નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪) 5


૭ વર્ષની નિધિનાં પપ્પા ગુરૂદેવભાઇ તથા મમ્મી સંજનાબેન નિધિનાં બદલાયેલા વર્તનથી ચિતિંત હતા. નિધિ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. જ્યારે પણ મોકો મળે ત્યારે અંદરનાં રૂમમાં જતી રહેતી અને પરાણે બહાર ના લાવો તો કલાકો સુધી એકલા જ રહેવાનું પસંદ કરતી. સંજનાબેન ઘણીવાર નિધિ રૂમમાં એકલી હોય ત્યારે દબાતા પગલે જોવા જતાં તો નિધિ કાં તો એકલી એકલી વાતો કરતી હોય અથવા એકાદ રમકડાં સાથે રમતી હોય. એને એકલી રમતી જોઇ સંજનાબેન એની સાથે રમવાની તૈયારી બતાવતા પણ એવા વખતે નિધિ ફરી ચૂપચાપ થઈ જતી. ઘરની આસપાસ રહેતા બાળકો સાથે તો નિધિ પહેલેથીજ ભળતી ન્હોતી. સંજનાબેન સ્કુલમાં મળવા જતાં તો ટીચરનાં કહેવા પ્રમાણે શરૂઆતથી જ નિધિનું વર્તન એવું હતું કે ક્લાસમાં એની હાજરીની ખાસ નોંધ લેવાતી નહીં. ક્લાસમાં ટીચર ભણાવે તે ચૂપચાપ ભણવું અને ટીચર લખાવે તે ચૂપચાપ લખવું. રીસેશમાં નાસ્તો પણ એકલી જ બેસીને કરતી અને સ્કુલ છૂટે એટલે ચૂપચાપ રીક્ષામાં બેસી ઘરે આવી જતી. પહેલાં તો ઘરે આવ્યા પછી નિધિ સંજનાબેન તથા ગુરુદેવભાઇ સાથે ઘણી વાતો કરતી અને ઘરમાં બેસીને રમવા જેવી રમતો પણ એમની સાથે રમતી. હમણાં કેટલાંક મહિનાથી તો ઘરમાં હળવાભળવાનું પણ નિધિ એ બંધ કરી દીધું હતું.

નિધિ સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ છેલ્લાં ચારેક મહિનાથી જ ગુજરાતમાં રહેવા આવ્યાં હતાં. પહેલી દ્રષ્ટિએ તો મને એમ જ લાગ્યું કે માત્ર જગ્યા ફેરનાં કારણે નિધિનાં વર્તનમાં પરિવર્તન આવ્યું હશે. પણ જેમ જેમ વાત કરતી ગઈ તેમ તેમ જણાયું કે નિધિ માટે સવાલ નવી જગ્યાં, નવી ભાષા કે નવા લોકોનો ન્હોતો. એ વિશે તો કદાચ હજી એણે વિચાર્યુ જ ન હતું. આમ પણ નવાં માહોલનો જ પ્રશ્ન હોય તો નિધિ સંજનાબેન તથા ગુરૂદેવભાઈ સાથે ભળવાનું શું કામ ઓછું કરે?

સાત વર્ષની નિર્દોષ ઉંમરમાં એવું તે શું થયું કે નિધિનાં વર્તનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું?

આવું કેમ થયું?

ગુરૂદેવભાઈનું કુટુંબ છેલ્લાં ચારેક મહિનાથી જ ગુજરાતમાં આવી વસ્યું હતું. આ પહેલા ગુરૂદેવભાઈની નોકરી હૈદરાબાદમાં હતી. સંજનાબેન તથા ગુરૂદેવભાઇ મૂળ હૈદરાબાદનાં જ વતની. ગુજરાતની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ગુરૂદેવભાઇને ખૂબ ઊંચા પગારની નોકરીની તક મળી. નવી નોકરીમાં ગુરૂદેવભાઈની આવડતનો મહત્તમ ઉપયોગ થાય તેવી શક્યતાઓ હતી. વળી આ નોકરીમાં વિકાસની તકો પણ વધુ હોવાથી ગુરૂદેવભાઈ આ તક જવા દેવા માંગતા ન્હોતા. સંજનાબેન અચાનક તદ્દન નવા પ્રદેશમાં જતાં ડરતા હતા એટલે જ્યારથી ગુજરાતમાં નોકરી કરવાની વાત આવી હતી ત્યારથી સંજનાબેન એક યા બીજું બહાનું આગળ ધરી ગુરૂદેવભાઈ પર ગુજરાત ન જવા માટે દબાણ લાવતાં. ગુરૂદેવભાઈ પોતાનાં વિચારો જણાવી, પ્રગતિની વધતી શક્યતાઓ વિશે સમજાવી તેટલા સમય પૂરતું તો સંજનાબેનને મનાવી લેતાં પણ સંજનાબેન હૈદરાબાદ છોડવા જ ન્હોતા માંગતા. ગુરૂદેવભાઈ પોતાની દિકરી નિધિને ખૂબ પ્રેમ કરતાં હતાં અને એના ઉછેરમાં કોઈ કમી ન રહે એવું ઈચ્છતા હતાં. સંજનાબેનને થયું કે ‘નિધિને નવી જગ્યામાં ખૂબ તકલીફ પડશે’ એવી જો ગુરૂદેવભાઈને ખાત્રી થશે તો કદાચ તેઓ ગુજરાત જવાનો વિચાર માંડી વાળશે. હવે પોતાની વાત મનાવવા માટે સંજનાબેને નાનકડી, નિર્દોષ અને આખીયે વાતથી અજાણ એવી નિધિનો સહારો લીધો. સંજનાબેન સતત ગુરૂદેવભાઈને કહેવા લાગ્યા કે, ‘તદ્દન નવો માહોલ, નવા લોકો, નવી ભાષા આ બધાથી આપણને તો ઠીક પણ નિધિને ખૂબ તકલીફ પડશે. એના કોઈ મિત્ર નહી બને, ભાષા ન આવડતી હોવાથી એ કોઈની સાથે વાત નહી કરી શકે, કોઈ બાળકો એની સાથે રમશે નહિ અને નિધિ સાવ એકલી પડી જશે.’ ગુરૂદેવભાઈ સંજનાબેનને સમજાવતા કે, ‘બાળકો તો પ્રવાહી જેવા હોય. જે પાત્રમાં ભરો તેનો આકાર ધારણ કરી લેતાં હોય છે. નિધિ આપણાં કરતા વહેલી નવી જગ્યાને અનુકુળ બની જશે. તુ નાહક ચિંતા કરે છે.’ પણ સ્ત્રીહઠ જેનું નામ, સંજનાબેને પોતાની દલીલો ચાલુ જ રાખી.

છેવટે હૈદરાબાદની નોકરી ન છોડતા ગુરૂદેવભાઈએ ત્રણ મહિનાની એમની નીકળતી રજા અને ત્રણ મહિનાની પગાર વગરની રજા એમ 6 મહિનાની રજા મંજુર કરાવી ગુજરાત આવી ગયા. અહીં આવી ગયા પછી પણ સંજનાબેન પોતાનો કક્કો ખરો કરવા રોજ ગુરૂદેવભાઈને કહેતા કે, ‘નિધિને ભાષાને કારણે ખુબ તકલીફ પડે છે. એની સાથે કોઈ બોલતું નથી, એ કોઈની સાથે રમવા નથી જતી બસ આખો વખત મને જ ચોંટીને રહે છે.’ ગુરૂદેવભાઈએ હૈદરાબાદની નોકરી છોડી ન હોવાથી સંજનાબેન પાછા હૈદરાબાદ જવાનાં પોતાનાં પ્રયત્નો પૂર જોશમાં ચાલુ રાખવા પર હતાં. ગુરૂદેવભાઈની નવી નોકરી એમનાં ધારવા કરતા પણ ઘણી જ સારી હતી આથી એમનાં પર આ બધાંની ઝાઝી અસર ન થઈ. એમણે તો શરૂઆતનાં એક મહિનામાં જ નક્કી કરી લીધું હતું કે રજા પૂરી થતાં જ હૈદરાબાદ રાજીનામું મોકલી આપીશ. જેમ જેમ ગુરૂદેવભાઈ ગુજરાતમાં સ્થાયી થવા માટે મક્કમ થતાં ગયાં તેમ તેમ નિધિને આગળ ધરી સંજનાબેન વધુ ને વધુ દલીલ કરતાં ગયાં. પોતાની વાત મનાવવામાં સંજનાબેન એટલા તો ખોવાઈ ગયા કે નિધિનાં માનસ પર આ બધાંની શું અસર પડી હશે અને હજી પણ પડતી હશે એ વાત પર ધ્યાન જ ન આપ્યું. હૈદરાબાદથી નીકળતા પહેલાં જ નિધિને એક વાતની તો ચોક્કસ જ ખાત્રી થઈ ગઈ હતી કે ‘કોઈક એવી જગ્યા એ જવાનું છે જ્યાં મારી સાથે કોઈ રમવાવાળું નહિ હોય અને મારી સાથે કોઈ વાત નહિ કરે.’ ગુજરાતમાં આવતાંની સાથે જ નિધિએ પોતાનાં તરફથી નવી જગ્યાને અનુકૂળ થવાં માટે કોઈ પ્રયત્નો જ ન કર્યા. શરૂઆતમાં એ સ્કુલેથી આવીને સંજનાબેન અને ગુરૂદેવભાઈ સાથે વાતો કરતી, રમતી પણ ધીરે ધીરે એ પણ બંધ થયું. નિધિનાં મનમાં ચોક્કસ ગ્રંથિ બંધાય ગઈ હતી કે આ જગ્યા મારા માટે બરાબર નથી અને એટલે એ પોતાના મનથી જ અલગ રહેવા માંડી. સંજનાબેન તરફથી સતત નિધિને કારણ બતાવી કરવામાં આવતી દલીલોથી નિધિને એવું લાગવા માંડ્યુ કે પોતે આખા જગતમાં તદ્દન એકલી જ છે અને આ નવી જગ્યાએ એણે એકલાં જ રહેવાનું છે. પોતાનું ધાર્યુ કરવાની જીદમાં સંજનાબેને પરિણામનો વિચાર કર્યા વગર અજાણતાં જ નિધિનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

આવું ઘણીવાર જુદાં જુદાં સંજોગોમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા બનતું હોય છે કે જાણ્યે અજાણ્યે બાળકો મોટેરાઓની રમતનાં પ્યાદાં બની જતાં હોય છે. બાળકે પોતે કોઈ ચાલ જાતે ચાલવાની ન હોવા છતાં હાર એમની થાય છે. નુકશાન એમનું જ થાય છે. કુમળું માનસ આપણી ગણતરીઓ સમજી શકે તેમ ન હોવાથી મુઝાંય છે. દાદી, મમ્મી, ફોઈ, મોટા ભાઇ/બેન, પપ્પા અન્યોન્ય પોતાની વાત મનાવવા બાળકોનો પ્યાદાં તરીકે ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર તો પોતાનું જુઠ્ઠાણું પકડાઈ જવાની બીકમાં પણ બચાવરૂપે બાળકને ધરી દેતાં હોય છે. ઉકેલ તરફ જતાં પહેલાં આપણે સૌ સભાનપણે અને નિષ્ઠાપૂર્વક એક નિર્ણય લઈએ કે જાણતાં અજાણતાં ક્યારેય આપણી રમતમાં બાળકને હાથો નહિં બનાવીએ.

ઉકેલ

પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે. અચાનક આવતું પરિવર્તન થોડો વખત માટે દિશાશૂન્ય કરી નાખે એ સામાન્ય છે પણ પરિવર્તન સાથે તાલ મિલાવવામાં જ તો જીવનની સાર્થકતા છુપાયેલી છે. અહીં એક હિંદી ફિલ્મનો સંવાદ યાદ આવે છે જેમાં લુચ્ચાઈથી પોતાનું બધું જ હડપ કરી ગયેલા વિલનને હીરો કહે છે, ‘હમ જૈસે લોગ કહીં સે ભી શુરૂઆત કર શકતે હૈ ક્યુંકી હમે ખુદ પે વિશ્વાસ હૈ.’ આત્મવિશ્વાસથી સભર વ્યક્તિ ઝડપથી પરિવર્તનને સ્વીકારી શકે છે. જ્યારે જ્યારે પણ આપણે પરિવર્તનથી ડરતા હોઈએ ત્યારે ત્યારે આપણે આપણી અંદર ઝાંકીને અંદરના આત્મવિશ્વાસને તપાસી લેવો અને દ્રઢ બનવું.

અહીં સંજનાબેન પોતે જ પરિવર્તનથી ડરી ગયા હતાં. એમણે પ્રથમ પોતાનાં ડર પર વિજય મેળવી નિધિને નવી જગ્યા માટે માનસિક રીતે તૈયાર કરવાની જરૂર હતી. મુશ્કેલી આવે ત્યારે માનવસહજ બે પ્રકારનાં પ્રત્યાઘાત પડે. કાં તો મુશ્કેલીનો સામનો કરો અથવા ભાગી જાવ. આપણે આપણા બાળકોને મુશ્કેલીનો સામનો કરવાનું શીખવાડવાનું છે. જરૂરી નથી કે સામનો કરવાથી મુશ્કેલી દર વખતે દૂર થશે જ થશે પણ સામનો કરવાની માનસિકતા બાળકનો આત્મવિશ્વાસ વધારવામાં સહાયરૂપ અવશ્ય થશે. ભલે જીતે કે હારે બાળક પ્રયત્ન કરતાં શીખશે. ભાગવાનું શીખનાર બાળકો ધીરે ધીરે આત્મવિશ્વાસ ગુમાવતા જશે. જુઠ્ઠુ બોલતાં શીખશે, બહાનાં કાઢતા શીખશે, ડરપોક બનશે અથવા અંતર્મુખી બની જશે.

આ કિસ્સામાં પ્રથમ સંજનાબેન પોતે ગુરૂદેવભાઈની મદદ વડે આખી પરિસ્થિતિને સ્વીકારવા માટે સજ્જ થયાં. પછી બંનેએ સાથે મળી નિધિને નવા માહોલ સાથે કદમ મિલાવવા સજ્જ કરવા માંડી. શરૂઆત પડોશીઓથી કરી. સંજનાબેને પડોશનાં બાળકોને એકત્ર કરી નાની પાર્ટીનું આયોજન કર્યુ. નિધિને બધાંથી પરિચિત કરી, થોડી રમતો રમાડી. સાંજે નિધિને બધાં સાથે રમવા લઈ જવા માંડ્યાં અને ધીમે ધીમે કરતાં સંજનાબેને નિધિને એકલી પણ મોકલવા માંડી. ગુરૂદેવભાઈની વાત સાચી પડી. ખરેખર નિધિ પ્રવાહીની માફક નવાં પાત્રમાં ઢળી ગઈ.

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪)