દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી) 12


{ પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા ગુજરાતી અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. “તોતો ચાન” પછી આ બીજી પુસ્તિકા, આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30/- રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પરિચય પણ વાંચી શક્શો. }

નિશાળના સમય બધા પૂરા પછી અમારા વર્ગની સભા મળી. અરુણાબેન કહે કે છેલ્લાં અમે મળ્યાં પછી વર્ગના ઘણા છોકરાઓ મહેનત કરીને સારા માર્ક લાવવા માંડ્યા હતા. અમારી કિશોરસેનાની પહેલી ટુકડી સહુથી સારી હતી – તેમાં કોઈને બગડો મળ્યો નહોતો, તગડો પણ બે જ જણને મળેલો હતો. એ બે તગડા પણ નીકળી જાય. એટલે ચારથી ઓછા માર્ક ન લાવવાનો ઠરાવ છેલ્લી વર્ગસભામાં કરેલો તેને એ ટુકડી પાળી બતાવશે. પણ અમારી ટુકડી સહુથી ઠોઠ હતી એમ અરુણાબેને કહ્યું, કારણકે હજી એમાં બે જણને બગડા મળતા હતા – મને ને સુશીલને.

“જોયું?” યશવંત બોલ્યો “વળી પાછી આખા વર્ગમાં આપણી ટુકડી સહુથી પછાત નીકળી. હવે એનું આપણે કાંઈક કરવું જોઈએ.”

“આ બધું તમારા બેના પ્રતાપે થાય છે,” મારી ને સુશીલની સામે આંગળી ચીંધીને લતીફ બોલ્યોઃ “તમને બે જણાને તે થયું છે શું? આખી ટુકડીનું નામ તમે બોળવા બેઠા છો ! બીજા તો મહેનત કરે છે, પણ તમને તો માર્ક કેટલા મળે છે તેની કાંઈ પરવા જ નથી. એનું કેમ તું કાંઈ કરતો નથી, મનુ?” એ જોઈને બીજા બધા પણ મારા પર તુટી પડ્યા.

“તારે તે શું થવા બેઠું છે? ભણતરમાં જરાક ચિત્ત વધારે રાખવામાં શું જોર પડે છે?”

“હવે એમાં આટલી બધી પંચાત શીદને કરો છો?” મેં કહ્યું. “મેં તો ક્યારનોય નિશ્વય કરી લીધો છે કે હવેથી વધારે મહેનત કરીશ.”

“એમ નિશ્વય કર્યે શું દી વળે? એનું પરિણામ કાંઈક દેખાવું જોઈએ ને?” અલી બોલ્યો.” તારા માર્ક સામું જો ને!”

“હવે એ માર્ક તો ગયા સત્રના છે. પણ મેં નિશ્વય તો હજી પરમ દાડે જ કર્યો.”

“બહાનાં સારાં કાઢતાં આવડે છે ! તે નિશ્વય જરાક વહેલો નહોતો થાતો ?”

“છોકરાઓ !” અરુણાબેન હવે વચમાં પડ્યાં, “એમ તકરાર કરવાની જરૂર નથી. જે લોકો પાછળ રહી જાય તેમને આપણે મદદ કરવી જોઈએ. તમારી ટુકડીમાં હુશિયાર છોકરા પણ થોડાક એ ને? એમાંથી કોઈકે સુશીલને અને મનુને મદદ કરવાનું માથે લેવું જોઈએ.”

વસંત મને મદદ કરવા તૈયાર થયો.

“હું સુશીલને મદદ કરીશ,” અલી બોલ્યો.

અરુણાબેન બહુ રાજી થયાં. વર્ગ સભા પૂરી થઈ પછી એમણે સુશીલને ને મને શિક્ષકોના ખંડમાં બોલાવ્યા, ને ક્યાંય સુધી અમારી સાથે વાતો કરી. એ કહે કે ઘરે કરવાના લેશન પાછળ અમે પૂરતો સમય ગાળતા નહોતા ને જોઈતી મહેનત પણ કરતા નહોતા, એટલે જ અમારા માર્ક વધતા નહોતા, એટલે પછી અમારા મગજમાં કાંઈ રહેતું નહિ. ગુજરાતી લેખન પાછળ વધુ વખત ગાળવાની, પોતે લખેલા શબ્દે શબ્દ ઉપર વિચાર કરવાની ને વ્યાકરણના નિયમો મોઢે કરી લેવાની શિખામણ અરુણાબેને સુશીલને આપી. સુશીલે પોતાનું વાંચન વધારવું જોઈએ એમ પણ એમણે સલાહ આપી, ને હવેથી પોતે એનું લેશન વધુ કાળજીથી તપાસશે એમ કહ્યું.

