રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫) 7


૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું નહિ, પણ પછી તો રીયા ઘરનાં ફંકશનમાં પણ આવવાની આનાકાની કરવા લાગી. એકવાર પરેશભાઈએ ખૂબ કહ્યું તો રીયાએ એવી શરત મૂકી કે ‘મમ્મી ન આવવાની હોય તો આવું’. લીનાબેનને ખરાબ તો ખૂબ લાગ્યું પણ સમસમીને બેસી રહ્યાં.

ધીરે ધીરે કરતાં રીયા લીનાબેનની મોટાભાગની બાબતમાંથી ભૂલો કાઢવા લાગી. લીનાબેન પોતાનાં માટે નવાં કપડાં લાવ્યાં હોય તો રીયા કહેતી, ‘આ કંઈ તને સારૂ નહિ લાગે, આ તો જુવાન યુવતિઓને શોભે તેવુ છે.’ ટી.વીમાં હેરડાઈની જાહેરાત આવતી ત્યારે રીયા કડવાશથી કહેતી, ‘મમ્મી તારા કામની જાહેરાત આવી, જલ્દી જો!!’ લીનાબેન કોઈ સહેલી સાથે ફોન પર ગપાટાં મારતા હોય ત્યારે રીયા કહેતી, ‘મમ્મી તારે ઘરનું ધ્યાન રાખવાનું હોય, આ ઉંમરે ફોન પર ગપાટાં મારવાનાં ન હોય.’ લીનાબેન બ્યૂટીપાર્લરમાં જતા ત્યારે રીયા મશ્કરી કરતી, ‘હવે મમ્મીને આવતાં ચાર કલાક થશે, પાર્લરવાળીને પણ મમ્મીને જુવાન બનાવવામાં વાર તો લાગે ને!’

રીયા લીનાબેનનાં દેખાવ તથા ઉંમર પ્રત્યે સતત આવા કટુ પ્રહારો કર્યા કરતી. ધીરે ધીરે કરતાં લીનાબેન અકળાવા લાગ્યાં. ક્યારેક ખૂબ દુઃખી થતા તો ક્યારેક ખીજવાઈને રીયા સાથે મોટો ઝગડો કરતાં. પરેશભાઈ બંનેને શાંત પાડી સુલેહ કરાવતાં. લીનાબેન તથા પરેશભાઈને સમજાતું જ ન હતું કે આટલા બધાં પ્રેમ અને લાડકોડમાં ઉછરેલી રીયા આટલું બધું ઉદ્ધત વર્તન કેમ કરે છે? બંને જણાં એ રીયાને પૂરતી સ્વતંત્રતા આપી હોવા છતાં, ઘરમાં સુમેળભર્યુ વાતાવરણ હોવા છતાં આવું કેમ બની રહ્યું છે?

આવું કેમ બન્યું?

પરેશભાઈનાં કુટુંબમાં ૪૦ વર્ષ પછી દીકરીનો જન્મ થયો. આથી રીયાનો જન્મ આખા કુટુંબ માટે મોટો ઉત્સવ બની ગયો. પરેશભાઈનાં બે ભાઈઓ અને બંનેને ત્યાં બે-બે દીકરા, પરેશભાઈની એક બહેન અને એમને ત્યાં પણ બે દીકરા, તથા પરેશભાઇને પોતાને એક દીકરો આમ સાત ભાઈઓ અને બે કાકાની વચ્ચે એક જ દીકરી તે રીયા! જન્મી ત્યારથી રીયા લાડકોડમાં ઉછરવા માંડી. રીયાનો પડ્યો બોલ ઝીલાતો. રીયાની પસંદ-નાપસંદની ચર્ચા થતી. ‘રીયાની સુંદરતા અજોડ છે’ એવું ઘરનાં સહુ માનતા અને અવારનવાર કહેતા પણ ખરાં. કોઈપણ વ્યક્તિ રીયાને જોતાં જ અનાયાસે એનાં વખાણ કરી જ દે એટલી એ સુંદર દેખાતી. રીયા બોલકી પણ એટલી જ! વળી નાનપણથી સૌએ હાથમાં ને હાથમાં રાખી હોવાથી વાક્ચાતુર્ય પણ ભારોભાર વિકસ્યું હતું. ઘરમાં કેન્દ્રસ્થાને પોતે હોવાનું રીયા સતત ગૌરવ અનુભવતી.

