ખુરશી સુધી જવાનો.. – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’ 7


આત્મા, મહાત્મા, બાપૂ, અને ગાંધી.. આ ફોર ઇન વન એટલે પોરબંદરવાળા મોહનદાસ કરમચંદ ગાંધી. છતાં, પોરબંદરવાળા લખવું પડે ભાઈ, જાણો તો છો કે, અત્યારે આપણી પાસે બાપુ અને ગાંધીનો સ્ટોક ભરપૂર છે. ટેન્ડર જો બહાર પાડીએ તો ઢગલેબંધ બાપુ અને ઢગલેબંધ ગાંધી નીકળે, કારણ ભારત એટલે જાહોજલાલીનો દેશ. હવે ક્વોલીટી-ક્વોલીટી શું કરો છો? જે ક્વોલીટી જોઈએ તે હાજરા હજુર! આપણી પાસે વંદનીય બાપુ પણ ખરાં અને નિંદનીય બાપુ પણ. એમ ગાંધી પણ મળી રહે. પણ.. ઓરીજીનલ ગાંધી અને ઓરીજીનલ બાપુ તો એક જ. આપણો સાબરમતીનો સંત પોતડીવાળો બાપુ.. પોરબંદરનો મો. ક. ગાંધી.

બાપુ, સાચી વાત કહું? અમે આપના વિષે લખી જાણીએ અને બોલી જાણીએ એટલું જ બાકી અમે ક્યાં આપને જોયાં છે? જેમણે જોયાં છે એ હવે બોલતાં નથી. અમે તો આપને માત્ર વાંચ્યા છે, જેમ ભરતી પછી ઓટ આવે, એમ ગાંધી પછી આંધી આવી હોય એમ આપના ગયાં પછી અમે પૃથ્વી ઉપર આવ્યાં! જો કે અમે સ્હેજના માટે જ ગાડી ચૂકી ગયેલાં. પણ ભાગ્યમાં ભમરડા હોય તો ભગવાન ક્યાંથી મળે? આપની સાથે રહી, આઝાદીની એકપણ લાઠી અમને ખાવા ના મળી એ અમારાં માટે આ સદીની શરમજનક ઘટના છે! છે, આજે અમારી પાસે ગાંધી તો ઘણાં છે બાપુ.. પણ મહાત્મા ગાંધી નથી.

તેમ છતાં, રાષ્ટ્રીય તહેવાર આવે એટલે અમે સહસ્ત્ર નામાવલિ વાંચતા હોય, એમ યાદ કરીએ છીએ. “સત્યના પ્રયોગો” નું પારાયણ પણ કરીએ. એમાં નેતાઓની તો શું વાત કરવી? આ દિવસોમાં તો એ આપને શ્વાસે શ્વાસે યાદ કરે! જેમ બાપદાદા લીલી વાડી મૂકી ગયાં પછી દીકરાઓને જલસા થઇ જાય એમ અહીં બધાને જલસા જ જલસા છે.

બાપુ આપ તો જાણો છો કે ભારત એટલે ધર્મનો દેશ, સંસ્કૃતિનો દેશ.. અમે પૂંજન અર્ચનમાં તો કંઈ જ કમી ન રાખીએ! નાગ પાંચમના દિવસે નાગનુંં પૂંજન કરીએ, નોળી નેમના દિવસે નોળિયાનું પૂજન કરીએ, રાંધણ છઠના દિવસે ચૂલાનું પૂજન કરીએ. અને બળેવ આવે એટલે ભાઈનું પૂજન કરીએ. પછી ભલે આખું વર્ષ ભાઈ બહેન ઝઘડતા હોય! એમ ચૂંંટણી વખતે જ નેતા-નેતામાં ડખા, બાકી ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરી આવે એટલે હમ સબ ગાંધી-ગાંધી ભાઈ-ભાઈ! આપના રટણ ચાલુ.. અને તે પણ કેવાં? અમારાં પ્રભાતિયામાં બાપુ, અમારી પ્રાર્થનાસભામાં બાપુ, શૌર્ય ગીતમાં બાપુ.. અને વેશભૂષામાં પણ બાપુ! અમે મહાત્મા ગાંધીની જય બોલી બોલીને થાકી જઈએ. બસ, આખો દિવસ રેડિયામાંં તમે, ટીવીમાંં તમે, ભાષણમાંં તમે અને બાળકોના અભિનયમાંં પણ તમે જ તમે….! જેવું “સાબરમતી કે સંત તૂને કર દીયા કમાલ” નુંં ગીત સંંભાળાયું એટલે નાનું છોકરું પણ સમજી જાય કે આજે રાષ્ટ્રીય તહેવાર છે. એ “મહાત્મા ગાંધી કી.. જય” બોલી જ નાંંખે. બાકીના દિવસોમાં તો પેટ માટે જ એટલી વેઠ કરવાની કે આપ યાદ ન આવો એવું બને. પણ અમારાં નેતાઓ તો આપના નામની માળા જ કરવાની બાકી રાખે.