“અરે તારે, મનુ, તારે તારી મળે જ દાખલા ગણવાની મહેનત કરવી જોઈએ.” એમણે મને કહ્યું. “હું ધારું છું કે તને કાંઈક નહિ આવડતું હોય ત્યારે તારાં બા – બાપુની મદદ તું લેતો હઈશ.”

“ના” હું બોલ્યો.” હવે હું બાપુ ને હેરાન કરતો નથી. એ એમનું કામ કરતાં હોય ત્યાં વચમાં મારે શીદને ખલેલ પાડવી? હું તો વર્ગના કો’ક છોકરા પાસે જ દાખલા ગણાવી લઉં છું.”

“એ તો એનું એ જ થયું. હું તો એ કહેતી હતી કે બધું લેસન તારી મેળે જ કરતાં તારે શીખવું જોઈએ. દાખલો પોતાની મેળે ગણતા આવડે ત્યાં સુધી જો આપણે એની ઉપર વિચાર કર્યા કરીએ, તો જ આપણને કાંઈક શીખવાનું મળે. પણ જો રોજ ઊઠીને બીજું કોઈ આપણી વતી મગજ ચલાવે તેની વાટ જોતાં બેસી રહીએ તો પછી આપણને કોઈ દિવસ કાંઈ આવડે જ નહિ. અમે તમને દાખલા એટલા માટે આપીએ છીએ કે તમને તમારી મેળે વિચાર કરતાં આવડે.”

“ભલે,” મેં કહ્યું “હવેથી હું દાખલા મારી મેળે જ ગણીશ.”

“એનું નામ ડાહ્યો છોકરો ! કોઈ દાખલો ગમે તેટલી મહેનત કરવા છતાં પણ આવડે જ નહિ ત્યારે પછી તારે મારી કે બીજા કોઈ છોકરાની મદદ માગવી – તે સિવાય નહિ.”

“ના” મેં કહ્યું “હું ધારું છું કે મારી મેળે જ દાખલા ગણતાં મને આવડશે, અને નહિ આવડે તો હું વસંત પાસે જઈશ.”

“મને તો ખાતરી છે કે બરાબર મહેનત કરીશ તો ગમે એવો અઘરો દાખલો પણ તું ગણી શકીશ,” અરુણાબેન બોલ્યાં.

****

ઘેર જતાંવેંત જ હું પાઠ કરવા બેસી ગયો. મારામાં જે જુસ્સો આવી ગયો હતો તે જોઈને મને પોતાને જ નવાઈ લાગી ! શરૂઆત મેં અરુણાબેને કહેલું તેમ જ, સહુથી અઘરા પાઠથી કરી, સહેલું સહેલું બધું પાછળ રાખ્યું. તે દિવસે અમારે ગણિતનો એક દાખલો ગણવાનો હતો, એટલે આડું અવળું જોયા વિના મેં સીધું જ ‘અંકગણિત’ ઊઘાડીને દાખલો વાંચવા માંડ્યોઃ

એક દુકાનમાં ૮ કરવત હતી અને તેનાથી ત્રણ ગણા કુહાડા હતા. એમાંથી અરઘા કુહાડા ને ૩ કરવત દુકાનદારે ૮૪રૂપિયામાં સુથારોની એક સહકારી મંડળીને વેચ્યાં. બાકીના કુહાડા ને કરવાતો બીજી સહકારી મંડળીના સુથારોને તેણે ૧૦૦ રૂપિયામાં વેચ્યાં. તો એક કુહાડાની અને એક કરવતની કિંમત કેટકેટલી હશે?

