માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 5


દરિયાને તળીયે એક માછલીઓનું ગામ હતું, એ ગામમાં જે રહે એને બે મોટા ફાયદા થાય. એક તો પૈસા ભરીને કોઈ સ્વિમિંગ પૂલમાં મેમ્બર થવાની જરૂર જ નહીં, ચારે બાજુ પાણી જ પાણી. મન ફાવે ત્યાં તરવાનું, તદ્દન મફત. બીજો ફાયદો એ કે તરસ લાગે ત્યારે ગ્લાસ પણ નહીં શોધવાનો, ને માટલું પણ નહીં શોધવાનું, ફક્ત મોઢું ખોલવાનું. પાણી પોતાની મેળે પેટમાં પહોંચી જાય.

પણ માછલીઓના ગામમાં બે મોટા દુ:ખ, એક તો પતંગ ચગાવવા મળે નહીં. પતંગનો તો પાણીમાં લોંદો જ વળી જાય ને! વળી પવન ન વાય એટલે ચગે પણ કેમ? બીજુ દુ:ખ એ કે મોઢેથી વ્હીસલ ન વગાડાય. ગાલમાંથી ગમે તેટલી ફૂંક મારો પણ સિસોટીનો અવાજ નીકળે જ નહીં.

આવા ગામમાં ઠંડક નામની એક હસતી ગાતી માછલી રહેતી હતી. શિયાળાના દિવસો પાસે આવ્યા ત્યારે દરિયાનું પાણી ઠંડુ થવા લાગ્યું. માછલીઓ ખંજરીની જેમ ધ્રૂજવા લાગી. ઠંડીમાં તેમના દાંત મંજીરાની જેમ ખટખટવા લાગ્યા. એક માછલી કહેવા લાગી, ‘ક… ક… ક… કોઈની પાસે સ્વે… સ્વેટર છે કે? ટ… ટ… ટ… ટાઢ વાય છે.’ બીજી માછલીએ કહ્યું, ‘આપણે એક હીટર બનાવવું જોઈએ, એટલે દરિયાનું પાણી ગરમાગરમ રહે.’ માથું ખંજવાળતા ત્રીજીએ સૂચન કર્યું, ‘હીટર તો કોણ જાણે ક્યારે બને… એના કરતાં લાકડાં સળગાવીને તાપણું કરો તાપણું અને એની પાસે બેસીને ગરમી લ્યો.’ આ સાંભળીને બધી માછલીઓ હસી હસીને આળોટી પડી. ભઈ, દરિયાને તળિયે તે કંઈ તાપણું સળગાવાય?

ઠંડકના દાદાનું નામ આગેકૂચ. એમણે કહ્યું, ‘દોસ્તારો, ગભરાઓ નહીં, અહીંથી સો માઈલ દૂર એક ગામ છે. કડકડતી ઠંડીના દિવસોમાં પણ ત્યાંનું પાણી હુંફાળું ને ગરમ રહે છે. એ ગામનો મુખી ભલાભાઈ મારો બચપણનો દોસ્ત છે. આપણે બધાં બે મહિના માટે એ ગામે રહેવા જઈએ.’

માછલીઓમાં બૂમાબૂમ થઈ ગઈ. ‘વંડરફુલ! વંડરફુલ! નવું ગામ જોવા મળશે, પિકનિક થઈ જશે, યાર…’ જો કે સો માઈલ તરવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ બેબાકળી થઈ ગઈ અને પોકારવા લાગી,

‘પાણીએ પાણીએ શોર હૈ,
આગેકૂચ ચોર હૈ !’

પણ આખરે આગેકૂચની સરદારી નીચે બધાં માછલાં નવે ગામ પહોંચ્યા. નવા ગામનો મુખી ભલાભાઈ તો ઠંડકના દાદાને ભેટી જ પડ્યો. ‘એલા આગેકૂચ, તું તો હાવ ડોહો થઈ ગયો, ડોહો ! આ જો હું તો પહેલા જેવો જ હટ્ટોકટ્ટો છું. આટલા વરસ તું ક્યાં ગુલ થઈ ગયેલો, હે?’

રાત્રે એક મિજબાની ગોઠવાઈ. ને એમાં થાકેલા મહેમાનોને સુંવાળી શેવાળ અને સ્વાદિષ્ટ સાપોલિયાનું ભાવતું ભોજન પીરસાયું.

બીજે દિવસે સાઈટ સીઈંગનો કાર્યક્રમ રખાયો, નવા ગામના જોવાલાયક સ્થળોએ બધાંએ ફરવાનું હતું, એને માટે બે કાચબાઓને ભાડે રાખ્યા હતા. બધી માછલીઓ કાચબાની ઢાલ ઉપર ગોઠવાઈ ગઈ એટલે કાચબાઓ સ્ટાર્ટ થયા.

ઘણી જગ્યાઓ જોઈ, પરવાળાના રાતા ખડકો જોયા. ગર્મ અને ઠંડા પ્રવાહો મળે છે એ સંગમસ્થાનનાં દર્શન કર્યા. દૂરથી ડરી ડરીને દરિયાઈ સાપોનું ગામ જોયું. પણ કાચબાઓ જ્યારે એક તૂટેલા જહાજના ભંગાર પાસે લઈ આવ્યા ત્યારે ઠંડક અને દોસ્તારોને સૌથી વધારે મજા પડી ગઈ. કાટમાળની વચ્ચે સોનામહોરોના ઢગલા હતા, ચાંદીની પેટીઓ હતી, કટાયેલી તલવારો હતી, ચળકતા હીરા મોતીના હાર હતા.

ફરવાનો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં તો કાચબાઓ અને નાનકડી ઠંડક વચ્ચે દોસ્તી જામી ગયેલી. કાચબાએ ઠંડકને ધીમેથી કહ્યું, ‘કોઈએ પણ નહીં જોઈ હોય એવી ચીજ જોવી છે? તો રાત્રે તૈયાર રહેજે.’

શું જોવાનું હશે? ઠંડક તો રાત્રે ઉંઘી જ નહીં શકી. આગેકૂચ અને બીજા બધા ઉંઘી ગયા ત્યારે કાચબો આવ્યો. ઠંડકને સાથે લઈ એ ઉપરની તરફ તરવા લાગ્યો. ‘દરિયાની બહાર શું હોય છે તે તને ખબર છે?’ કાચબાએ પૂછ્યું.

ઠંડક બોલી, ‘દરિયો એટલે શું?’

‘આપણે જે પાણીમાં રહીએ છીએ તે દરિયો. પણ એની બહાર શું હોય છે તે આજે તને બતાવું, એમ કહી કાચબો એકદમ સપાટી ઉપર આવી ગયો.

ઠંડકે પાણીની બહાર ડોકીયું કર્યું – ન કર્યું ને તે સ્તબ્ધ બની ગઈ. ખૂબ ખૂબ ઉંચે આકાશ હતું. એક બે વાદળ દેખાતા હતા. થાળી આકારનો ચાંદો સોનેરી સોનેરી લાગતો હતો. ભૂરા પીળા તારાઓ ઠેર ઠેર ચમકતા હતા. ડૂબેલી આગબોટનો જે ખજાનો સવારે જોયો હતો તેવા હજારો ખજાના વેરાઈને પડ્યા હોય એવું દેખાતું હતું. ઠંડકને શરીરે આનંદની ધ્રુજારી પસાર થઈ ગઈ.

થોડી વારમાં કાચબાએ ઠંડકને પાછી પાણી નીચે ખેંચી લીધી. ‘કાચબાદાદા, કાચબાદાદા, આ બધુ શું હતું? મને તો કાંઈ સમજ પડતી નથી…’ ઠંડક કહેવા લાગી.

‘દીકરી, એ ચાંદો અને તારા હતાં.’

‘કેટલા સુંદર હતા એ, કાચબાદાદા, આખી જીંદગીમાં મેં તો આવી અદભુત વસ્તુઓ કદી જોઈ નથી. પાછા પાણીની બહાર ચાલો દાદા, આપણે ચાંદા – તારાની પાસે જ રહી જઈએ.’

કાચબો હસીને બોલ્યો, ‘બેટા ઠંડક, તું પાણીની બહાર ચાંદા – તારાની પાસે રહેવા જાય ને, તો શ્વાસ જ નહીં લઈ શકે. આપણે તો દરિયાની અંદર જ રહેવાનું. હા, મહિને બે મહિને વળી એકાદ વાર ઉપર આવવાનું, ને સપના જેવા સુંદર મજાના ચાંદા-તારાને જોઈ જવાના.’

આટલું કહીને ભલો કાચબો ઠંડકને ગામમાં પાછો લઈ ગયો. બીજી માછલીઓની સાથે એને વહાલથી સુવડાવી. અબરખનો તકિયો અને રેતીની પોચીપોચી પથારી.

ગુડનાઈટ.

– ઉદયન ઠક્કર.

નાનપણમાં મિયાં ફુસકી, ચાચા ચૌધરી, ચાંદામામા અને ચંપક વગેરેમાં અનેક વાર્તાઓ વાંચતા, ત્યારની નાનકડી અને સરસ વાર્તાઓ વાંચવાની અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાની ખૂબ મજા આવતી. આજના બાળકો કાર્ટુનની દુનિયામાં જીવે છે, એ જ કાર્ટુન પાત્રોને યાદ રાખે છે, તેમના જેવું કરવાના પ્રયત્નો કરે છે. વાર્તાઓના વિશ્વને તેઓ સતંદર ભૂલી ચૂક્યા છે. સદનસીબે ગુજરાતીમાં હજુ પણ એવી સુંદર બાળવાર્તાઓ પ્રસ્તુત થાય છે જે આજના બાળકો માટે તદ્દન ઉપર્યુક્ત છે.

ઉદયન ઠક્કર આપણા આગવા બાળવાર્તાકાર છે. પ્રસ્તુત વાર્તા તેમના બાળવાર્તાના પુસ્તક ‘મેં એક સિંહને પાળ્યો છે અને બીજી વાર્તાઓ’ માંથી સાભાર લેવામાં આવી છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા બાળવાર્તાઓનું આ સચિત્ર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. પ્રસ્તુત વાર્તા વાંચ્યા પછી ઠંડક માછલીનું પાત્ર બાળમાનસમાં ખૂબ સ્પષ્ટ છાપ છોડી જશે એ ચોક્કસ. આ બાળવાર્તાઓના પુસ્તકો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ખરેખર એમ જ લાગે છે જાણે એ નાનપણના દિવસો પાછા આવી રહ્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર

  • ushapatel

    સરસ બાળાવાર્તા વાઁચવાની મઝા પડી ગઈ..આવી અવારનવાર નવી વાર્તાઓ મૂકતા રહેશો..

  • hardik yagnik

    મન ભરીને માણી આ વાર્તા..ઍક સારા લેખકની આજ તો ખાસયત હોય છે કે આખી વાર્તા નજર સામે જીવતી દેખાઇ આવી. ખબર નહી કેમ પણ વાંચતા વાંચતા ઘર ઓફિસ ભુલી જવાઈ અને એવી ફિલીગ્સ બે ઘડી અનુભવી જે વર્ષો પહેલા રોજ રોજ અનુભવાતી.. લેખકને ખુબ ખુબ અભીન્ંદન