પપ્પુ પોપટ અને ભીમાક રીંછ – યોસેફ મૅકવાન 4


ડુંગરિયો પહાડ

એ પહાડની તળેટીમાં એક નાનકડી નદી વહે. એ નદીકિનારે એક ઝાડ. તેની નીચે એક રીંછ બેઠું હતું. તેનું નામ ભીમાક. તે પોતાના બનાન મોબાઈલ ફોન પર સંગીત સાંભળતું હતું. એટલાંમાં તેણે કશો અવાજ સાંભળ્યો. અવાજની દિશા તરફ જોયું. એક સફેદ મોટરકાર નજરે પડી. તે પહાડ પાછળના જંગલ તરફ જતી હતી. તેણે વિચાર્યું. શું હશે? જંગલમાં હમણાં માણસોની અવરજવર વધી ગઈ છે. થોડા દિવસ પહેલાંપણ ચાર-પાંચ બંદૂકધારીઓને જંગલમાં ભાગતા જોયેલા. આજે આ મોટર જોઈ. ભીમાક રીંછે મોબાઈલ ફોન લીધો. પપ્પુ પોપટને જોડ્યો. તરત લાગ્યો. પપ્પુ પોપટ બોલ્યો; ‘હેલો!…’

‘હેલો પપ્પુ… હું ભીમાક રીંછ’

‘બોલ શી વાત છે?’

‘પપ્પુ, ધ્યાનથી સાંભળ.’ ભીમાકે ફોનમાં ચોખ્ખું સંભળાય એમ કહ્યું, ‘આપણા આ શાંત જંગલમાં માણસોની આવ-જા હમણાંની વધી ગઈ છે.’

‘કેમ? શું થયું? પપ્પુ પોપટે પૂછ્યું.’

‘ડુંગરિયા પહાડની નદીકિનારે અમે છીએ. અહીં શહેરમાંથી એક સફેદ મોટર આવીને પહાડ પાછળ જંગલમાં ગઈ. ચોક્કસ કશું હશે! ભીમાક રીંછે ચિંતા બતાવી.’

‘એવું હોય તો તપાસ કરાવવી પડે.’

‘તું કંઈક કર…’ ભીમાંક રીંછે કહ્યું ને ઉમેર્યું થોડાક દિવસો પહેલાં મેં ચાર-પાંચ બંદૂકધારીઓને પણ જોયેલા. કદાચ કોઈ પ્રાણીનો શિકાર પણ કર્યો હોય તો ના નહીં!

‘આમ હોય તો આપણે સજાગ થવું પડશે. હું હમણાં આપણા જંગલના ચોકિયાતોની મીટિંગ ભરી જણાવું છું.’ પપ્પુ પોપટે કહ્યું.

‘હા.. પ્લીઝ, પપ્પુ તું કંઈક કર. મને ડર લાગે છે!’ ભીમાકે કહ્યું.

‘ડોન્ટ વરી ભીમાક’ કહી પપ્પુ પોપટે ફોન બંધ કર્યો.

આ તરફ ભીમાક રીંછ ફોન બંધ કરતાં બબડ્યું…. હાશ! પપ્પુ પોપટને વાત કરી તો ટાઢક વળી. એણે નદી તરફ જોયું. એની પત્ની છોટી રીંછણ નદીમાં નહાતી હતી. ન્હાતાં ન્હાતાં કપડાં ધોતી હતી. કપડાં ધોતાં ધોતાં કોઈ ગીત ગણગણતી હતી. ને પાછી પાણીમાં મસ્તી કરતી હતી. પાણીમાં અવળસવળ તરતી હતી.

ભીમાકે બૂમ પાડી, ‘છોટી બહાર નીકળ… કપડાં ધોવાઈ ગયાં હોય તો ધેર ચાલ. લે, હું તો ચાલ્યું!’

છોટી રીંછણ મલકાતી બહાર આવી. તેણે ધોયેલાં કપડાંની લહેર લીધી. તે ભીમાકની પાછળ ઝડપભેર ચાલી. ચાલતાં ચાલતાં છોટી રીંછણનો હાથ ગળા પર ગયો. તે બોલી પડી, ‘હાય…લ્લા! ઝબૂક – આગિયા હાર… નદીકિનારે પથ્થર પર જ રહી ગયો, ભીમાક!’

‘ઓહ છોટી!’ ભીમાકે અકળાઈને કહ્યું, ‘હવે દોડતી ત્યાં જા અને હાર લઈ આવ. હું અહીં ઝાડ નીચે બેસું છું, બકેટ મૂક મારી પાસે!’

છોટી રીંછણ હાર લેવા નદી તરફ દોડી ત્યાં જઈને જુએ તો હાર ન મળે, એનાથી મોટેથી રડી પડાયું!

નદીની સપાટી પર તરતી કૂદતી એક મોટી માછલીએ પૂછ્યું, ‘શું થયું રીંછણબહેન?’

‘મારો રંગીન પથ્થરોનો હાર નહાતી વેળા અહીં પથ્થર પર મૂકેલો. તે ભૂલી ગયેલી લેવાનો. જોઉં છું તો નથી.’ છોટી રીંછણે ડૂસકું ભરતા કહ્યું, ‘તેમાં ઝબૂક પથ્થરો હતા!’

‘હા, પેલો શકરો બાજ હમણાં અહીં આવેલો… કદાચ તે ઉપાડી ગયો હોય!’ આમ બોલી માછલી પાણીમાં જતી રહી.

છોટી રીંછણ પથ્થરની આસપાસના ઘાસમાં જોવા લાગી પણ ન મળ્યો. બહુવાર થઈ એટલે ભીમાક રીંછ ત્યાં આવ્યું, છોટી રીંછણે રડતાં રડતાં કહ્યું, ‘ભીમાક, હાર ન મળ્યો પેલી માછલીએ કહ્યું, શકરો બાજ અહીં પાણી પીવા બેઠેલો તે કદાચ લઈ ગયો હોય!’

રંગીન પથ્થરોનો ઝબૂક હાર ખોવાતાં ભીમાક ખૂબ ગુસ્સે ભરાયો. તરત તેણે બનાન ફોન કાઢ્યો ને પપ્પુ પોપટને જોડ્યો. પપ્પુ પોપટે પૂછ્યું, ‘હેલો..કોણ?’

‘હું ભીમાક!’

‘જો ભીમાક મેં મિત્રોને સફેદ ગાડી અહીં આવ્યાની વાત પણ કરી છે. તેઓ-‘

‘ના યાર… એ વાત નથી. ભીમાક રીંછે તેની વાત અડધેથી કાપતા કહ્યું.’

‘તો શી વાત છે?’ પપ્પુ પોપટ ઉતાવળે બોલ્યો.

‘પપ્પુ પોપટ, વાત બીજી જ છે. તું જ્યાં હોય ત્યાંથી મને હમણાં જ મળ. અમે ડુંગરિયા નદીના પેલા કાળા પહાડ પાસે છીએ. તારી ખૂબ જરૂર પડી છે દોસ્ત! આવે છે ને?’ ભીમાકે કહ્યું.

‘સારૂં તરત આવું છું ત્યાં!’ કહી પપ્પુ પોપટ અને મેના ભીમાકને મળવા સાથે ઊડ્યાં. થોડીવારમાં જ ભીમાકને મળ્યાં. ભીમાક રીંછે હાર ખોવાયાની બધી વાત કરી અને કહ્યું, ‘માછલીની વાત પરથી તો લાગે છે કે પેલો શકરિબાજ એ હાર ઉઠાવી ગયો હશે!’

‘ચિંતા ન કરો.’ પપ્પુ પોપટે રડ્તી છોટી રીંછણને કહ્યું, એકાદ દિવસમાં જ હારની શોધ કરીશ. તમે શાંતિથી ઘેર જાઓ!’ પછી પપ્પુ પોપટ અને મેના ઉડી ગયા. ભીમાક રીંછ અને છોટી રીંછણ પેલા કપડાંની બકેટ જ્યાં મૂકી હતી ત્યાં આવ્યાં. જુએ છે તો કપડાંની બકેટ ના મળે.

‘લે, વળી આપણી કપડાંની બકેટ પણ અહીંથી ગઈ!’ ભીમાક રીંછે અકળાઈને કહ્યું.

‘હાય…લ્લા એમાં તો મારી ફૂલફૂલવાળી સાડી હતી!’ છોટી રીંછણ રડતાં રડતાં બોલી. ‘અરેરે! રેશમી નવી સાડી ગઈ!’

આ સાંભળી ત્યાં ઝાડ પર કલુ કાગડો બેઠેલો તે ખડખડ હસ્યો ને બોલ્યોઃ ‘ભીમાકજી, તામરી કપડાંની બકેટ અતો પેલું શકુરિયું શિયાળ લઈ ગયું. મેં એને લઈ જતાં જોયેલું.’

ભીમાક રીંછ અને ઓટી રીંછણ શકુરિયા શિયાળની ગુફાએ પહોંચ્યા. ભીમાક રીંચે રાડ પાડી, ‘શકુરિયા, બાહર આવ ને મારી કપડાની બકેટ લાવ!’

ગુફામાંથી કોઈ બહાર ન આવ્યું.

ભીમાક રીંછે ફરી ગુસ્સામાં બૂમ પાડી, ‘અબે ઓ… શકુરિયા… સાંભળે છે કે નહીં. મારી કપડાંની બકેટ ઉઠાવી લાવ્યો છે તે આપી દે અલ્યા!’