પહેલાં તો મને આ દાખલો કાંઈ ઢંગધડા વગરનો લાગ્યો, એટલે મેં એને ફરીવાર વાંચ્યો… ને વળી પાછો એક વાર વાંચી જોયો. થોડીવાર પછી મને સમજાવા માંડ્યું કે ‘અંકગણિત’ બનાવનારા લોકો જાણી જોઈને – છોકરાઓને દાખલા અઘરા પડે તેટલા માટે જ ને! – વગર મફતની ગૂંચ ઊભી કરતા હોય છે. ‘એક દુકાનમાં ૮ કરવત હતી અને તેમાથી ત્રણગણા કુહાડા હતા. હવે, ભાઈ, એને બદલે સીઘેસીઘું એમ શીદને નથી કહેતા કે કુહાડા ૨૪ હતા? ૮ કરવત હોય તેનાથી ત્રણગણા કુહાડા હોય તો પછી ગમે તેવા ભોટનેય ખબર તો પડે જ ને કે કુહાડા ને ૩ કરવત… વેચ્યાં. કેમ જાણે સીધેસીધું ‘૧૨ કુહાડા વેચ્યા’ એમ નહિ કહી શકાતું હોય! કારણકે દુકાનમાં જો કુલ ૨૪ કુહાડા જ હોય, ને તેમાંથી ૧૨ વેચાઈ જાય, એનો અર્થ જ એ કે બાકી ૧૨ રહ્યા અને કરવત પણ ૮ હતી, ને તેમાંથી ૩ એક મંડ્ળીને વેચી, એટલે બીજી મંડળીને ૫ જ વેચાય. તો પછી સીધું ને સટ કહી દેવાને બદલે આમ બાઘાની જેમ ભૂલભૂલામણી જેવું શીદને કરતા હશે? અને પછી કહેશે કે છોકરાઓને દાખલા આવડતા નથી – બધા ઠોઠ જ છે!

દાખલો કાંઈક માણસની અક્કલમાં ઊતરે એવો લાગે તે માટે મેં જ એને નવેસર લખ્યોઃ

એક દુકાનમાં ૮ કરવત હતી ને ૨૪ કુહાડા હતા. એમાંથી ૧૨ કુહાડાને ૩ કરવત દુકાનદારે ૮૪ રૂપિયામાં સુથારોની એક સરકારી મંડળીને વેચ્યાં, અને ૧૨ કુહાડાને ૫ કરવત બીજી એક સહકારી મંડ્લીના સુથારોને ૧૦૦ રૂપિયામાં વેચ્યાં. તો એક કુહાડાની અને કરવતની કિંમત કેટકેટલી હશે?

એ રીતે નવેસર લખેલો દાખલો હું વળી પાછો વાંચી ગયો. પહેલાંના કરતાં હવે એ કાંઇક ટૂંકો લાગતો હતો. પણ એને ક્યાંથી ગણવા માંડવો તે હજી મને જરાય સૂઝતું નહોતું, કારણકે જુદાજુદા આંકડા મારા મગજમાં ગોટાળો ઊભો કરતા હતા, ને હુ સીધે સીધો વિચાર જ કરી શકતો નહોતો. હજીય દાખલાને થોડોક ટૂંકાવવાનું મેં નક્કી કર્યું, જેથી આંકડા કાંઈક ઓછા થાય. દુકાનમાં હતાં તેટલાં બધાં કુહાડા ને કરવત વેચાઈ જ ગયાં હોય તો પછી મૂળ દુકાનમાં કેટલાં નંગ હતા તે યાદ રાખવાની શી જરૂર છે? એટલે મેં વળી પાચો દાખલાને ટૂંકાવ્યો, અને હવે તે આવો બન્યોઃ

સુથારોની એક મંડળીએ ૧૨ કુહાડા ને ૩ કરવત ૮૪ રૂપિયામાં લીધાં. બીજી મંડળીએ ૧૨ કુહાડાને ૫ કરવત ૧૦૦ રૂપિયામાં લીધાં. તો એક કરવતની કિંમત કેટલી? ને એક કુહાડાની કિંમત કેટલી?