હા એક વાત છે, ખાદીને બદલે હવે અમને ગાદીની રાજનીતિમાં લપસવાની ખૂબ મઝા આવે છે. બાકી પ્રગતિ તો ખૂબ કરી. રેંટિયાની જગ્યાએ રેડિયા લાવ્યા. પછી ટીવી લાવ્યા. ટીવી એટલે કે ટેલીવિઝન બાપુ! કદાચ આપના જોવામાં ઓછું હોય. પણ શૌચાલય કરતાં, અમારી પાસે ટીવી વધારે અને તે પણ સબસીડી વગરનાં એમાં ‘કૌન બનેગા કરોડપતિ’ જોઈએ તો ક્યારેક ટામેટાના ભાવ ભૂલવા, તારક મહેતાના ઉબડા ચશ્મા પણ જોઈ નાંખીએ! અમને ખૂબ મઝા આવે! એટલે તો શૌચાલય વગર અમને ચાલે. પણ ટીવી વગર ન ચાલે. શૌચાલય માટે તો સબ ભૂમિ ગોપાલકી હોય જ, પણ.. ટીવી માટે વારેઘડી પડોશીને થોડાં હેરાન કરાય?

બીજી તો શું વાત કરવી બાપુ! આપે તો અમને માત્ર “ગાંધી ટોપી” જ આપેલી. પણ એક કેજરીવાલ નામના માણસે, તો ટોપીમાં પણ એક નવી બ્રાન્ડ માર્કેટમાં મૂકી. એ ટોપીએ તો ભલભલા રાજકારણીને તાજેતરની ચૂંટણીમાં પરસેવો પાડી દીધેલો! પણ બાપુ.. આ ટોપીનું પણ ગાંધી ટોપી જેવું જ થયું. રામ જાણે એ ટોપીમાં ટાઈમર મુકેલું કે શું, પણ આ ટોપી બહુ ચાલી નહીં.. બાકી આ ટોપીએ એક ઝાટકે દિલ્હી તો સર કરી જ નાંખેલું… બહુ ચાલે તે થોડાં માટે એવું કહેવાય ખરું પણ ચમકારો તો આપતી ગઈ.

એક વાત કહું? જેમ વર્ગખંડના વિદ્યાર્થીઓ ક્લાસ ટીચરની હાજરીમાંં ડાહ્યાડમરા થઇ જાય એમ આપ હતા ત્યાં સુધી બધું જ આપ-ટુ-ડેટ ચાલ્યું. લોકો ખાદીમાં જ માનતા ગાદીમાં નહી. સ્વદેશી ભાવના પણ કેવી હતી? આજે તો સોનિયાજી ઇન્પોર્ટ અને સાનિયાજી એકસ્પોર્ટ! કેટલાક પંજામાં પોતાની ભાગ્યરેખા શોધે, તો કેટલાક કમળના ફૂલ ભેગા કરવામાં જ વ્યસ્ત! અમે આપનું પ્રિય ગીત “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” આજે ગાઈએ તો છે, પણ પ્રાર્થનાસભામાં ગાવા જઈએ તો છોકરાંઓ હાલરડું સમજીને સૂઈ જાય. પછી એમને ઉઠાડવા માટે અમારે ધૂન ગાવી પડે. “લૂંગી ડાન્સ, લૂંગી ડાન્સ” કે “બીડી જલાઈ લે.. જીગરસે..” તો જાગે.

