૧. ખડબડ ખડબડ ખોદત હૈ…
એક હતો બ્રાહ્મણ, તે બહુ જ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું, “હવે તો તમે કાંઈક કામધંધો કરો તો સારું. છોકરાં હવે તો કોઈ વાર ભૂખે મરે છે!” બ્રાહ્મણ કહે, “પણ હું કરું શું? મને કાંઈ કરતાં કાંઈ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.” બ્રાહ્મણી ભણેલી ને ડાહી હતી તેણે કહ્યું, “લ્યો, આ શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. પણ શ્લોક ભૂલી જશો નહિ.” બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નહાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નહાવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલો શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભારતો બેઠો, પણ કશુંયે સાંભરે નહિ. એટલામાં તેણે એક જળકૂકડીને નદીકાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભારતાં સંભારતાં એણે જળકૂકડીને ખોદતી જોઈ, એટલે તેના મનમાં એક નવું ચરણ સ્ફૂર્યું. તે બોલવા લાગ્યો, “ખડબડ ખડબડ ખોદત હૈ.”
બ્રાહ્મણ ઉપર પ્રમાણે “ખડબડ ખડબડ ખોદત હે” બોલવા લાગ્યો, એટલે તેના અવાજથી કૂકડી લાંબી ડોક કરી જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફુર્યું ને તે બોલ્યો, “લાંબી ડોકે જોવત હૈ.”
બ્રાહ્મણ બીજી વાર બોલ્યો, એટલે કૂકડી બીકથી છાનીમાની લપાઈ બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, “કૂકડમૂકડ બેઠત હૈ.” બ્રાહ્મણ આમ બોલ્યો, એટલે કૂકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હ્રદયમાં ચોથું ચરણ ઊપજ્યું અને તે બોલ્યો, “ધડબડ ધડબડ દોડત હે.” બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હતો એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો,
ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે,
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હે.
ચાલતાં ચાલતાં એક શહેર આવ્યું. શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો,
ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે,
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હે.
રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહિ. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, “મહારાજ, બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજનાં સીધાંપાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું.”
રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સૂવાના ઓરડામાં લખાવ્યો. શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના બાર વાગે ઊઠે ને નિરાંતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એના અર્થનો વિચાર કરતો જાય. એક રાત્રીએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા.
તેમને કાને રાજાનો બોલ આવ્યો, “ખડબડ ખડબડ ખોદત હે.”
ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે. તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહિ તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, “લાંબી ડોકે જોવત હે.”
આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોક લંબાવીને જોતાં પણ તેણે જોયો છે. તે એકદમ નીચે ઊતરી ગયો અને બીજાઓને છાનામાના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, “કૂકડમૂકડ બેઠત હે.”
ચોરોના મનમાં થયું કે હવે ભાગો! રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ શ્લોકના ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, “ધડબડ ધડબડ દોડત હે.”
હવે એ ચોરો તો હતા રાજાના પોતાના દરવાનો. તેઓ જ રાજાના ચોકીદારો હતા. તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો. ચોરો ઘેર તો ભાગી ગયા, પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે.
દરવાનોને સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું, “આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાજુ માંદુ તો નથી થયું ને?”
દરવાનોને તેડવા રાજાએ બેએજા સિપાઈઓને મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, “બોલો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા?” પેલા દરવાનો ધ્રૂજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી! બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશ ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઈનામ આપી વિદાય કર્યો.
૨. કોઈથી થાય નહીં એવું કામ
બાદશાહ કહે, “હેં બીરબલ ! બીજા કોઈથી થાય નહીં એવું કામ કોણ કરી શકે?”
બીરબલ કહે, “સાહેબ ! નાનાં છોકરાં.”
બાદશાહ કહે, “ઠીક ગપ્પો લગાવ્યો!”
બીરબલ કહે, “ત્યારે જો જો કોઈ વાર!”
બાદશાહ કહે, “ઠીક ત્યારે.” બાદશાહ તો બીરબલની સાથે થયેલી વાત ભૂલી ગયો.
એક દિવસ બીરબલ તો શેરીમાં ગયો. જઈને કહે, “એલાં છોકરાંઓ! આંહીં આવો.”
ત્યાં તો છોકરાંની ટોળી આવીને ઊભી રહી. “એલાં, એક કામ કરશો?”
“હા હા, જે કહો તે કરીએ.”
“જાઓ ત્યારે, આ ગઢ છે ને, એની પાસે ધૂળનો ઢગલો કરવા માંડો. જો જો, જે એક ધાબળી ધૂળ નાખે એને એક પાઈ, અને બે નાખે એને બે પાઈ આપીશ.”
છોકરાંની જાત! એક, બે, ત્રણ, ચાર… એમ કરતાં આખી શેરીનાં છોકરાં ભેળાં થયાં. એ તો ધાબળીએ ધાબળીએ માંડ્યાં ધૂળ નાખવા. ત્યાં તો બીજી શેરીનાં છોકરાં આવ્યાં, ત્યાં ત્રીજી શેરીનાં આવ્યાં…. ને ત્યાં તો આખા ગામનાં આવ્યાં.
બીરબલ તો એકેક પાઈ આપતો જાય ને કહેતો જાય, “હમ મારા બાપા. હમ્ મારા બાપા – થાવા દ્યો!”
છોકરાં એટલે તો કટક! ઘડીક થઈ ત્યાં તો મોટો ઉકરડા જેવડો ઢગલો થઈ ગયો. ને બે ઘડી થઈ ત્યાં તો ધૂળનો ધફો ગઢને કાંગરે પહોંચ્યો!
બીરબલ કહે, “હવે બધા ખૂંદીને કરો રસ્તા જેવું.” છોકરાંને તો એ જ જોઈતું હતું! એ તો માંડ્યાં ખૂંદવા. ઘડીકમાં તો રસ્તો થઈયે ગયો. શેરીમાંથી ઠેઠ ગઢ ઉપર જવાય એવો રસ્તો બની ગયો!
બીરબલ કહે, “હવે બસ!.” પછી બીરબલે હાથીથાનમાંથી એક હાથી મંગાવ્યો. હાથીના માવતને કહે, “આ રસ્તા ઉપરથી હાથીને ગઢ ઉપર ચડાવી દે.” રસ્તો બરાબર હતો, એટલે હાથી ગઢ ઉપર ચઢી ગયો. ગઢ ઉપર હાથી ઊંચે દેખાયો; બધાં જોઈ રહ્યાં.”
બીરબલ કહે, “એલાં છોકરાંઓ! આ ધફો હવે વીંખી નાખો ને ધૂળ બધી શેરીમાં પાથરી દ્યો. જેવું હતું તેવું કરી દ્યો. એક એક ધાબળી ને એક એક પાઈ!”
છોકરાં તો ઊપડ્યાં. પાઈ લેતાં જાય ને ધાબળી ધૂળ ફેંકતાં જાય. છોકરાં મંડ્યાં પછી કેટલી વાર? ઘડીકમાં તો હતું તેવું થઈ ગયું. જાણે ધૂળનો ધફો હતો જ નહિ! કોઈને ખબરેય ન પડે કે હાથી ગઢ પર શી રીતે ચડ્યો હશે. બીરબલ કહે, “એલાં છોકરાંઓ! હવે ચાલ્યાં જાઓ; હું બોલાવું ત્યારે પાછાં આવજો.” છોકરાં બધાં ચાલ્યાં ગયાં. બીરબલે બાદશાહને બોલાવ્યો. બાદશાહ તો ગઢ ઉપર હાથી જોઈને દિંગ જ થઈ ગયો! બાદશાહ કહે, “હેં બીરબલ! આ હાથી ત્યાં શી રીતે ચડ્યો?”
બીરબલ કહે, “નાનાં છોકરાંઓએ ચડાવ્યો.”
બાદશાહ કહે, “શી રીતે?”
બીરબલે બધી વાત કરી. બાદશાહ ખુશ થયો. ખાધું પીધું ને રાજ કર્યું — પણ પેલો હાથી નીચે ઊતર્યો કે નહીં? ઊતર્યો જ તો! કેવી રીતે? પાછાં બીરબલે છોકરાંને બોલાવ્યાં ને ધૂળનો ઢગલો કરાવીને હાથીને હેઠે ઉતાર્યો. વાહ, આ તો ભારે ગમ્મત!
૩. ઠાકોર અને રંગલો
[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે.રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઇ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને દરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.]
ઠાકોર : કેમ રંગલા! ઘરના શા ખબર છે?
રંગલો : સારા ખબર છે, ઠાકોર!
ઠાકોર : છે તો સૌ હીમખીમ ને?
રંગલો : (જરા મોળું બોલે છે) હા….
ઠાકોર : કેમ જરા મોળું ભણે છે? છે તો સૌ હીમખીમ ને?
રંગલો: (અચકાતો બોલે છે) હા; પ….ણ એક જરા…ક કહેવાનું છે.
ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે?
રંગલો :કાંઇ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો.
ઠાકોર :અરરર! બાજિયો કૂતરો? મોટો સિંહ જેવો શૂરો! હરણી જેવો ઉતાવળો! હાથી જેવો મસ્ત! અરે—એ મરે જ શેણે?
રંગલો : હા, બાપુ! મરે એવો તો નો’તો, પણ આપણી હરડી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ?
ઠાકોર : (ચિડાઇને) અરે બેવકૂફ! શું બોલ્યો? ઘોડીને વળી શું થયું?
રંગલો : ઘોડી બિચારી મરી ગઇ…
ઠાકોર : અરે – તું તો જરાક કે’તો’તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું? બોલ તો ખરો! ઈ પંચકલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકે ગાઉ દોડનારી મારી વા’લી હરડી શાથી મૂઇ?
રંગલો : એમાં કાંઇ મનમાં ન લગાડવું, ઠાકોર! જેવી ઈશ્વરની મરજી!… ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઇ, બાપુ!
ઠાકોર : અરે મૂર્ખા! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાં, તે ક્યાં ગયા?
રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં….
ઠાકોર : અરરર! આ તે શો ગજબ! આઈમા મૂઆં? મારા ઘરનું નાક! સુખનું કારણ ને દુ:ખનો વિસામો! એને તે શું થયું?
રંગલો : આઇમા તો કુંવરને દુ:ખે મૂઆં.
ઠાકોર : એલા ગમાર! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઇ મૂઆં?
રંગલો : કુંવરનું દુ:ખ કાંઇ ઓછું કહેવાય? ઠાકોર, આઇમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં….
ઠાકોર : હાય હાય! મારો કુળદીપક કુંવર ગયો? કહે તો ખરો – એ શી રીતે મૂઓ?
રંગલો : બાપુ! કુંવર તો ધાવણ વગર મૂઓ…
ઠાકોર : અરે મોકાણિયા! ભસ તો ખરો! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ?
રંગલો : બાપુ! ઠકરાણાં હોય ત્યારે ને? એ તો સૌથી પહેલાં મૂઆં…
ઠાકોર : અરરર! ઠકરાણાં શાથી મૂઆં?
રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં…
ઠાકોર : આ તો કોઈ ન રહ્યું! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે?
રંગલો : બાપુ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઇએ સરખું કરી નાખ્યું છે…
ઠાકોર : અરે પ્રભુ! અરે રામ! ગજબ થયો! [ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.]
– ગિજુભાઈ બધેકા
નાનપણમાં બાળવાર્તાઓની અને જોડકણાઓની નાનકડી પુસ્તિકાઓનો એક સેટ મને કોઈએ આપેલો. કોણે આપ્યો હતો એ તો યાદ નથી, પણ એ જોડકણા અને વાર્તાઓ આજે પણ હજી યાદ આવે ને આનંદ આનંદ થઈ જાય છે. આજે એવી જ સરસ ત્રણ વાર્તાઓ મૂકી છે. ખડબડ ખડબડ ખોદત હૈ… એક બ્રાહ્મણની અને તેના નસીબની વાત છે, બીજી – અકબર બિરબલની, બીરબલની ચતુરાઈની વાત છે તો ત્રીજી ઠાકોર અને રંગલાની ધમાકેદાર હાસ્યવાતચીત છે. ત્રણેય વાર્તાઓ ગિજુભાઈની – મૂછાળી માંની ગુજરાતના બાળકોને ભેટ છે. બાળપણથી વધુ આપણને કયો સમય વહાલો હોય? આજે એ સમયમાં એક નાનકડી ડૂબકી મારીએ.
બિલિપત્ર
સૂરજદાદા સોનાવરણા
પાડું છું હું બૂમ;
દિવસ આખો દેખા દઈને
થાઓ છો ક્યાં ગૂમ?
– મારી પાસે હતી એવી જોડકણાની પુસ્તિકાઓમાંથી – નાનપણની સ્મૃતિઓમાંથી…
બહુ જ સરસ વાર્તાઓ છે, આનંદ આવી ગયો ! શેયર કરવા બદલ આભાર !!!
Pingback: Grade 6 Gujarati (Standard level) Homework, cycle -19 (date – 12/12/2018)
good story
વાર્તા ખુબજ સરસ
મઝા આવિ
બહુ વરસો પહેલાં વડોદરાથી પ્રકાશિત થતાં ‘બાલ જીવન’માં એક બાળ ઉખાણું વાંચેલ તે પણ ગમ્મ્ત ભરેલું
આ મુજબ હતું,કોઇએ આમાં ‘બન્ધ બેસતી પાઘડી ના પહેરવી’ તેવી ભલામણ્ તો હવે વાંચો.
એ બી સી ડી ઇ એફ જી.
પાઘડી લુગડાં ગેબજી
ગેબજીના થયા ગાણીયા
તો વઢી મર્યા બે વાણીયા
વાણીયાની ખાટી દાર
વઢી મર્યા બે પાટીદાર
પાટીદાર કરે ખમણાં
વઢી મર્યા બે બામણાં
બામણાંએ કરી અરજી
વઢી મર્યા બે દરજી
દરજીએ કરી રોટલી
બામણને ઉગી ચોટલી
ચોટલીના આવ્યા ચારસો
વઢી મર્યા બે વારસો
વારસોને ચઢ્યું માન
વઢીમર્યા બે મુસલમાન
મુસાલમાને કર્યુ વેર
ચાલો આપણે જઇએ ઘેર.
સરસ બાળવાર્તાઓ..મજા આવેી