ઈસપની બે બાળવાર્તાઓ … 8


(૧) કાગડો અને શિયાળ

એક કાગડો હતો.

એક વાર એને એંઠવાડમાંથી પૂરી મળી આવી. એ પૂરીને ચાંચમાં લઈ વગડામાં જઈને તે એક ડાળીએ બેઠો.

એ જ વખતે ત્યાંથી એક શિયાળ પસાર થયું. એણે ઝાડની ડાળી પર બેઠેલા પેલા કાગડાને જોયો. કાગડાની ચાંચમાં સરસ પૂરી જોઈને તેના મોઁમાં પાણી આવ્યું. પણ એ પૂરી કાગડા પાસેથી મેળવવી શી રીતે?

શિયાળ ચાલાક હતું, એણે એક સરસ મજાની યુક્તિ વિચારી. તે કાગડાની સામે જોઈને બોલ્યું, ‘કાગડાભાઈ, વાહ શું તમારું રૂપ, શો તમારો રંગ! અને તમારા પીછાં પણ કેવા મજાનાં શોભે છે? મને તો ખાત્રી છે કે જેવો સુંદર અને નમણો તમારો વાન છે એથીય સુંદર તમારો અવાજ હશે. કોયલને પણ શરમાવે એવો મીઠો કંઠ તમારો હશે એમ મને થાય છે.’

પોતાના વખાણ સાંભળી કાગડાભાઈ ફૂલાઈ ગયા. તેને થયું, ‘હું પણ ક્યાં ઉતરું એવો છું, લાવ ને મારા કંઠનો જાદુ આ શિયાળને પણ સંભળાવું. આમ વિચારીને કાગડાએ ‘કા…કા’ કરવા માટે જેવું મોં ખોલ્યું કે પૂરી તરત જ નીચે ભોંય પર પડી ગઈ અને શિયાળ તે લઈને મોજથી ખાતું ખાતું પોતાને રસ્તે પડ્યું.

પોતાના ખોટા વખાણ સાંભળીને ફૂલાઈ જવું જોઈએ નહીં.

(૨) કુંભાર અને ગધેડો

એક કુંભાર હતો. એક દિવસ તેને એક વેપારીની મીઠાની ગુણો ગધેડાંની પીઠ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ લઈ જતો હતો.

રસ્તામાં એક નદી આવી. નદીમાં ઘૂંટણભર પાણી હતું. એથી મીઠાની ગુણો સાથે ગધેડાંને તેમાં ઉતારીને સામે પાર જવા નીકળ્યો. પાણીમાં એક ખાડો આવ્યો, ગધેડાનો પગ તેમાં પડ્યો અને તે ઠોકરથી બેસી પડ્યો. તેની પીઠ પરની મીઠાની ગુણ પાણીમાં પલળી ગઈ. મીઠું ઓગળી જવાથી તેનો ભાર ઘણો હળવો થઈ ગયો. તેને આથી ઘણી રાહત થઈ ગઈ.

ગધેડાને આ ઘટનાથી ખ્યાલ આવ્યો કે પાણીમાં નમી જવાથી પીઠ પરથી મીઠાનો ભાર હળવો થઈ જાય છે. બીજી વખત જ્યારે મીઠાની ગુણ લઈને તે જતો હતો ત્યારે યુક્તિપૂર્વક તે બેસી પડ્યો. ત્રીજી વખત પણ તેણે આમ જ કર્યું, તેને પોતાનો બોજો હળવો કરવાનો એક સરળ રસ્તો મળી ગયો હતો.

આમ ગધેડાને પાણીમાં વારંવાર બેસતો જોઈ કુંભારને તેની ચાલાકીની ખબર પડી. બીજા દિવસે તેણે ગુણમાં મીઠાને બદલે રેતી ભરી દીધી. પેલો ગધેડો પાણી આવ્યું એટલે નમી પડ્યો પણ હવે રેતી પલળી જવાથી વજન વધી ગયું હતું, ભાર વધી જવાથી હવે તે ચાલી શક્તો પણ ન હતો, કુંભાર ડફણાં મારીને તેને ચલાવવા લાગ્યો.

આમ ગધેડાને પોતાની ચાલાકી જ ભારી પડી ગઈ.

કોઈ પણ કામમાં કામચોરી અંતે હાનિકારક જ નિવડે છે.

આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ ઈસપની વાર્તાઓનું પાશ્ચાત્ય સાહિત્યમાં છે. ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયેલ ઈસપ આમ તો ગુલામ હતો, અને પોતાના માલિકના બાળકોને ખુશ કરવા કહેલી, પણ વાઘ, સિંહ, શિયાળ, વરુ, ગધેડો અને અનેક અન્ય પશુ પક્ષીઓને વિવિધ વાર્તાઓમાં પાત્રરૂપે મૂકીને તેણે ફક્ત બાળકોને જ નહીં, મોટેરાંઓને પણ ગમે તેવી વાર્તાઓ રચી. આ વાર્તાઓ આજે પણ ખૂબ વંચાય છે. આજે પ્રસ્તુત છે ઈસપની આવી જ બે વાર્તાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ઈસપની બે બાળવાર્તાઓ …