દાખલો હવે ટૂંકો થયો; હજી પણ મને સંતોષ થયો નહિ. મારે તો હજીય ટૂંકો કરી નાંખવો હતો. એ કુહાડા ને કરવત કોણે વેચાતાં લીધા તેની સાથે આપણે શી લેવાદેવા? એના રૂપિયા કેટલા દેવા પડ્યા એ જ મુદ્દાની વાત છે ને? વિચાર કરતાં…કરતાં… કરતાં આખરે મેં દાખલો આ રીતે લખ્યોઃ

૧૨ કુહાડા ને ૩ કરવત ૮૪ રૂપિયા. ૧૨ કુહાડા ને ૫ કરવતના ૧૦૦ રૂપિયા. તો એક કુહાડાની કિંમત કેટલી ? – એક કરવતની કેટલી ?

દાખલો હવે એનાથી ટૂંકો હું કરી શકું તેમ નહોતો, એટલે પછી એને ગણવો કઈ રીતે તેનો વિચાર કરવા લાગ્યો. પહેલાં મને થયું કે ૧૨ કુહાડા ને ૩ કરવતોના ૮૪ રૂપિયા બેસતા હોય તો કુહાડા ને કરવતનો સરવાળો કરીને તેનાથી ૮૪ ને ભાગવા જોઈએ. એટલે ૧૨ કુહાડા અને ૩ કરવતોનો મેં સરવાળો કર્યો ને ૧૫ આવ્યાં, પછી મેં ૧૫ વડે ૮૪ ને ભાગી જોયા, પણ એમાં તો શેષ વધવા માંડી! મને થયું કે મારી કાંઈક ભૂલ થતી હશે, એટલે મેં બીજો રસ્તો કાઢ્યો, ૧૨ કુહાડા ને ૫ કરવતનો મેં સરવાળો કર્યો એટલે આવ્યા ૧૭; તેના વડે હું ૧૦૦ ને ભાગવા ગયો પણ તેમાંય શેષ વધવા માંડી! તે પછી મેં ચોવીસેય કુહાડા અને આઠેય કરવતનો સરવાળો કરીને તેના વડે બધાંય રૂપિયાને ભાગવાની કોશિશ કરી. પણ તેમાંય સરખો જવાબ આવ્યો નહીં. પછી મેં કરવતની કુહાડામાંથી બાદબાકી કરી અને જે આવ્યું તેનાથી રૂપિયાનો ભાગાકાર કરી જોયો, એમાંથીયે કાંઈ નીપજ્યું નહીં. કરવતના ને કુહાડાના મેં જુદા જુદા સરવાળા કરી જોયા, પછી રૂપિયામાંથી કુહાડાની બાદબાકી કરી અને જે વધે તેને કરવત વડે ભાગ્યા, બીજી પણ કોણ જાણે કેટકેટલી રીત મેં અપનાવી જોઈ પણ તેમાંથી કોઈ કરતાં કોઈ કારી ફાવી નહીં. એટલે પછી તો હું ‘અંક ગણિત’ ઉપાડી વસંતને ઘેર ગયો.

“સાંભળ” મેં કહ્યું, “તને આ દાખલો આવડે છે? – ૧૨ કુહાડા અને ૩ કરવતના ૮૪ રૂપિયા હોય તો એક કરવતની અને એક કુહાડાની કિંમત કેટકેટલી? બોલ, આ દાખલો તું કેવી રીતે ગણવાનો હતો?”

“તું જ કહે ને કેવી રીતે ગણવો જોઈએ?” એણે મને સામું પૂછ્યું.

“મને લાગે છે કે ૧૨ કુહાડા અને ૩ કરવતનો સરવાળો કરીને ૮૪ ને ૧૫ વડે ભાગવા જોઈએ.”

“પણ કરવતને અને કુહાડાને તારે ભેગા શીદને કરવાં જોઈએ?”

“બધાં મળીને કેટલાં હતાં તે શોધવા, તે પછી ૮૪ ને એ સંખ્યા વડે ભાગીએ એટલે એકની કિંમત આવી જાય ને?”

“શું એકની? એક કરવતની કે એક કુહાડાની?”

“”એક કરવતની ….. અથવા એક કુહાડાની…”

“પણ તો તો પછી બેયની કિંમત સરખી જ થાય ને?”

“હા – તે નથી થતી?”