બાપુ, આપ ત્યાં છો તો ભગવાનને કહો ને કે એ ક્યારે જનમ લેવાના? જન્માષ્ટમીએ ખોટાં ખોટાં પારણા અમારે ક્યાં સુધી ઝૂલાવવાના? જો કે જનમ લેવામાં પણ પ્રોબ્લેમ તો છે જ. પ્રભુ જન્મે તો પણ ક્યાં જન્મે? અયોધ્યામાં જન્મ્યા તો હજારો વર્ષ પછી ધાંધિયા થયા. હજી આગલી જન્મભૂમિનું તો પત્યું નથી, ત્યાં ફરી જન્મ લે તો ફરી ગૂંચવાડો.

જો બાપુ, આપને સ્વર્ગની પ્રાર્થના સભામાં જવાનું થાય તો પ્રભુ શ્રી રામને કહેજો કે હવે જન્મો તો “સબ ભૂમિ ગોપાલકી” નું તામ્રપત્ર લખાવીને જ લાવજો. સંસદમાં તો અમે બેઠાં છે, એપ્રૂવ કરાવી લઈશું. હવે તો અહીં જનમના દાખલા બહુ માંગે છે. જનમના મુદ્દે હવે કોઈ રામશરણ થાય તે હવે જીરવાતું નથી. સમજ્યા ને?

બાપુ, સમય બહુ બદલાયો છે.. આપના વખતમાં તો મકાનો નીચા અને માણસો ઊંચા હતા, આજે મકાનો ઊંચા અને માણસો નીચા થઇ ગયાં. કોને કહેવું? મૂઆ બધા જ કડવી વેલના કડવા. આપણને તો એમજ લાગે કે વાહ, મારો દિકરો મહાત્મા ગાંધીજીનું “સત્યના પ્રયોગો” પુસ્તક વાંચે છે, પણ વાતમાં કંઇ માલ નહિ. એ તો ખાલી પૂઠું જ હોય. અંદર તો કંઈ ભળતુંં જ હોય. ક્યારેક આપની વાતો કરું તો, ખી.. ખી.. ખી.. ખી.. કરીને હસે છે. તમે જ કહો, અમારા હાડકા ઉકળે કે ના ઉકળે? લોહી તો જાણે ન ઉકળે, કારણ શરીરમાં હોય તો ને? અમારાં જાજરમાન કવિ શેખાદમ આબુવાલાનું પણ લોહી ઉકળી ગયેલું. એટલે તો એમણે લખ્યું..

કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી, તને ખબર છે કે તારું થયુ છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

આજકાલની પરિસ્થિતિઓ, સામાજીક, રાજકીય અને લોકજીવન વિશેની વાતો લઈને રમેશભાઈ ચાંપાનેરીએ પૂ. બાપુ, ગાંધીજીને એક પત્ર લખ્યો છે, હળવી શૈલીમાં પણ ભારે વાતો અસરકારક રીતે મૂકી શક્યા હોવાને લીધે રમેશભાઈનો પ્રસ્તુત લેખ ખૂબ જ સુંદર અને માણવાલાયક થયો છે. તેમની આગવી શૈલીની અસર સાથે અનેક વાતો તેમણે અહીં સાંકળી લીધી છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ખુરશી સુધી જવાનો.. – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’

 • Kalidas V. Patel { Vagosana }

  રમેશભાઈ,
  ગાંધી બાપુ વિષે આપે હળવી શૈલીમાં ખૂબ જ સચોટ રજૂઆત કરી. … ખરેખર, આજે તો ગાંધી ક્યાં ખોવાઈ ગયો છે ?…..આ સંદર્ભે મારી એક “ગાંધી કવિતા” —

  લીડરશીપ … !

  જરૂર પડી છે
  ‘લ્યા ગાંધી, તારી.
  લડવા જવું છે , અમારે
  થઈશ તું લીડર … ?
  પૂછવું પડે છે, ભલા …!
  કારણ… …
  લડત છે, આ …
  તારા જ ચેલાઓ સામે … !

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • dhruw gosai

  ekdam judi j shaili ma lakhyu chh…aj ni paristhiti ma bandh bestu chej. Aj kal ni amari young generation gandhi ne badle loko ni andhi ma vishwas karti thaI gai chh…ane desh prem . Khursi sudhi . Pahichwano sagwadio dharm thai gyo chh .. jo gandhi ji fari awi ne janm le..to kharekhar emne lage k mara name kam thay chhe….mara photawali noto thi kam thay chh…
  Vandematram.