ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર 23


૧. જીંદગીનું ચક્ર

મેળામાં ગયા હોય તો કદી…
‘ટોરાં-ટોરાં’ કે બ્રેક ડાન્સમાં બેઠા છો?
હજું બેઠા જ હોય…
ને બીજાં બેસતાં હોય
મશીન શરૂ પણ ન થયું હોય, ત્યારે
જાતે-જાતે ફેરવવાનો પ્રયાસો હોય
અંદરનો જોમ આઠમે માળે રખડ્યે જાય
જુસ્સો અંદર ઘૂરકિયાં કાઢે
‘ટોરાં-ટોરાં’ ચાલુ થાય
શરુઆતમાં ફરે જ ના…
ઇર્ષ્યા થાય; દ્વેષભાવ જન્મે..
પેલા ત્રણેય ડબ્બાનું મસ્ત ફરે છે
મારું જ કેમ પાછળ રહ્યું?
બે-ત્રણ રાઉન્ડ પછી આપણુંય ફરે
થોડી સેકંડ્સની મઝા, પછી…
પછી તો, ત્રણ ગણું ફરે
‘રિવોલ્યુશન’ પણ ફરે ને
‘રોટેશન’ પણ થાય
મન-મસ્તિષ્કનો આયખો જ બદલાઈ જાય
‘એન્ટિક્લૉક’ ઘૂમે ને જોડે
‘ક્લોકવાઈઝ’ પણ ઘૂમે
સ્ટીલના ડંડાને રીતસરનું દબાવાય
પગને પતરા પર પછાડાય
‘બસ કરો કાકા…
3૦ રૂ. આપ્યા છે, ૩૦૦૦ નહીં’
ઠંડા કલેજાના ધબકારા વધે
પછી શરુ થાય અસ્તિત્વની લડત
પહેલા પોતાનું ચાલતું ન હોવાનું દુઃખ
પછી પ્રસિદ્ધિ મળી,
તો ઝાઝી મળ્યાનું દુઃખ
‘બસ..હજુ મારે જીંદગી જોવી છે;
અસ્તિત્વ મારેય ટકાવવું છે
થોડાં સંઘર્ષમાં જ થાકી જવાય
નિયતિ સામે હારી જવાય
પણ આપમેળેજ તકલીફ બંધ થાય…
મન શાંત થાય
પણ પછી…! પછી, કંટાળો આવે
સાલું.. સંઘર્ષ વગર તે કઈ રીતે જીવાય?
ને પાછી ટીકિટ ખરીદીને
જીંદગીના ‘ટોરાં-ટોરાં’માં ફરાય…

૨. માંગુ છું..

હું સમર્થન નહીં, સમજણ માંગુ છું,
અતીતથી ભવિષ્યનું વર્તન માંગુ છું;

આ સંબંધો તો છે કાચી નેતર,
પાક્કી થવા સુધીનો સમય માંગુ છું.

તને કેમ કરીને સમજાવું મારા ‘ભાઈબંધ’,
કે મિત્રતાથી વિશેષ હુંય કંઈક માંગુ છું.

સમજવી છે આ જીવનની આંટીઘૂંટીઓને,
એટલે જ તો સ્નેહરૂપી દર્પણ માંગુ છું.

તારું કહેલું બ્રહ્મવચન છે, ખબર છે
પણ હુંય એનું અર્થઘટન માંગુ છું

હવે કઠિન છે આ દુનિયામાં અટોટલું રહેવું
એટલે હું ય ‘પ્રણય’ રૂપી હમસફર માંગુ છું,

મારા ‘ખોટા બોલેલા’ પર સમર્થન નહીં
સાચી વસ્તુની સમજણ માંગુ છું..

૩. મારું વીસમું વહેલું આવ્યું…

વીસમું બેઠું આજે મને, થઇ ગયો હું ઓગણીસનો,
નવો ‘સોલ’ નંખાયો, પણ સંબંધ નથી મારે મોચીનો,
‘હઇસો..હઇસો..’ કરતાં કરતાં જીવનનું વીસમું આવ્યું.