“નહીં સ્તો, દાખલામાં એવું ક્યાં કીધું છે કે બેયની કિંમત સરખી છે? ઊલટાનું એક કુહાડાની કિંમત કેટલી અને એક કરવતની કિંમત કેટલી તે જ તો મૂળ આપણે શોધી કાઢવાનું છે. એટલે કરવત અને કુહાડાને ભેગા તો ન જ કરાય.”

“હવે એ કરવત ને કુહાડાને ભેગા કરીએ કે ન કરીએ, દાખલો ગણાતો જ નથી !”

“તો પછી કેવી રીતે ગણાય?”

“તારી જ બુધ્ધિ ચલાવ ને!”

“તો આ બે કલાકથી બીજુ શું કરું છું?”

“વાંચ – ફરી વાર દાખલો વાંચ, એમાં શું કહ્યું છે?”

“કે ૧૨ કુહાડા ને ૩ કરવત ૮૪ રૂપિયા. ૧૨ કુહાડા ને ૫ કરવતના ૧૦૦ રૂપિયા બેઠા.”

“હં, તો પછી તું જોતો નથી કે બેય વખતે કુહાડાની સંખ્યા તો સરખી જ હતી; પણ બીજી વખતે કરવત બે વધારે હતી?”

“બરાબર”

“અને બીજી સહકારી મંડળીએ ૧૬ રૂપિયા વધારે ચૂકવ્યા ને?”

“હા, એ મારા ધ્યાનમાં હતું, પહેલી મંડળીએ ૮૪ રૂપિયા ચૂકવ્યા ને બીજીએ ૧૦૦ રૂપિયા; ૧૦૦ માંથી ૮૪ બાદ કરીએ એટલે ૧૬ આવે.”

“ત્યારે હવે એ બીજી મંડળીએ ૧૬ રૂપિયા વધારે કેમ ચૂકવ્યા તેનો વિચાર કર જોઊં”

“એ તો દેખીતું જ છે ને -” હું બોલી ઊઠ્યો, “એમણે બે કરવત વધારે લીધી એટલે એમને ૧૬ રૂપિયા વધારે ચૂકવવા પડ્યા.”

“એટલે કે બે કરવતના ૧૬ રૂપિયા બેઠાં, ખરું ને?”

“હાસ્તો”

“તો પછી એક કરવતની કિંમત કેટલી થાય?”

“જો બે ના ૧૬ તો એકના ૮ રૂપિયા.”

“બસ ત્યારે – એક કરવતની કિંમત તો તું જાણે છે હવે !”

“અરે રામ !” હું બોલ્યો, “મને મારી મેળે કેમ આટલી ખબર નહીં પડી હોય?”

“હજી તારે એક કુહાડાની કિંમત શોધવાની બાકી છે.”

“હવે એમાં કઈ મોટી વાત હતી?” હું બોલ્યો, “૧૨ કુહાડા ને ૩ કરવતના ૮૪ રૂપિયા બેઠા તેમાંથી ત્રણ કરવતના ૨૪ રૂપિયા થાય, તે ૨૪ ને ૮૪ માંથી બાદ કરીએ એટલે ૬૦ આવે. એટલે એમ કે ૧૨ કુહાડાના તો એક કુહાડાની કિંમત ૬૦ ને ૧૨ વડે ભાગીએ એટલી – એટલે કે ૫ રૂપિયા થાય.”

વસંતનો પાડ માનતો હું ઘેર ગયો ત્યારે, આવો સહેલો દાખલો એની મદદ વિના ન ગણી શક્યો તે બદલ મારી જાત ઊપર ખૂબ દાઝે બળતો હતો. પણ મનમાં મેં ગાંઠ વાળી કે હવે બીજો દાખલો મારી મેળે જ કરવો – ભલે પછી એને પકડીને પાંચ કલાક સુધી બેસી રહેવું પડે.

બિલિપત્ર

જીવન તમે કરેલી પસંદગીઓનો સરવાળો છે…
– આલ્બર્ટ કેમસ (ફ્રેન્ચ નવલકથાકાર, નિબંધકાર તથા નાટ્યલેખક, ૧૯૫૭માં સાહિત્યનો નોબલ પુરસ્કાર મેળવનાર


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી)