વનદેવતાની વેદના (બાળવાર્તા)


પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર, આજે એમાંથી જ એક વાર્તા અહીં પ્રસ્તુત કરી છે. તેમની કલમને શુભકામનાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તા પછી મૂકી છે.

ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું હતું. સોમિલ, દેવ, ફેનિલ, પરમ | અને ભવ્યાએ જંગલમાં ફરવા જવાનું નકકી કર્યું. પ્રવાસ-પર્યટનમાં જવાનું કોને ન ગમે!

Dhingli re Dhingli Piyush Jotaniya

બધા મિત્રો તૈયારી કરવા લાગ્યા. નવા કપડાં, બૂટ-મોજાં, ટોપી, ચશ્મા અને મોબાઈલ લીધો. ભવ્યાએ નાસ્તામાં સુખડી.વધારેલાં મમરા અને તૈયાર નાસ્તાનાં પેકેટ્સ લીધાં. જમવા માટે ફાઈબર ડિશો પણ લીધી. ફેનિલે બે મુઠ્ઠા ભરીને ચોકલેટ્સ લીધી. બધાં પાસે પાણીની બોટલ તો હોય જ. સામાન પેક કરીને બધા મિત્રો પહોંચી ગયા જંગલમાં. 

સુંદર મજાનું જંગલ હતું. ચારેકોર ઊંચા-ઊંચા વૃક્ષો હતા. રંગબેરંગી ફૂલો ખીલ્યાંહતા. એકદમ ઠંડકવાળું વાતાવરણ હતું. રસ્તાની બાજુમાં મોર અને ઢેલ વિહરતાં હતા. હરણ અને નાના-નાના સસલાં પણ હતા. જંગલમાં મુકત વિહરતા પ્રાણીઓ જોઈને બધા મિત્રો ખુશ થઈ ગયા. પરમ તો હરણ સાથે સેલ્ફી પાડવાં તેની પાછળ દોડ્યો. ભવ્યાએ સસલાને ખોળામાં લઈને ફોટો પડાવ્યા.

જંગલમાં આગળ જતાં વાંદરાનું ટોળું સામે મળ્યું. સોમિલે વાંદરા સામે બિસ્કિટનો ઘા કર્યો. બે-ત્રણ વાંદરા બિસ્કિટ લેવા દોડયાં. વાંદરા જોઈને સૌ મસ્તી કરવા લાગ્યા. દેવ સિસોટી વગાડતો–વગાડતો વાંદરાને ખેલ કરાવવા લાગ્યો. વાંદરાઓ સાથે ખૂબ મસ્તી કરીને બધા મિત્રો આગળ ચાલવા લાગ્યા.

ચાલતાં-ચાલતાં બધા મિત્રોએ વેફર ખાધી. ચોકલેટ ખાધી. કાઈમ્સ પણ ખાધી. બધામિત્રો નાસ્તો કરતાં જાય, ખાલી પેકેટ્સ ફેંકતા જાય અને આગળ વધતા જાય.

જંગલમાં ફરતાં-ફરતાં બપોર થઈ ગઈ. વડલાનાં છાંયડે બધા મિત્રોએ ટિફિન ખોલ્યા. ભવ્યાએ ફાઈબરની ડિશમાં બધાને જમવાનું આપ્યું. બધા મિત્રોએ ધરાઈને ખાધું. ઉપરથી ઠંડા પીણા પીધાં. પ્લાસ્ટીકના પેકેટ્સ, એંઠવાડ, ફાઈબરની ડિશો અને પાણીની બોટલો વગેરે એકબાજુ ઘા કરીને સૌ મિત્રો આરામ કરવા લાગ્યા.

થોડીવાર પછી કોઈનાં રડવાનો અવાજ સંભળાયો. 

Advertisement

ભવ્યા બોલી: “સાંભળો, સાંભળો, કોઈના રડવાનો અવાજ આવે છે.” 

ફેનિલ ઊભો થઈને બોલ્યો; “આવા જંગલમાં તે વળી કોણ તું હશે?”

પરમે કાન આગળ હાથ મૂકયો, “મને તો આ બાજુથી અવાજ આવતો લાગે છે” 

બધા મિત્રો ધીમે-ધીમે અવાજની દિશામાં ગયા. આગળ જઈને જોયું તો એક લીલોછમ માણસ ઊભો હતો. તેની આજુબાજુ કચરાનો ઢગલો પડ્યો હતો. તેના માથા ઉપર વેફરના પેકેટ્સ લટકતાં હતાં. હાથમાં પ્લાસ્ટિકની બોટલો ફસાઈ હતી. નાક અને કાનમાંથી કાળા ધુમાડા નીકળતાં હતા તેની આજુબાજુમાં હરણ, સસલાં, વાંદરાં અને ખિસકોલી વગેરે પ્રાણીઓ ઊભા-ઊભા રડતાં હતાં. 

બધા મિત્રો વિચારમાં પડી ગયા.

ભવ્યાએ પૂછયું: “તમે કોણ છો? શા માટે રડો છો?

તેણે જવાબ આપ્યો : “હું વનદેવતા છું.”

ભવ્યાએ કરી પૂછયું : “તમારી આવી દશા કોણે કરી?

Advertisement

વનદેવતા નિરાશ થઈને બોલ્યા: “તમે બધાંએ.”

બધા મિત્રો આથર્યથી બોલ્યા : “અમે? અમે આવું કયારે કર્યું?”

વનદેવતા બોલ્યા : “બાળમિત્રો, તમારી જેમ કેટલાંય પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. તે બધા પોતાની સાથે વેફર્સ, બિસ્કિટ, ચોકલેટ, ફાઈબરની ડિશો, પાણીની બોટલો, પ્લાસ્ટિકનાં ઝબલાં વગેરે લાવે છે. તેઓ જંગલમાં ફરતાં-ફરતાં પ્લાસ્ટિકનો મા બધો કચરો અહી જ નાખતાં જાય છે.” 

બધા મિત્રો એકબીજાની સામે જોવા લાગ્યા.

વનદેવતાએ પૂછ્યું “ફેનિલ, તે નાસ્તાની ખાલી કોથળીઓ યાં ફેંકી હતી?” 

ફેનિલે શરમાતાં-શરમાતાં જવાબ આપ્યો: “અહીં જ જંગલમાં જ ફેંકી હતી.” 

વનદેવતાએ ફરી પૂછ્યું: “ભોજનનો એંઠવાડ, ડિશો, પાણીની બોટલ વગેરે કયાં ક્યાં હતાં?” 

બધા મિત્રો શરમથી નીચું જોઈ ગયા.

Advertisement

વનદેવતા નિરાશ થઈને બોલ્યા : “લોકો અહીં આવે છે પ્રકૃતિને જાણવા અને માણવા પરંતુ પ્રકૃતિને જાણવાને બદલે નુકશાન કરીને જતાં રહે છે.” 

વનદેવતાની વાત સાંભળીને બધાને ખૂબ દુખ થયું.

સોમિલે વધુ જાણવા પૂછ્યું: “આ બધા પ્રાણીઓ કેમ રડે છે?” 

હરણ માથે પ્રેમથી હાથ ફેરવીને વનદેવતા બોલ્યા: “આ બધાં પ્રાણીઓ મારા સંતાનો છે. તેમને તમારી આવન-જાવનથી ખલેલ પહોંચે છે. તેઓની કુદરતી ક્રિયાઓ જોખમાય છે. તેથી ધીમે-ધીમે તેમની સંખ્યા ઘટતી જાય છે. પર્યાવરણની પોષણકડીમાં વિક્ષેપ પડે છે. તેનાં કારણે તે બધાં દુઃખી થઈને મારી પાસે તમારી ફરિયાદ કરવા આવ્યા છે.” 

બધા મિત્રો પ્રાણીઓ તરફ દયાભાવથી જોવા લાગ્યા. 

વનદેવતાએ વાત આગળ વધારતાં પૂછયું: “પરમ અને ભવ્યા, તમે બંનેએ ફોટા પાડવા માટે પ્રાણીઓને કેટલાં હેરાન કર્યા હતા? યાદ છે?” 

પરમ અને ભવ્યા શરમાઈ ગયા 

બધા મિત્રોને પોતાની ભૂલ બરાબર સમજાઈ ગહતી. બધાંએ કાન પકડ્યા. 

Advertisement

બધા મિત્રો એકસાથે બોલ્યા: “અમને માફ કરી દો. વનદેવતા. અમે ફરી ક્યારેય જંગલમાં કચરો નહિ ફેંકીએ. ફળ, ફૂલ, પાન નહિ તોડીએ. પ્રાણીઓને કયારેય હેરાન નહિ કરીએ. જંગલને ક્ય રેય નુકશાન નહિ કરીએ.” 

બાળકોનો સંકલ્પ સાંભળીને વનદેવતા ખીલી ઊઠ્યા.

— પિયૂષ જોટાણિયા

પુસ્તક પ્રાપ્તિની વિગતો – ઢીંગલી રે ઢીંગલી બાળવાર્તા સંગ્રહ, સ્પર્શ પબ્લિકેશન, જહાંગીરપુરા, સુરત. પાનાં ૮૬, કિંમત – ૧૪૦/- રૂ.
પિયૂષ જોટાણિયા નિલકંઠ પાર્ક, સ્ટેશન રોડ, કુંકાવાવ, જી. અમરેલી. ફોન 9429222277

અક્ષરનાદ પર બાળસાહિત્યનો ખજાનો ઉપલબ્ધ છે. એ માણવા અહીં ક્લિક કરો.

આપનો પ્રતિભાવ આપો....