ત્રણ બાળગીતો… – ઝવેરચંદ મેઘાણી 7


૧. નીંદરભરી

નીંદરભરી રે ગુલાલે ભરી,
બે’નીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બે’ની નત્ય નત્ય જાતાં,
અકાશી હિંચકાની હોડી કરી – બે’નીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. – બે’નીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. – બે’નીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. – બે’નીબાની.

સીંચ્યા એ તેલ મારી બે’નીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. – બે’નીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બે’ન જાય મુસાફરી. – બે’નીબાની.

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સૂરજ ઉગ્યો ને બે’ન આવ્યા ફરી. – બે’નીબાની.

(પહેલી પંક્તિ લોકગીતની છે.)

૨. દરિયો

દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળમાછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

ઊઘડે ઊઘડે ને બિડાય તારલા,
ઊઘડે જાણૅ મા-જાયાનાં નેન રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

૩. ઊભાં રો’, રંગ વાદળી !
(ઢાળ – સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગ રસિયા !)

લીલા છે મોર કાળી વાદળી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી !

વરસ્યા વિણ શાને વહ્યાં જાય રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી !

ઝૂરે બાપૈયા; ઝૂરે ઝાડવાં રે – એક વાર.
તરસ્યાં નદીઓ તે કેરાં તીર રે – એક વાર.

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે – એક વાર.
બેઠાં આશાએ બાર માસ રે – એક વાર.

ઊંચા આકાશની અટારીએ રે – એક વાર.
ઊભાં શાને વિખેરી વેણ્ય રે – એક વાર.

ઓઢી છે ઈંદ્ર-ધનુ ઓઢણી રે – એક વાર.
મેલ્યા બે છેડલા ઢળંત રે – એક વાર.

આષાઢી બીજની આડ્યો કરી રે – એક વાર.
તારાની ટીલડી લલાટ રે – એક વાર.

કાંડે તે વીજ કેરી કાંકણી રે – એક વાર.
વાદળ-ગંગાનો ગળે હાર રે – એક વાર.

લાંબા તે કાળની વિજોગણી રે – એક વાર.
કાઢો છો કોને કાજ દોટ રે – એક વાર.

જળ રે દેવીની તમે દીકરી રે – એક વાર.
દાદા રૂડા તે રવિ ભાણ રે – એક વાર.

જનનીની પ્રીત ક્યમ વીસર્યાં રે – એક વાર.
દાદાના તાપ શે સે’વાય રે – એક વાર.

આવો આકાશની અધીશ્વરી રે – એક વાર.
પૃથ્વીનાં પંખીડાં પોકારે રે – એક વાર.

ટાંપી ટાંપીને મોર ટૌકિયા રે – એક વાર.
આવો અમીની ભરેલ બે’ન રે – એક વાર.

– ઝવેરચંદ મેઘાણી

બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.

બિલિપત્ર

તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે
તો તું વૈણવ સાચો;
તારા સંગનો રંગ ન લાગે
ત્યાં લગી તું કાચો.

– દયારામ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ત્રણ બાળગીતો… – ઝવેરચંદ મેઘાણી

 • Ramesh Patel

  રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીજી એ બાળપણ અને સંવેદના બંનેને પારણે ઝૂલાવી છે. પ્રકૃતિ અને તેની અસર સાથ સાથ ઘૂમે છે..અને રસધારા બની ઝીલાઈ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • ashvin desai

  ખુબ જ મધુરા બ્બલગિતો બ્બલપન ગુમાવિ ચુકેલા આપને પન એ જ ઉમન્ગ – ઉત્સાહ થિ માનિ શકિએ એવા હતા એતલે જ ચિરન્જિવ ચ્હે . હન્યવાદ
  અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • Harsha vaidya

  વાહ ! જીગ્નેશભાઈ,

  ઘણાં વર્ષે ફરીથી આ ગીતો વાંચવા મળ્યા.અને મને યાદ આવી ગયું કે,આજથી ૨૦ વર્ષ પહેલાં ભરૂચમાં યોજયેલા ,”મેઘાણી જયંતિ’ના કાર્યક્રમ માં મે “દરિયો ડોલે રે માઝમ રાતનો” હાલરડું ગાયું હતું.જે મને લોકપ્રિય લોકગાયક શ્રી અભેસિંહભાઈએ શીખવ્યું હતું.આટલા વર્ષે શબ્દો સાથે સ્વર પણ મનમાં ગુંજી ગયા.