હકીકતે રીયાની સુંદરતા માટે લીનાબેન જવાબદાર હતાં. લીનાબેન એટલાં બધાં સુંદર અને નમણાં હતાં કે જોનારની નજર ઝટ હટે જ નહિ. એકસરખો સપ્રમાણ બાંધો, ૫’ ૭” ની ઉંચાઈ, ગોરો વાન ને મિલનસાર સ્વભાવ! રીયા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ કુટુંબીઓ, પડોશીઓ, મિત્રો બધાં જ કહેવા લાગ્યાં કે, ‘રીયા તો જાણે લીનાબેનની જ કોપી…. અદ્દલ લીના જેવી જ દેખાય છે… અત્યારથી જ લાગે છે કે જુવાનીમાં રીયા પણ લીના જેટલી જ સુંદર દેખાશે…’ બસ આ વાત રીયાને ખટકવા માંડી. અત્યાર સુધી રીયાનો ઉછેર જે રીતે થયો હતો તેના પરથી એને એવી ગ્રંથી બંધાઈ ગઈ હતી કે, ‘મારા જેવું કોઈ છે જ નહીં, મારા જેવું કોઈ હોઈ શકે જ નહીં.’ રીયા ૧૫-૧૬ વર્ષની થતાં તો એનો શારિરીક વિકાસ એટલો થઈ ગયો કે ઊંચાઈમાં તે લીનાબેનની લગોલગ આવી ગઈ. લીનાબેને પોતાનું સૌંદર્ય ખૂબ કાળજીથી સાચવ્યું હતું. વળી સ્વભાવે હસમુખાં હોવાનાં કારણે પણ એમના શરીર પર કે મોઢા પર ક્યાંય ઉંમરનો ઘસરકો જોવા મળતો નહિ. રીયાનો ઝડપી વિકાસ અને લીનાબેનનું જળવાયેલું સૌંદર્ય બંને જણ મા-દીકરી કરતા બહેનો હોય તેવી ભ્રાંતિ ઉભી કરતા. સગાં-વ્હાલાં અને મિત્રો તો મશ્કરી પણ કરતાં કે, ‘મા કોણ અને દિકરી કોણ?’ બધાં હસી પડતાં પણ રીયા ધૂંધવાતી..! ક્યાંક બહારગામ ફરવા ગયા હોય ત્યારે પરેશભાઈ લીનાબેનને આગ્રહ કરી રીયાનાં મોર્ડન ડ્રેસ પહેરવાનું કહેતા. લીનાબેનને રીયાનાં ડ્રેસ બરોબર આવી રહેતા ને તેઓ આકર્ષક દેખાતાં. પરેશભાઈ લીનાબેનનાં વખાણ કરતાં અને આવાં ડ્રેસ અવારનવાર પહેરવાનો આગ્રહ પણ કરતાં. આ બધું રીયાથી સહન થતું નહિ. રીયાને પોતાની મમ્મી જ પોતાની હરીફ હોય તેવું લાગવા માંડ્યું. જન્મી ત્યારથી આખા ઘર પર એકચક્રીય શાસન ચલાવ્યાં પછી અચાનક પોતાની માલિકી કોઈ છીનવી રહ્યું હોય તેવું રીયાને લાગવા માંડ્યું. રીયાને પોતાનાં હક્ક પર પોતાની મમ્મી જ ભાગ પડાવતી હોય તેવું લાગવા માંડ્યું. રીયાને પોતાની મમ્મી જ પોતાની હરીફ લાગવા માંડી. આ બધાંનું પરિણામ એ આવ્યું કે રીયાનાં એની મમ્મી પ્રત્યેનાં વર્તનમાં કડવાશ આવવા માંડી. રીયા સતત લીનાબેનને એમની ઉંમર યાદ કરાવવાનાં પ્રયત્નો કરવા લાગી.

ઉકેલ

રીયાની ગેરવર્તણુંક માટે ૨ – ૩ કારણો તારવી શકાય. દીકરીનાં જન્મથી અતિ ઉત્સાહમાં આવી ગયેલાં કુટુંબ માટે રીયા અજાણતાં જ આનંદનું સાધન બની ગઈ. પોતાનો આનંદ વ્યક્ત કરવામાં કુટુંબનાં સભ્યોની ધ્યાન બહાર એક અગત્યની વાત જતી રહી કે આ બધાંની રીયા પર શું અસર પડશે? પોતાનો પ્રેમ જતાવવામાં અજાણતાં જ સૌ દ્વારા રીયાને એટલું બધું મહત્વ મળી ગયું કે રીયાનું વલણ સ્વકેન્દ્રિત થઈ ગયું. રીયાનાં કિસ્સામાં જે થયું તેમાં કુટુંબમાં વર્ષો પછી થયેલો દિકરીનો જન્મ ભલે કારણભૂત હોય પણ ‘અતિ સર્વત્ર વર્જયેત’. અતિશય લાડ અને મહત્વ મળવાથી બાળકોની સંવેદનશીલતા ઘટે છે. બાળકોનું વર્તન કેટલાંક અંશે ઉદ્ધત પણ બને છે. ઘણીવાર પોતાનું મહત્વ કાયમ રાખવાં જુઠ્ઠુ પણ બોલે છે. ક્યારેક જાણતાં અજાણતાં બાળકો સ્વાર્થી અભિગમ અપનાવતાં થઈ જાય છે. કેટલાંક અતિ લાડ પામેલા બાળકોમાં પરપીડનની વિકૃતિ પણ જન્મે છે.

‘દરેક બાળક મહત્વનું છે, બાળકનું અસ્તિત્વ મહત્વનું છે, બાળકનું વ્યક્તિત્વ મહત્વનું છે’, આ હકીકત આપણે સૌએ જાણવું અને સ્વીકારવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે બાળકને એ એહસાસ કરાવવો કે બાકીની વ્યક્તિઓ પણ એટલી જ મહત્વની છે. આ કિસ્સામાં આખું કુટુંબ પ્રેમાળ હતું અને રીયાનાં બધાં ભાઈઓને પણ રીયા ખૂબ વ્હાલી હતી આથી ભાઈઓ વચ્ચે કે કોઈ એક ભાઈ અને રીયા વચ્ચે કોઈ દેખીતો અણબનાવ ન હતો. બાકી ઘરમાં એક બાળકને અતિ મહત્વ મળે ત્યારે ક્યાં તો એ બાળક કુટુંબનાં બાકી બાળકો માટે અળખામણું બની જાય અથવા તો ભાઈ-ભાઈ / ભાઈ-બહેન / બહેન-બહેન વચ્ચે વધતાં ઓછા અંશે વેરવૃત્તિનો જન્મ થાય. (SIBLING RIVALRY)

બીજી બાબત, બાળકોનાં કુદરતી રીતે જ કેટલાંક લક્ષણો મા-બાપ જેવા હોય છે. આ આનુવાંશિક છે અને એની રજૂઆત ખૂબ સહજતાથી થાય તો બાળકોને પોતાનાં મા કે બાપ જેવાં હોવાનું ગૌરવ થાય છે. આપણે સહજ થવાંનું ક્યારેક ચૂકી જઈએ છીએ ને ક્યારેક મા કે બાપ જેવા એકાદ બે લક્ષણોને એમનું સમગ્ર વ્યક્તિત્વ ગણવાની ભૂલ કરી બેસીએ છીએ. બાળકને એમ કહેવું કે ‘તું અદ્દલ તારી મમ્મી / પપ્પા જેવી / જેવો છે’ એ ભૂલભરેલું છે. બાળકની મા-બાપ સાથેની કેટલીક સામ્યતાને સમગ્રતામાં ખપાવવાથી બાળકની ઓળખ એની પોતાની નજરમાં ધૂંધળી બને છે. આપણે અજાણતાં કેટલીક લાક્ષણિકતાઓને બાળકનું વ્યક્તિત્વ બનાવી દઈએ છીએ.

