જોરદાર ગોળની ગળચટ્ટી વાતો… – હર્ષદ દવે 13


અમિતાભ બચ્ચનની બજારમાં એન્ટ્રી થતાં જ બધાં વેપારીઓના મનમાં ફાળ પડે. રોજની જેમ આજે પણ તે સહુથી છેલ્લે આવીને સહુથી પહેલાં પોતાનો બધો માલ વેચીને મોજથી જતો રહે! બધા ગ્રાહકો પણ તેની પાસેથી જ માલ લેવા પડાપડી કરતા. પણ… આજે એવું ન થયું! કેમ? ગઈકાલે તેણે જે ગ્રાહકોને માલ વેચ્યો હતો તે બધા ફરિયાદ સાથે માલની પાછો આપતા હતા અને આજે તેઓ તેનો માલ મફતમાં લેવા પણ તૈયાર ન હતા. એ હતો ગોળ! હું મજાક નથી કરતો, ખરેખર અમિતાભ બચ્ચન ગોળ વેચે છે! આજના યંગ લોકો યંગ થયાં તે પહેલાં ૧૯૭૩ માં બનેલી કલાત્મક ફિલ્મ ‘સૌદાગર’ જોશો તો મારી વાત જરૂર માનશો.

આપણે અહીં અમિતાભ બચ્ચનની વાત કરવાના નથી. આપણે તો ગ્લોબલ હેલ્થને લગતી ગોળની ગળચટ્ટી વાતો કરવી છે! શેરડીના રસને ઉકાળીને જે મજેદાર મીઠી વસ્તુ બનાવવામાં આવે છે તેને અંગ્રેજીમાં જેગરી (ટ્રીકલ), હિન્દીમાં ગુડ અને ગુજરાતીમાં ગોળ કહે છે.

તરત જન્મેલા બાળકને ગળથૂથીમાં ગોળનું પાણી અને ઘી આપવામાં આવે છે. ગોળપાપડી અમુક લોકોની પ્રિય વાનગી હોય છે. માંગલિક અવસરે ગોળ-ધાણા વહેંચવામાં આવે છે. બાળકોને સ્કૂલમાં રજા મળે એટલે જાણે ગોળનું ગાડું મળી જાય. કહેવત છે કે ‘મા વિના સૂનો સંસાર અને ગોળ વિના મોળો કંસાર’.

ગોળ માણસને શારીરિક અને માનસિક શક્તિ પ્રદાન કરે છે. તેને ઔષધિય ખાંડ પણ કહે છે. આપણે તેને ગોળનું ભીલું કહીએ છીએ. તે ઘણાં વિવિધ સ્વરૂપે મળે છે જેમ કે: રવાદાર, પ્રવાહી, બૂરું (ભૂકો), ભીલું અથવા ગોળનું દડબું કે ગોળના ગાંગડા. તેનાં પરથી બનેલી આ કહેવત તો તમે સાંભળી જ હશે: ‘ગોળના ગાંગડે ગાંધી ન થવાય.’

અમુક લોકોને ગોળ કરતાં ખાંડ વધારે ભાવે. તમે ભલે ખાંડ ખાતા હો પણ આ લેખ વાંચીને તમે ખાંડને બદલે ગોળ ખાતા થઇ જશો! અલબત, હું તમારી કોણીએ ગોળ નથી ચોટાડતો.

ગોળનું પાચન ધીમે ધીમે થાય છે અને તે જળવાઈ રહે તેવી શક્તિ આપે છે. ખાંડ તરત લોહીમાં ભળી જાય છે અને તરત શક્તિ આપે છે. ગોળ બનાવવાની પ્રક્રિયા થોડી અટપટી લાગે અને ખાંડ બનાવવાની પ્રક્રિયા ભલે સહેલામાં સહેલી હોય છતાં ગોળ સ્વાદમાં મધુર અને વસ્તુને રંગીન બનાવે છે અને ખાંડ માત્ર ગળપણ ધરાવે છે. ખાંડ કેલેરી રહિત છે જયારે ગોળમાં લોહ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ છે. ખાંડ કેલ્શિયમ અને મેગ્નેસિયમ લેવામાં અવરોધક બને છે. જયારે ગોળ કેલ્શિયમ ને ધારણ કરે છે. ગોળ પર્યાવરણને અનુરૂપ છે, ખાંડનો ઉદ્યોગ હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે વળી ખાંડ એસીડીટી પણ ઉત્પન્ન કરે છે. ગોળ હોજરીમાં જઈને પાચક રસ બની જાય છે. ગોળના ફાયદા અઢળક છે, આંગળીના વેઢા ઓછા પડે…જુઓ:

