ત્રણ પદ્યરચનાઓ – નિતીન લીંબાસીયા 21


૧. એક ફરિયાદ કરવી જો મને ગાંધી મળે;

એવું નથી કે મને ‘પૈસા’ ગમતા નથી;
પણ આ ‘કરપ્શન’ થી હંમેશા ચીડ ચડે.

એવું નથી કે મને ‘રમત’ ગમતી નથી;
પણ આ ‘રાજ રમત’ માં હવે ટાઇમ બગડે.

અરે એવું નથી કે મને ‘સત્ય’ ગમતુંં નથી;
પણ આ નેતાઓ ના ‘વાયદા’ હવે રોજ નડે.

એવું નથી કે મને ‘ભજન’ ગમતા નથી;
પણ આ ‘વૈષ્ણવજન તો…’ આજે ભાગ્યે જ મળે.

એવું નથી કે મને ‘અહિંસા’ ગમતી નથી;
પણ આ ‘કાઉન્ટર સ્ટ્રાઈક’ થી તો સીધી સવાર પડે.

એવું નથી કે મને ‘મૌન’ ગમતું નથી ;
ચૂપ નહીં રહેવાય હવે, ફરિયાદ કરવી જો ગાંધી મળે.

૨. એક ડાયરી ….

અચાનક જ કબાટના ખૂણે થી એક પાનું મળ્યું,
ઘણા વર્ષો પહેલા ખોવાયેલું એક સરનામું મળ્યું.

એક ફૂલ એ ડાયરીમાં સાવ સૂકાયેલુંં મળ્યુંં,
આજે ફરી એ દિવસ યાદ કરવા બહાનું મળ્યું.

ચહેરા પરના ધૂંંધળા સ્મિત પર આળોટવા મળ્યું,
એટલામાંં જ એ આંખોનું સરનામું નીચે પડ્યુંં.

ઉપાડીને જોયું તો એ તસ્વીરમાંં એક સપનું મળ્યું,
આંખ બંધ કરતા નજર સામે રાહ જોતું પંખી મળ્યું;

આંખ ઉઘાડી તો આંખના જ ખૂણે છુપાયેલું એક આંંસુ મળ્યુંં;
ડાયરીમાં અર્ધ લખાયેલી ગઝલ ને આજે પૂર્ણવિરામ મળ્યુંં.

૩. લાગે છે…

ભર ઉનાળે ચોમાસું અનરાધાર લાગે છે,
આંખોને પણ હવે આંસુનો ભાર લાગે છે.

બોલ્યા વગર સઘળું સમજવામાં વાર લાગે છે;
અમારી જીવનકથાનો કદાચ આ જ સાર લાગે છે.

અનાયાસે આવતી યાદ પણ હવે ઉપહાર લાગે છે;
વગર વ્યાજ નો આ પેલો જુનો વ્યવહાર લાગે છે.

કાપે છે સઘળું, નક્કી જીભ એની તલવાર લાગે છે;
કલમ ઉપાડી મેં આજે, નક્કી રવિવાર લાગે છે.

છે બાજુમાં છતાં આ સરનામું દરિયાપાર લાગે છે.
છોડને ‘નીતિન’, સમજવામાં અઘરો સંસાર લાગે છે.

– નિતીન લીંબાસીયા

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં મિકેનીકલ એન્જીનીયરીંગ શાખાના એક્ઝેક્યુટીવ ટ્રેઈની તરીકે ફરજ બજાવતા નિતીનભાઈ લીંબાસીયાની અક્ષરનાદ પરની આ પ્રથમ પ્રસ્તુતિ છે. વળી પદ્યરચનાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. નવોદિત લેખકોને એક મંચ આપવાનો હેતુ અક્ષરનાદ સદાય નજર સમક્ષ રાખે છે, તેથી બહુરંગી શાખાઓમાં અને અનેકવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પણ તેમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી વાંચનનો અને સર્જનનો સમય કાઢવાની પ્રેરણા મળે છે. નીતિનભાઈની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. તેમની કલમને શુભેચ્છાઓ અને અક્ષરનાદને રચનાઓ મોકલવા બદલ તેમનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – નિતીન લીંબાસીયા