એટલામાં મોટી બૂમ સાંભળીને શકરિયાની પત્ની શિયાળવી હાંફતી હાંફતી ત્યાં આવી. બોલી, ‘ભીમાક રીંછ, શકુરિયો તો ત્રણ દિવસથી માંદો છે. ગુફામાંથી બહાર જ નથી નીકળ્યો.’

‘શિયાળવી, તું જુઠ્ઠું બોલે છે.’

‘ના… જુઠ્ઠું નથી બોલતી. જુઓ એને માટે પાંદડાની દવા લેવા ગઈ હતી.’ શિયાળવીએ નમ્ર થઈ કહ્યું.

‘તો પેલા કહ્યું કાગડાએ શકુરિયાને બકેટ લઈ ભાગતો જોયો એ ખોટું?’ ભીમાક ગુસ્સામાં બોલ્યો.

આ સાંભળીકલુ કાગડો ત્યાં ઝાડ પર બેઠેલો ખડખડાટ હસી પડ્યો.

ભીમાકે કહ્યું, ‘અલ્યા કલુ કાગડા, શકુરિયા શિયાળ તો માંદુ છે તે એને બકેટ લઈ જતાં ક્યાંથી જોયું? હેં?’

‘એ મારે તો લડાઈ જોવી હતી ને એટલે હું ખોટું બોલ્યો!’ એમ બોલતો કલુ કાગડો આમતેમ ડાળીએ ડાળીએ નાચવા લાગ્યો. આમ કરતાં અચાનક તે એક ડાળી પર રહેલા મધપૂડા પર જઈ બેઠો! મધમાખીઓની ઉડાઉડ થઈ રહી એ તો ઊડી ઊડીને કાગડાને વળગી. કાગડો તો ડાળી પર અને હવામાં તાતા થૈ કરવા લાગ્યો. ચીસાચીસ પાડે ને બોલે… ‘વાય રે મરી ગયો રે. માડી રે હટ…હટ… કોઈ બચાવો બાપલિયા..!’ જેમ તે વધુ બોલે તેમ મધમાખી તેને વધુ ચટકે!

કાગડાની ચીસો સાંભળી શકુરિયુ શિયાળ બહાર આવ્યું. કાગડાની દશા પર એનેય હસવુ આવ્યું. શિયાળવી બોલી; ‘તમને તાવ છે ને ક્યાં આ પવનમાં આયા. જાવ અંદર ગુફામાં.’

‘તાવ ગયો!’ શકુરિયુ શિયાળ બોલ્યું ‘કાગડાનો નાચ જોવાથી!’

ત્યાં કાગડો ધબ દઈને નીચે પડ્યો. તરફડ્યો ને મરી ગયો.

શકુરિયુ શિયાળ બોલ્યું,’જો ભીમાક રીંછ, કલુ કાગડો આપણી વચ્ચે લડાઈ કરાવવા ગયો તો એની શી દશા થઈ. મરી ગયો ને વગર મોતે!’

ત્યાં ભીમાક રીંછનો ફોન રણક્યો, ભીમાકે ફોન કરી પૂછ્યું, ‘કોણ? હેલો કોણ?’

‘હું સરગમ સસલો! હેલો… તમારી કપડાંની બકેટ હું મારે ઘેર લાવ્યો છું.’ સરગમ સસલાએ કહ્યું.

‘હા, પણ એ અમારી બકેટ છે એવી તને શી રીતે જાણે થઈ?’ ભીમાક રીંછે પ્રશ્ન કર્યો.

‘હું અને મારી સસલી નદી કિનારે જતાં હતાં ત્યારે અમે તમને જોયેલા છોટી રીંછણ કપડાં ધોતી હતી અને તમે ઝાડ નીચે મસ્તીથી બેઠા હતા… ને લાલ બકેટ કિનારે હતી..!’

‘ઓહો.. સરગમ… તારો આભાર દોસ્ત! અમે તારે ત્યાં આવીએ છીએ.’ ભીમાક રીંછ હસી પડ્યું.

‘વેલકમ, અમે તમારી રાહ જોઈએ છીએ!’ સરગમે કહ્યું ને ફોન બંધ કર્યો.

‘ચાલ છોટી, આપણી બકેટ સરગમના ધેર છે!’

એમ બોલતા ભીમાક રીંછ ઝડપથી ચાલ્યું ને પાછળ છોટી રીંછણ એ બબડી, પણ ભીમાક મારો હાર?’

‘આ બકેટ મળી એમ એય મળશે. ચાલ નિરાશ ન થા.’

અને બંને સરગમ સસલાના ઘર તરફ ચાલ્યાં.

– યોસેફ મૅકવાન


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પપ્પુ પોપટ અને ભીમાક રીંછ – યોસેફ મૅકવાન