મારું નામ રાજ ખાંડવાળા છે, પણ મારા દોસ્તારો મને સ્કૂલમાં ‘ખાંડ’ કહીને બોલાવે છે, તમે પણ મને ‘ખાંડ’ કહેશો તો ચાલશે. તમારું નામ શું છે?
અમારાં સ્કૂલટીચરનું નામ લતાબેન છે, એ બહુ ખરાબ છે. ગાટલી મારી હોય ને, તો એવો દમ મારે કે આપણને તો રડવું જ આવી જાય. ગઈકાલે સવારે શું થયું એ તમને કહું.
સવાર સવારમાં દાંતને બ્રશ અડાડી, બોર્નવિટા પીને હું તો ઘરની નીચે કંપાઉન્ડમાં ભાગ્યો. અમારા કંપાઉન્ડમાં જાતજાતના જીવડાઓ પિકનિક કરવા આવે છે. એક ખાબોચીયા પાસે થોડાક કાનખજૂરિયાઓ બેઠા હતા. કાનખજૂરિયાને જોઈને મને તો બહુ ચીતરી ચડે. પાછા એ ગંધાતા પણ હોય. તો બી મને થયું કે ચાલ, જરા આ ખજૂરિયા સાથે ગપ્પા મારીએ. ‘કાનખજૂર, એ કાનખજૂર !’ મેં બૂમ મારી.
‘કાનખજૂર કોને કહે છે?’ એણે રોફથી કહ્યું, ‘મારું નામ તો કાનખજૂરિયો છે.’
‘અચ્છા મિસ્ટર કાનખજૂરિયા’, હું બોલ્યો, ‘તારે તો બે ડઝન પગ છે તેનું શું ? તારી મમ્મી તને બે ડઝન બૂટ અને બે ડઝન મોજાં લેવા પૈસા આપે છે? મને તો મારી મા બાટાના નવા એક જોડી બૂટ પણ અપાવતી નથી.’
કાનખજૂરિયો બોલ્યો, ‘અહીં પાસે આવ, પાસે, તને કાનમાં કહું.’
‘વા, વા, વા’ હું બોલ્યો, ‘હું કાન તારી પાસે મૂકું તો તું અંદર જ ઘૂસી જાય ને…’
કાનખજૂરિયો ખડ ખડ કરતોકને હસી પડ્યો, ‘ભોપા, અમે કંઈ એમ માણસના કાનમાં ઘૂસતા-બૂસતા નથી, શું સમજ્યો?’ એમ કહીને એ હસતો હસતો ચાલ્યો ગયો.
બાજુમાંથી એક દેડકો કૂદતો કૂદતો જતો હતો. મેં એને કહ્યું, ‘ગુડમૉર્નિંગ, ગુડમૉર્નિંગ.’
એ બોલ્યો ‘ડ્રાઉં ડ્રાઉં’
‘તું આમ ભાગે છે ક્યાં?’ મેં પૂછ્યું, ‘તને બી સ્કૂલે જવાનું મોડું થયું છે?’
એણે કહ્યું, ‘ડ્રાઉં’
‘એ તો બધું ઠીક’ હું બોયો, ‘પણ દેડકા, તારા પપ્પા પણ શું દેડકા જ છે? હેં અને તારા મમ્મી પણ દેડકા?’
એણે જવાબ આપ્યો, ‘ડ્રાઉં ડ્રાઉં’
મને દેડકા ઉપર બહુ ખુન્નસ આવ્યું. હું જે કાંઈ બી પૂછું એના જવાબમાં એ ખાલી ‘ડ્રાઉં ડ્રાઉં’ કરે એટલે એના મનમાં સમજે છે શું?
રસ્તામાં દેડકાના વિચાર કરતો કરતો હું સ્કૂલે પહોંચ્યો. અમારા તીચર લતાબેને મને બહાર ઊભો રાખ્યો, પછી ડોળા તતડાવ્યા, ‘કેમ ખાંડવાળા? આટલો મોડો કેમ આવ્યો? તારા પપ્પાને બોલાવું કે?’
હું બોલવા ગયો કે, ‘મને માફ કરો માફ કરો’ પણ મારાથી બોલાઈ ગયું, ‘ડ્રાઉં ડ્રાઉં’
– ઉદયન ઠક્કર
બિલિપત્ર
એનસીઈઆરટી – દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક ‘એન મિલાકે ટેન મિલાકે છૂ…’ માંથી આજની વાર્તા સાભાર લીધી છે. રોજીંદા જીવનના સરળ અને સહજ પ્રસંગો બાળમન પર અસર છોડે છે, એવા જ પ્રસંગો બાળકને કુદરત અને પ્રાણીજગત સાથે પણ જોડી આપે છે. અક્શરનાદને પ્રસ્તુત પુસ્તકની સામગ્રી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ઉદયનભાઈનો અને મદદ માટે શ્રી દિનેશભાઈ બૂચ સાહેબનો ખૂબ ખૂબ આભાર.
Kya baat….Sir. ..
Drau -Drau… Bal vartaa vanchvani khub j maja padi .balakone jiv-jantunu aakarshan kgub j hoy che. Tethi aavi vartao vanchvani khub j maja pade.
will be best for everybody ,not only limited to small kids,message is clear about enjoying the nature.
regards to shri udhayan Thakkar.
ઉદયન આપના ઊન્ચા કવિ જ્યારે ઘનશ્યામ દેસાઈનિ યાદ
અપાવતિ બાલ વાર્તા રચે ત્યારે આપ્ને વય્મા મોતા થૈ ગયેલા બાલકોને પન હરખાવાનિ મઝા આવે જ ને . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
ખાંડ તો મીઠી જ લાગે ને.
બાળ સાહિત્ય શોધ્યું ન જડે, એવે સમે આ બાળવાર્તા મળે એનો આનંદ અવર્ણનીય છે.
ઉદયનાભાઈને અભિનંદન – કાંઈ કેટલાય બાળકોને રાજી કરવા બદલ.
– સુરેસ શાહ, સિંગાપોર
hu axarnad no khas chahak chhu. axanad par mukvama avti tamam krutio adbhut hoi chhe rupiya kharchava je sahitya, sanskar ajni pedhi ne aapi shakata nathi te axanad par amulya tem chhata mafatma male chhe, axarnad na ayojak ne mara sat sat vandan, thank you.