રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫) 7
૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું નહિ, પણ પછી તો રીયા ઘરનાં ફંકશનમાં પણ આવવાની આનાકાની કરવા લાગી. એકવાર પરેશભાઈએ ખૂબ કહ્યું તો રીયાએ એવી શરત મૂકી કે ‘મમ્મી ન આવવાની હોય તો આવું’. લીનાબેનને ખરાબ તો ખૂબ લાગ્યું પણ સમસમીને બેસી રહ્યાં. લીનાબેન તથા પરેશભાઈને સમજાતું જ ન હતું કે આટલા બધાં પ્રેમ અને લાડકોડમાં ઉછરેલી રીયા આટલું બધું ઉદ્ધત વર્તન કેમ કરે છે?