 તે શક્તિદાયક આહાર છે કારણ કે તેમાં કાર્બહાઈડ્રેટ છે, તેનું પૂરતું પ્રમાણ શરીરને શક્તિ આપે છે અને ઓકસીનેશન દ્વારા તે જળવાઈ રહે તેવી શક્તિ પણ ઉત્પન્ન કરે છે. ખાંડ કરતાં ગોળથી વધારે હૂંફ મળે છે અને શરીરમાં તાકાત ટકી રહે છે. તે શરીરનાં આંતરિક અવયવોને માફક આવે છે. તે સારો પૂરક આહાર છે.

 ગોળ સફાઈ કરે છે: તે શ્વસનતંત્રને, તેનાં માર્ગને, ફેફસાંને, અન્નનળીને, પેટ અને આંતરડાને અસરકારકપણે સાફ રાખે છે. તેમાં રહેલા રેસાને લીધે તે કબજીયાતમાં રાહત આપે છે. ગોળમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટનાં ગુણધર્મો છે જે શરીરનાં કોષોને નુકસાન થતાં અટકાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ કિડનીની કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.

 ગોળ પાચનકર્તા છે: ભલે ન માનવામાં આવે, પણ હકીકતમાં ગોળ પાચન કરવામાં મદદ કરે છે. અમથું નથી કહેવાતું કે ‘મધુરેણ સમાપયેત’. તે પાચનક્રિયાને સક્રિય કરે છે પરિણામે પાચન ઝડપથી થાય છે.

 ગોળ પિત્તનું શમન કરવામાં મદદ કરે છે: આયુર્વેદ પ્રમાણે ગોળ પિત્ત વિકારમાં ઈલાજ તરીકે તથા કમળાની સારવારમાં પણ ઉપયોગી છે. તે લીવરની કાર્યશક્તિ વધારે છે.

 ગોળ એસિડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે: ગોળમાં પોટેશિયમનું પ્રમાણ વધારે છે અને સોડિયમનું પ્રમાણ ઓછું છે જેથી તે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે તથા લોહીમાં પાણીના પ્રમાણને વધવા નથી દેતો. ગોળને સૂંઠ સાથે લેવામાં આવે ત્યારે તે એસીડીટી અને ગેસ માટે સારો ઉપચાર બની જાય છે.

 ગોળ પર્યાવરણ સહાયક છે: ડબલ્યુ ડબલ્યુ એફ – વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડનાં મંતવ્ય પ્રમાણે ખંડના કારખાના હવા, પાણી અને ધરતીમાં પ્રદૂષણ ફેલાવે છે જયારે ગોળ શેરડીના રસને લોખંડના પાત્રમાં ઉકાળીને બનાવવામાં આવે છે. તેથી તે વધારે સ્વાસ્થ્યપ્રદ અને વધારે તાજગી આપનારો છે.

 ગોળ તાણ-આંચકીની સારવારમાં મદદ કરે છે: સ્નાયુ ખેંચાઈ જવા, તાણ આવવી કે થાક લાગવા જેવાં લક્ષણો મેગ્નેશિયમ અને પોટેશિયમની કમીને લીધે જોવા મળે છે. તેને હાઈપોકેલેમીયા કહે છે. ગોળ તેમાં રાહત આપે છે.

 ગોળ હાડકાંને મજબૂત કરે છે અને તેને મજબૂત પણ રાખે છે: ગોળમાં રહેલું મેગ્નેશીયમ હાડકાની મજબૂતી સાથે સીધેસીધું સંકળાયેલું છે. તેની ખામીથી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થિની નબળાઈ) જેવી વ્યાધિ ઉદભવી શકે. મેગ્નેશીયમ શરીરમાં વિટામીન ‘ડી’, કોપર, ઝીંકની સાથે કેલ્શિયમનાં લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.

 ગોળ મૂર્ચ્છા આવવાની મુશ્કેલીને અટકાવે છે: તેમાં રહેલું પોટેશિયમ મગજની કાર્યક્ષમતાને નોર્મલ સ્તરે જાળવી રાખવામાં બહુ ઉપયોગી બને છે.

 ગોળ અસ્થમા(દમ)ને અટકાવે છે: દમના તીવ્ર હુમલાને ખાળીને શ્વાસોચ્છવાસની ક્રિયાને ફરી સામાન્ય કરવા માટે ગોળ ફાયદાકારક છે. કારણ કે તેમાં રહેલું મેગ્નેશીયમ શ્વાસનળીને રાહત આપીને તેને સ્વાભાવિક કરવામાં સાથ આપે છે. અરે તે સીસોટી જેવા અવાજ સાથે ચાલતા શ્વાસોચ્છવાસને અને શ્વાસ ન લઇ શકવાથી ચડતી હાંફમાં પણ રાહત અપાવે છે!

 ગોળ હેમોગ્લોબિન(રક્તકણો)માં વધારો કરે છે: ગોળમાં લોહ તત્વ ઘણું છે તેથી એનેમિક(પાંડુરોગવાળા) લોકો માટે તેની ખાસ ભલામણ કરવામાં આવે છે.

 રોજિંદી રસોઈમાં ઉપયોગી: મહારાષ્ટ્રમાં બહુધા શાકભાજીમાં, કઢીમાં અને દાળમાં ગોળ નાખવામાં આવે છે. ક્યારેક સાંભાર, રસમ અને અન્ય રસાદાર વાનગીઓમાં પણ ગોળનો સ્વાદ મધુર લાગે છે.
મકરસંક્રાંતિમાં તલ-ગોળ, મગફળીનાં દાણા-ગોળ વગેરેની ચીકી અને ગજક બધાં હોંશથી ખાય છે. ગળપણ તરીકે તેનો છૂટથી ઉપયોગ થાય છે. ગોળ અને ભાત રાજસ્થાની ખોરાકનો મુખ્ય ભાગ છે. તીખાશ, ખટાશ, અને ખારાશના પૂરક સ્વાદ તરીકે મગ અને મસૂરના સૂપમાં તેને ઉમેરીને સંતુલન સાધવામાં આવે છે. ગુજરાતી રસોડામાં ગોળનો ઉપયોગ કરીને ગોળપાપડી અને બીજા ઘણા પાક બનાવવામાં આવે છે જેની સાથે દૂધ, ટોપરું, મગફળી, બદામ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

બાળકો અને પુખ્ત વયના માણસોને ઉપવાસ પછી પારણાં કરાવતી વખતે રાબ, કાંજી કે દૂધમાં ખંડને બદલે તેનાં સારા વિકલ્પ તરીકે ગોળને પસંદ કરવામાં આવે છે.
અથાણાંમાં ગોળનો ઉપયોગ કરવાથી તે લાંબા સમય સુધી બગડતાં નથી.

લીંબુપાણી અને ચામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શરીરમાં શુગર(ખાંડ)નું પ્રમાણ ઓછું કરવા માટે ગોળ લઇ શકાય.

અરે ભાઈ, હજુ શું વિચારો છો ? હવે તો ખાંડ છોડીને ગોળનાં ગળપણનો સ્વાદ લો.

ગોળનું પોષણમૂલ્ય ખાંડ કરતાં ચઢિયાતું છે. તે પ્રાકૃતિક વિટામીન અને ખનીજયુક્ત મીઠાશનું સમૃદ્ધ સ્રોત છે.

ખાંડ એટલી પણ ખરાબ નથી જો પ્રમાણસર લેવામાં આવે તો. પરંતુ કમનસીબે તેનો સંબંધ અમુક બીમારીઓ સાથે છે જેમાં મેદસ્વિતા (જાડાપણું), મધુપ્રમેહ (ડાયાબીટીસ), દાંતના પોલાણ અને હૃદય સંબંધિત તકલીફોનો સમાવેશ થાય છે.
ગોળ સોનેરી, ઘઉંવર્ણો કે કાળા રંગનો હોય છે જેને મોલાસીસ (ગોળનો રવો, રસી અથવા કાકવી) કહે છે.

ગોળના પોષક તત્વો પર પણ એક નજર કરીએ:

ગોળ એશિયાના અમુક ભાગોમાં, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. તેને શેરડીમાંથી મેળવવામાં આવે છે અને જેમાં ઊંચા પ્રમાણમાં ગળપણ, ગ્લુકોઝ અને ફ્ર્કટોસ હોય તેવી વનસ્પતિ તથા છોડમાંથી પણ મેળવવામાં આવે છે. પરંતુ આપણે સહુ જાણીએ છીએ કે સફેદ ખાંડ પણ શેરડીમાંથી જ મેળવાય છે. તો પછી ગોળમાં એવું શું છે જે ખાંડમાં નથી? ગોળની વિશિષ્ટતા તેને બનાવવાની પ્રક્રિયામાં છે! તેમાં શેરડીના રસ અથવા માવાને સીધેસીધો ઉકાળવામાં આવે છે અને તેની વચ્ચે બીજી કોઈ પ્રક્રિયા થતી નથી.

શુદ્ધ સફેદ ખાંડ કરતાં ગોળમાં ૬૦ ગણા વધારે ખનીજ દ્રવ્યો છે. એક ચમચો ગોળ ૪-૫ મિ.ગ્રા. કેલ્શિયમ, ૨-૩ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૮ મિ.ગ્રા. મેગ્નેશીયમ, ૪૮ મિ.ગ્રા.પોટેશિયમ, અડધો મિ.ગ્રા. લોહ અને તે ઉપરાંત તેમાં ઝીંક, તાંબુ (કોપર), થિયામીન, રિબીફ્લેવીન અને નિઆસિન પણ છે. તેની સામે ખાંડમાં આ તત્વો લગભગ નથી.

• કેલરી: ગોળમાં ઉચ્ચ પ્રમાણમાં ગળપણ, ગ્લુકોઝ અને ફ્રકટોસ છે તેમાં રહેલી કેલરીનું પ્રમાણ પણ ઘણું વધારે છે. ૧૦૦ ગ્રામ જેટલો ગોળ રોજ આહારમાં લેવામાં આવે તો તે ૩૦૮ kcal/કેલરી પૂરી પાડે છે.

• ગળપણ/મીઠાશ: સારી રીતે બનાવેલાં ગોળમાં ૫૦ ટકા સક્રોસ અને ૨૦ ટકા ગ્લુકોઝ અને ફ્રકટોસ હોય છે. ભેજ (મોઇશ્ચર) લગભગ ૨૦ ટકા હોય છે. બાકી પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, ભસ્મ, છોતરા અને અન્ય ઓગળે નહીં તેવાં પદાર્થો હોય છે.

• પોટેશિયમ: એક ચમચો ગોળ ૪૫ મિ.ગ્રા. પોટેશિયમ ધરાવે છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. હાઈપરટેન્શન અને હાર્ટની તકલીફ ધરાવતા લોકો માટે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

• સેલેનીયમ: શરીરનાં કોષોને સારી રીતે કાર્યરત રાખવા માટે અને રોગપ્રતિકારક શક્તિ માટે અલ્પ માત્રામાં સેલેનીયમ અત્યંત આવશ્યક છે. તેની સાથે મેંગેનીઝની પણ જરૂર રહે છે. આમ તે સબળ એન્ટી-ઓકસીડન્ટ તરીકે ઉપયોગી છે. એ સારી વાત છે કે ગોળ જરૂરી માત્રામાં સેલેનીયમ ધરાવે છે!

• મેગ્નેશીયમ: ગોળમાં સાધારણ પ્રમાણમાં મેગ્નેશીયમ છે. ગોળના એક ચમચામાં ૮ મિ.ગ્રા. મેગ્નેશીયમ હોય છે. જમવામાં રોજ ગોળ લેવાથી સ્ટેમિના વધે છે, સ્નાયુ અને રક્તવાહિનીઓ સશક્ત બને છે.

• કેલ્શિયમ: એક ચમચા ગોળમાં ૪-૫ મિ.ગ્રા. કેલ્શિયમ હોય છે. તાડગોળનાં ગોળમાં કેલ્શિયમનું પ્રમાણ આથી વધારે હોય છે. કેલ્શિયમ દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે તે આપણે જોઈ ગયા છીએ.

• અન્ય પોષક તત્વો: ગોળમાં ખનીજ દ્રવ્યોનું કુલ પ્રમાણ બૂરું-ખાંડ કરતાં ૫ ગણું અને સામાન્ય સફેદ ખાંડ કરતાં ૫૦ ગણું વધારે હોય છે. ગોળમાં ભરપૂર લોહ તત્વ છે જે એનેમિક દર્દીઓ માટે લાભપ્રદ છે. આ ઉપરાંત ગોળમાં જે અન્ય પોષક તત્વો છે તેમાં રીબોફલેવીન, થિયામીન, નિયાસિન, ઝીંક, કોપર અને ક્રોમિયમ છે. ગોળમાં ચરબીનું પ્રમાણ ઓછું છે અને સોડિયમનું પ્રમાણ પણ ઓછું છે.
તંદુરસ્તી જાળવવા માટે ગોળ ફાયદાકારક છે. તેને રોજિંદા ખોરાકમાં લેવામાં આવે તે સહેલામાં સહેલો રસ્તો છે કારણ કે તેથી શક્તિ, જરૂરી વિટામીન, ખનીજ તત્વો કુદરતી સ્વરૂપે મળી રહે છે. જો કે ગોળ મર્યાદિત માત્રામાં જ લેવો જોઈએ.

ખાંડ નહીં ગોળ ખાઓ! સવાના નાસ્તામાં અને બપોરના ભોજનમાં રોજ ગોળ લેવાની ભલામણ કરવામાં આવે છે. ગોળ ખાઓ અને તંદુરસ્ત રહો. ગ્લોબલ હેલ્થ માટે ગોળ ઉત્તમ છે. જોરદાર ગોળની ગળચટ્ટી વાતો ગોળ ખાવા મજબૂર કરી દે તેવી છે ને?!

– હર્ષદ દવે

તમે અમિતાભ બચ્ચનને શું વેચતા જોયા છે? આમ તો અનેક વસ્તુઓ પણ ફક્ત જાહેરાત નહીં, સાચ્ચે વસ્તુ વેચતા! અરુણાબેન અને પૂર્વીબેનના મીઠાસભર્યા લેખ પછી એ જ શ્રેણીમાં આજે હર્ષદભાઈનો ગોળ વિશેનો રસપ્રદ લેખ પ્રસ્તુત છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ ગોળની અનેક વાતો લઈને હર્ષદભાઈ આજે ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “જોરદાર ગોળની ગળચટ્ટી વાતો… – હર્ષદ દવે

  • Kalidas V. Patel { Vagosana }

    હર્ષદભાઈ,
    ગોળની ગળચટ્ટી વાતો ખૂબ જ ગળી લાગી. ખૂબ જ ઉપયોગી માહિતી પીરસી. આભાર. ખરેખર, ખાંડ સફેદ ઝેર છે , જ્યારે ગોળ જીવન પોષક છે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Dhiru Shah

    Really wonderful article. Irrespective of who wrote first either Harshadbhai or Purviben is immaterial because both have given immense and wonderful and helpful information for healthy eating. Thanks Harshadbhai.

  • Suryakant Rokadia.

    It is my pleasure, that the information furnish is very very attractive.
    I personally would like to have such articles and information time to time.
    I personally like the article of Mr.Harsadbhai where he has given very nice way the Scientific way benefit of Goll .

  • Mr.P.P.Shah

    It is a very nice informative article on jiggery my favourite item of childhood. While in college during 1963-66 around is used to attend my late father’s jiggery shop in Madhvpura, A’bad and we used to sell jiggery etc. So, this article has recalled my memories of olden days. I recollect in those days desi daruwala- laththawals used to use molasses for preparing country made desi wine. We used to long Chaku for tasting kolhaur jiggery from the Rava a and bumbi for getting out the jiggery katta a product of U.P named as papadi-Chaku etc. Yes, while in the shop I used to eat jiggery a much. Shri Harshadbhai has has brought out my sweet memoirs by a sweetest and lovely item old timers. You have rightly focused on jiggery related all proverbs of olden days. Now a days damaging chemicals are used to whiten the jiggery which is not hygienic but govts of producing centers are not landing their years to public good. Thank for this article of this kind .