નાજુક સપના પૂરાં થયા, હવે કંઇક નક્કર વસમું લાવ્યું,
ટીનેજની ભાગોળે ઊભાઊભા, ટાયરને જોર બમણું આવ્યું,
જલ્દી કરો ભગવાન મોટાં-મોટાં; હજુતો વીસમું જ આવ્યું.

લાખ દુખેરી વાતો છે, ને છે ઘણાંય સુખનાં શમણાં,
હજુ કાલે તો ‘બચ્ચો’ હતો, ને જુવાનીયો થઇ ગયો હમણાં.

હવે દાબેલીમાં ભાગ નહીં, ચામાં ફૂંકની વાત નહીં,
એકલા-એકલા રસ્તામાં જતા, જોરથી કોઈની વાત નહીં.

વાંદરો, જંગલી, લુચ્ચો-લુચ્ચી… બધાં હવે પડ્યા છે ઠંડા,
લાવ જોઉં મારો એનાલીસિસ… ભણ્યો કેટલું…? ગંઠોડા!

કાચબા જેવી ‘પ્રિન્સી’ ચાલ, ઢચુંપચું હું ચાલું
પેલા દોડતાં સસલાંને ઊંઘાડીને, મારું વીસમું વહેલું આવ્યું…

– પ્રિન્સ ગજ્જર

નવોદિત રચનાકારોને મંચ આપવાની પોતાની એક અનોખી જ મજા છે. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ગાંધીનગરમાં મેટલર્જીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહેલા પ્રિન્સભાઈ ગજ્જરની અક્ષરનાદ પર આ પ્રથમ રચનાઓ છે, ત્રણેય અછાંદસ સુંદર છે, પણ વિશેષ ધ્યાન ખેંચે છે એક નવોદિત તરીકે તેમની વિષયપસંદગી. ત્રણેય ભિન્ન વિષયોમાં તેમનો સર્જનનો પ્રયત્ન સરસ છે પરંતુ તેમાં પ્રથમ અછાંદસ ધ્યાન ખેંચે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ પ્રિન્સભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

આજે આ પ્રસંગે એ વાત મૂકવાની ઇચ્છા છે કે નવોદિત રચનાકારોની કૃતિઓ કોઈ એક કાવ્યપ્રકારમાં બંધબેસતી હોતી નથી એવો મિત્રોનો સતત પ્રતિભાવ તેના સ્થાને સાચો છે, ગઝલ રચના તરીકે મોકલેલી કૃતિઓ ન ગઝલ – ન કવિતા એવા મિશ્ર સ્વરૂપમાં હોય છે, ક્યારેક અછાંદસ તરીકે પાઠવેલી રચના પ્રાસમેળ કહી શકાય એવી હોય છે તો ક્યારેક ગઝલ તરીકે મોકલાયેલી રચના અછાંદસ હોય છે. ખેર! પ્રથમ પ્રયત્ને જે પણ અમને મોકલાયું છે તેને પદ્યરચના તરીકે પ્રસ્તુત કરી વાચકોને પ્રતિભાવ દ્વારા જ એ વ્યક્ત કરવાનો અવસર આપવાનો મારો હેતુ રહ્યો છે, કવિની સર્જનશક્તિનો ક્યાસ તેઓ કેવો મૂલવે છે એ વધુ અગત્યનું છે કારણ સર્જનકળા અગત્યની છે કે શાસ્ત્રીય રચનારીત એ વિશે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી. નવોદિતોને ‘ના’ કહીને હતોત્સાહ કરવા કરતાં તેમને માર્ગદર્શન આપી તેમની સર્જનશક્તિને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન કરવો જરૂરી છે, અને એ વાચકોનો પ્રતિભાવ જ કરી શકે.


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર