકી ગયા ત્યારે બંને બેસી ગયા. દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું: ‘હું તો આ ગઝલ જ સાંભળીશ. મારે કંઈ રાજ્ય કરવું નથી. તું તારે રાજ્ય સમાલી લે !’
યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો: ‘ના, ના. મારે રાજ્ય જોઈતું નથી. હું તો કૃષ્ણની ગઝલ સાંભળતો સાંભળતો મરી જવા માગું છું. રાજ તો જનાબ આપ લિજિયે.’

દુર્યોધને કહ્યું: ‘નહિ જનાબ ! આપ લિજિયે.’

આમ ‘જનાબ ! આપ લિજિયે’ માં બંને રહી ગયા અને રાજ્યગાદી પર કોઈ ત્રીજો ચઢી બેઠો.

આ પ્રમાણે ‘ગઝલમાં ગીતા’ લખવાથી મુસલમાન ભાઈઓ પણ ગીતામાં રસ લેતા થશે. ને રા. કરીમ મહમદ માસ્તર હિંદુઓને ‘ઈસ્લામની ઓળખ ’ કરાવતા જશે. એટલે હિંદુ ઈસ્લામમાં રસ લેતા થશે. આમ આપણામાં ઐક્યભાવનાનો સંચાર થશે. બાકી આ ચંચળ સંસારને વિશે અચળ છે માત્ર દ્વેષ ને કલહ. વિરાટ સ્વરૂપે એણે આખું જગત ભરી દીધું છે, ને વિધવિધ પ્રકારો ધારણ કરી એણે પોતાની સત્તા જમાવી છે. પિતા પુત્રને નાસ્તિક કહી વગોવે છે. પુત્ર પિતાને ગાંડો મનાવે છે. પતિ પત્નિને મેથીપાક જમાડે છે. પત્ની પતિને ઉપવાસ કરાવે છે. રાજા પ્રજાને કચરે છે. પ્રજા રાજાનું રુધિર રેડે છે. માતા સંતાનને હણે છે. સંતાન માતાનું મૃત્યુ વાંછે છે. બહેન ભાઈનું કાસળ કાઢે છે. ભાઈ ભાઈને મારે છે — રે ! ગરમી ગરમીને મારે છે. કાંટો કાંટાને કાઢે છે. હીરો હીરાને કાપે છે ! જગતમાં પ્રાણીઓએ જ દ્વેષનો ઈજારો રાખ્યો નથી. જડ વસ્તુમાં પણ પરસ્પર દ્વેષની ભાવના પ્રસરી રહી છે.

સંદેહ માત્ર એટલો જ છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેશે ખરો? ધર્મની દૃષ્ટિએ હિંદુ હિંદુ નથી રહ્યો; ઈસ્લામને ન માનનાર એવા મુસલમાન પણ અવનિતલ પર વસે છે. પોતાની સ્ત્રીની દરકાર લે છે તેટલી દરકાર પણ કોઈ પોતાના ધર્મની લેતું નથી. તો પારકા ધર્મમાં તો એ રસ લે જ શાનો? આપણે નથી રહ્યા હિંદુ કે નથી બન્યા સાચા યવન. એક સંસ્કૃત કવિએ કરુણાજનક વિલાપ કરતાં લખ્યું છે:

ન સંધ્યાં સંયતે નિયમિતનિમાજં ન કુરુતે
ન વા મૌજીબંધં કલયતિ ન વા સુન્નતવિધિમ
ન રોજાં જાનીતે વ્રતમપિ હરેનૈવ કુરુતે
ન કાશી મક્કા વા શિવ હિન્દુ ન યવન:


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે

 • Kalidas V. Patel { Vagosana }

  .સ્વ. જ્યોતીન્દ્ર હ. દવેના આ હાસ્યલેખ બાબતે માત્ર એટલું જ કહેવાય કે … અતિસુંદર. … પરંતુ, મને એક જુની યાદ આવી ગઈ કે … આ લેખના અનુસંધાને, તેમના પર બધા લેખકોએ ” તહોમતનામું ” ઘડી કાઢેલું ! … અને , ” જ્યોતીન્દ્ર હ. દવે પર તહોમતનામું ” નામનું એક ‘ હાસ્ય નાટક ‘ વિલેપાર્લે,મુંબઈના એક હૉલમાં ભજવાયેલું ! તેનાં બધાં પાત્રો — લેખકો,હાસ્યલેખકો — હતાં! ખૂબ જ મસ્ત કોમેડી નાટક તરીકે વખણાયેલું. … આશરે ૧૯૭૫ ની આસપાસ. … અને, આરોપીના પાંજરામાં ઊભેલા જ્યોતીન્દ્રભાઈએ વકીલ કરતાં પણ ” જબરી ” દલીલો કરેલી પોતાના બચાવમાં ! …. આજે આ લેખે તેનું મીઠું સ્મરણ કરાવી દીધું.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Hemal Vaishnav

  Agree with Harshad Dave….
  I find myself unfortunate that I was not born in J.D’s era.I would have done anything to meet him in person for at least once.

 • harshad dave

  પ્રયેક બાબતને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં લઈએ તો જ તેને યોગ્ય ન્યાય આપી શકાય. અહીં પણ સુંદર લેખ/હાસ્ય રચનાને એ રીતે લઇ શકાય. તેને કોઈ સરહદ કે સીમાડા ન હોઈ શકે (સિવાય કે શ્લીલતા). હાસ્યની બાબતમાં ક્રોધ કે વિવેચન કરવાનો પ્રયત્ન અથવા ચેષ્ટા નિરર્થક છે. તેને માણવા માટે ઉચિત સ્તરે પહોંચવું જોઈએ. જેમ વિનોદ કે રમૂજ ને અપમાન ન કહેવાય તેમ આવા લેખને ઉતારી ન પડાય. થેન્ક્સ….

 • R.M.Amodwal

  Dave shab there are so many fields & plots where you can creat your art this is un fair where you have manuplated by using holy religious gratha of GEETA.
  disappointed & distrurbed feelings particularly your IMAGE .

 • shirish dave

  જો તમે જ્યોતીન્દ્ર દવે, રમણભાઈ નિલકંઠ (ભદ્રંભદ્ર વાળા), ફિલસુફ, બકુલત્રીપાઠી, અને ચાલુમાં વિનોદ ભટ્ટ, શ્યામ સુંદર, શાહબુદ્દીનભાઈ રાઠોડ અને નિમ્મેશભાઈને વાંચ્યા કે સાંભળ્યા નથી તો તમે ગુજરાતી ભાષાનો હાસ્યરસ માણ્યો નથી.

 • Rajesh Vyas "JAM"

  શાળાના દિવસોમાં જ્યારે ઓછી સમજ શક્તિ હતી ત્યારે પણ દવે સાહેબ ખુબ હસાવતા હતા એ વાત યાદ કરીને આંસુ આવી ગયા.

 • ashvin desai

  દવે સાહેબ આપના આન્તરરાશ્ત્રિય કક્ષાના હાસ્યલેખક .
  એમનિ આ બેમિસાલ રચના મારા જેવા કોઇ ચુકિ ગયેલા
  વાચક્ને તમે પહોચાદિ તેનો રુન્સ્વિકાર .
  દવે સાહેબ ગમ્ભિર વિશય ઉપર ગમ્ભિરતાથિ જ કામ લૈ
  મર્માલુ – કતાક્ષમય હાસ્ય નિપજાવવામા ચેમ્પિઅન હતા .
  એમને આજે ફરિથિ સલામ . તમને ધન્યવાદ .
  – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

 • રાજુ પટેલ

  ફરી એક વાર જ્યોતીન્દ્રભાઈ એ હસાવી ને આંખમાં થી પાણી કઢાવ્યું….!! આભાર દોસ્ત જયેશ—- નિર્મળ આનંદની ક્ષણો ના નિમિત્ત બનવા બદ્દલ—- ઃ)