  • purvi

    હર્ષદભાઈ બહુ જ સુંદર લેખ. ગોળની ગળી ના લેખમાં જે કમી રહી ગઈ તે બધી જ આપે પૂરી કરી દીધી. ગોળના આટલા બધા ગુણ હોવા છતાં આજે ખાંડ માતાની જય જય કાર છે.

    • Harshad Dave

      પૂર્વીબેન, તમારી વિનમ્ર વાત સ્પર્શી ગઈ. મારો લેખ તમારા લેખ પહેલાં લખાયો તેથી તમે મારા લેખની પૂર્તિ કરી સવિશેષ માહિતી રોચક શૈલીમાં પ્રસ્તુત કરી ખરેખર તો તમે જબરું સંશોધનકાર્ય કર્યું છે.

  • Bharat Kapadia

    આજ કાલ ગોળ બનાવવા માટે કેમિકલ એટલે કે રસાયણોનો ઉપયોગ થાય છે. માટે, આપે વર્ણવેલા લાભ મળવા મુશ્કેલ છે. ઊલટાનું તે નુકશાન કરે છે. ઓરગેનિક ગોળ હોય તો જ આ બધા ફાયદા મળે.
    કેરી, કેળાં, ગોળ, વગેરે, નિર્માણમાં કે પકવવામાં કેમિકલ અને તેજાબનો છૂટથી ઉપયોગ થાય છે. અત્યારે શું શુદ્ધ મળે છે, એ જાણવું રસપ્રદ થઈ રહે તેવું છે.
    લેખ ખૂબ સારો લખ્યો છે.

  • pravina

    aa lekh ma purviben na lekh ni chhap dekhai aave chhe. kadach gol na gundharmo vishe j vaat kari hot to lekh vadhare saras banyo hot, aa lekh ni pahela gol ane pravahi gol , khand vagere vishe no purvi ben dwara lakhayelo lekh vanchyaa pachhi aa lekh thodo fikko padi jay chhe. pan gol na gudharmo vishe vadhare vigat thi aa j lekhma janavava ma aavyu chhe. purviben na lekh ma gol na gundharmo ne vitamin ni vigato ochhi chhe tethi e drishtie y aa lekh saras j baniyo chhe. aem joiye to aa week ma be gol na lekh malya . bey saras chhe. pan jignesh bhai ek bhool tamara thi thai chhe. post mukva ma evu maru manvu chhe.

    pela purvi ben no lekh avvo joito hato
    bijo lekh harshad bhai no aavvo joito hato ne
    trijo lekh vividh prakar na ladva no avyo hot to loko anand thi itihas ne gun samji ne vadhare prem thi khat.

    ene badle pela ladva walo , bijo purvi ben no, trijo dr nina no aavyo te aa vishayo sathe mel nathi khato. mithash ni vachche balko no lekh? ne paachho aa aaje aa gol no? jo ppahela ni ek sarakhi dhara rakhi hot to vadhare saras lagat ne loko aakhu weekend ladva khat ne somvaar thi dr. nina ne malta.

    • અક્ષરનાદ Post author

      પ્રવિણાબેન,

      પૂર્વીબેનના લેખ પહેલા હર્ષદભાઈનો લેખ મળેલો, એ ફક્ત આપની જાણ ખાતર. ડૉ. નીનાબેનના લેખ માટે દર પખવાડીયે એક રવિવાર ફાળવેલો જ છે જે શ્રેણીબદ્ધ પ્રસ્તુત થાય છે. ઉપરાંત આ ત્રણેય લેખ એક સાથે પ્રસ્તુત થયા પણ તેમાં અંતત: વિષયાનુસંગતિ બનવાજોગ જ છે, આ લેખોની શ્રેણી બનાવવાનો કોઈ ઈરાદો નહોતો.

      પ્રતિભાવ બદલ આભાર,
      જીજ્ઞેશ અધ્યારૂ