અહીં રીયા લાડકોડમાં ઉછરી હોવાથી એની મમ્મી સાથે ગેરવર્તણુંક કરીને પોતાની નારાજગી દર્શાવી શકી બાકી મોટાભાગનાં કિસ્સામાં બાળકો મૂંઝાયા જ કરતા હોય છે. એમનો આત્મવિશ્વાસ જોખમાતો હોય છે. ‘પોતાની નોખી ઓળખ છે કે નહીં?’ એવો પ્રશ્ન થતો હોય છે.

ઘણીવાર બાળકને પોતાના મા / બાપ ની કોઈ ટેવ, કોઈ રીત, કોઈ બાબત પસંદ ન હોય અને એવાં સંજોગોમાં એની સરખામણી મા / બાપ સાથે કરવામાં આવે તો એમને ગુસ્સો આવે, ખોટું લાગે અને ક્યારેક બાળક સામું પણ બોલી દે.

આપણાં લક્ષણોની સામ્યતા બાળક સામે એવી રીતે રજુ કરીએ જેથી આપણાં જેવાં કેટલાંક લક્ષણો ધરાવતાં હોવાનું આપણાં બાળકોને ગર્વ થાય. સાથે સાથે આપણાં કરતાં ભિન્ન હોવાનો અને એક સંપૂર્ણપણે અલગ વ્યક્તિત્વનાં માલિક હોવાનો પણ એહસાસ થાય.

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫)

  • Ansuya Desai

    Khub sundar lekh
    Sau ne potana balko mate prem hoy …prem lad kari Vykt karvaa ma aave ..pan e abhivykti vadhu padti na hovi joiye….ke balak ma ahnkar utpnn thay…
    Pag dharti par rahe …..enu dhyan pan rakhvu etlu j jarui….
    Vadilo ane balko e vanchva jevo lekh

  • Ranjana Naik

    Its an eye opening article. Couldn’t imagine that a daughter can be jealous of her own mother. Very difficult to understand kids’ psychology. They have to be tackled very carefully. Very nicely explained!

  • shaikh fahmida

    Nice article. Congrates.
    Vadhu padto laad are re na na na.
    Vadhu padto gusso are re na na na.
    Laad ma balak chatki jaye are re na na na.
    Gussa ma balak bhatki jaye are re na na na.
    Banne ne vehcho barabar are re ha ha ha.

  • Harshad Dave

    અદેખાઈ, ઈર્ષ્યા અને મહત્વ …મનમાં પોતાની સર્વશ્રેષ્ઠ છબી/છાપ…યોગ્ય મિત્રોનો અભાવ…અવલોકન શક્તિનો અપર્યાપ્ત વિકાસ…અને અહં એટલે કે ઈગો …સ્વકેન્દ્રિત વલણ ઘણીવાર આત્મઘાતી વળાંક પણ લઇ લે. બાળક આખરે બાળક છે…પરિપકવતા આવે નહીં ત્યાં સુધી તે બાળક જ રહે છે તેને સમજાવવું જોઈએ કે ભલે વડ તેવાં ટેટા અને બાપ તેવાં બેટા હોય પરંતુ અમ વીતી તુજ વીતશે એ ન ભૂલવું જોઈએ. આ બધું ચિડિયા ખેત ચુગી જાય તે પહેલાં કેમ શક્ય બને? કારણ કે ઋતુ આયે ફલ હોય… સુંદર વિશ્લેષણ…મનનીય… -હદ.

  • jacob

    આપણા સમાજમાં સામાન્ય રીતે પુત્રને લાડ લડાવવામાં આવે છે, ને એમાં વાત બગડે છે પણ ખરી. ઘણા વખતે દીકરી જન્મે તો પિતા ઘરમાં માંડવો આવ્યો એ મકરી હરખાતા હોય છે. એ આવકાર સારો છે. પણ પુત્ર હોય કે પુત્રી બંનેને સરખું મહત્વ આપી ઉછેરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઓછા થઇ જાય. અહીં રીયાને છેલ્લા પાટલે બેસતી પહેલેથી અટકાવવાની ને પ્રેમથી સમજાવવાની જરૂર હતી. એમ થયું હોત તો માને દુશ્મન ના માની લેત. ખેર, સંસારમાં સમય વીતે પછી જ ભાન આવતું હોય છે !